સાચી વિદ્યા
સાચી વિદ્યા


ગંગા નદીને કિનારે એક નાવિક રહેતો હતો. તે લોકોને પોતાની નાવડીમાં બેસાડી ગંગા નદી પાર કરાવી આપતો હતો. હવે એક દિવસની વાત છે. નદી પાર કરવા માટે આજે ઘણા લોકો આ નાવિકની નાવડીમાં બેઠા. નાવડી ધીરે ધીરે ગંગા નદીને પેલે કાંઠે જવા લાગી. આ નાવડીમાં એક વિદ્વાન પંડિત પણ બેઠા હતાં.
પંડિતજીએ નાવિકને સવાલ કર્યો, ‘‘શું તમે ભૂગોળ વિષે ભણ્યા છો ?’’
પેલા ભોળા નાવિકે જવાબ આપ્યો, ‘ના પંડિતજી હું ભૂગોળ વિષે કંઈ જાણતો નથી.
પંડિતજી પોતાનું જ્ઞાન પ્રદર્શન કરતાં નાવિકને બોલ્યા તો તો પચીસ ટકા જિંદગી પાણીમાં ગઈ કહેવાય.
પંડિતજી એ થોડીવાર પછી બીજો સવાલ કર્યો, ‘શું તું ઇતિહાસ જાણે છે ? રાણી લક્ષ્મીબાઈ કોણ હતાં ? અને ક્યાં થઈ ગયા ?’
તેણે નામ્રતાથી જવાબ આપ્યો, ‘ના પંડિતજી હું ઇતિહાસ પણ નથી જાણતો.’
પંડિતજીન પાછા બોલ્યા , ‘તોતો અડધી જિદગી પાણીમાં ગઈ.
પંડિતજી એ વિદ્યાના ઘમંડમાં ત્રીજો સવાલ કર્યો
. ‘મહાભારત અને રામાયણ વિષે તું જાણે છે ?
બિચારો અભણ નાવિક શું બોલે ! તે માથું હલાવી ના પાડી..
પંડિતજી એ કહ્યું, ‘તો તો પોણી જિંદગી પાણીમાં કહેવાય.
આમ વાતો ચાલતી હતી ત્યાં અચાનક નદીમાં પુર આવ્યું. નાવિકની નાવ હાલક ડોલક થવા લાગી. પોતાની નાવડીના મુસાફરોને ચેતવણી આપી કે નદીમાં પુર આવ્યું છે. પાણી વધી ગયું છે. મોજા પણ ખુબ ઉછળે છે. એટલે થોડીવારમાં નાવ ડૂબી જશે. બચવું હોય તે પાણીમાં કૂદકો મારી તરીને નીકળી જાઓ. બધાં પોતાનો જીવા બચાવી પાણીમાં કુદી પડ્યા. પંડિતજી તો એમજ બેસી રહ્યા.
નાવિકે કહ્યું, ‘પંડિતજી જ્ટ કુદી પડો અને તમારો જીવ બચાવો. ત્યારે પંડિતજી તો રોવા જેવા થઈ ગયા. તે બોલ્યા પણ મને તો તરતા નથી આવડતું. ત્યારે નાવિકે ખુબ જ સરસ જવાબ આપ્યો. પંડિતજી મારી પોણી જિંદગી પાણીમાં ગઈ. પણ તમારી તો આખી જિંદગી હવે પાણીમા જશે.
માટે આપણે ક્યારેય પણ આપણી વિદ્યાનો ખોટો ગર્વ કરવો જોઈએ નહિ.