સાચી મિત્રતા
સાચી મિત્રતા


એક જંગલ હતું. આ જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. આ જંગલના પ્રાણીઓ એક બીજા સાથે ખુબ જ હળી મળી અને પ્રેમથી રહેતા હતા. આ જંગલની નજીકમાં જ એક ગામ હતું. તેનું નામ ભેસાનાં હતું. આ ગામમાં ચાર ગાયો રહેતી હતી. આ ચાર ગયો પણ ખુબ હળી મળીને રહેતી હતી. પણ આ ગાયોનો માલિક એક ભરવાડ હતો. તે ઘણો ક્રૂર હતો. તે ગાયોને બસ દૂધ દોહીને છોડી મુકતો. પણ ગાયોને પુરતો ઘાસ ચારો આપે નહિ. બધી ગાયો ભાર્વાદથી કંટાળી ગઈ હતી.
આ ચાર ગાયોએ ભેગા મળીને એક વખત વિચાર કર્યો. કે ગામની બાજુમાં આ જંગલ છે, ત્યાં ખુબ મજાનું લીલીછમ અને કૂણુંકૂણું ઘાસ છે. જો આ જંગલમાં ઘાસ ચરવા જઈએ તો મજા પડી જાય. ત્યારે બીજી ગાયે કહ્યું, ‘પણ એ જંગલમાં તો વાઘ અને સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓ રહે છે તે આપણને મારીને ખાઈ જાય તો ! એટલે બધી ગાયોએ ભેગા થઇ નક્કી કર્યું કે આપને પહેલા આ જંગલના પ્રાણીઓ સાથે દોસ્તી કરીશું. પછી ઘાસ ખાવા જઈશું. આમ વિચારી એક દિવસ ભેગી મળી જંગલમાં ગઈ. તેમને જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા અને કહેવા લાગી, ભાઈઓ અમે તમારી સાથે દોસ્તી કરવા આવ્યા છીએ. શું તમે આમારી સાથે કરશો ?’ તેઓએ થોડીવાર વિચાર કર્યો પછી દોસ્તી કરવાની હા પાડી.
હવે આ ગાયો તો જંગલમાં જતી રહી. એટલે ગામમાં જે ભરવાડ આ ગાયોનો માલિક હતો તેને થયું કે જો આ ગાયો જંગલમાં જતી રહેશે તો મને દૂધ નહિ આપે. મારે એમને જંગલમાં જતી અટકાવવી જોઈએ. પણ ગાયોને જંગલમાં જતી અટકાવવી કેમ કરી ! જો પોતે જાય તો જંગલના પ્રાણીઓ તેને ખાઈ જ જાય. એટલે તેને મનમાં એવું નક્કી કર્યું, કે જો જંગલના પ્રાણીઓને ગાયોની વિરુદ્ધ ભડકાવવામાં આવે તો જંગલના પ્રાણીઓ ગાયો સાથે મિત્રતા તોડી નાખશે, અને જાતે જ ગામમાં પાછી આવી જશે.
આમ વિચારી ભરવાડ એક દિવસ જંગલમાં ગયો.
તેણે ઘાસ ખાવાવાળા પ્રાણીઓ જેવા કે, સસલાં, હરણ હાથી વગેરેને બેગા કર્યા અને કહ્યું, ‘તમે લોકો ઘાસ ખાવાવાળા છો. પેલી ગામમાંથી આવેલી ગાયો પણ ઘાસ ખાય છે. જો એ ગાયો આ જંગલમાં આવશે તો બધું ઘાસ ખાઈ જશે. તમારા માટે ઘાસ વધશે જ નહિ ! પછી તમે શું ખાશો. એટલે તમે તમારા રાજા સિંહને કહો કે ગાયો જંગલમાં નાં રહે એતો ગામમાં જ રહે !
આમ કહી ભરવાડ જંગલના પ્રાણીઓને ભડકાવવા લાગ્યો. પણ જંગલના પ્રાણીઓ હોંશિયાર હતા. તેમને ખબર હતી. ભરવાડનો સ્વાર્થ છે. તે ગાયોનું દૂધ મેળવવા માંગે છે. એટલે જવાબ આપ્યો. ‘અમે જંગલના પ્રાણીઓ તમારા માણસોની જેમ સ્વાર્થી નથી. કે પોતાના સ્વાર્થ માટે બીજાને નુકસાન કરીએ. આ જંગલ બધાનું સહિયારું છે. અમારા માટે બધા પ્રાણીઓ સરખા છે. એટલે ગાયો તો અહી જ રહેશે. અમે તેમની સાથે મિત્રતા કરી છે. અમે મિત્રતા કર્યા પછી તમારી જેમ દગો કરતાં નથી.
આમ પ્રાણીઓએ ભરવાડની વાત માની નહિ. અને ગાયો સાથે મિત્રતા નિભાવી તેમને જંગલમાં પોતાની સાથે જ રાખી લીધી. ભરવાડ તો ખુબ ગુસ્સે થયો પણ બિચારો કરે શું ? વીલું મોઢું લઈને ઘરે પાછો ગયો અને પસ્તાવો કરવા લાગ્યો. મેં ગાયોને બરાબર સાચવી હોત તો મને છોડીને જાત નહિ.