STORYMIRROR

Rashmi Sampat

Inspirational

4  

Rashmi Sampat

Inspirational

સાચા માવતર

સાચા માવતર

2 mins
328

અમદાવાદની પોળમાં રહેતાં પાર્વતીબેન અને પિનાકીનભાઈ પડોશમાં રહેતાં ઝુબેદાબેન અને કાદરભાઈને ત્યાં પોતાના પાંચ વર્ષના પુત્ર મહેશને લઈને તેમને ઘરે મૂકવા ગયાં અને કહ્યું, "અમારે મરણમાં જવાનું હોય તમે સાચવજો ને. બે કલાકમાં તો અમે આવી જઈશું "

પાર્વતીબેન ચુસ્ત બ્રાહ્મણ અને ઝુબેદાબેન ચુસ્ત મુસ્લિમ પણ બંને ઘર વચ્ચે સારો ઘરોબો હતો. પોતાના બાળકને આવી રીતે ઘણીવાર ઝુબેદાબેન પાસે મૂકીને જતાં. ઝુબેદાબેન સગા પુત્રની જેમ મહેશને સાચવતાં.

ઝુબેદાબેનને ચિંતા થવા લાગી બે કલાકમાં આવી જઈશું કહીને ગયા હતા હજુ નથી આવ્યાં. બપોરની સાંજ પડી ગઈ, સાંજની રાત પડી ગઈ હજુ પાર્વતીબેન અને પિનાકીનભાઈ કેમ નહીં આવ્યા હોય ? ફોનની સગવડ પણ નહોતી અને તપાસ કરે તો ક્યાં કરે ? હમણાં આવશે, હમણાં આવશે કરીને જાગતાં બેઠાં હતાં. મહેશને તો જમાડીને સુવડાવી દીધેલ.

 ટીવીમાં સમાચાર આવ્યાં કે," શહેરમાં કોમી રમખાણમાં અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે." રાત્રે બાર વાગ્યે પાર્વતીબેન અને પિનાકીનભાઈનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે આખી પોળને આઘાત લાગ્યો. ઝુબેદાબેન તથા કાદરભાઈએ મહેશને સંતાડી દીધો રખેને કોઈ આવી ચડશે તો ! ખૂબ રોકકળ થઈ. પોળવાળાએ બંનેના મૃતદેહને અવ્વલ મંઝિલે પહોંચાડ્યો.

થોડાં દિવસમાં કોમી રમખાણ શાંત થઈ ગયાં. કાદરભાઈએ પાર્વતીબેન તથા પિનાકીનભાઈના સગાનો સંપર્ક કર્યો. કોઈ નાના બાળક મહેશની જવાબદારી લેવા તૈયાર ન થયાં.

આખરે ઝુબેદાબેને કાદરભાઈને કહ્યું," જેવી અલ્લાહની મરજી. કદાચ મહેશને દિકરાના રૂપે રાખવા માટે જ અલ્લાહએ આપણને ઓલાદ નહીં આપી હોય."

ઝુબેદાબેન અને કાદરભાઈ મહેશનું જીવની જેમ જતન કરતાં. ઘરમાં પરમાટી ખાવાનું બંધ કરી દીધું. મહેશને રોજ શિવમંદિરે લઈ જાય. બ્રાહ્મણના બધા સંસ્કારનું સિંચન કર્યું. બધાને પૂછીને તેના ફૂલના રિવાજ પ્રમાણે બધું શિખવાડે. સાત વરસનો થયો એટલે જનોઈ પણ દેવડાવી.

ઝુબેદાબેનમાંથી 'જશોદામા' અને કાદરભાઈમાંથી 'કેદારબાપુ' ક્યારે બની ગયા એ બંનેમાંથી કોઈને જાણ ન રહી.

મહેશ ભણી-ગણીને યુવાન થઈ ગયો. સારી નોકરી મળી ગઈ એટલે શિવ મંદિરે આવતાં બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનને મહેશ માટે કોઈ સારી છોકરી હોય તો બતાવવાનું કહ્યું. એક સાધારણ ઘરની દીકરી પુષ્પા સાથે મહેશની સગાઈ કરી અને અખાત્રીજના લગ્ન પણ નક્કી થયાં.

કંકોત્રીમાં નિમંત્રક તરીકે ઝુબેદાબેન અને કાદરભાઈનું જ નામ લખવાનો મહેશે આગ્રહ રાખ્યો અને જાન પ્રસ્થાન પણ તેમના ઘરેથી થશે તેમ લખાવ્યું.   

ઘરમાં ગણપતિ સ્થાપન થયું. આંગણામાં માંડવો નંખાણો. ઝુબેદાબેને મંડપારોપણ વિધિમાં બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનોને બેસવાનું કહ્યું, " તો બધાએ એકી અવાજે કહ્યું 'સાચા માવતર' તો તમે જ છો તમે જ મંડપમુહૂર્તમાં બેસો અને બધી વિધિ તમારે જ કરવાની છે."

ઝુબેદાબેને ઘરચોળું પહેર્યું અને કાદરભાઈએ લાલ પીતાંબર, ઝભ્ભો અને માથે ટોપી પહેરીને બધી વિધિ કરી. ખૂબ હરખથી વેવાઈના માંડવે જાન લઈને ગયા. જ્યારે વર-કન્યા પરણી ઉતર્યા ત્યારે ઝુબેદાબેન અને કાદરભાઈને જે આનંદ થયો તે અવર્ણનિય હતો. તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા. દીકરા વહુને આશીર્વાદ આપીને મહેશને ભેટી પડ્યા અને આજે તેમને પોતાનું જીવન સાર્થક થયું હોય તેવું લાગ્યું.

( વરસો પહેલાં અમદાવાદમાં બનેલી સત્ય ઘટના નામના ફેરફાર સાથે.)

 રશ્મિ સંપટ. મુંબઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational