Valibhai Musa

Inspirational Others

4  

Valibhai Musa

Inspirational Others

રણછોડ જીવા

રણછોડ જીવા

16 mins
662


ડીસ્ટ્રીક્ટ જેલના મુખ્ય દરવાજા સામેના ખુલ્લા મેદાનની ચોતરફ ઘટાદાર લીમડાઓની ડાળીઓ લીંબોળીઓના ભારથી લચી રહી છે. વહેલી સવારના મંદમંદ પવનમાં એ ડાળીઓ મહાપરાણે થોડીકવાર હાલ્યા પછી સ્થિર થઈ જાય છે, જાણે કે હજુ પણ તેઓ થોડીક ઊંઘ ખેંચી લેવા માગતી ન હોય ! શાંત વાતાવરણમાં પાકી ગએલી લીંબોળીઓના પડવાના ટપટપ અવાજો સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યા છે. લીમડા નીચે કેદીઓને મળવા આવનારાં મુલાકાતીઓ માટેના સિમેન્ટના બાંકડાઓ ઉપર પડેલી લીંબોળીઓ જાણે કે તેમના ઉપર બિછાવેલી પીળી ચાદરો ન હોય તેવો આભાસ કરાવે છે. હજુ ભળભાંખળું થવાને થોડીકવાર છે, પરંતુ કાગડાઓ વડીલપદ શોભાવતા વહેલા જાગી જઈને અન્ય પક્ષીઓને જગાડવા મથી રહ્યા છે.

આવા સમયે વહેલી સવારના, રણછોડદા, ઘોડાગાડીમાં બેસીને તમે અહીં આવી પહોંચો છો. જેલના દરવાજાની બહાર ખોળામાં બંદુકોને આડી મૂકીને સ્ટૂલ ઉપર બેઠાબેઠા બે સંત્રીઓ ઝોકાં ખાઈ રહ્યા છે. તમે છેડાના એક બાંકડાની લીંબોળીઓને સાફ કરીને ચૂપચાપ બેસી જાઓ છો. થોડીકવાર પછી દૂધડેરીનું સ્ટેશનવેગન આવતાં તેના અવાજથી પેલા સંત્રીઓ ઝબકીને જાગી જાય છે. તમને જોઈને એક સંત્રી ધમકીભર્યા મોટા અવાજે ત્રાડ નાખતો બોલી ઊઠે છે, ‘અય, અભી સુબહસુબહમેં વહાં બાંકડેપે કૌન બૈઠા હૈ ?’

‘જી, મેં અમદાવાદસી રણછોડ જીવા આવ્યા હૂં ઔર જેલરસાબકુ મલનેકા હૈ !’ તમે આવડ્યું એવા હિંદીમાં જવાબ આપો છો, રણછોડદા !

‘અચ્છા બૈઠો; પર સાબ ગ્યારહ બજેસે પહેલે નહિ મિલેંગે.’ જેલરસાહેબનું નામ સાંભળીને સંત્રી ઢીલો પડે છે.

જેલના દરવાજા પાસેના જ ક્વાર્ટરમાં સૂતેલા, જેલર હરગોવિંદ પટેલ, તમે સંત્રીની ત્રાડથી જાગી જાઓ છો અને બારી ખોલીને થાંભલાની ટ્યુબલાઈટના અજવાળામાં આવનારને જોઈ લ્યો છો. તમે મનોમન વિચારો છો કે માથાના ફાળિયા ઉપરથી ખેડૂત જેવો લાગતો આ માણસ શા માટે તમને જ મળવા માગતો હશે ! હવે તમારી ઊંઘ ઊડી જાય છે, એટલા માટે કે આજની સવાર તમારા માટે કદાચ શુભ પુરવાર થઈ પણ જાય ! એ માણસ વળી તમને જ મળવા માગે છે તો મોબાઈલ, દારૂની બાટલી કે એવી કોઈક મોટી ચીજ અંદર પહોંચાડવા માટે આવ્યો હોવો જોઈએ ! કેદીઓને બીડીતમાકુ પહોંચાડવા જેવાં નાનાં કામો માટે તો નાના કર્મચારીઓ તેમના ગજાજોગ રોકડી કરી કરી લેતા હોય છે. આજે આખર તારીખ હોઈ જો મોટો દલ્લો પડી જાય તો કોરો જઈ રહેલો આ મહિનો બરાબરનો સુધરી પણ જાય ! તો વળી તમારી આશાના ભુક્કા બોલાવતો એક ડરામણો વિચાર તમારા મનનો કબજો લે છે. જેલોના ભ્રષ્ટાચારોના સમાચાર આજકાલ છાપાંમાં ખૂબ આવતા હોઈ આ કાકો કોઈ સી.આઈ.ડી.નો માણસ તો નહિ હોય ! આજકાલ ટી.વી. અને અખબારવાળાઓ પણ સ્ટીંગ ઓપરેશનના રવાડે ચઢ્યા છે, તો પછી, એવું કોઈ છટકું તો નહિ હોય !

‘એય, સંત્રીને કહી દે કે કાકાને અંદર આવવા દે.’ ફ્રિજમાં દૂધ મૂકવા આવેલા સેવકને તમે કહો છો, મિ. હરગોવિંદ.

* * * * *

કેદીઓ અને સ્ટાફ સાથે રુઆબભેર વર્તતા તમે, હરગોવિંદ, કોઈ સેલ્સમેનની સૌમ્ય અદાએ અને આત્મીય સ્વરે કાકાની આંખમાં આંખ પરોવતા પૂછો છો, ‘બોલો વડીલ, હું આપની શી સેવા કરી શકું છું ?’

‘જુઓ સાહેબ, મને મસકાબાજી ફાવતી નથી, પણ આપ મારી સાથે જે રીતે વાતચીતની શરૂઆત કરી રહ્યા છો, તે ઉપરથી હું અનુમાન કરું છું કે તમારા તાબાના કેદીઓ તમને ભગવાન માનતા હશે, નહિ !’

‘આભાર કાકા. આખરે એ લોકો પણ માનવીઓ જ છે ને ! હવે બોલો શું કામ છે ?’

‘જુઓ સાહેબ, મને ગોળગોળ વાત કહેવી નથી ફાવતી એટલે સીધું જ કહી દઉં છું કે મારું કામ કદાચ કાયદાકીય રીતે તો ગેરવ્યાજબી હશે, પણ માનવતાની દૃષ્ટિએ આના જેવું ભલાઈનું કોઈ કામ નહિ હોય !’

જેલર હરગોવિંદ, તમે મનમાં વિચારી રહ્યા છો કે માળો કાકો ‘મસકાબાજી ફાવતી નથી’ એમ કહીને મસકા તો મારે જ જાય છે અને ‘ગોળગોળ કહેવું ફાવતું નથી’ એવો પોતાનો દાવો છતાંય ગોળગોળ તો શું લંબગોળ જ તો બોલ્યે જાય છે ! તમે કાકાના તમારા દિલમાં માનવતા જગાડવાના પ્રયાસને નાકામ બનાવતાં મિતભાષાએ એટલું જ કહો છો કે ‘અમે પણ માનવતામાં તો માનીએ છીએ; પણ શું થાય, અમારે ઉપરવાળાઓને પણ સાચવવા તો પડે ને ! એવું ભલાઈનું કામ હોય તો એક વખત આપણું તો ભૂલી પણ જઈએ.’

જમાનાના ખાધેલા અને પોતાનાં આ પ્રકારનાં કામોમાં માહિર એવા, રણછોડદા, તમે જેલર સાથેની આટલી વાતમાંથી તમારા કામનું હતું તે જાણી લીધું છે. વળી મનમાં સ્વગત બોલો છે, “’બેટ્ટા મારા, ‘એક વખત આપણું તો ભૂલી જઈએ’ એમ તું કહે છે, પણ બધો વખત તો નહિ, એમ ને ! હવે કોણ તારી પાસે હિસાબ માગવાનું હતું કે તારું કેટલું રહેતું હશે, જેને તું ભૂલી જઈ શકે અને બાકીનું કેટલું જે તારે ઉપર દેવું જ પડે ! હવે રહેવા દે શાહુકાર, રહેવા દે !”’ આગળ પ્રગટ રીતે, રણછોડદા, તમે બોલો છો કે ‘જુઓ સાહેબ, મારું કામ પતાવી દો તો મને બપોરની લોકલ મળી જાય.’

‘કામ તો જણાવો અને હા, એટલું જરૂર કહી શકું કે એ કામ મારાથી નહિ બની શકે તો ઉપરથી પતાવી અપાવીશ; વળી મારું હું છોડી દઈશ, કેમ કે તમે કહો છો કે તે કંઈક માનવતાનું કામ છે ને !’

તમે રણછોડદા, થેલામાંથી કોથળી કાઢીને તેમાંના પાંચેક પાસપોર્ટ સાઈઝના ફોટા જેલરના હાથમાં મૂકી દો છો. તમે જેલરને વેધક નજરે જોતા બોલો છો, ‘આ જુવાનિયાઓનાં ઘરવાળાંના કામે આવ્યો છું.’

‘આ બધા તમારાં સગાંમાંથી છે ?’

‘ના, એકેય નહિ. હું તો મારા ધંધાના હિસાબે આવ્યો છું.’

‘ધંધો ? કંઈ સમજાયું નહિ !’

‘લોકોનાં જેલોને લગતાં કામો કરી આપવાનો ધંધો ! આ કામમાં સારી ફાવટ આવી ગઈ છે અને, મને ખોટું બોલવાનું ફાવતું નથી, પણ સાચું કહું તો હું આમાં બે પાંદડે થયો છું અને સાહેબોને પણ માલામાલ કરી દીધા છે ! આમ તો મોટાં કામો તમારા કમિશ્નર સાહેબ મારફત કરાવી લઉં છું, કેમ કે તેમના સાથે મારે ઘરેલુ સંબંધ થઈ ગયો છે. પરંતુ આ કામ નાનું અને તેમનું મોંઢું મોટું ! વળી આ ગરીબ બિચારા જુવાનિયાઓને વધારે ખર્ચ પોષાય તેમ નથી; અને બીજું તેમનાં ઘરવાળાંનું કહેવું છે કે તેઓ વણગુને છે. આમ સસ્તું પાડવા આ ફોટા લઈને જેલેજેલે ફરું છું. છેલ્લા અઠવાડિયામાં દસેક જેલોમાં આ ફોટા બતાવ્યા, પણ એકેય જેલમાં આમાંનો કોઈ નથી. હવે તમારા ત્યાં આમાંનો એકાદો પણ મળી જાય, તો પણ ભયોભયો !’

‘પણ કાકા, એમનાં ઘરવાળાંને ખબર નહિ હોય કે એ કઈ જેલમાં છે ?’

“એ જ તો મોંકાણ છે ને ! એ બિચારાં કહે છે કે એમના ઉપર કોઈ કેસ ચાલ્યો નથી અને સીધા જ પકડી લઈને કોઈક જેલમાં ઘાલી દીધા છે. મારું અનુમાન છે કે ઉપરથી એવો ઓર્ડર હશે કે ‘માથાભારેને અંદર કરી દો’ અને તમારાવાળા પેલા ખરેખરા ગુંડાઓના હપ્તા લેતા હોય તો શું કરે, એ જ કે પેલાઓની અવેજીમાં આવા બિચારાઓને પકડી લઈને ધરપકડનો આંકડો બતાવી દે કે ‘લ્યો સાહેબ, આટલા પકડ્યા !’ આ તે કેવું મારું બેટું જંગલરાજ !”

‘તો પછી તેમને ખાસ કાયદા હેઠળ પકડ્યા હશે, જેમાં વિધિસરની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તે પણ ગુપ્ત રાખવામાં આવતું હોય છે.’’

‘તો સાહેબ, પેલો ટાડો, પાસો કે મીસો કહે છે એ કાયદો તો નહિ ?’

‘હા, એ જ. હવે અંધારામાં ઢેખાળા ફેંકવાનું છોડી દઈને મારું માનો તો તમારે સંબંધો છે, તો ઉપરવાળાઓ પાસે જ પહોંચી જાઓ. તમે કેટલી જેલોમાં ફરશો ?

‘લ્યો સાહેબ, મેં તમને પહેલેથી જ કહ્યું નહોતું કે તમે ખરેખર ભગવાનના માણસ છો. હું બધે ફરી આવ્યો, પણ થાજો માંટી, સોગંદ ખવાય એવા કોઈ એકે પણ આવી સલાહ આપી નથી.’

‘પણ તમારે કામ શું કરાવવાનું છે, એ જરા કહેશો રણછોડકાકા !’

‘આમાં તમારે જરાય જોખમ લેવું ન પડે, એવી સીધી ને સટ કામગીરી છે. એક તો આ ફોટા અને તેની પાછળ લખેલાં નામોવાળો કોઈ મોટિયાર તમારી જેલમાં છે કે નહિ, તે જાણવું છે. જો હોય તો તેમનાં ઘરવાળાંને એટલી તસલ્લી તો થઈ જાય કે એ બિચારા જીવતા છે અને એમનું, પેલું તમે ભડાકે દેવાવાળું જે કરો છો ને, એ થયું નથી ! હવે, મારા સાહેબ, જો તેમની ભાળ મળી જાય તો પહેલું કામ એ કે મારી સાથે લાવેલા તેમનાં ઘરવાળાંના કાગળો તેમને પહોંચાડવાના અને વળતા એ લોકો જે જવાબો લખી આપે તે મારે પાછા લઈ જવાના. હવે જુઓ સાહેબ, એ બિચારાં તેમના કામ માટે મોંમાગ્યા મને પૈસા આપતાં હોય તો મારે જવાબી કાગળ ઉપરાંત બીજી પણ કોઈક સાબિતી આપવી પડે કે જેથી તેમને ખાત્રી થઈ જાય કે મેં કોઈ બનાવટ કરી નથી. આ માટે તમે લોકો નવા આવેલા કેદીનાં લૂગડાંલત્તાં કે જે કોઈ ચીજવસ્તુ જમા લીધી હોય તેમાંની કોઈ એક ચીજ મને આપો તો તેઓ તેને ઓળખી લે એટલે એ વાત થાય પૂરી !’

‘કાકા, તમારી વાત તો સાચી છે કે આ કામમાં અમને કોઈ જોખમ નથી. બીજી એક વાતની ચોખવટ કરી લેવી સારી કે આવા અટકાયતી કેદીઓને કોઈને પણ મળવા દેવામાં આવતા નથી, એટલે તમે તેમની રૂબરૂ મુલાકાત કરી શક્શો નહિ. હા, અમારા કોમ્પ્યુટરમાં માત્ર તમને જ એનો ફોટો બતાવવામાં આવશે.’

‘તો સાહેબ તમે કોમ્પ્યુટરમાં જોઈ લો અને મારું કોઈ માણસ તમારી જેલમાં મળી આવે તો પછી આપણે લેતીદેતીની વાત કરીએ.’

‘જુઓ કાકા, ખોટું લાગે તો માફ કરશો; પણ પૈસા એડવાન્સ જોઈશે. હવે હું કોમ્પ્યુટર જોઈને એમ કહી દઉં કે તમારો કોઈ માણસ અહીં છે તો તમે મારા ઉપર ભરોંસો મૂકીને એ સાચું માની જ લેવાના છો. પરંતુ પછી તો એવું પણ બની શકે કે તમે કોમ્પ્યુટરમાં ખાત્રી કરી લેવાનું, કાગળોની આપલે કરવાનું કે નિશાની તરીકે કોઈ ચીજ લઈ જવાનું માંડી વાળીને ચાલતી પકડો; તો હું કઈ કોર્ટમાં ફરિયાદ કરવા જવાનો છું ! તમારો માણસ અહીં છે, એટલું જણાવવું એ પણ મારા માટે કાયદાના ભંગ સમાન છે. હવે તમે જ કહો કે વગર લેતીદેતીએ આ કામ શી રીતે થાય ?’

‘એમાં શાનું ખોટું લગાડવાનું, સાહેબ ? તો હવે માથાદીઠ વ્યાજબી ભાવ કહી દો એટલે આપણી વાત આગળ વધે.’

‘જુઓ વડીલ, એક જ ભાવ કહું કે માથાદીઠ પચીસ હજાર રૂપિયા લઈશ.’’

‘જુઓ સાહેબ, મને ખોટું બોલવું ફાવતું નથી એટલે જ સાચું કહું છું કે તમારો ભાવ હું એકી ધડાકે કબૂલ કરી લઉં તો પણ મને સંતોષકારક મહેનતાણું તો મળી જ રહે છે. પરંતુ થોડું માન રાખો તો એમાંથી પેલાં બિચારાં એ જુવાનીઆઓનાં કુટુંબીજનોને ખુશખબરીની સાથે થોડીક ગળી વસ્તુની પ્રસાદી આપું તો એ રાજીનાં રેડ થઈ જાય. આનું ઉપરવાળો જે ફળ આપે તે તમારું, એમાં મારો કોઈ ભાગ નહિ !’ આમ કહેતાં તમે રણછોડદા હસી પડો છો અને સામે તમે પણ, જેલર સાહેબ, મૂછમાં મુસ્કરાઓ છો.

‘જાઓ, કેસ દીઠ વીસ લઈશ. જો આપણાં નસીબે એ બધા મારી જેલમાં મળી આવે, તો મારે મેળબંધ એક પેટી થઈ જાય. હાલમાં મારો દીકરો અહીંની સારી હાઈસ્કૂલમાં બારમા ધોરણ સાયન્સમાં ભણે છે અને તમને ખબર છે કે આજકાલ કોલેજ શિક્ષણ મોંઘું થયું હોઈ એટલી મોટી રકમ મને કામ લાગે. મારો દીકરો મેડિકલમાં જઈ શકે તેવો હોશિયાર છે, હોં !’

‘તો સાહેબ, ત્યારે કરો કંકુના અને લ્યો આ વીસ હજાર ! એક એક કેસ પતાવતા જાઓ અને તમારી પેટી પૂરી થાય એવા મારા આશીર્વાદ છે, કરો ફત્તેહ !’

‘બાજુમાં જ કોમ્પ્યુટર રૂમ છે. તેનો ક્લાર્ક તો અગિયાર વાગે આવશે, પરંતુ મારી પાસે રૂમની ચાવી અને કોમ્પ્યુટરનો પાસવર્ડ પણ છે. મારા સેલફોનથી આના ડિજીટલ ફોટા ખેંચીને કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને કેદીઓના ફોટાઓ સાથે મેચ કરી જોઈશ. દસ જ મિનિટનું કામ છે.’

‘તો પ્રભુનું નામ લઈને થાઓ શરૂ.’

જેલર મહાશય, તમે ઉલ્લાસભેર કોમ્પ્યુટર રૂમમાં દાખલ તો થાઓ છો, પણ દસ જ મિનિટમાં વીલા મોઢે બહાર નીકળીને કાકાના હાથમાં વીસ હજાર રૂપિયા અને પાંચેય ફોટા પકડાવી દેતાં એટલું જ બોલી શકો છો, ‘જેવું મારું અને તમારું ભાગ્ય, બીજું તો શું વડીલ ? મારા ચારસો જેટલા કેદીઓના ફોટાઓ સાથે આમાંનો એકેય મેચ થતો નથી.’

‘ભલે સાહેબ, જેવી હરીચ્છા ! તો હવે હું જાઉં અને આપે તકલીફ ઊઠાવી એ બદલ આભાર.’

‘હવે એમ કંઈ જવાય ! અલ્યા રામસિંગ, આખા દૂધની ચા બનાવ.’

થોડીવારમાં બીજો એક સેવક આવે છે અને ગઈકાલની સાંજની ટપાલ કાઢવા માટે, હરગોવિંદ સાહેબ, તમારી પાસે લેટરબોક્ષની ચાવી માગે છે. તમે રણછોડદા સાથે ઔપચારિક વાતો કરવા માંડો છો તો ખરા, પણ કંઈ જામતું નથી; કેમ કે છેલ્લી દસ જ મિનિટમાં જાણે કે હવામાન સાવ બદલાઈ જ ગયું હોય છે ! પરંતુ કોણ જાણે કેમ પણ, રણછોડદા, તમારા ચહેરા ઉપર અકળ સ્વસ્થતા વર્તાય છે !

થોડીવારમાં પેલો સેવક લેટરબોક્ષની ચાવી અને એક માત્ર આવેલી ટપાલ ટિપોય ઉપર મૂકે છે. તમારા ખાતામાંથી આવેલી એ ટપાલને ખોલીને તમે, જેલર સાહેબ, તેમાંના ‘ટ્રાન્સફર’ શબ્દને વાંચો છો અને આંખોમાંથી વહેતી અસ્ખલિત ધારા સાથે તમારાથી ડુસકું મુકાઈ જાય છે.

‘અરે અરે, સાહેબ શા સમાચાર છે ? આમ કેમ રડો છો?’

‘વડીલ, પડ્યા ઉપર પાટું ! મારી બદલી કરી દેવામાં આવી છે અને હવે મારા છોકરાના ભાવીનું શું ?’ આમ કહેતા તમે જેલર સાહેબ ફરી હીબકે ચઢો છો.

તમે રણછોડદા, જેલર સાહેબને હૈયાધારણ આપતાં આમ કહો છો, ‘હવે તમે હાલને હાલ તમારા ઉપરી સાહેબને ફોન કરીને વિનંતી તો કરી જુઓ, એમ નિરાશ થવાની કોઈ જરૂર નથી.’

‘આપની વાત સાચી છે, વડીલ; પણ, આટલી વહેલી સવારે ફોન થાય નહિ. સાહેબ ચિડાય અને ઊલટાની બાજી બગડે. અગિયાર વાગે ફોન કરીશ અને હું આપને વિનંતિ કરું છું કે આપ બપોર સુધી અહીં જ રોકાઈ જાઓ, કદાચ મારે આપની મદદ લેવી પણ પડે !’ હરગોવિંદજી, આમ અચાનક તમારું રણછોડદાને ‘તમે’થી થતું સંબોધન ‘આપ’માં ફેરવાઈ જાય છે.

* * * * *

બરાબર અગિયાર વાગે તમે, મિ. હરગોવિંદ પટેલ, તમારા કમિશ્નર સાહેબની ઓફિસે સ્પીકર ઑન રાખીને ફોન લગાડો છો, કે જેથી રણછોડકાકા પણ તમારી વાતચીત સાંભળી શકે. આજે કોણ જાણે કેમ પણ રણછોડદા તમારા માટે અજનબી માણસ હોવા છતાં તમને તેમના ઉપર પાકો વિશ્વાસ બેસી ગયો છે. તમારી ટ્રાન્સફરની સર્જાએલી નવીન પરિસ્થિતિમાં હવે તેઓ જ તમને તારણહાર દેખાય છે. તમારા પુત્રનું શૈક્ષણિક ભાવી જ્યારે જોખમાવાની સ્થિતિમાં છે, ત્યારે રણછોડદાના કહેવા મુજબના તેમના ઉપલા સ્તરના સંબંધોનો ચેક આજે વટાવવા સિવાયનો તમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. ટેલિફોન ઉપર વાતચીત શરૂ થાય છે.

‘હેલો, કોણ ?’

‘હેડક્લાર્ક બોલું છું.’

‘હું હરગોવિંદ પટેલ. અલ્યા પંડ્યા, માથુર સાહેબ હજુ નથી આવ્યા ? અને આ બદલીનું ચક્કર શું છે ?’

‘તને ઑર્ડર મળી ગયો ? બિસ્તરાંપોટલાં બાંધવા માંડ અને કોઈનો પણ સંપર્ક સાધવાની કોશિશ કરીશ નહિ. મિનિસ્ટર સાહેબની કડક તાકીદ છે કે આ હૂકમોમાં કોઈ ફેરફાર કરવા નહિ અને જે કોઈ ન માને એ ઘરભેગો થઈ જાય. સમાચાર માધ્યમોએ જેલોના ભ્રષ્ટાચારોની જે વાતો ચગાવી છે, તેના અનુસંધાને આ પગલાં લેવાયાં છે. ઈશ્વરનો આભાર માન કે તારી તો માત્ર બદલી જ થઈ છે, નહિ તો બીજા કેટલાકની જેમ તારે રસ્તા ઉપર આવી જવું પડત ! હવે હું ફોન મૂકું છું, સાહેબ આવી ગયા લાગે છે.’

ફોન કપાય છે અને, મિ. હરગોવિંદ, સાથે તમારું કલેજું પણ કપાય છે. ખિન્ન વદને તમે રણછોડદા સામે જોતા એટલું જ બોલી શકો છો, ‘સાંભળ્યું, કાકા ?’

‘ગભરાશો નહિ. હું મિનિસ્ટરને મળી લઈશ, તમારી બદલી અટકી જાય એટલે બસ ને !’

‘તમારે વાઘેલા જેલ મિનિસ્ટર સાથે સીધો સંબંધ છે ખરો ?’

‘એને જેસીબીના પાવડેપાવડે મતો અપાવીને જીતાડ્યો છે, એટલે બેટાને આપણું કામ તો કરવું જ પડશે; પરંતુ શરત માત્ર એટલી જ કે આપણી ફાઈલ તેના સુધી પહોંચવી જોઈએ. હવે આમાં મારી બેટી વચ્ચેની એક મોટી ઉબટ (અવરોધ)ને દૂર કરવી કાઠી છે ! ગદ્ધીનો સચિવ બહારના સ્ટેટનો છે અને પૈસાની કોશથી જ તેને હડસેલી શકાય તેમ છે. !’

‘તેનું મોઢું કેવડુંક મોટું છે ?’

‘પેટીથી ઓછામાં એ પડતો જ નથી અને, ખરું કે ખોટું, એ કહે છે કે મિનિસ્ટરને નીરણ આપો તો જ મારો બેટો દોહવા દે છે !’

‘તો એમાં શું થઈ ગયું ? આપણા કામની ગેરંટી હોય તો એ પણ આપીશ.’

‘પણ મારું મન માનતું નથી !’

‘તમને શું વાંધો છે, કાકા ?’

‘વાંધો તો બીજો શું હોય ! મારું બેટું, એક પેટી તમને આપવા આવ્યો હતો અને હવે એ તમારી પાસેથી કઢાવવી પડે તેનું દુ:ખ થાય છે !’

‘હવે એ વાત ભૂલી જાઓ, કાકા. એમ જ માની લો ને કે મારું નસીબ પાધરું ન હતું !’

‘ઑર્ડરમાં નવી જગ્યાએ કેટલા દિવસમાં હાજર થવાનું લખ્યું છે ?’

‘સાત દિવસમાં.’

‘તો તો માળું, તરત જ કામ હાથ ઉપર લેવું પડે !’

‘જુઓ કાકા, તમે હાલ જ ઊપડો. હાલ જેલની કેન્ટિનમાંથી તમારું જમવાનું મંગાવી લઉં છું. તમે જમી લો અને એટલી વારમાં હું બાજુની બેંકના લૉકરમાંથી પૈસા લાવી દઉં છું. ભાડાની ગાડી પણ મંગાવી લઉં છું, કે જેથી આજનો દિવસ નકામો ન જાય.’

‘જુઓ સાહેબ, આમ અધીરા ન થાઓ. મને ત્યાં ગોઠવવા તો દો અને પછી તમને ફોન કરું એટલે તમે પૈસા લઈને રૂબરૂ જ આવી જજો. બાપલિયા, આવડું મોટું જોખમ મારે ક્યાં લઈને ફરવું ?’

‘તમે જેમ કહો તેમ; પણ કાકા, હવે મારા દીકરાનું ભાવી તમારા હાથમાં છે, હોં !’

‘ના બાપલિયા, એ તો પ્રભુના હાથમાં ! હવે એક વાત પૂછું કે આવું સરસ બંગલા જેવું સરકારી મકાન અને તમે ફેમેલી અહીં કેમ નથી રાખતા ?’

‘કાકા, આપ જુઓ તો છો કે અહીંનું કેવું વાતાવરણ છે ! છોકરાં ઉપર ખોટી અસર ન પડે, એટલે એમ કરવું મુનાસિબ માન્યું છે ! સરકારની ભૂલ છે, સ્ટાફ માટેની વસાહત જેલથી દૂર રાખવી જોઈએ, ખરું ને !’

‘હાસ્તો!’

* * * * *

આજે રણછોડદા સાથેની મુલાકાતનો ત્રીજો દિવસ છે અને તમે, મિ. હરગોવિંદ પટેલ, તમારા કાર્યાલયની રીવોલ્વીંગ ચેરમાં ડાબેજમણે ઘૂમતા બેસબરીથી તેમના ફોનની રાહ જોઈ રહ્યા છો. અજાણ્યા માણસ ઉપર ભારે કામની જવાબદારી સોંપવામાં તમે ભૂલ તો નથી કરી બેઠા એ વિચાર તમને સતાવી રહ્યો છે. તો વળી તમને એવો પણ સકારાત્મક વિચાર આવે છે કે મિનિસ્ટર લેવલનું કામ હોઈ થોડોક વિલંબ થાય પણ ખરો ! કાકાની નિષ્ઠા વિષે તો શંકાને કોઈ સ્થાન છે જ નહિ, કેમ કે એ માણસે એડવાન્સમાં લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપવાની તમારી જ તત્પરતા હોવા છતાં એ ઓફરને નકારી કાઢી હતી. એમની જગ્યાએ બીજો એવો કોઈ લેભાગુ માણસ હોય તો આવી તકને ચૂકે પણ નહિ. આવા વિચારોમાં મગ્ન એવા તમને તમારો સેવક રામસિંગ એમ કહીને જગાડે છે કે ‘સાહેબ, આપના નામની કોરિયરની ટપાલ છે અને તે માણસ તમને હાથોહાથ આપવા માગે છે, અંદર આવવા દઉં ?’

‘આવવા દે.’

તમે પરબીડિયા ઉપર મોક્લનારનું અજાણ્યું નામ ‘સૂર્યકાન્ત પરીખ’ વાંચીને વિચારમાં પડી જાઓ છો. ઝડપભેર તેને ખોલીને તેમાંના પત્રને વાંચવા માંડો છો. પત્ર આ પ્રમાણે છે :

“પ્રતિ,

શ્રી હરગોવિંદભાઈ જેલર સાહેબ,

કુશળ હશો.

આ પત્ર તમને મારા સાચા નામથી પાઠવી રહ્યો છું અને બેએક દિવસ પહેલાં તમને રણછોડ જીવા નામે મળવા આવેલો માણસ તે હું જ છું. મારો ટૂંકમાં પરિચય આપું તો હું અમદાવાદના નાણાંકીય સંસાધન વગર ચાલતા ‘ભ્રષ્ટાચાર નિર્મૂલન ટ્રસ્ટ’ એવા એન.જી.ઓ.નો પ્રમુખ છું, જે ટ્રસ્ટના સિદ્ધાંતોને વરેલા સેવાભાવી કાર્યકરો દ્વારા ચાલે છે. ભ્રષ્ટાચાર નાબૂદીનું અભિયાન ચલાવતા આ ટ્રસ્ટે નાણાંકીય વ્યવહારોથી વિમુક્ત રહેવાનું સ્વીકાર્યું હોઈ અમે કોઈ બેંક એકાઉન્ટ ધરાવતા નથી કે સેક્રેટરીના હાથ ઉપર કોઈ રોકડ રકમ પણ હોતી નથી. અમે દાન, સભ્ય ફી કે સરકારી અનુદાન જેવી કોઈ આવકો મેળવતા નથી. ટ્રસ્ટીમંડળના ટ્રસ્ટીઓનાં નિવાસસ્થાનોએ મિટીંગો મળતી રહેતી હોઈ કાયમી ઑફિસનું અમારે કોઈ ખર્ચ રહેતું નથી. પત્રવ્યવહાર માટે પોસ્ટ ઑફિસનો બોક્ષ નંબર છે. ટ્રસ્ટના સભ્યો કે ટ્રસ્ટીઓ પોતાના સેલફોન જ વાપરતા હોઈ ટેલિફોન ખર્ચનો અમારે કોઈ પ્રશ્ન રહેતો નથી. ટ્રાવેલીંગ પોતપોતાના ખર્ચે કરવામાં આવે છે અને કોઈ એવું ખર્ચ ઊઠાવવા અક્ષમ હોય તો સુખી સભ્યો કે ટ્રસ્ટીઓ એવા ખર્ચને ઊપાડી લેતા હોય છે.

હવે આપણી વાત કરીએ તો સર્વપ્રથમ તમે નિશ્ચિઁત રહેશો કે તમારા ઉપર સ્ટીંગ ઑપરેશન કે એવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે જેનાથી તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે કે તમારે નોકરીથી હાથ ધોઈ નાખવા પડે. અમારા ટ્રસ્ટની કાર્યરીતિને ટૂંકમાં સમજાવું તો અમે ‘પાપને ધિક્કારો, પાપીને નહિ’ના આદર્શને વરેલા છીએ અને જે તે ભ્રષ્ટાચારીને આત્મસુધારણા માટે એક તક આપતા હોઈએ છીએ. અમારો કાર્યક્ર્મ ચાર સ્તરમાં વહેંચાયેલો છે : ભ્રષ્ટાચારીઓને શોધવા, બિનનુકસાનકારક ઓપરેશન હાથ ધરીને તેમને બચવાની એક તક આપવી, જે તે ભ્રષ્ટાચારીમાં પરિવર્તન આવ્યું છે કે નહિ તેની ખાત્રી કરવી અને છેલ્લે સુધરવા ન માગતા ભ્રષ્ટાચારીને કાનૂની પ્રક્રિયા દ્વારા સખ્ત સજા કરાવવી.

તમે બે પ્રક્રિયાઓમાંથી પસાર થઈ ચૂક્યા છો અને તમારા ઉપરની ત્રીજી પ્રક્રિયા તમારી જાણ બહાર થતી રહેશે. તમે ભૂતકાળની અપ્રમાણિકતાને ભૂલીને હવે પછીનો તમારો કાર્યકાળ અણિશુદ્ધ રીતે પસાર કરશો તેના પ્રતિક તરીકે આ સાથેના સભ્યપદના આવેદનપત્રને ભરીને તમે ઇચ્છો તો સભ્ય બની શકશો. બીજી એક વાત તમારે સમજવી રહી કે આ ટ્રસ્ટના સભ્ય બની જવા માત્રથી તમને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર મળી ગયું છે એમ માનશો નહિ. તમારી પ્રમાણિકતાની ખાત્રી ન થાય ત્યાં સુધી તમારા સાથેની અમારી ત્રીજી પ્રક્રિયા ચાલુ જ રહેશે. હવે તમારે પસંદગી કરવાની રહે છે કે તમારે છેલ્લી અને ચોથી પ્રક્રિયામાં સપડાઈને બદનામી સાથે તમારા કુટુંબને પાયમાલ થવા દેવું છે કે નાગરિકોમાં તમારે માનસન્માન પ્રાપ્ત કરવું છે !

ભ્રષ્ટાચાર આચરવો અને તેને પ્રોત્સાહિત કરવો એ બંને બાબતો અનૈતિક છે. બીજા શબ્દોમાં કહીએ તો લાંચ સ્વીકારવી અને આપવી એ બંને ભ્રષ્ટ વર્તણૂકો છે. તમારા દીકરાના ભાવીને બચાવવા તમે લાંચ આપવા જઈ રહ્યા હતા, તેમાંથી તમને બચાવી લીધા છે. ભલા માણસ, એકાદ વર્ષ માટે તમે બદલીના સ્થળે એકલા જઈ શકો છો અને ભાડાના મકાનમાં રહેતું તમારું કુટુંબ એક વર્ષ માટે ત્યાં ને ત્યાં રહી પણ શકે છે. આમ છતાંય તમે એક લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચવા એટલા માટે તૈયાર થયા હતા કે એ રકમ તમારી મહેનતની ન હતી, જનતા પાસેથી લૂંટેલી હતી. તમને એ યાદ રહેવું જોઈતું હતું કે સરકારી નોકરીઓમાં અંગત સમસ્યાઓ આડે આવી શકે નહિ.

તમને બિનહાનિકારક એવા તમારા ઉપર થએલા ઑપરેશનની ગંભીરતાને તમે સમજી શક્શો કે સાચે જ જો એ અમારી ચોથી પ્રક્રિયાના ભાગરૂપે હોત તો તમારો દીકરો ડૉક્ટર તો શું કમ્પાઉન્ડર પણ ન બની શક્યો હોત અને તમારાં ઘરવાળાં અને તમે ખુદ એક મોટી આફતનો ભોગ બની ગયાં હોત ! રણછોડદાના ફાળિયામાં હીડન કેમેરો પણ ગોઠવી શકાયો હોત અને તમારા હાથમાં પકડાવી દીધેલી નોટો પણ પાવડરયુક્ત હોત ! છેલ્લે એક વાત તમને ન સમજાઈ હોય તો સમજાવી દઉં કે કે પેલા ફોટાઓવાળા પાંચ યુવકો અમારા કાર્યકરો છે; તેઓ પ્રમાણિક છે, આઝાદ છે અને કોઈ જેલોમાં સબડતા નથી.

સમાપને એટલું જ કહેવાનું કે તમે તમારો આ અનુભવ અન્યો સાથે જરૂર શેર કરશો કે જેથી ભવિષ્યે અમારો કાર્યબોજ થોડોક હળવો થાય અને તમારું પ્રાયશ્ચિત થતું રહીને તમે પણ પાપના બોજથી હળવા થતા રહો. તમારું આ કાર્ય પરોક્ષ રીતે અમારા ટ્રસ્ટનું એક સેવાકીય કાર્ય ગણાતું રહેશે અને જો તમે ટ્રસ્ટના સભ્ય થઈ જશો તો વળી એ જ કાર્ય ટ્રસ્ટ પરત્વેની તમારી ફરજના ભાગરૂપ સમજી શકાશે.

ભવદીય,

સૂર્યકાન્ત પરીખ

* * * * *

પત્ર પૂરો થાય છે. તમે હરગોવિંદ પટેલ, અકથ્ય એવા મનોભાવે આંખોમાં ઝળહળિયાં સાથે સૂર્યકાન્ત પરીખ ઊર્ફે રણછોડ જીવાને વંદી રહો છો અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પત્ર સાથે આવેલા સભ્યપદના આવેદનપત્રને ભરી દો છો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational