Narendra Chauhan

Drama

2.1  

Narendra Chauhan

Drama

રમત

રમત

5 mins
7.3K


''આઇ લવ યુ''

''આઇ લવ યુ ટુ''

''દિશાન્ત, તારી પત્ની તો ખરેખર ઉલ્લું જ છે.''

''સીમા! તું તો અભિનયની દેવી છે અને મારે માટે આ ઘરની નોકરાણીનું કામ કરે છે. માની ગયો બૉસ.''

''બસ... બસ હવે વખાણ કરવા રહેવા દે.''

''તારા આગમનથી મારી જિંદગીને જાણે સ્વર્ગ મળ્યું છે.''

''તું તો મારા જીવનનો એક માત્ર આધાર છે, આકાશનાં ગયા બાદ તો હું સાવ એકલી જ હતી. તું ન આવ્યો હોત તો...?''

''તો બદલામાં હું કાંઇક લઇ શકું?''

''શું?''

''બસ એક...'' આંગળી અને મુખના હાવભાવ વડે જ ઇશારો કરી સીમાને દિશાન્તે સમજાવી દીધું.

''સાવ લુચ્ચો છે તું, ચાલ હવે ઘરે જા! ઘણું મોડું થઇ ગયું છે, રાધા પણ પીન્કીને ટ્યુશનથી લઈ આવી ગઈ હશે અને તારી રાહ જોતી હશે.''

''પણ...''

''નહીં... આજે નહીં. હવે, તું જા.'' સ્મિત વેરી એ રસોડામાં ચાલી ગઈ.

રાતનાં નવેક વાગ્યા હતા. અંધકારમાં દિશાન્તને વિચારોએ ઘેર્યો. ''શું સીમા મને સાચે જ ચાહે છે? ચાહે છે તેમ કહે છે, છતાં દરવખતે બહાનું કાઢીને જતી કેમ રહે છે? તે રાધાને ઉલ્લું કહે છે... ખરેખર તો તે જ ઉલ્લું છે. હું તેની સાથે શું રમત રમું છું તેની તેને ક્યાં ખબર છે? હા...હા...હા...'' તેણે રાક્ષસીહાસ્ય કર્યું. ટેક્સી લીધી. ઘરે પહોંચ્યો. મુખ પર સ્મિત ધરી ઘરમાં પ્રવેશે છે ત્યાં-

''તમે મને ઉલ્લું જ બનાવો છો'' રાધા તાડુકી. આ સાંભળી દિશાન્ત તો ગભરાઈ જ ગયો. દિલમાં ધ્રાસકો પડ્યો કે કદાચ રાધાને કંઈ જાણ તો નહિ થઈ હોય? '' છતાં તેણે હિંમતથી પૂછ્યુ- ''શું થયું?''

 

'' આપણે આજે બહાર હૉટેલમાં જમવા જવાના હતાં, પણ કેટલું મોડું થઈ ગયું? પીન્કી પણ સૂઈ ગઇ હવે.''

''ઓહો... સૉરી... હં... હું તો સાવ ભૂલી જ ગયો. ઑફીસનાં બે-ચાર મિત્રો મળી ગયા. એટલે વાતોમાં ને વાતોમાં…''

''હા... હા.. એક રજામાંય મિત્રો પીછો છોડતા નથી. સ્ટુપીડ.'' રાધા રોષથી બોલી.

''બસ હવે હં... મારા મિત્રો છે એ... અચ્છા, જમવાનું શું કરીશું?''

''બનાવવું જ પડે ને! બનાવ્યું છે. હવે ચાલો જમી લઈએ.''

બંને જમવા બેઠાં. જમતા-જમતા રાધા બોલી- ''કાલે મારે મમ્મીને ત્યાં જવું છે. જોને કેટલા ટાઇમથી નથી મળાયું! કાલે ૧૦ વાગ્યાની ટ્રેનમાં હું અને પીન્કી જઇશું. સીમા જમવાનું કરવા આવશે. આજે તો તમારા કારણે મારે રસોઈ કરવી પડી.''

''સારૂ. મારી ફિકર ન કરતી. તું તારે બે-ત્રણ દિવસ રહેવું હોય તો પણ રહેજે. બસ?''

આજે રાધા કંઇક ખુશ દેખાતી હતી. કદાચ કેટલાય સમય પછી પોતાને પિયર જતી હતી એટલે. ઝડપથી તે તૈયાર થઈ ગઈ અને પીન્કીને પણ તૈયાર કરી દીધી. સીમાને આવતા થોડું મોડું થયું. જેવી સીમા આવી કે તરત જ ઝડપથી સીમાને બધું કામ સમજાવીને સ્ટેશને જવાની તૈયારી બતાવી. દિશાન્તે રાધાનો હાથ પકડી ચુંબન કર્યું. પણ કોઇ સર્પે જાણે દંશ દીધો હોય તેમ તેણે હાથ ખેંચી લીધો. પીન્કીને લઈ ઝડપથી ટેક્સીમાં બેસી ગઈ. મનનાં કોઇક ખૂણેથી સડી ગયેલા દુર્ગંધ મારતા સ્મરણોનાં ખાડામાં તે ધકેલાઈ. વિચારોનાં ટોળાંએ ચારેકોરથી તેને ઘેરી લીધી. ઘણો પ્રયત્ન કર્યો સ્મરણોનાં ભરડામાંથી છૂટવાનો પણ તે છૂટી ન શકી.

''વિશ્વાસઘાત... છળ... કપટ... શું માણસ પૈસા માટે આટલી હદે લુચ્ચાઇ કરે? માણસ? ના માણસ શબ્દ ન જ શોભે...'' દિશાન્તનાં અઢળક પ્રેમની પાછળ સંતાયેલો વિશ્વાસઘાત ડોકિયા કરતો તેને દેખાયો. તેણે પીન્કીને જોરથી બાથ ભરી. દુ:ખનો એક તીવ્ર સણકો આવી ગયો. સ્ટેશને પહોંચતા ખબર પડી કે તે ગાડી ચૂકી ગઈ છે અને બીજી બપોરે અઢી વાગ્યે છે. તેણે ઘરે પાછા જવા ટેક્સી પકડી.

આ તરફ સીમાએ શરાબનો પૅગ બનાવી દિશાન્તને આપ્યો. શરાબનો ઘૂંટ લેતાં તેની નજર સીમાનાં ખભેથી સરી ગયેલા સાડીનાં પાલવ પર પડી. માંસભૂખ્યા વરૂની માફક તે કૂદકો મારી પલંગ પરથી ઉઠ્યો. શરાબ છલકાઈ ગઈ. સીમાને બાહોમાં ભીંસી તે પલંગ પર પડ્યો. ચુમવા ગયો ત્યાં-

''ઓ... ઓ... મારૂ... ગળું... ગળું... ઓહ...''

રાક્ષસી હાસ્ય સાથે સીમા પલંગ પરથી ઊતરી.

લાચાર બનેલો દિશાન્ત બરાડો પાડી ઉઠ્યો-'' સી...મા... સી...મા... આ...તેં? આ તેં શું કર્યું...? હું... સ..મ..જ..તો... ર...હ...યો... કે...'' પછી ગળું પકડી તે રાડો પાડવા મથ્યો, પણ અવાજ ન નીકળ્યો.

''તારા જેવા પૈસાનાં ભૂખ્યાનો આ જ અંજામ થવો જોઈએ. હવે નર્કમાં જજે ને લ્હેર કરજે. અને હા! એક કરોડની સૂટકેસ પણ લઈ જજે તને કામ લાગશે ત્યાં.''

 

ફરીથી સીમાએ વિજયોત્સાહમાં અટ્ટહાસ્ય કર્યું. પછી રડી પણ પડી.

દિશાન્તે માછલીની પેઠે તરફડતા જીવ છોડ્યો. આજે આકાશનાં ખૂનનો બદલો લઈ સીમા ઘણી ખુશ થઈ. તેણે ઝડપથી સાડી સરખી કરી. રૂમની બહાર નીકળવા ગઈ ત્યાં જ સામે રાધા લાકડાનાં ઠૂંઠાંની માફક ઊભી હતી. રાધાને જોઈ તે ગભરાઈ ગઈ. આખો ઓરડો જાણે ગોળ-ગોળ ઘૂમવા લાગ્યો. આંખે અંધારા આવતા લાગ્યા. તેને જાણે તેની આત્માએ ધક્કો દીધો. તે રાધાના પગમાં પડી ગઈ.

''રાધાબેન...'' મહાપરાણે તેના ગળામાંથી અવાજ નીકળ્યો.

''ના... સીમા... હું તને ઓળખું છું. આકાશની પત્ની. મને આ વાતે કોઈ દુ:ખ નથી. તે જે કર્યું તે બરાબર જ છે.''

''તમે... તમે... બધું… જાણતા... હતાં?''

''હા. જ્યારે તું મારા રૂમમાં અરીસા આગળ કહેતી હતી...''

ટી.વી.ના પડદાની માફક સીમાનાં માનસપટ પર એ ચિત્રો તરવરી ઉઠ્યાં.

સીમા અરીસા સામે ઊભી કહી રહી છે -

''આકાશ! મને માફ કરજે, પણ મેં તારા ખૂનનો બદલો લેવા જ નાટક કર્યું છે દિશાન્ત સાથે પ્રેમનું. ઓહ... આકાશ તારો મિત્ર આવો? અને એ પણ બેસ્ટ ફ્રેન્ડ! જે ફક્ત એક કરોડ માટે પોતાના મિત્રનું જ ખૂન કરી નાંખે! એ ઘટનાની જાણ થયા બાદ મને લાગ્યું કે પોલીસમાં જાણ કરીશ તો પૈસાનાં જોરે તે બચી જાય. તેથી મેં આ નાટક કર્યું છે અને એક દિવસ હું તારા ખૂનનો બદલો જરૂર લઈશ. જે રસ્સી વડે તેણે તારી જીવાદોરી કાપી છે. તે રસ્સી હું તેની કબર પર ફૂલ વીંટાળીને મૂકીશ.''

''એ વખતે હું તારી એ વાત સાંભળી ગઈ હતી. દિશાન્તને એમ લાગતું કે એ તારી સાથે રમત રમી આકાશનાં ખૂનની વાત ઉડાવી દેશે અને તને પ્રેમજાળમાં ફસાવી તારી બાકીની મિલ્કત પણ પચાવી પાડશે. પણ હું જાણતી હતી કે કોણ અસલી રમત રમી રહ્યું છે! તારી જગ્યાએ હું હોત તો હું પણ આમ જ કરત. ધન્ય છે તારી હિંમતને.''


Rate this content
Log in

More gujarati story from Narendra Chauhan

Similar gujarati story from Drama