પૂર્ણિમા
પૂર્ણિમા
પાત્રો :
પૂર્ણિમા : મુખ્ય પાત્ર
રાધા : નાનકડી અને મીઠડી પેશન્ટ
દાદીમા : પેશન્ટ
હોસ્પિટલનો સ્ટાફ : નર્સ અને ગાર્ડ કાકા.
વહેલી સવારે મુંબઈ શહેરની સિટી હોસ્પિટલમાં એક નાનકડી બાળકી ખુબ રડતી હોય છે. નર્સ અને તેના મમ્મી તેને દવા લઇ લેવા સમજાવતા હતા.
નર્સ : 'બેટા, આ દવા લઇલે, એટલે તને તાવ જલ્દીથી મટી જશે અને પછી તું તારા ઘરે જઈ શકીશ.'
રાધાની મમ્મી : (હેતથી ) 'ચાલ જલ્દી દવા લઈ લે, પછી હું તને સોનપરીની નવી વાર્તા કહીશ.'
રાધા : (રડતા રડતા ) 'ના, મારે આ દવા નથી ખાવી. મને દવા કડવી કડવી લાગે છે. તમારી પાસે કોઈ મીઠી દવા નથી ?'
નર્સ : 'પણ ડોક્ટર દીદી એ તને આ દવા આપવાનું કહ્યું છે, અને હા તને એક સિક્રેટ કહું, (ધીરેથી રાધાના કાનમાં ) જો તું રડ્યા વિના દવા લઇ લઈશ અને ડોક્ટર દીદીની બધી વાત માનીશ, તો દીદી તારા માટે એક સરસ ગીત ગાશે.'
રાધા : 'ના, પેલા તમે દીદીને બોલાવો, પછી જ હું માનીશ.'
એમ કહી રાધા મોઢું ચડાવી બેસી જાય છે. રાધાના મમ્મી નર્સને ડોક્ટર દીદીને બોલાવવા કહે છે. ત્યાં નર્સના ફોનની રિંગ વાગે છે.
નર્સ : 'દીદી, તમે જલ્દી હોસ્પિટલે આવો. આ તોફાની છોકરી છે એ કોઈનું સાંભળતી જ નથી. કહે છે તમે અહીં આવશો પછી જ દવા લેશે.'
ડોક્ટર દીદી : 'હા, હું બસ રસ્તામાં જ છું, પણ તમને તો ખબર જ છે ને મુંબઈનું આ ટ્રાફિક ! તમે બીજા પેશન્ટ્સને જુઓ ત્યાં સુધીમાં હું હોસ્પિટલ પહોચું છું.'
અને ફોન કટ થઈ જાય છે. નર્સ પણ બીજા પેશન્ટ્સનું રેગ્યુલર ચેક-અપ કરવા લાગે છે.
થોડીવાર પછી..
મસ્ત લાંબો અને કાળો ચોટલો ગુંથેલો, સફેદ કોટ, પગમાં રહેલ ઝાંઝરના છમછમના અવાજ અને ચહેરા પર સ્મિત સાથે હોસ્પિટલમાં એક છોકરી પ્રવેશ લે છે. તેના ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવેલ હોય છે.
પૂર્ણિમા સૌથી પેહલા આવીને ગાર્ડને પૂછે છે : 'કેમ છો, કાકા ? હવે તમારી તબિયત કેમ છે ?'
ગાર્ડ હસતા હસતા કહે છે, 'હા, બેટા. તારી આપેલી દવા લઉં છું. હવે તાવ પણ ભાગી ગયો છે.'
ત્યાં નર્સ ચિંતામાં દોડતી આવે છે, 'દીદી તમે ક્યાં રહી ગયા હતા, જલ્દી આવોને. આ રાધા મળતી નથી. એણે હજુ સુધી દવા પણ નથી લીધી.'
પૂર્ણિમા : 'મને ખબર છે ત્યાં ક્યાં છુપાણી હશે. તમે જુઓ, હમણાં તેનો થપ્પો કરું છું અને દવા પણ લેવડાવું છું. મને તેના રૂમમાં લઇ જાઓ.'
હે... હે...
લા લા લા લા લા...
હે... હે...
લા લા લા લા લા...
દિલ સે બંધી એક દોર,
જો દિલ તક જાતી હે... હા જાતી હે,
છોટી સી રાધા કહી છુપ જાતી હે.
ઈન્જેકશન કા જિસકો હે ડર,
વો જલ્દી નહીં જા પાતા ઉસકે ઘર,
પર ઈન્જેકશન સે બીમારી દૂર દૂર,
ચલી જાતી હે.. ચલી જાતી હે.
પૂર્ણિમાનો અવાજ સાંભળી, રાધા તરત તેના બેડ નીચેથી બહાર આવે છે. અને હસતા હસતા કહે છે, 'દીદી હું તો બસ તમારી જ રાહ જોતી હતી. તમે જે દવા કહેશો હું તે ખાઈ લઈશ.'
નર્સ : (ગુસ્સામાં ) 'દીદી, મારું તો આ છોકરી બિલકુલ સાંભળતી જ નથી. મને ના પાડતી હતી અને તમે આવ્યા એટલે તરત માની ગઈ.'
રાધા તેની સામે જોઈ ખડખડાટ હસતી હોય છે. પૂર્ણિમા નર્સને શાંત પાડે છે. અને પછી રાધાને દવા આપી સુવડાવી દે છે.
પૂર્ણિમા : 'બીજા પેશન્ટ્સને કેમ છે ?'
નર્સ : 'બેડ નંબર ૫વાળા દાદીનું બીપી અને ડાયાબિટીસ હવે નોર્મલ છે. આજે જ આપણે ડિસ્ચાર્જ આપી દઈશું, (ચિંતામાં) પણ દીદી તેમની ઘરે તેમનું ધ્યાન રાખે એવુ કોઈ નથી. એમની તબિયત ફરી બગડી જશે તો ?'
પૂર્ણિમા : (આશ્ચર્ય સાથે ) કેમ તેમના પરિવારમાં કોઈ નથી ?'
નર્સ : એમનો એક દીકરો છે, પણ તે તો વિદેશમાં રહે છે. એમને હોસ્પિટલમાંથી ફોન કર્યો હતો. પણ તેને અહીં આવવાની ના પાડી દીધી અને કહ્યું, 'હોસ્પિટલનું જે બિલ થાય તે હું મોકલાવી દઈશ પણ મને અહીંથી રજા નહીં મળે. માટે હું ત્યાં નહીં આવી શકું.'
નર્સની આ વાત સાંભળી પૂર્ણિમાને બહુ દુઃખ થાય છે. તે નર્સને કહે છે, 'કંઈ વાંધો નહીં. આપણે દાદીમાનું ધ્યાન રાખવા એક નર્સ સાથે મોકલશું. તમે બસ એમના ડિસ્ચાર્જ પેપર તૈયાર કરો અને તેમનું ધ્યાન રાખે તેવી એક નર્સ પણ સાથે મોકલી દેજો.
નર્સ : 'ઓકે દીદી. હું બધા પેપર્સ સાંજ સુધીમાં તૈયાર કરાવી રાખું છું.'
પૂર્ણિમા દાદી પાસે જાય છે. તેઓ શાંતિથી આરામ કરતા હતા. અને ઈશ્વરનું સ્મરણ કરતા હતા.
ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग्भवेत् ॥
ॐ शांतिः शांतिः शांति:
પૂર્ણિમા : 'જયશ્રી કૃષ્ણ દાદીમા, હવે તમને કેમ છે ? સ્ટાફ તમારું સરખી રીતે ધ્યાન તો રાખે છે ને ? કંઈ પણ કામ હોય તો તમે મને કહી દેજો ઓકે ?'
દાદીમા : 'જય શ્રીકૃષ્ણ, દીકરા. આવી ગઈ તું. બધા મારું બરાબર ધ્યાન રાખે છે. બસ આમ જ તું બધાની સેવા કરતી રહેજે.'
પૂર્ણિમા : 'આજે જ તમને રજા આપી દઈશું. અને તમારું ધ્યાન રાખવા એક નર્સ પણ સાથે મોકલશું. તમે બધી દવા સમયસર લઇ લેજો.'
દાદીમા : (ખુશ થઈને ) 'દીકરા, તું બધાનું કેટલું ધ્યાન રાખે છે!! ભગવાન જલ્દીથી તારી બીમારીનો પણ કોઈ ઈલાજ કરી આપશે. અને તું એક મોટી અને પ્રતિષ્ઠિત ડોક્ટર બનજે. મારા આશીર્વાદ છે તને.'
દાદીમાની વાત સાંભળી પૂર્ણિમાની આંખમાં અશ્રુ આવી જાય છે. પૂર્ણિમા, જે પોતે એક ડોક્ટર છે તેને કઈ બીમારી હશે ? તેની આ બીમારી પાછળ શું રહસ્ય હશે ? શું પૂર્ણિમાની બીમારી માટે કોઈ ઈલાજ હશે કે નહીં ? આ રહસ્ય જાણવા માટે તમારે શરૂઆતથી પૂર્ણિમાની વાર્તા જાણવી પડશે.
આવતા અંકમાં આપણે શરૂઆતથી જ પૂર્ણિમાની વાર્તા વિશે જાણશું.
