પૂર્ણિમા - 4
પૂર્ણિમા - 4
( આગળના ભાગમાં આપણે જોયું કે, પૂર્ણિમાની શાળામાં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેના ફાઈનલ માટે પૂર્ણિમા ચેસમાં અને પાર્થનું બેડમિન્ટનમાં સિલેક્ટ થાય છે. બંને ભાઈ બહેન ખુબ ખુશ હોય છે. પરંતુ પૂર્ણિમા ઘરે આવે છે ત્યારે ઉદાસ હોય છે. સ્નેહાબેનને ચિંતા થવા લાગે અને સાહિલભાઈને ફોન કરી બધી વાત કરે છે. હવે આગળ.. )
સ્નેહાબેન પૂર્ણિમાના રૂમમાં જાય છે. પૂર્ણિમા એ ઘણા સમયથી કંઈ ખાધું પણ ન હતું. સ્નેહાબેન તેને જમાડવા માટે રૂમમાં થાળી લઈને જાય છે.
પણ રૂમમાં પ્રવેશતા જ તેમને આંચકો લાગે છે અને થાળી તેમના હાથમાંથી પડી જાય છે. અવાજ સાંભળી ઘરના બધા સભ્યો ત્યાં દોડીને આવી જાય છે.
પૂર્ણિમા આરામ કરતી હોય છે. પણ તેનો ચહેરો જોઈ બધાને આશ્ચર્ય થાય છે. બધા તેના ઉદાસ હોવાનું કારણ સમજી જાય છે. સ્નેહાબેન વ્હાલથી પૂર્ણિમાના માથા પર હાથ ફેરવે છે અને પૂર્ણિમા જાગી જાય છે.
સ્નેહાબેન : ' બેટા, તારા ચહેરા પર આ શું ? તું પડી ગઈ હતી ? '
પાર્થ : ' અમે શાળામાં હતા ત્યારે તો આવું કંઈ નહોતું તેના ચહેરા પર. નકકી રસ્તામાં કંઈક થયું લાગે છે.'
પૂર્ણિમા કંઈ બોલતી નથી પણ, માથું હલાવી ના પાડે છે.
સાહિલભાઈ : ' પહેલા પૂર્ણિમા થોડું જમી લે, કાલે સવારે આપણે હોસ્પિટલ લઈ જાશુ. જરૂરી બધા રિપોર્ટ કરાવશું. બેટા ચિંતા ના કરતી તું જલ્દી ઠીક થઈ જઈશ.'
બીજે દિવસે સ્નેહાબેન અને સાહિલભાઈ પૂર્ણિમાને હોસ્પિટલ લઈ જાય છે. ત્યાં પહેલા તેનું ચેકઅપ કરી પછી અમુક રિપોર્ટ્સ કરવામાં આવે છે.
સાહિલભાઈ : ' રિપોર્ટ્સનું પરિણામ આવતા ઓછામાં ઓછા બે દિવસ લાગે તેમ છે. આવો કેસ મેં આજ સુધી નથી જોયો. '
સ્નેહાબેન : ' તમે ચિંતા ના કરો. ભગવાન બધું ઠીક કરશે. '
સાહિલભાઈ જ્યાં સુધી પૂર્ણિમાની તબિયત ઠીક ના થાય ત્યાં સુધી તેને શાળાએ ના મોકલવા તથા આ વાત બહાર ના પડે તેનું ધ્યાન રાખવા કહે છે.
સ્નેહાબેન પૂછે છે, ' પણ પૂર્ણિમાની ચેસની સ્પર્ધાનું શું થશે ?'
પણ પૂર્ણિમા પોતે સાહિલભાઈની વાત માનીને, શાળાએ જવાની ના પાડી દે છે. અને ફરી ઉદાસ થઈ જાય છે.
બીજે દિવસે શાળામાં પાર્થની બેડમિન્ટન સ્પર્ધાનો ફાઈનલ મેચ હોય છે. બે રાઉન્ડના અંતે પાર્થ અને તેના પ્રતિસ્પર્ધી, બંનેને એક-એક અંક મળેલ હોય છે.
હવે ફાઈનલ રાઉન્ડ હોય છે. તેમાં થોડા સંઘર્ષ બાદ પાર્થ સ્પર્ધા જીતી જાય છે. બધા લોકો તેને શુભેચ્છાઓ પાઠવે છે. અને પૂર્ણિમા શાળ
ાએ આવી શકે તેમ નહોતી. તેથી તેના પ્રતિસ્પર્ધીને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
મેહતા પરિવારમાં પાર્થના બેડમિન્ટનનો મેચ જીતવાની ખુશીની સાથે સાથે બધાને પૂર્ણિમાની તબિયતની પણ ચિંતા થતી હતી. આવતીકાલે તેના મેડિકલ રિપોર્ટ્સનું પરિણામ આવવાનું હતું. સાહિલભાઈ પોતે એક ડોક્ટર હોવા છતાં પૂર્ણિમાને કઈ બીમારી છે અને તેની પાછળનું કારણ શું છે એ વાત સમજી શકતા ન હતા.
પૂર્ણિમા હજુ નાનકડી અગિયાર વર્ષની જ છે. તેને આજ સુધી કોઈ બીમારી પણ નથી થઈ. તેને કોઈ પણ જાતની એલર્જી પણ ન હતી. અને આમ અચાનક જ તેની તબિયત બગડવાથી બધાને તેની ચિંતા થવા લાગી હતી.
કાયમ હસતી-ખીલતી અને બધા સાથે વાતું કરનાર પૂર્ણિમા બે દિવસથી પોતાના રૂમની બહાર પણ નથી નીકળી. તેની તબિયત સારી ના હોવાથી તેને કંઈ પણ કરવાનું મન હોતું નથી. સ્નેહાબેન રૂમમાં જ આવી તેને જમાડી દે છે.
બીજે દિવસે સવારે...
પૂર્ણિમાના મેડિકલ રિપોર્ટ્સ આવી ગયા છે. સાહિલભાઈ પણ આશ્ચર્યમાં પડી જાય છે. રિપોર્ટ્સ બધા નોર્મલ હોય છે. પૂર્ણિમાની બીમારીનું રહસ્ય મેડિકલ રિપોર્ટ્સમાં પણ નથી સામે આવતું. બધાને ચિંતા થવા લાગે છે.
સાહિલભાઈ એ પોતાની મેડિકલ કરિયરમાં આવું ક્યારેય જોયું જ નથી. પૂર્ણિમાના ચહેરા પરના એ ડાઘ વિશે કોઈ કંઈ સમજી શકતું નથી. ઘરની હોસ્પિટલ હોવા છતાં પૂર્ણિમાને આમ બીમાર અને ઉદાસ કોઈ જોઈ શકતું નથી.
પૂર્ણિમાનો અભ્યાસ પણ અટકી ગયો હોય છે. દયાનંદભાઈ એક રસ્તો બતાવે છે, ' પૂર્ણિમા શાળાએ ન જઈ શકે તો શું થયું, આપણે તેના અભ્યાસ માટે શિક્ષકને ઘરે બોલાવશું, પણ દીકરીનો અભ્યાસ નહીં બગવડા દઈ અમે. '
સાહિલભાઈ : ' હું અને આનંદભાઈ કાલથી જ તપાસ શરૂ કરી, અને ઘરે આવી પૂર્ણિમાને ભણાવી શકે તેવા સારા શિક્ષક શોધશું. '
~
આમ જ સમય પસાર થઈ જાય છે, પૂર્ણિમા હવે ૧૦ માં ધોરણમાં આવી જાય છે. પરંતુ હજુ સુધી તેની બીમારીનું રહસ્ય ઉકેલી શકાયું નથી.
બીમારી જ વિશે કંઈ ખબર ના હોય તો તેની દવા પણ કેમ કરવી ? એ જ ચિંતા પરિવારમાં બધાને થતી હોય છે.
આ વર્ષે પણ પૂર્ણિમા ઘરે જ રહી અભ્યાસ કરે છે અને બોર્ડની પરીક્ષા આપે છે. પૂર્ણિમાની ઈચ્છા મેડિકલનો અભ્યાસ કરવાની હતી. તેના ઘરની જ હોસ્પિટલ છે એટલા માટે નહીં, પરંતુ તેની બીમારીની દવા શોધવા તેને નિશ્ચય કર્યો હતો કે, ' હું પોતે જ એક દિવસ ડોકટર બનીશ અને મારી આ બીમારીની પાછળનું રહસ્ય અને તેનો ઈલાજ બંને હું શોધીશ. '
ક્રમશઃ