પૂર્ણિમા- ૨
પૂર્ણિમા- ૨
અષાઢી પૂર્ણિમાના દિવસે મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ વરસતો હોય છે. સમગ્ર વાતાવરણ સુંદર અને આકર્ષક લાગે છે. આકાશમાં સાત રંગનું મેઘધનુષ્ય પણ દેખાય છે. સર્વત્ર હરિયાળી દેખાય છે. મોર અને અન્ય પક્ષીઓ તેમની પાંખો ફેલાવે છે અને નાચવાનું શરૂ કરે છે.
આવું સુંદર મજાનું અને પ્રફુલ્લિત વાતાવરણ જોઈ, નાનકડો પાર્થ અને તેના ભાઈઓ લવ અને કુશ જોર જોરથી કુદકા મારતા મારતા ગાતા હોય છે,
“ આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ;
ઊની ઊની રોટલી ને, કારેલાંનું શાક. “
દયાનંદભાઈ નામના બ્રાહ્મણના ઘરે લક્ષ્મીજી અવતરે છે. તેમના નાના દીકરા સાહિલભાઈની વહુ સ્નેહાબેન એક દીકરીને જન્મ આપે છે. પૂર્ણિમાના દિવસે તેનો જન્મ થયો હોવાથી, દીકરીનું નામ પૂર્ણિમા રાખવામાં આવે છે.
ઘરમાં સૌ ઉત્સવની તૈયારી શરૂ કરે છે. કારણ કે ઘણા વર્ષો બાદ દયાનંદભાઈના ઘરે લક્ષ્મીજી પધાર્યા હોય છે. દયાનંદભાઈ મહેતાનો પરિવાર મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં ગણાય છે. તેમના પરિવારમાં, તેમને બે પુત્રો છે. આનંદ અને સાહિલ. દયાનંદભાઈના મોટા પુત્ર આનંદને પણ સંતાનમાં બે પુત્રો, લવ અને કુશ હોય છે. અને તેમના નાના પુત્ર સાહીલને એક પુત્ર, પાર્થ છે.
પૂર્ણિમાના જન્મથી મહેતા પરિવારમાં સૌ કોઈ આનંદ મનાવી રહ્યું છે. પૂર્ણિમાની મમ્મી સ્નેહાબેન તો વારંવાર તેની નજર ઉતારતી હોય છે. દાદા દયાનંદભાઈ આખા શહેરના ગરીબોને દાન-ધર્મ કરે છે અને ભવ્ય જમણવારનું આયોજન કરે છે.
હવે વરસાદ બંધ થઈ ગયો હોય છે અને શહેરના એક મોટા મેદાનમાં જમણવાર રાખવામાં આવે છે. જમણવારમાં નાના-મોટા સૌ કોઈ જમી શકે તેવી ભાતભાતની સ્વાદિષ્ટ વાનગીઓ અને મિષ્ટાનો હોય છે.
અચાનક જ દયાનંદભાઈના ફોનની રિંગ વાગે છે.
સાહિલભાઈ (ફોનમાં ): 'જયશ્રી કૃષ્ણ, પપ્પા. એક શુભ સમાચાર છે, આપણે ગરીબોના ઈલાજ માટે જે હોસ્પિટલ ખોલવાના હતા, તેનું અટકી ગયેલું કામ ફરીથી શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.'
દયાનંદભાઈ : 'બધી ઈશ્વરની કૃપા છે, કાલે આપણા ઘરે લક્ષ્મીજી પધાર્યા અને આજે આપણને આ શુભ સમાચાર મળ્યા. ખરેખર દીકરીના જન્મથી આપણા નસીબના દ્વાર ખુલી ગયા છે. અને બધા અટકેલા કામ ફરીથી શરૂ થવા લાગ્યા છે.'
પૂર્ણિમાના પપ્પા સાહિલભાઈ અને તેના મમ્મી સ્નેહાબેન બંને ડોક્ટર છે. સાહિલભાઈનું સ્વપ્ન હતું, ગરીબો માટે હોસ્પિટલ ખોલવાનું. જેથી ગરીબોનો સમયસર ઈલાજ થઈ શકે અને તેમને જેનેરિક દવા પણ મળી રહે.
ઘણા લોકો હોસ્પિટલના મેડિકલ ટેસ્ટ અને દવાના ઊંચા ભાવને લીધે શહેરની સારી હોસ્પિટલમાં ઈલાજ નથી કરાવી શકતા. આ સમસ્યાને દૂર કરવા સાહિલભાઈની ગરીબો માટે સ્પેશ્યલ હોસ્પિટલ ખોલવાની ઈચ્છા હતી. જે થોડા જ સમય બાદ પુરી થવાની છે.
સાંજે જમણવાર યોજાયેલ હોય છે, તેમાં જ દયાનંદભાઈ સાહિલભાઈની નવી હોસ્પિટલની જાહેરાત કરે છે. સૌ કોઈ દયાનંદભાઈ અને તેમના પરિવારને અભિનંદન પાઠવે છે અને પૂર્ણિમાને આશીર્વાદ આપે છે. ખુશીના આ અવસર પર દયાનંદભાઈ બધાને લાડવા પણ વહેંચે છે. બધા ધરાઈને લાડવા ખાઈ છે અને ઘરે પણ લઈ જાય છે.
થોડા જ દિવસ બાદ, હોસ્પિટલ બનાવવા માટે લીધેલ જમીનનું ભૂમિ પૂજન કરવામાં આવે છે અને ઈશ્વરનું સ્મરણ કરીને હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવે છે. ખરેખર દીકરી એ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હોય છે. દીકરીના જન્મથી પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે. તેથી જ કહેવાયું છે ને,
" દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. "
પૂર્ણિમા હવે બે વર્ષની થઈ ગઈ છે. તે હવે ધીરે ધીરે પા પા પગલી ભરવા લાગી છે. પૂર્ણિમા ઘરમાં સૌ કોઈની લાડલી, અને હવે થોડું કાલુ કાલુ પણ બોલે. પૂર્ણિમાનો અવાજ કોયલના અવાજ જેવો મીઠો લાગે.
આજે નવી હોસ્પિટલના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ છે. બધા સવારમાં વહેલા ઊઠી જાય છે. આજે મંદિરમાં હવન હોય છે. બધા તેની તૈયારીમાં વ્યસ્ત હતા.
નાનકડી પૂર્ણિમાને તેના મમ્મીએ સરસ નવું ગુલાબી ફ્રોક પેરાવ્યું હતું. તે નાનકડી પરી જેવી લાગે છે. કાળા વાંકડીયા વાળ, તેના ચહેરા પરનું એ મન મોહી લે તેવું સ્મિત, નાનકડા પગમાં છમ છમ અવાજ કરતી ઝાંઝરી અને મસ્ત ગુલાબી રંગના બુટ.
સ્નેહાબેન : ' કોઈની નજર ન લાગે મારી ઢીંગલીને.' એમ કહી પૂર્ણિમાના કાન પાછળ કાળો ટીકો લગાડે છે.
અચાનક આરતીબેનનો રસોડામાંથી અવાજ આવે છે. સ્નેહાબેન નાનકડા સાત વર્ષના પાર્થને કહે છે, 'બેટા થોડીવાર તારી નાની બેન સાથે રમજે, હું હમણાં બે મિનિટમાં જ આવું છું.
પાર્થ : ' હા, મમ્મી તમે ચિંતા ના કરો, હું ધ્યાન રાખીશ મારી નાની બેનનું.' પૂર્ણિમા ભાઈ સામે જોઈને હસતી હોય છે.
સ્નેહાબેન બંને બાળકોના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે અને રસોડા તરફ જાય છે.
બધા મંદિર જવા માટે તૈયાર થઈ ગયા. હવન માટેનો જરૂરી સામાન બધા ગાડીમાં ભરી દે છે. અને ભગવાનનું સ્મરણ કરી મંદિર જવા માટે નીકળે છે. પરંતુ ઉતાવળમાં જ નાનકડો પાર્થ અને પૂર્ણિમા ઘરમાં જ રહી જાય છે.
તાળું મારતી વખતે નોકર બધા રૂમ સરખી રીતે તપાસ્યા વિના જ એ તાળું મારી દે છે. બંને ભાઈ બેન રમવા જ મશગુલ હોય છે. એટલે તેમને પણ ખ્યાલ નથી રહેતો કે કયારે ઘરના બધા સભ્યો મંદિર જવા નીકળી જાય છે.
ક્રમશ:
