પૂર્ણિમા
પૂર્ણિમા
(આગળના ભાગમાં આપણે જોયું કે પૂર્ણિમા બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થઇ જાય છે. અને તેને આગળ મેડિકલનો અભ્યાસ કરીને ડોક્ટર બનવું છે. તેને તેની બીમારી પાછળનું રહસ્ય અને તેની દવા શોધવી છે. હવે આગળ ...)
પૂર્ણિમાનો 10 ધોરણ સુધીનો અભ્યાસ તો તેને ઘરે જ રહીને કર્યો હતો. પણ હવે, આગળના મેડિકલના અભ્યાસ માટે તેને બીજા શહેરમાં જવું પડશે. પહેલા તો ઘરના લોકો તેને ના પાડે છે અને ખૂબ જ સમજાવે છે. પણ પૂર્ણિમા જિદ્દી હોય છે. એટલે પોતાની વાતને પકડી રાખે છે. બધાને ચિંતા એ વાતની હતી કે ઘરની જ હોસ્પિટલ અને તેના પિતા પોતે ડોક્ટર હતા છતાં આજ સુધી તેની બીમારીનો ભેદ કોઈ ઉકેલી શક્યું નથી. અને આટલા વર્ષોથી પૂર્ણિમાની બીમારીનો રાઝ એમને બધાથી છુપાવ્યો છે. જો હવે પૂર્ણિમા બહાર નીકળે તો બધાને તેની બીમારી વિશે જાણ થઇ જાય. અને તેની આ બીમારી સાથે તેને કોઈ સ્કૂલ કે કોલેજ હવે એડમિશન આપશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન હતો.
આ બીમારી ચેપી નથી એતો બધા સમજી ગયા હતા. નહીંતર તો ઘરના બીજા લોકોને પણ તેની અસર થઇ હોત. પણ આ વાત બીજા લોકો પણ માનવા જોઈએ ને ! આ બધી જ ચિંતાની વચ્ચે સમાચાર મળે છે કે દેશમાં એક નવો રોગ કોરોના ધીમે ધીમે ફેલાવા લાગ્યો છે. તો હવે બીજા વિસ્તારમાં પણ એ રોગ ના ફેલાય એટલે સરકાર લોકડાઉન જાહેર કરે છે. અને બધી સ્કૂલ તેમજ કોલેજો પર હવે ઓનલાઇન અભ્યાસ કરાવાનો, એવો સરકાર નિર્ણય લે છે.
આ સમાચાર મળતા મહેતા પરિવારના બધા લોકો ખુશ થઇ જાય છે કે હવે તો પૂર્ણિમા પણ ઘરે બેઠા જ તેનો મેડિકલનો અભ્યાસ કરી શકશે. અને આમ પણ કોરોનાને લીધે મોઢા પર માસ્ક બાંધ્યું હશે તો કોઈને તેના ચહેરા પરનો ડાઘ પણ નહીં દેખાય. પૂર્ણિમાનો અભ્યાસ પણ હવે શરૂ થઇ જાય છે અને સાથે સાથે પ્રેક્ટિસ માટે તે હવે હોસ્પિટલમાં પણ જવાનુ શરૂ કરી દે છે. કોરોનાના સમયમાં હોસ્પિટલ તો દર્દીઓથી ભરાયેલી રહેવા લાગી. રોજ એટલા બધા કેસ આવતા હતા કે ઘણી વાર ડોક્ટર ઓછા પડતા હતા.
આ સમય દરમિયાન પૂર્ણિમા પણ ઘણા લોકોની સેવા કરી. ખાસ કરીને નાના બાળકોની તો એ ફેવેરેટ ડોક્ટર દીદી બની ગઈ. તેમને રોજ નવી નવી વાર્તાઓ કહેતી એમની સાથે બાળગીત પણ ગાતી. અને હા પેલી નાનકડી રાધા યાદ છે ને તેની જેમ કોઈ બાળક જો નર્સનું ના માને એટલે પૂર્ણિમાને બોલાવે પછી. પૂર્ણિમાની વાત તો નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દાદા - દાદી પણ માનતા હો. આ બધા દર્દીઓ અને તેમના પરિવારના લોકો તેને ખૂબ આશીર્વાદ આપતાં અને કહેતા, " એક દિવસ જરૂર તું મોટી ડોક્ટર બનશે. અને તું કંઈક અલગ જ કરી બતાવીશ."
ધીરે ધીરે હવે કોરોનાના કેસ પણ ઘટવા લાગ્યા હોય છે. હવે પૂર્ણિમાને વિચાર આવે છે કે, " બસ હવે બહુ થયું, હુ કેટલા દિવસ સુધી આમ મારી બીમારી બીજા લોકોથી છુપાવી રાખીશ. જો હુ એક ડોક્ટર થઈને આવું કરું એ હવે સારુ ના લાગે."
હવે તો પૂર્ણિમા કોલેજે પણ માસ્ક વિના જ જાય છે. હા શરૂઆતમાં બીજા વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાડતા અને અમુક તો તેની બાજુમાં બેન્ચ પર બેસવામાં પણ ડરતા કે ક્યાંક અમને પણ તેનો ચેપ ના લાગી જાય. પછી બીજા શિક્ષકોએ બધાને સમજાવ્યા કે આ ચેપી રોગ જ હોત તો તેના ઘરમાં કેમ કોઈને તેનો ચેપ ના લાગ્યો ? એટલે ધીરે ધીરે અમુક વિદ્યાર્થીઓ હવે તેની સાથે બોલવા લાગ્યા અને હવે તો પૂર્ણિમા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના બધે જ માસ્ક પહેર્યા વિના કે ચહેરો છૂપવ્યા વિના જ જાય છે.
તેની હિમ્મત અને ધગશ જોઈને બધા તેના વખાણ કરે છે. પૂર્ણિમા ખૂબ જ મેહનત કરે છે અને થોડા જ વર્ષોમાં પરિવારના અને બીજા લોકોના આશીર્વાદથી સારા માર્ક્સ સાથે પાસ થઇ જાય છે. હવે તો પૂર્ણિમા પણ ડોકટર બની જાય છે. તે પહેલા તો તેમની હોસ્પિટલમાં જ કામ કરે છે પણ પછી આગળ નવું શીખવા અને તેના રોગ વિશેનું પણ તેને રહસ્ય જાણવું હતું એટલ વિદેશ જાય છે. બીજા બધા ડોકટરોને બતાવે છે. અને ઘણાંની સલાહ પણ લે છે. અને છેવટે તેની બધી મહેનત સફળ થાય છે અને તે તેના આ ચહેરા પરના ડાઘ માટેની દવા શોધી જ લે છે.
થોડા જ સમયમાં ધીરે ધીરે દવા અસર કરવા લાગે છે અને 2-3 વર્ષોની અંદર જ હવે પૂર્ણિમાનો ચહેરો પહેલા જેવો થઇ જાય છે. અને પૂર્ણિમા એ પણ સંશોધન કરે છે કે આ બીમારી 1 કરોડ લોકો માં ભાગ્યેજ કોઈ એકને થાય છે અને આ રોગની દવા શોધવા માટે પણ તેને ઘણા ઇનામો મળે છે.
ઉપસંહાર : આપણે પણ પૂર્ણિમાની જેમ નીડર અને મહેનતી બનવું જોઈએ. અને જીવનમાં ધારેલા લક્ષ સુધી પહોંચવું જ જોઈએ. રસ્તામાં ભલેને ગમે તેટલી મુશ્કેલો આવે પણ હિમ્મતથી તેમનો સામનો કરવો જોઈએ.જયશ્રી કૃષ્ણ.
