પ્રેમ
પ્રેમ
દવાખાનાથી નીકળતાં રમાએ ઑટોવાળાને રોક્યો. અંદર પ્રિયાને સાચવીને બેસાડી અને પછી પોતે બેઠી. રમાને ખ્યાલ આવ્યો, કદાચ ટેક્સી કરી લેવી હતી. ઑટોમાં પ્રિયાને બહુ આંચકા આવશે. છ વર્ષની પ્રિયા નિશાળમાં પડી ગઈ હતી, પગમાં ફ્રેક્ચર થયું હતુ. ડોક્ટરે પ્લાસ્ટર લગાડીને સંભાળવાની હિદાયત આપી હતી.
રમાએ પ્રિયાને ધીમેથી પોતાની તરફ ખેંચીને પૂછ્યું, "દુખે છે બેટા ?"
પ્રિયાએ નીડર થઈને હલકુ સ્મિત આપતાં કહ્યું,"થોડુ દુખે છે."
"જલ્દી મટી જશે."
"મમ્મી, હું સ્કૂલ નહીં જઈ શકું ? ડૉક્ટર કાકાએ ઘરમાં આરામ કરવાનું કહ્યુ છે."
"હા બેટા. થોડા દિવસ સ્કૂલમાં નહીં જવાનું. આપણે બંને ઘરમાં રમીશું."
"હા. તમે, હું અને દિવ્યા"
રમાના મનમાં વિચાર આવ્યો, દિવ્યા આવશે ? એની મા એને મોકલશે ?
રમાને બે દિવસ પહેલાં દિવ્યાની મમ્મી સાથે થયેલી વાત યાદ આવી. દિવ્યાની મમ્મીએ હસતાં હસતાં પૂછ્યું, "પ્રિયા હવે છ વર્ષની થઇ એને સાથ આપવા ભાઈ કે બહેન ક્યારે આવશે ?"
રમાએ વગર વિચારે ભોળપણ મા કહ્યું, "નહીં આવે."
"કેમ ?"
ત્યારે રમાએ હળવેથી વાત કરી હતી કે બાળક નહોતુ થતું એટલે પ્રિયાને દત્તક લીધી છે.
"દત્તક ? કઈ જાતની છે ? ક્યાંથી લઇ આવ્યા ? અનાથાશ્રમમાંથી કે પછી... હું જાતપાત બહુ માનું. છોકરી નીચી જાતની હોય તો પરવરિશ કેટલી પણ સારી હોય, નીચી જાતની છોકરી સાથે ફરીએ તો આપણે પણ એવાજ બનીએ.
"એવા એટલે?"
"તમને કેવી રીતે સમજાવવા. મને ખબર હોત તો હું દિવ્યા ને પ્રિયા જોડે રમવા નહીં મોકલત."
ઑટોમાંથી ઉતરતાં રમાએ પ્રિયાને ખોળામાં લીધી અને ઘરમાં લઇ ગઈ. બે દિવસ પ્રિયાની સારવાર અને એની આસપાસ ફરવામાં નીકળી ગયા. સાંજે રમા રંગીન પેન્સિલ અને કાગળ પ્રિયાને આપતી એ એની મેળે કોઈ ચિત્ર બનાવતી અને રંગ પૂરતી ત્યારે પોતે રસોઈમાં જઈને ઝડપથી રસોઈ તૈયાર કરી નાખતી.
બે દિવસ થઇ ગયા. રમાને નવાઈ લાગી. પ્રિયાએ દિવ્યાને યાદ નથી કરી. સારુ, પ્રિયાનું મન દુઃખાય તેના કરતાં ઘરમાં રમતી હોય તો સારુ.
ત્રીજા દિવસે સાંજે દિવ્યાની મમ્મી આવ્યા, એણે પૂછ્યું, "દિવ્યા અહીં આવી છે?"
"અહીં ? ના. પ્રિયા પોતાની રૂમમાં બેઠી છે. એને ફ્રેક્ચર થયું છે."
'ઓહ' કહીને ચાલ્યા ગયા.
રમા પ્રિયાનાં રૂમમાં જોવા ગઈ બધુ બરાબર છે,ત્યારે એણે જોયું દિવ્યા ત્યાંજ હતી. એને જોઈને દિવ્યા મેજની નીચે સંતાઈ ગઈ. એણે દિવ્યાને બહાર કાઢી અને પૂછ્યું "દિવ્યા અહીં શું કરે છે ? તારી મમ્મી તને શોધી રહી છે."
"મમ્મીએ પ્રિયા સાથે રમવાની ના પાડી છે એટલે હું અહીં છુપાઈને રમું છું."
"તું અંદર આવી કેવી રીતે ?"
"પાછળની બારીથી કૂદીને આવી. હું પ્રિયા સાથે રમું ? થોડી વારમાં ચાલી જઈશ."
"હા. ભલે."
રમાને થયું દિવ્યાની મમ્મી ચિંતા કરતી હશે. એને ખબર પડશે તો મારા પર આરોપ આવશે કે દિવ્યાને સંતાડી છે. શું કરું ?
થોડીવાર પછી પ્રિયાનાં ઓરડામાં ડોકિયું કર્યું તો બંને બહેનપણીઓ રમી રહી હતી.
રમાએ દિવ્યાની મમ્મીને ફોન કરીને બોલાવી. પોતાની મા ને જોઈ દિવ્યા ગભરાઈ ગઈ. એણે ડરી ડરી કહ્યું, "પ્રિયાએ મને નથી બોલાવી. હું જાતેજ આવી છું. એના પગમાં વાગ્યુ છે. બહાર રમવા નહીં આવે. પ્રિયાનો વાંક નથી.
દિવ્યાની ગભરાહટ જોઈ, પ્રિયાએ પોતાના હાથ દિવ્યાના કાંપતા હાથ પર મૂકી દીધા. એ જોઈને દિવ્યાની મમ્મી ચુપ થઇ ગઈ. નાની છોકરીઓનો અરસ્પરનો પ્રેમ જોઈ કદાચ હૃદય પીગળી ગયુ. એણે પાછાવળીને કહ્યું, "બંને રમો થોડીવારમાં ઘેર પાછી આવી જજે."
દિવ્યા અને પ્રિયા બંનેના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા.
