Rani Motwani

Others

2  

Rani Motwani

Others

એ કોણ?

એ કોણ?

5 mins
1.5K


માલિની સાથે મેળામાં ફરતા ફરતા, રીયાની નજર એક રંગીન સુશોભિત તંબૂ પર પડી. તંબૂની બહાર જાહેરાત રૂપે એક ફોટામાં મોટો ક્રિસ્ટલ બોલ મેજ પર મુકેલો હતો. બાજુમાં ખુરસી પર એક સુંદરી બેઠી હતી જેની આંખો માં કાજળ અને હોઠ પર સ્મિત હતું. એની રહસ્યમયી આંખો લોકોને અંદર આવવા આકર્ષિત કરી રહી હતી.

સત્તર વર્ષની નાજુક ઉમરમાં રીયાએ ઘણી બધી પ્રેમ કથાઓમાં ક્રિસ્ટલ બોલ વિષે વાંચ્યું હતું. મનગમતો રાજકુમાર તમારી જિંદગીમાં ક્યારે આવશે? સફેદ ઘોડા પર સવાર તમારું દિલ જીતી લેનારનું જીવનમાં પ્રવેશ ક્યારે થશે?

કોઈ ઘણો સુંદર નવયુવક તમારા હૃદયના ખૂણામાં જગ્યા કરી લેશે. તમારા ભવિષ્યમાં છુપાયેલા રહસ્ય વગેરે વગેરે. રીયાએ માલિની ને કહ્યું, "ચાલ આપણે અંદર જઈએ." માલિની હસી પડી. "હું આવી બધી વાતો માં વિશ્વાસ નથી કરતી." "પણ હું તો કરું છું ને. થોડી જ વાર લાગશે. વિશ્વાસ ન હોય તો બસ એમજ મજા માટે ચાલ."

માલિનીનું અંદર જવા માટે જરાય મન ન હતું. એણે રીયાને કહ્યું,"તુ અંદર જઈને જો શું ચાલે છે. હું અહીં બંગડીઓના સ્ટોલ પર બંગડી પસંદ કરું છું."

"ઠીક છે. હું અંદર જાઉં છું."

રીયા તંબૂની અંદર પ્રવેશી ગઈ. ત્યાં બેસવા માટે થોડી આરામ ખુરસીઓ હતી. બે જણ પહેલેથી ત્યાં બેઠા હતાં. તંબૂની વચ્ચો વચ મોટો પરદો હતો, પર્દાની પાછળ કંઈ હલચલ થઈ રહી હતી. રીયા ઇંતેજાર કરવા લાગી ક્યારે એનો નંબર આવશે. વીસ પચીસ મિનિટમાં એનો નંબર આવ્યો. પરદાની બીજી બાજુ જતાં જ વાતાવરણ સાવ બદલાઈ ગયું.

મદહોશ કરી નાખે એવી સુગંધથી એ જગ્યા મહેકી રહી હતી. સુંદરી એટલી સુંદર અને જવાન ન હતી જેટલી ફોટોમાં દેખાડેલી. પણ આંખોમાં કાજળ અને હોઠ પર સ્મિત એ જ હતું. એણે રીયાને સામે બેસવાનો ઈશારો કર્યો. રીયા મુંઝાઈ, પણ કૂતુહલવશ ક્રિસ્ટલ બોલની સામે જઈને બેસીં ગઈ. સુંદરી ક્રિસ્ટલ બોલમાં જોવા લાગી. એના ચહેરાના હાવભાવ બદલવા લાગ્યા. થોડી ક્ષણો બાદ અચાનક એણે કહ્યુ,"બહુત જલ્દ બહુત કુછ બદલ જાયેગા." રીયા આ સાંભળીને થોડી ચિંતિત થઈ.

બહાર આવીને રીયાએ માલિનીને અંદર થયેલી વાત કહી. માલિની હસી પડી. "શું બદલાવાનું છે? જ્યારે બદલાશે ત્યારે જોયું જશે."

રાતના રીયાને ઉંઘ આવી નહીં. વિચાર આવતાં રહ્યા. કંઈ સારું થશે કે પછી..પોતાના બંગલાની બહાર બગીચામાં આંટા મારવા લાગી. બંગલો સમુદ્રની સામે જ હતો. રીયાને થયું લાવ હું સમુદ્ર કિનારે થોડું ચાલી આવું, સામે તો છે. ઘરમા કોઈને કહ્યા વગર એ સમુદ્ર કિનારે ગઈ. અહીં રીયા ઉછળતા મોજાઓનો અવાજ માણી રહી હતી અને ઠંડી હવા એના વાળસાથે રમી રહી હતી. અચાનક એને લાગ્યું કોઈ એનો પીછો કરી રહ્યું છે. કોઈ ભારી ભરકમ બુટ પેહરીને એની પાછળ આવે છે. એણે ઝડપ થી ચાલવા માંડ્યું. પાછળ આવનારની ઝડપ પણ વધી. એ દોડવા માંડી. દોડતા દોડતા એને દૂર રેતીમાં કોઈ પડી ગયું હોય એમ લાગ્યુ ત્યાં પહોંચી ને જોયું તો લહુથી લથપથ એક માણસની લાશ પડી હતી. રીયાએ જોરથી ચીસ પાડી. કોઈએ એની ચીસ સાંભળી નહી. રીયા પોતાના બંગલા તરફ ભાગવા લાગી. દોડતા દોડતા થાકી ગઈ. બંગલા પાસે આવીને એનો પીછો કરનાર અટકી ગયો. એણે પાછળ જોયું કોઈ નહોતું. બંગલાની અંદર પહોંચીને એણે ઊંડો શ્વાસ લીધો.

ઝટપટ પાણીનો ગ્લાસ ગટગટાવી ગઈ જાણે ગળામાં શોષ પડતો હોય. પોતાની રૂમમાં જઈ સુવાનો પ્રયત્ન કર્યો. થાકને લીધે એને ઊંઘ આવી ગઈ. સવારના ઉઠી ત્યારે માથુ ભારે હતું પણ કૉલેજમાં અગત્યના લેકચર હોવાને કારણે કૉલેજ જવા તૈયાર થઈ. કૉલેજ પૂરું થયા બાદ લગભગ ત્રણ વાગે લાયબ્રેરીમાં ચોપડી પાછી આપવા ગઈ. આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય પણ આજે તો લાયબ્રેરીમાં ફકત બે કે ત્રણ વિદ્યાર્થી જ હતાં. એ અંદર ગઈ. અંદર સન્નાટો હતો. લાયબ્રેરીની અંદર એને આભાસ થયો કોઈ એની પાછળ આવી રહ્યું છે. એ જ ભારી ભરકમ બુટનો અવાજ આવી રહ્યો હતો. ડરતા ડરતા એણે પાછળ ફરીને જોયું કોઈ નહોતું. રીયા કાઉન્ટર પર પહોંચી ત્યાં લાયબ્રેરીઅન ન હતી. પણ જેવી એણે ચોપડી કાઉન્ટર પર મૂકી, ચોપડી કોઈકે ઉપાડી લીધી. ચોપડી હવામાં ગાયબ. એ ભયભીત થઈ લાયબ્રેરીમાંથી બહાર ભાગી. ભાગતાં ભાગતાં કોરિડોરમાં ભીંત સાથે અથડાઈ. જ્યાં અથડાઈ એ ભાગ ભીંતનો ખાસ ભાગ હતો. એને વોલ ઓફ ફેમ કહેતા. અહીં કૉલેજના જુના વિદ્યાર્થીઓ જેમણે બહુ મોટી સફળતા મેળવી હોય, કે કંઈ પ્રશંસનીય કામ કર્યું હોય, એમનો ફોટો, નામ અને પરિચય મુકવામાં આવ્યો હતો. રીયાએ ભીંત સામે જોયું તો આ શું? એને કાલ રાત વાળી લાશ નો બિહામણો ચહેરો ભીંત પર દેખાયો. એ ત્યાંથી ભાગી અને કૅન્ટીનમાં ગઈ. પોતાની સખીઓ સાથે બેસી ગઈ. એના ચહેરા પરની ઘભરાટ જોઈ એની બહેનપણીઓ એ પૂછ્યું, "શું વાત છે? આટલી ઘભરાયેલી કેમ લાગે છે? રીયાને થયું આ લોકો ને લાશની વાત કરીશ તો હસી પડશે. એ ચૂપ રહી. ઘરે જઈને વિચારવા લાગી કદાચ આ એનો ભ્રમ છે. વિચારોને દૂર રાખવા ચોપડી લઈને બેઠી.

આજ રાત્રે પણ એને ઊંઘ ન આવી. એને થયું શું સાચે જ કોઈ મારો પીછો કરે છે કે મારો ભ્રમ છે. ડર અને ઉત્સુકતા વચ્ચે ઉત્સુકતાની જીત થઈ. એ સમુદ્ર કિનારે પહોંચી. હવે એ બહુ સચેત હતી. રેતીમાં એ ધીમે ધીમે સાવચેતીથી ચાલવા માંડી.

થોડી દૂર જતાં એને લાગ્યું કોઈ એનો પીછો કરે છે. એ ઝડપ થી પાછી વળી. થોડી વાર પછી પાછું વળીને જોયું તો એ લાશ એની પાછળ આવી રહી હતી. ભયભીત થઈ એ પડી ગઈ. થોડી ક્ષણો બાદ ઉભી થઈ ને જોયું તો લાશ ગાયબ. ઘરે આવી. એને થયું ઘરમાં કોઈ ને કહું કે નહીં. પોતાના ઓરડામાં જઈને સુવાનો પ્રયત્ન કર્યો. થોડા સમય બાદ એની આંખો ઘેરાવા લાગી અને ઊંઘ આવી. અર્ધી રાત્રે એ અચાનક જાગી ગઈ જોયું તો એની પડખે સમુદ્ર કિનારા વાળી લાશ! ચીસ પાડવાની પણ હિમ્મત ન હતી. એણે આંખો બંધ કરી લીધી. બે મિનિટ પછી આંખો ખોલી તો લાશ ગાયબ. રીયા એ દિવસ કૉલેજ નહીં ગઈ.

ઘરે બેસીને આરામ કર્યો. આ ક્રમ બે ત્રણ અઠવાડિયા સુધી ચાલતો રહ્યો. એ બહાર ઓછું જવા લાગી. એને ડર હતો કોઈ એનો પીછો કરશે.

એક રવિવાર સાંજે, રીયા એની ખાસ બહેનપણીએ જિદ કરી એટલે એનાં જન્મદિવસની પાર્ટી માં ગઈ. પાર્ટીમાં એને મજા નહીં આવી, પણ બધાની સામે મોઢા પર સ્મિત રાખીને વાત કરતી રહી. રીયાએ સરસ ગુલાબી રંગ નો ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીમાં કોઈકનો ધક્કો લાગવાથી એના હાથની કોલ્ડ ડ્રિન્ક એના ડ્રેસ પર પડી. ડ્રેસને થોડુ પાણીથી સાફ કરવા માટે એબાથરૂમમાં ગઈ. અંદર બાથરૂમમાં ડ્રેસ સાફ કરી રહી હતી ત્યારે એણે બહારથી આવતા અવાજ સાંભળ્યા. "આગ આગ. ભાગો ભાગો." રીયા એ તરત જ દરવાજો ખોલ્યો. બાથરૂમની બહાર ચારે તરફ આગ હતી. સામેની બાજુથી એને બચાવવા માટે દરેક પ્રયત્ન થઈ રહ્યા હતાં. વખતસર બંબાવાળા આવી ગયા અને રીયા સાથે બીજા ઘણા મહેમાનોની જાન બચાવી. ઘરની બહાર પહોંચી ત્યારે એણે જોયું ઘર ચારે તરફ આગથી ઘેરાયેલો હતો. એની નજર ઉપર ગઈ. ઉપર એને એ જ લાશ આગમાં સપડાયેલી દેખાઈ. લાશ બળી રહી હતી.

અચાનક વરસાદ આવ્યો. આગ ધીરે ધીરે બુઝાઈ ગઈ. રીયા ના મનમાં પ્રશ્ન હતો, લાશ બળી ગઈ હશે કે હજી ભવિષ્યમાં એનો પીછો કરતી રહેશે?


Rate this content
Log in