Rani Motwani

Others

3  

Rani Motwani

Others

બારેય માસ વેલેન્ટાઈન ડે

બારેય માસ વેલેન્ટાઈન ડે

3 mins
7.2K


સવારના દસ વાગે બેલ વાગી ત્યારે મેં ઝડપથી દરવાજો ખોલ્યો. માલતી, અમારી શાકવાળી દરવાજા આગળ ઊભી હતી. હું એની જ રાહ જોઈ રહી હતી. શાક લઈ રહી હતી ત્યારે માલતીએ મને "બેન, આજે આટલું બધું શાક લો છો, ઘરમાં પાર્ટી  છે?"

મેં હસીને હા પાડી. "બહુ મોટી પાર્ટી તો નહીં પણ મારા દીકરા અને દીકરીનાં ફ્રેંડ્સ આવવાના છે." "ઓહ.." "કેમ ઓહ?"

"બેન આ વેલન્ટીનની પાર્ટી છે?"

"હં..હં.." હું વિચારી રહી હતી શું જવાબ આપવો? ત્યારે ફરી એણે સવાલ કર્યો."બેન, આ વેલન્ટીન એટલે શું? મેં  ટી.વી. માં અવારનવાર સાંભળ્યું છે."

"વેલન્ટીન નહીં, એને ‘વેલેન્ટાઈન ડે’ કહેવાય છે!"

આ માલતીને શું સમજાવવું? સંત વેલેન્ટાઈન વિષે વાત કરું? કે પછી પ્રેમનો દિવસ કહીને વાત ટાળી  જાઉં.શું આને હીર-રાંઝા, રોમિયો-જુલિયટની પ્રેમ કહાણીઓ ખબર હશે?

"આ દિવસે પ્રેમીઓ એક બીજાને મળે, ગિફ્ટ આપે, સાથે સમય વિતાવે, પોતાનાં ખીસ્સા પ્રમાણે ખર્ચો કરે." "ગિફ્ટ આપે એટલે?" "એટલે ભેંટ આપે."

"ઓહ, હેપી બરડે જેવું હશે...?" "ના, પણ કંઈક એવું જ."

ત્યાં તો એના મોબાઈલ પર ફોન આવ્યો. આજે કોની પાસે મોબાઈલ નથી? એ ફોન પર વાત કરી રહી હતી ત્યારે એના ચહેરા પર ચિંતાનાં વાદળ ઘેરાયા હોય એમ લાગ્યું. ફોન બંધ કરીને એણે તરતજ પોતાની ટોકરી સમેટી અને કહ્યું, "મને કંઈક જરૂરી કામ છે હું જાઉં છું. તમે હિસાબ કરીને મૂકો. હું સાંજે આવીને પૈસા લઇ જઈશ." એમ કહીને માથા પર ટોકરી રાખીને દોડતી દોડતી નીકળી ગઈ. શાક સમારતી વખતે રાંધતી વખતે મને વિચાર આવ્યો કે ટી.વી. પર સાંભળીને એને ‘વેલેન્ટાઈન ડે’ શું છે તે જાણવાની જિજ્ઞાસા થઈ પણ આ પ્રેમની ભાવનાને એક દિવસમાં બાંધવાની અને ઉજવવાની પ્રથા શું સમજી શકશે?

‘વેલેન્ટાઈન ડે’ની જરૂર છે કે નહીં પણ મારા મતે પ્રેમનો ઇજહાર તો પૂરા વર્ષ દરમિયાન થઇ શકે.

સાંજે મારા પતિદેવ સંજય આવ્યા ત્યારે પૂછ્યું, "પાર્ટીની તૈયારી થઈ ગઈ. કોલ્ડ ડ્રિંક્સ વગેરે બધું આવી ગયું? એમને ખબર છે ‘વેલેન્ટાઈન ડે’ પર છોકરાંઓ બહાર મોડે સુધી પાર્ટી કરે. એ મને જરાય ગમતું નથી એટલે હું બધાને મારા ઘરે બોલાવીને જ પાર્ટી કરું."

મેં એમને શાકવાળીની વાત કહી. આ દિવસ પર ચર્ચા કરતા એમણે કહ્યું કે આપણાં દેશમાં તો કંઈ કેટલીય પ્રેમ ગાથાઓ અને લોક કથાઓ નો ભંડાર  છે. કોઈનો અંત સુખદ તો કોઈનો દુઃખદ. દુઃખદ એટલા માટે કે પ્રેમનો વિરોધ કરવાવાળા દરેક યુગમાં હોય છે. નૂરી-જામ તમાચી, સોની-મહિવાલ આ બધી પ્રેમ ગાથાઓ કેટલી પ્રખ્યાત છે. સંજયે હસીને કહ્યું, "આપણો દેશ શાહજહાં – મુમતાજના પ્રેમની અમર વિરાસત તાજમહાલનો દેશ છે. આવી સમૃદ્ધ વિરાસત હોવા છતાં આજકાલ યુવકો પ્રેમના પ્રતીક માટે પશ્ચિમની સભ્યતા તરફ તાકી  રહે છે."

સાંજે શાકવાળી આવી ત્યારે મેં એને પૂછ્યું, "કેમ  આમ દોડતી  દોડતી  ગઈ. શું થયું?"

"અરે એ તો મારા વરનો ફોન હતો. મારા વરને દાંતમાં દુખતું હતું એટલે ડૉક્ટર પાસે ગયો હતો. ડોક્ટરે  તપાસીને કહ્યું, “બે દાંત કાઢવા પડશે. મારો વર આમ તો બહુ મજબૂત છે. અમારા ગામમાં ભલભલા લોકો એનાથી ડરે ઘણાં લોકો સાથે ઝઘડી આવે છે પણ દાંત કાઢે ત્યારે એ ગભરાઈ જાય છે એટલે હું દોડતી દોડતી દવાખાને ગઈ. ડોક્ટરે દાંત કાઢ્યા ત્યારે એની કને હું બેઠી હાથ પકડીને, એટલે એનામાં જરા હિમ્મત આવે. એક બીજાનાં સુખ દુઃખમાં સાથે રહેવું જોઈએ ને?"

એ આવી ત્યારે મારા હાથમાં ચાનો કપ હતો અને એના હાથમાં શાકની ટોકરી નહોતી. મેં એને પૂછ્યું, "ચા પીશે, થોડી આપું?" એ જરા શરમાઈ ગઈ. "ના બેન, આજે મારા વરને બધું ઠંડું ખાવાનું છે. ગરમ ખાવાની મનાઈ છે. એણે ચા નથી પીધી એટલે મને પણ આજે ગરમ ચા પીવી નહીં ગમે."

"અરે વાહ...!" મારા મોઢામાંથી નીકળ્યું. એ ગઈ ત્યારે મને વિચાર આવ્યો કે આને ‘વેલન્ટાઈન ડે’ બાબત સમજાવવાની શી જરૂર છે? એનાં તો બારેય માસ ‘વેલન્ટાઈન ડે’ છે.


Rate this content
Log in