પહેલો વરસાદ
પહેલો વરસાદ
દિલ્લીની એક નામાંકિત કંપનીમાં હું જોબ કરું છું. આમ તો મારી પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજરની છે. હું એમ.બી.એ. થયેલ. હું નાનપણથી જ ખુબજ સુંદર અને નમણી દેખાવ છું. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ મારું રૂપ પણ વધુ ખીલતું ગયું. આજ કારણ કંપનીમાં હું બધાની સાથે હળીમળી ગઈ હતી. કોઈ પણ મારી સાથે વાત કરવા ઉત્સાહી હતા. હું છેલ્લા ચાર વર્ષથી દિલ્લીમાં રહું છું. મકાન ભાડે છે. કંપનીની બસમાંજ આવવા જવાનું એટલે રોજ બધા સહકર્મચારી સાથે ઓળખાણ થાય.
મારું નામ સૃષ્ટિ. એક નાનકડા ગામમાંથી આવું એટલે શહેરની હવા ખુબજ ગમે કેમકે ગામડામાં આવી સુવિધા ક્યાં હોય ! રોજના કામ પર જવાનું અને રવિવારના રજા એટલે કોઈ જગ્યાએ ક્યારેક મિત્રો સાથે ફરવા જવાનું. મારી આ કંપનીમાં નોકરીનું આ બીજું વર્ષ ચાલુ હતું. હું ખુબજ ખુશ હતી. મારા કામ અને મારું જીવન. મિત્રો સાથે સમય પસાર કરવો. આજ જિંદગી બની ગયેલી. મોજ મજા ને કામ, કોઈ ટેંશન નહીં, જિંદગીનો આનંદ જીવતા આવડી ગયું. હું સુંદર હતી છતાં પણ હજુ મારે કોઈ બોય ફ્રેન્ડ ના હતો હું મારી જિંદગી જીવતી હતી.
સવારમાં હું ઓફિસમાં હતી ત્યાં એક સુંદર યુવાન આવ્યો. ખૂબસ હેન્ડસમ, દેખાવ સારો, શરીર નો બાંધો મજબૂત, ચહેરા પર અલગ તેજ, કઈક અલગ પ્રકાર નોજ દેખાવ જેને જોતા રહેવાની ઈચ્છા થાય. આ યુવાન આવી મેનેજર ને મળવા ગયો, મેનેજરે મને બોલાવી ને યુવાનની ઓળખ આપી: " આ દેવેન્દ્ર છે, જે આજથી આપણી ઓફિસમાં કામ કરશે." " સૃષ્ટિ તેને તેની જગ્યા અને તેનું કામ સમજાવી દે.." મારી સાથે દેવેન્દ્ર ગયો અને બધું કામ સમજાવી દીધું. મારા મનમાંથી હજુ પણ દેવેન્દ્ર હટતો નથી. મારી આંખો સામે તે હજુ જાણેકે ઊભો છે. અમારા બંનેની ઓફિસ બાજુમાં જ હતી. મારીની નજર વારંવાર તેની કેબીન સામે જતી અને સ્માઈલ આપતી હતી. દેવેન્દ્ર તેના કામમાં વ્યસ્ત થવા જતો પણ બાજુમાં આવી સુંદર છોકરી હોય તો કામમાં મન કેવી રીતે લાગે ? તે પણ વારંવાર મને જોતો અને હોઠ મારકાવતો હતો.
બંને આમજ કેટલાય દિવસો એકબીજાને જોવામાં દિવસો કાઢી નાખ્યા. જ્યારે પણ એકબીજા સાથે વાત કરવાનો મોકો મળે તો બંનેમાંથી કોઈ જતો કરવા નહોતું માંગતું. આમજ દિવસો પસાર થવા લાગ્યા અને બંને એકબીજાને થોડા જાણતા થયા. થોડા દિવસો પછી બંને ચા પીવા માટે મળ્યા અને પછી આમજ એક પછી એક મુલાકાત થવા લાગી. ડીનર, ફિલ્મ જોવા જવું, મિત્રોની પાર્ટીમાં જવું, ક્યારેક ક્યારેક તો હું દેવેન્દ્ર ને કંપનીમાં જવા માટે બાઈક લઈ ને બોલાવતી. આવો નિત્ય ક્રમ થવા લાગ્યો અને..
મારા મનમાં ક્યારે દેવેન્દ્ર માટે પ્રેમ થઈ ગયો તે મને ખબર જ ના પડી. જ્યારે હું નવરી પડું ત્યારે મને હવે તે જ દેખાવા લાગ્યો, ઘરે પણ મારું મન નહોતું લાગતું. હું મોબાઈલ હાથમાં લઉ તોય મને તેનો જ નંબર ધ્યાનમાં આવતો. વોટસએપ, ફેસબુક ખોલું તોય તેનેજ મેસેજ કરવાનું મન થતું. હું તેને ફેસબુક પર લાઈક અને મેસેજ કરવા લાગી, વોટ્સેપ પર પણ મેસેજ મોકલવા લાગી અને ચેટિંગ ચાલુ થયું. થોડા દિવસ તેને ઓછા જવાબ આપ્યા. પણ પછી તે પણ મારા મેસેજ ના જવાબ આપવા લાગ્યો. અમે વારંવાર ફરવા પણ જવા લાગ્યા. અને એક દિવસ અમે બાજુમાં આવેલ નાસ્તા શોપ પર ગયા, ત્યાં મે એને પૂછી લીધું "તારે કોઈ જીએફ છે?" તેણે માંથું નામાં હલાવ્યું. મારા મનમાં એક ગજબની સ્ફૂર્તિ આવી ગઈ અને મારું મો મલક્યું. દેવેન્દ્ર એ મને વળતો સવાલ કર્યો "કેમ ?"
મે કહ્યુ "કઈ નહિ, એમજ".
અમારા બંને વચ્ચે આવા વ્યવહારો ચાલતા હતા એવામાં હું હવે તેને બોલ્યા વગર ના રહી શકી અને મે એક દિવસ તેને કહી દીધું , " દેવેન્દ્ર ,આઈ લવ યુ." તે મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યો. અને એક નાની સ્માઇલ આપી. પછી મે તેને કહ્યું " તે મારો જવાબ ના આપ્યો." દેવેન્દ્ર એ પણ મને બાઈક પાછળ બેસાડી લોંગ ડ્રાઈવ પર લઈ ગયો અને મને કહ્યું "આઈ લવ યુ."
અમારા બંને વચ્ચે આમજ પ્રેમનું વટ વૃક્ષ થતું ગયું. અમારા નોકરી ના બે વર્ષ થવા આવ્યા હતા. ઉનાળો પૂરો થઈ ગયો અને ચોમાસુ બેઠું. અમે એક દિવસ ફિલ્મ જોવા ગયા અને ત્યાંથી બહાર નીકળ્યા તો બહાર ખુબજ વરસાદ ચાલુ હતો.
"વરસાદ " મને વરસાદ ખુબજ ગમે. હું તરતજ પલળવા જતી રહી, આ જોઈ દેવેન્દ્ર હસવા લાગ્યો. હું તેનો હાથ પકડીને લઈ ગઈ, તે ના કરતો રહ્યો પણ પલળી ગયો. મને તે દિવસે જે વરસાદનો અનુભવ થયો તે ક્યારેય નહોતો થયો.
"બાંધ્યા વાદળા તારી યાદોના મારી આંખમાં,
આવો તો ભીંજાઈએ આપણે આ વરસાદમાં.
ના કર આંખોની લેવડ દેવડ વરસાદમાં,
ભીંજાયેલ છું ને ' તું ' વધુ ભીંજવે છે."
અમે બંને ભીંજાયેલા હતા એટલે અમે દેવેન્દ્રના ઘર પર ગયા, તે એકલો રહેતો હતો. બંને કોરા થયા. નસીબ જોગે મારી પાસે એક જોડી કપડાં મારા પર્સમાં હતા તે મે બદલાવ્યા અને આ મોસમ જ છે જેને ભલ ભલા ને પોતાનો કાબૂ ગુમાવવા મજબૂર કર્યા હોય તેમ અમે પણ અમારો કાબૂ ગુમાવી બેઠા. અને અમે હદો પાર કરી બેઠા. હું ખુબજ અફસોસ વ્યક્ત કરતી હતી પણ હવે અફસોસ કર્યે કોઈ ફાયદો નહોતો. દેવેન્દ્ર એ મને આશ્વાસન આપ્યું. અને મને રડતી અટકાવી. દેવેન્દ્ર એ મને લગ્નની વાત કરી. અને હું શાંત થઈ. તે મને મારા ઘરે મૂકી ગયો. આજે હું ઘરમાં કોઈ સાથે બોલી નહિ અને વિચારોમાંજ ખોવાઈ ગઈ. હું મારા આ કૃત્ય ને ધુત્કારવા લાગી. મનોમન મારા જીવન ને કોસતી રહી. હવે આજે મને આ "વરસાદ " એક શેતાન જેવો લાગતો હતો. જેને મારા જીવનને ખીલતું અટકાવી દીધું એવું લાગતું હતું. પણ દેવેન્દ્ર એ મને આપેલ વચન યાદ આવતા હું શાંત થતી હતી. આમજ એક મહિનો વીતી ગયો.
હું દેવેન્દ્ર વારંવાર લગ્ન માટે મારા ઘર પર આવી વાત કરવા મનાવતી પણ તે કોઈને કોઈ બહાનું બનાવી ના આવતો. તેને મારી સાથે વ્યવહાર પણ બદલી નાખ્યો. ક્યારેક તે મને લેવા આવવાની પણ ના પાડતો. એક દિવસ મે તેને કહ્યું કે હું "મા" બનવાની છું,તો તે મારી સામે જોઈ રહ્યો અને તેને મને અબોર્શન કરવાની સલાહ આપી. મે તેને ખુબજ સમજાવ્યો પણ તે ના સમજ્યો અને કહ્યું કે " આપણે હજુ ખુબજ જિંદગી જીવવાની બાકી છે, આપણે આપણી જિંદગી આ બાળક ના આવવાથી બરબાદ ના કરી શકીએ. આવી રીતે આમારા વચ્ચે થોડા દિવસ રકજક ચાલી અને અંતે તેણે હાર સ્વીકારી. હું પણ ખુબજ ખુશ થઈ.
દેવેન્દ્ર એ મને થોડા દિવસનો સમય માંગ્યો. મેં એને મારા મમ્મી પપ્પા સાથે વાત કરવા આવવા કહ્યું, તેની પણ તેણે હા સ્વીકારી. અચાનક તે એક દિવસ ઓફિસના કામે બહાર જવાનું છે તેમ કહીને ગયો !
બે દિવસ સુધી તેનો કોન્ટેકટ કર્યો અને તેની સાથે વાત કરી તેણે મને આવીને તરતજ લગ્નનું વચન પણ આપ્યું. ત્રીજા દિવસે તેનો ફોન ના લાગ્યો. પછી ખુબજ પ્રયત્નો છતાં તેનો ફોન ના લાગ્યો. મેં જાતે તેના ઘરે જઈ ને તપાસ કરી તો ખબર પડી કે તેને ઘર ખાલી કરી નાખ્યું છે. હું ઓફિસ ગઈ ત્યાંથી માહિતી મળી કે , "દેવેન્દ્ર તો રાજીનામુ આપી જતો રહ્યો છે."
હું દેવેન્દ્રની બધી રમત સમજી ગઈ. તે મારી સાથે મોટી રમત રમી ગયો અને મને વરસાદમાં પલાળીને જતો રહ્યો. તેને મારી સાથે દગો કર્યો હતો. હવે હું મનથી ખુબજ ટૂટી પડી હતી. શું કરવું ? કોને કહેવું ? મમ્મી - પપ્પા શું કહેશે ? સમાજ શું કહેશે ? હું કેવી રીતે જીવીશ ? આ સમાજ મને સ્વીકારશે ? મારે શુંં કરવું જોઈએ ? અબોર્શન કરી નાખું ! કોઈને ખબર નહીં પડે ! આવા સવાલો મનમાં આવવા લાગ્યા. અને મનોમન રડવા લાગી અને પોતાને કોસવા લાગી. જે સૌથી પ્રિય વરસાદ હતો તેજ આજે સૌથી ભયાનક લાગતો હતો. વરસાદ જોઈને જે પોતાના જીવ ને નહોતી રોકી શકતી તે આજે વરસાદ જોઈને ડરવા લાગે છે. આખો દિવસ અને રાત રડી. ખૂબ રડી.
રાત્રે હું ખુબજ થાકી હતી અને રડવા ને કારણે મોડે ઊંઘી ગઈ અને શરીરમાં નબળાઈ આંટા મારી ગઈ હતી. હું સ્વપ્નમાં ખોવાઈ ગઈ અને મારો પોતાનોજ પડછાયો મને ડરાવી રહ્યો હતો. ફરતા પંખાની વચ્ચેથી પસાર થતી લાઈટ મને ડરાવી રહી હતી. હું ઊંઘી ગઈ અને ઊંઘમાજ મને મારું એક હિમ્મત ભરેલું રૂપ આવ્યું અને મને હિમ્મત આપી કે ભૂલ તેની છે. તે તો સાચ્ચો પ્રેમ કર્યો હતો. તેને તેનો સ્વાર્થ પૂરો કર્યો પણ તું હિમ્મત ના હારતી. મેં ખુબજ વિચાર કર્યો અને વહેલી સવારે મારા મમ્મી પપ્પા ને મેં જણાવ્યું.
મમ્મી અને પપ્પા ખુબજ દુઃખી થયા, બંને રડવા લાગ્યા અને કેટલુંય ના બોલવાનું બોલ્યા અને મને છૂટ આપવાનો બદલો વાળ્યો ? અમારા ઘરનો આખો દિવસ રડવામાં જ ગયો. બધાયે મને ખુબ સમજાવી અબોર્શન માટે પણ હું છેવટે માની નહીં અને આ નિર્દોષ જીવ ને દુનિયામાં આવવાની મંજૂરી આપી. હું મારી નોકરી ચાલુ રાખી અને મારા આ પહેલા વરસાદની નિશાની ને દુનિયા જીવવાનો અધિકાર પણ આપવા મક્કમ હતી. સમાજ ને ભૂલી હું આ જિંદગી જીવવા સજાગ હતી.
પણ "પહેલો વરસાદ" મારા જીવનમાં છેલ્લો વરસાદ બની ગયો. ત્યાર પછી હું ક્યારેય વરસાદમાં પલળી નથી.

