તમે કેવા ?
તમે કેવા ?
મારું નામ ભદ્રેશ પરમાર. હું અમદાવાદમાં જનમ્યો અને ત્યાંજ મોટો થયો. મારા પિતાજી અમદાવાદમાં જ જીલા પંચાયતમાં નોકરી કરતા હતા. અમદાવાદ એટલે એક મોટું સીટી જ્યા કોઈને કોઈની પડી નથી. પોતાનું કામ. મારી એક મોટી બહેન છે. પપ્પા ને નોકરી એટલે એમણે સારી શાળામાં ભણાવ્યા. અમે બંને ભણ્યા. કોઈ દિવસ કોઈ વાત ની ખોટ નથી આવવા દીધી. ત્યાં અમે ખુશ હતા. હું બારમું ધોરણ પાસ થયો અને પછી BBA કર્યું. BBA પાસ કર્યા પછી MBA કર્યું. પરિણામ ખુબજ સારું હતું. આમય હું ભણવામાં ખુબજ હોશિયાર હતો. એટલે ટકા પણ સારા એવા આવ્યા હતા.
મારી બહેન ના લગ્ન ગોઠવાયા. મારી બહેને પણ કોલેજ કરી હતી. જીજાજી અમદાવાદ હાઇકોર્ટમાં સ્ટેનો ની નોકરી કરતા હતા એટલે મોડું કરાય તેમ ના હતું એટલે બહેન ના લગ્ન કરી દેવામાં આવ્યા.
હું MBA કરી નોકરી માટેની ઇંટ્રેસ પરિક્ષા આપતો.એવામાં એક દિવસ એસ.બી.આઈ.માં મેનેજર ની જગ્યા બહાર પડી. મેં ફોર્મ ભર્યું. પરિક્ષા આપી. થોડા સમય પછી રિઝલ્ટ પણ આવ્યું. હું એમાં પાસ થઈ ગયો. બીજું પેપર આપ્યું તે પણ સારા માર્ક સાથે પાસ થયો. મહેનત જો કરી હતી. થોડા દિવસમાં ઇન્ટરવ્યુ ગોઠવાયું. જેમાં પણ હું સિલેક્ટ થયો. મને મેનેજર પોસ્ટ મળી ગઈ. પણ હજુ સ્થળ બાકી હતું.મેનેજર બનતા ઘર ના સભ્યો અને મિત્રો ના મેસેજ નો વરસાદ વરસ્યો. મમ્મી અને પપ્પા પણ બહુ ખુશ થયા.
થોડા દિવસ પછી મારા ઘરે લેટર આવ્યો. લેટરમાં મારો નોકરીનો ઓર્ડર અને સ્થળની વિગતો હતી. મને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એસબીઆઈ બ્રાન્ચનો મેનેજર બનાવવામાં આવ્યો હતો. હું ત્રણ દિવસ પછી બ્રાન્ચમાં સામાન સાથે હાજર થયો. આ પેલા મારે આવા ગામડા કે તાલુકાનો અનુભવ નહોતો. હું અમદાવાદ સીટી માજ મોટો થયો. ગામડા વિશે મારું જ્ઞાન શૂન્ય હતું. ગામડા રીત રિવાજો અને સમાજ ના નિયમો ની મને શું ખબર હોય.
હું બ્રાન્ચમાં હાજર થયો ત્યાંજ સામે બધા કર્મચારીઓ મારું સ્વાગત કરવા ઊભા હતા. બધા એ મને ખૂબ અભિનંદન આપ્યા. હું મેનેજરની પોસ્ટ પર હતો. બધા કર્મચારીઓ મને મળ્યા. મારા માટે ગામ માજ એક મકાન ની વ્યવસ્થા કરી. ભાડા પેટે મકાન પણ મળી ગયું. મકાન માલિક ક્યારેક જમવાનું પણ આપી જતા. ત્યારે મને લાગ્યું કે અમદાવાદ ના જીવન કરતા તો આ ગામડાઓનું જીવન કેટલું માયાળુ અને સેવા ભાવિ છે.લોકો પણ કેટલા પ્રેમાળ છે. ત્યારે મને લાગ્યું કે આ શહેરી જીવન કરતા ગામડા નું જીવન ખુબજ સારું અને જીવવા લાયક છે. મને હવે ગામડામાં ખુબજ ગમવા લાગ્યું. હું ઘરે જતો ત્યારે ગામડાના વખાણ કરતા થાકતો ના હતો. મારા ઘરના સભ્યો મમ્મી પપ્પા પણ ખુશ થતા હતા કે દીકરાને સારી નોકરી અને સ્થળ પણ સારું મળી ગયું. તે પણ મારી ખુશીમાં ખુશ જઇ જતા હતા.
દિવસો આમજ પસાર થતા હતા. ગામમાં સરપંચ અને ગામ લોકો પણ બધા સાથે ભળી ગયેલા. કર્મચારીઓ પણ મારી સાથે ખુબજ ખુશ દેખાતા હતા. અમારી ઓફિસમાં લગભગ બધો સ્ટાફ બહાર નોજ હતો. કુલ સ્ટાફ અગિયાર નો હતો જેમા ત્રણ મેડમ હતા. મેડમ ક્યારેક ક્યારેક મારું કે બીજા ભાઈઓ માટે જમવાનું લઈ આવતા. જે ભાઈઓ એકલા હતા તેઓ માટે ઓફિસમાં ક્યારેક બહેનો તો ક્યારેક ફેમેલી વાળા પણ લઈ આવતા. ઓફિસમાં ખુશનુમા વાતાવરણ આખો દિવસ રહેતો હતો. મને પણ હવે ઓફિસ પર મજા આવતી હતી. ક્યારેય હું ઘર છોડી ગયેલ નહીં પણ પ્રથમ વાર હું ઘર છોડી ગયેલ પણ અહીંનું વાતાવરણ ને લીધે તે બધું ભુલાવાની તૈયારીમાં હતો કે ઘર કરતા વધારે મજા બીજે ના આવે પણ....
એક દિવસ ઉપરી ઓફિસેથી ઈમેલ આવ્યો કે દરેક કર્મચારી ના ડોક્યુમેન્ટ સ્કેન કરી ઈમેલ કરવો અને એક જરૂરી ફોર્મ ભરી મોકલવું. દરેક કર્મચારી એ પોતાના ડોક્યુમેન્ટમાં નોકરીનો ઓર્ડર, એલ.સી., જાતિનો દાખલો હોય તો, આધાર કાર્ડની કોપી, ગ્રેડયુએશન ની માર્કશીટ, બેન્ક ની પાસબુક ની નકલ, પાસ પોર્ટ ફોટો સ્કેન કરી મોકલવાની તૈયારી કરી દીધી. બીજા દિવસે હું પણ મારા બધા ડોક્યુમેન્ટ લઈ આવ્યો. લગભગ મારું બધું કામ જાતેજ કરું....... પણ આજે ઉપરી ઓફિસમાં ખુબજ જરૂરી કામ હતું એટલે મેં મારા ડોક્યુમેન્ટ સ્કેન કરવા પ્યુન નું કામ કરતા વ્યક્તિ ને આપ્યા. તે ડોક્યુમેન્ટ સ્કેન કરી લાવ્યો અને મને આપી કોઈ પણ શબ્દ બોલ્યા વગર ગયા. મેં પેન ડ્રાઈવમાંથી બધાના ડોક્યુમેન્ટ ઓફિસ ના ઈમેલ પર સેન્ડ કરી દીધા. આ સમય લગભગ પાંચ થી દસ મિનિટ નો હશે. ત્યાં.....
પ્યુન ભાઈ બીજા પ્યુન જોડે ખૂણામાં વાત કરતા જોયા જે લગભગ આવું પ્રથમ વાર બન્યું હતું. થોડી વાર થઈ ત્યાં તે ક્લાર્ક જોડે એક ખૂણામાં ધીમા અવાજે ખૂસ પુંસ કરતા જોયા. મને વાત ના સમજાણી એટલે મેં ક્લાર્ક ને પૂછ્યું કે," શુ થયું છે ?" તો ક્લાર્ક જવાબ આપ્યો," કઈ નહીં સર." આજનો આખો દિવસ મેં જોયું તો બધા અંદરો અંદર કાનમા કાન નાખી વાતો કરતા જોયા. થોડી વાર પછી એક મેડમ વાતો કરતા નજરે પડયા. જેવી વાત પૂરી થઈ એટલે મેડમ વોશબેસીન તરફ ગયા અને પોતાના હાથ મોઢું ધોયું અને પોતાના ઉપર પાણીનો છાંટકાવ કર્યો. અને રામ... રામ... બોલતા પોતાની જગ્યા પર ગુસ્સા સાથે બેસી ગયા. મારી સમજમાં કોઈ વસ્તુ આવતી ના હતી. મેં એક બે વ્યક્તિ ને પૂછ્યું પણ દરેકે મારીથી થોડે દૂર ઊભા રહીને જેમ કઈ બન્યુજ નથી તેમ વાત ને ટાળી દીધી. આજનો રીસેસ સુધીનો સમય આમજ પસાર થઈ ગયો. આજે રીસેસમાં બધા પોત પિતાની કેબીન માજ ભોજન લીધું. હું બહાર નીકળ્યો કોઈએ મને પૂછવાની પણ તસ્દી આજે ના લીધી. હું બધા ને પૂછ્યું પણ કોઈએ મને સીધો જવાબ ના આપ્યો અને નીચું જોઈને ખાવા લાગ્યા. હું બાથરૂમ માં ગયો. હાથ ધોઈ ધીમેથી બહાર નીકળતો હતો ત્યાંજ એક ક્લાર્ક બીજાને બાથરૂમ પાસે સિડી ની બીજી બાજુ એક બીજા સાથે વાતો કરતા હું સાંભળી રહ્યો. આમ તો હું કોઈની વાત સાંભળવા રાજી નથી હોતો પણ તે દિવસે હું થોડું સાંભળી શક્યો જેમાં મારી વાત હતી એટલે પછી મેં પુરી વાત સાંભળવાનો નિર્ણય કર્યો. વાત જાણે એમ હતી કે,
" અરે! સાહેબ. આપણે બધા એમની પરમાર અટક અને ભદ્રેશ નામ અને એમનો દેખાવ, રુઆબ જોઈને લાગતુજ નહોતું કે સાહેબ આવા હશે ? આતો પેલો પ્યુન તેના કાગળ ને સ્કેન કરવા લઈ ગયો અને તેણે ડોક્યુમેન્ટ વાંચ્યા એટલે ખબર પડી. નહીતો આપણે એમને બીજાજ સમજી એની સાથે રહેત અને તેની સાથે ભોજન પણ કરેત. અરે! પાણી પણ આપણે ભેગું રાખીયે છીએ. આવું પાપ આપણાથી કેવી રીતે થય ગયું!!! હવે આપણે આ બધું બંધ કરવું પડશે, પાણી પણ અલગ રાખવું પડશે, અને આપણે બધા જમવા પણ અલગ જ બેસવું પડશે. આતો ઠીક છે આપણને ખબર પડી નહીતો એતો આપણી સાથે આમજ ખયા વગરજ રહેતો હોત ને!!! સારું થયું આપણે થોડા દિવસમાં બચી ગયા. નહીં તો આપણે બધા અભડાઈ જાત.."" વગેરે વગેરે.. મારાથી આ વાતો ના સાંભળી શકાય એટલે હું ત્યાંથી મારી ઓફિસમાં જતો રહ્યો. પણ હજુ મારા મગજમાં વાત બેસતી ના હતી કે મારા વિશે વાત હતી પણ એ લોકો શુ કહેવા માંગતા હતા ?
તે દિવસ થી ઓફિસમાં બધા નું ભોજન અલગ થઈ ગયું. થોડા દિવસ પછી એ બધા સાથે જમવા લાગ્યા પણ હું મારી કેબીન માજ બેસતો. તેઓ મારી સાથે દૂર થીજ વાતો કરતા. કોઈ કાગળ આપવો હોય તો પણ દૂર થીજ ટેબલ પર મૂકી ચાલ્યા જતા. પાણી માટે બે વ્યવસ્થા થઈ ગઈ. એક મારી ઓફિસ માજ અને બીજી તેઓ માટે અલગ..ધીમે ધીમે હું બધી વાત સમજવા લાગ્યો. હજુ બધા કર્મચારીઓ ખુસપુસ વાતો કરતા. પણ મેં મારા વ્યવહાર બદલ્યો કોઈને કઈ ના કહ્યું. હું પણ હવે એકલો રહેવા ટેવાતો હતો.
આ વાત ના બે ત્રણ દિવસ થયા હશે કે કર્મચારીઓની વાત ગામમાં પણ થઈ હશે. એક દિવસ ગામ ના સરપંચ આવ્યા અને બીજા કર્મચારીઓ ના ટેબલ પાસે જઈ ને કાનમાં કાન નાખી વાતો કરવા લાગ્યા. થોડી વાર થાય એટલે એક ટેબલ, પછી બીજું ટેબલ આમજ બધા ટેબલ ફરી વળ્યાં. હું પણ હવે ખુબજ વિચારમાં ખોવાયો હતો. કે શું છે વાતમાં ? શુ થયું કે હું હરિજન છું તો ? (નોંધ:- હાલ સરકારી નિર્ણય મુજબ હરિજન શબ્દ વાપરી ના શકાય , તેની જગ્યાએ પર એસ.સી. વાપરવું. પણ અહીં વાર્તા ને અસરકારક અને જે કહેવાની અર્થ છે તે દરેક વ્યક્તિ ના દિલ સુધી પહોંચે તે માટે વાપરેલ છે. )શું મારા શરીરમાં લોહી નો રંગ અલગ છે ? શુ હું માણસ ની વ્યાખ્યામાં નથી આવતો ? શું મેં જન્મ નથી લીધો ? મારામાં અને આ લોકોમાં શુ તફાવત હશે ? મારા ઘરમાં કોઈ નોન વેજિટેરિયન નથી. કોઈ શરાબ પીતું નથી. અમે પણ ભગવાન - માતાજી ની પૂજા કરીયે છીએ. અમને પણ દર્દ થાય છે. જે ભગવાને દરેક ને આપ્યું તેજ અમને આપ્યું તો આ બધું શુ છે ? એમનામાં અને મારામાં શુ અલગ છે જે મને નીચ બનાવે છે. શુ મારી ખાલી જાતિ હરિજન હોવાથી હું નીચ થઈ ગયો ? શુ માણસ ની આવડત, તેની વ્યવહાર, સંસ્કાર નું કોઈ માન નહીં ? તો શું આ લોકો શરાબ નથી પિતા ? વેંચતા નથી ? શુ આ લોકો નોન વેજિટેરિયન નથી ખાતા ? અરે પોતાના ઘરે નહીં ખાતા હોય પણ બીજા ગરીબ ના ઘરે કે વાડીઓમાં જઈ બનાવી ને તો ખાયજ છેને!! તો શું ખાલી જન્મ જ ઊંચ અને નીચ ના ભાગલા પાડે છે. શુ આ લોકો ને જીવવાનો કે નોકરી કરવાનો કે સમાજમાં રહેવાનો અધિકાર નથી!! આવા વિચારોએજ મારું માથું દુખતું કરી નાખ્યું. હું વ્યાકુળ બની ગયો. જ્યા વ્યક્તિ ની આવડત નહીં માત્ર જન્મજ સર્વો પરી છે ત્યાં મને હવે ખુબજ વ્યાકુળતા લાગવા લાગી. હું પોતાને ધિક્કારવા લાગ્યો. મને જે ગામ ખુબજ ગમતું હતું તેજ ગામ હવે છેલ્લી કોટી નું લાગવા લાગ્યું. મને અમદાવાદ જ સારું લાગવા લાગ્યું. કે જયાં હું કોઈને મારી જાત કઈ શકતો હતો પણ ત્યાં કોઈ પાસે સમય જ ક્યાં હતો જાત પૂછવાનો. તમે અને તમારું કામ , બીજા કોઈને કોઈ ઓળખાતુજ નથી. બાજુમાં " તમે કેવા ?" એવો સમયજ નહોતો. તમે ચા પીવા બેસો. ચા નાસ્તો પૂરો કરો, રૂપિયા આપો ને ચાલતી પકડો. આવો સમયજ કયા હતો ? અહીં એક જાત માટે દિવસો ના દિવસો બગાડી નાખે છે લોકો. અરે જાણે કોઈ આતંકવાદી હોય એવું ફિલિંગ કરાવે છે અહીંના લોકો. અરે ! આ એજ્યુકેટેડ લોકો પણ ત્યાંના વાતાવરણમાં ભળી ગયા હતા. હું વિચાર માને વિચારમાં ખોવાઈ ગયો. મને કોઈ કામમાં મન ના લાગ્યું. અને ક્યારે સાંજના 6 વાગ્યા ખબર ના રહી. દિવસ પૂરો, ઓફિસનું કામ પૂરું કરી હું ઘરે ગયો.
હજુ હું બુટ મોજા કાઢતો હતો ત્યાંજ મકાન માલિક આવ્યા. બહારજ ઊભા રહયા. મેં અંદર આવવા આવકાર આપ્યો. પણ !!! મેં પાણી નો ગ્લાસ આપ્યો. પણ!!! પછી તે બોલ્યા : " સાહેબ, ઘર ને કલર કરવો છે, અને મારો ભાઈ પણ રહેવા આવવાનો છે તો તમે બીજું ઘર શોધી લેજો. અને શક્ય બને તો એક બે દિવસ માજ ખાલી કરી દેજો." હું એમની બધી વાત સમજી ગયો. કેમકે કલર તો એમને હમણાજ કરાવેલ હતો. ભાઈ તો સારા મકાનમાં રહે છે. મેં કહ્યું ," હા, બીજું મકાન શોધું છું અને ખાલી કરી આપીશ." તેમને જતા જતા કહ્યું," થોડી ઉતાવળ રાખજો."
હું ગામમાં સાત થી દસ ઘરે ગયો, ભાડા માટે. પણ કોઈએ ના આપ્યું ,જે લોકો પેલા મને ફોર્સ કરી આપવા તૈયાર હતા તેઓ પણ પોતાનું ખાલી મકાન પણ આપવા રાજી ના હતા. મકાન ની કયા વાત કરવી. કોઈએ મને પાણી નું પણ ના પૂછ્યું. અને ઘરમાં બેસવાનું પણ ના કહ્યું. બધાએ મને ઘરની બહારથીજ જવાબમાં ના સંભળાવી દીધી. અંતે હું થાક્યો પાક્યો અને વિચારો થી ભાંગી તૂટેલો જતો હતો ત્યાં ગામની બહાર રહેતા એક ભાઈ મળ્યા. તેમને કહ્યું ," સાહેબ તમને વાંધો ના હોય તો અમારે બે રૂમ છે, એક રૂમ તમને ભાડે આપીએ. મેં સામે જોયું અને મારી ઉત્સાહ વધ્યો. પણ તે ભાઈ ને ક્યારેય જોયેલા ના હતા. એટલે આશ્વર્ય થયું. ત્યાંજ એજ ભાઈ બોલ્યા કે આપણે નાત ભાઈઓ છીએ. હું સમજી ગયો. આખી રાત મારી આંખી બંધ ના થઇ અને આંખી માંથી ગંગા-જમના વહેતી રહી. મેં ઘર પર પણ વાત ના કરી. સવાર પડી ચા- નાસ્તો કરી હું જવા તૈયાર થયો. જેવો હું ઘર બહાર નિકળ્યો કે સામે પાછા મકાન માલિક. " સાહેબ , ઘર વ્યવસ્થા થઈ કે નહીં ?" મેં કહ્યું , થઈ જશે એટલે મકાન ખાલી કરી દઈશ.હું બેન્ક ભણી ગયો. વચ્ચે જેટલા મળે તે બધા મારી સામે જોઈ રહેતા પણ કોઈ કઈ બોલાતું નહોતું. જ્યારે રોજ બધા, " કેમ છો સાહેબ ?" બોલતા હતા. પણ આખા ગામમાં મારી બેન્ક ના કર્મચારીઓ એ વાત ને વાવાઝોડાની માફક ફેલાવી દીધી હતી.
હું બેન્કમાં મારી કેબીનમાં ગયો. કેશ કાઢી. રોજિંદી કામગીરી ચાલુ કરી પણ મારું મગજ વિચારો ના વંટોળમાં ખોવાયેલું હતું. ત્યાંજ સરપંચ આવ્યા. બધા કર્મચારીઓને મળ્યા. મને લાગ્યું કઈક બેન્ક નું કામ હશે ? પણ મને નહોતી ખબર કે સરપંચ ગામમાં નવરા જ હોય છે. થોડી વાર થઈ અને પછી તે મારી કેબીનમાં આવ્યા. મેં એમને બેસવા કહ્યું. તે બેસી ગયા. અને ગામની બધી વાતો કરવા લાગ્યા. પછી ધીમે ધીમે તે ગામના લોકો ની વાતો ચાલુ કરી. પોતાના અને પછી જાત ના વખાણ કરવા ચાલુ કર્યા કે " અમે ઊંચ જાત ના છીએ એટલે કોઈ નીચ જાત નું ખાઈએ નહીં, પાણી પણ ના પી શકીએ. અમારા ગામમાં તે બધા ગામમાં છેલ્લે રહે. જ્યા તેમના ઝુંપડા છે. પાણી હોય ના હોય, ગંદકી હોય. એમને એમાં કાંઈ ના થાય. માણસ જેવું કોઈ કામ ના હોય એમને. ખેતરમાં ઢોર જેમ કામ કરવાનું, ગટર સાફ કરવાની, ગામ ના રોડ સાફ કરવાના, બસ આવાજ સાફ સફાઈ ના કામ. અમે સાહેબ ઊંચ જાત ના. અમે હુકમ કરવાજ જન્મ્યા છીએ. આ લોકોને તો નાહવામાં પણ ખબર ના પડે. બે ટંક નો રોટલો મળી જાય તો ગમે ત્યાં ખાઈ લે." વાતમાં વિરામ લીધો.
સરપંચ સાહેબનો વિચાર હતો, કે હું કઈક બોલું તો તે પિતાનું કામ પાર પાડે પણ હું કઈ બોલ્યો નહીં અને ખાલી માંથું ધુણાવ્યું. પણ પેટમાં દુઃખે તે કેમ મટે ? મટાડવું તો પડે ! ગામના બીજા લોકો ની વાત ચાલુ કરી. જાત પાત ની વાતો ચાલુ કરી. પણ હું ચૂપ રહેવામાંજ ચાલાકી સમજાતો હતો. પણ મારું મન ખુબજ વ્યાકુળ અને હવે તો હજાર ડિગ્રી તાપમાન થઈ ગયું હતું. હું કોઈ વિચાર કરી ના શકતો હતો. મેં મનમાં પ્રાથના કરી કે ," હે ભગવાન , આ અહીંથી જલદી જાય." પણ જ્યા સુધી પેટ ના મટે ત્યાં સુધી જાય તે બીજા. ફરી તેમને ઊંચનીચની વાતો ચાલુ કરી. અને મારો મગજ ભૂલી ગયુ કે મારે ચૂપ રહેવાનું છે. મેં સરપંચ ને પૂછી લીધું, " તમારા ઘરમાં સંડાસ કોણ સાફ કરે છે ? સાહેબ." , " તમારું લોહી સફેદ રંગનું છે ?", " ત્રણ દિવસ પહેલા તમે અને બીજા ગામના વગ વળા ઊંચ લોકો વાડીમાં નોનવેજ અને શરાબ પાર્ટી કરી હતી."
જોઈતું હતું ને ઢાળ મળી ગયો. સરપંચ સાહેબ બોલ્યા," તમને મકાન ખાલી કરવાનું કહ્યું છે, તો બીજું મકાન શોધી લીધું ?", " તમારા ઘરમાં પપ્પા શું કરે છે ?", " તમે રહો ત્યાં બધા આજુબાજુમાજ રહે કે અહીંની જેમ દૂર રહે ?", આવી વાતો કરવા લાગ્યા. પણ હું પાછો મન પર કાબુ રાખી બધી વાત ગળી ગયો અને કામ કરવાનો ઢોંગ કરવા લાગ્યો. હવે સરપંચની પણ ધીરજ ખોવાય હતી. તે પણ ઘંઘળાં થઈ ગયા હતા. તેને જે પૂંછવું હતું તે તેના પેટમાં ચુળ ની જેમ ખૂંચતુ હતું. અંતે તે ધીરજ ખોઈ બેઠા અને મને પૂછ્યું,
" તમે કેવા ?"
મેં આ ના સાંભળ્યું હોય તેમ કામમાં ધ્યાન આપ્યું.
તે ફરીથી થોડું જોર થી બોલ્યા,
" આમ તમારી જાત કઈ ?"
હવે આટલા દિવસ નું પરમાણુ બૉમ્બ મારા અંદર જે સળગી રહ્યો હતો તે ફૂટી ગયો.
હું મારી જગ્યા પરથી ઊભો થઇ ગયો , બધી વસ્તુ જે હાથમાં હતી તે મેં ફેંકી દીધી અને જોરથી રાડ પાડી ને બોલી ઉઠ્યો,
" હા... હા... હા... હું હરિજન છું, હું હરિજન છું. પણ હું માણસ છું."
આખી ઓફિસ અને આવેલા લોકો મારી કેબીન સામે જોઈ રહયા. સરપંચ ઊભા થયા અને ધુઆ પુઆ થતા ચાલવા લાગ્યા. બોલવા લાગ્યા. એક તો છે હરિજન ને પાછો રોફ કરે છે. ચાલા ની નોકરી ના મુકાવું તો મારું નામ નહીં.... ગામમાં રહેવાનું હરામ કરી દઉં. ગામમાં શાંતિથી જીવવા ના દઉં. અને તે બહાર જતા રહયા. બધા પોતપોતાના કામમાં લાગી ગયા પણ નાટક. બધા એક બીજા સામે જોઈ હસતા હતા અને મારી બેઇજ્જતીથી ખુશ થયા હતા.
મેં તરતજ કમ્પ્યુટર ઓપન કરી હેડ ઓફિસમાં બદલી માટેની અરજી કરી. જેમાં મેં કોઈ મોટું સીટી કે કોઈ ગુજરાત બહાર જ્યા કોઈ મારી જાત ના જણાતું હોય કે મારી જાત સાથે લેવા દેવા ના હોય તેવી જગ્યા પર તાત્કાલિક બદલીની માંગણી કરી. ઈમેલ કર્યો. અને હું બે દિવસની રજા મૂકી જતો રહ્યો. ઘર પર ગયો ને વાહન મંગાવી બધો સામન ભર્યો ને અમદાવાદ જતો રહ્યો. ઘરના બધા સભ્યો મને પૂછવા લાગ્યા પણ હું કોઈને જવાબ દેવા સક્ષમ ના હતો. બે દિવસ પછી મારા ઈમેલ પણ મારી બદલીની અરજી નામંજૂર થયેલ ના મેસેજ આવ્યો. કેમકે મારી નોકરીનો એકજ મહિનો થયો હતો. પણ હું ત્યાં નોકરી કરવા કોઈ કાળે તૈયાર ના હતો. મેં તરતજ લેપટોપ ખોલી ઈમેલ કર્યો. ઈમેલ હતો, " રાજીનામુ".
પણ આ સમય મને મારી જિંદગીની એક દુઃખદ ઘટના બનાવી ગયો. જે મેં ક્યારેય નહોતું વિચાર્યું તે જાત પાત નો પાઠ મને પ્રેક્ટિકલ રીતે ભણાવી ગયો.
:::::રાજ:::::
આ એક વાર્તા છે જે હાલ પણ ગામડામાં અનુભવી શકાય છે. સીટીમાં પણ તેનો થોડો ઘણો અનુભવ થાય છે. આ વાર્તામાં માત્ર નાયકનેજ નામ આપવામાં આવ્યું છે. જેથી કોઈ બીજી જ્ઞાતિ ને ખોટું ના લાગે. આ એક સમાજ ને જાત પાત થઈ જાગ્રત અને ઉજાગર કરવા માટેની વાર્તા છે. કોઈ જ્ઞાતિ ને નીચું જોવા કે ઊંચું બતાવવા માટે નથી. પણ સમાજ ને જાગ્રત થવાની જરૂર છે. જે હાલ પણ થઈ રહ્યું છે. આ વાર્તામાં જે "હરિજન" શબ્દ વાપરેલો છે તે હવેથી એસ.સી. વાપરવા નો પરિપત્ર થયેલ છે. પણ અહીં વાર્તા ની અસરકારકતા લાવવા આ શબ્દ ઉપયોગ કરેલ છે. કેમ કે એસ.સી. શબ્દ વાપરવાથી તે વાર્તા નો મુખ્ય ઉદ્દેશ્ય ઊડી જાત અને આધુનિકરણ જેવું બની જાત. એટલે દરેકની માફી માંગુ છું.
