STORYMIRROR

Raj Dabhi

Children Stories Children

4  

Raj Dabhi

Children Stories Children

કાગડાભાઈ સાયન્ટિસ્ટ

કાગડાભાઈ સાયન્ટિસ્ટ

3 mins
384

એક મોટું જંગલ હતું. જંગલમા કેટલાય પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુઓ રહેતા હતા. બધા પ્રાણીઓ ખૂબ જ ખુશ રહેતા હતા. પક્ષીઓના કલરવથી જંગલ ગુંજી ઊઠતું. બધા પ્રાણીઓ અને પક્ષીઓ જંગલમાં ખુબ જ ખુશ હતા. 

જંગલની બાજુમાં એક ગામ હતું. ગામના લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ અને ફળો જંગલમાંથી મેળવતા. 

એક વર્ષ વરસાદ વરસ્યો નહીં. જંગલની નદીઓ અને તાલવમાં ધીમે ધીમે પાણી સૂકાતું ગયું. જંગલના પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓ પાણી વગર ટળવળવા લાગ્યા. બાજુના ગામમાં પણ લોકો પાણી વગર ખૂબ મુશ્કેલી અનુભવવા લાગ્યા. આમજ થોડા દિવસ પસાર થયા.  

એક દિવસ એક કાગડો ઊડતો ઊડતો આ જંગલમાં આવ્યો. તે ખૂબ દૂરથી આવ્યો હોવાથી ખૂબ જ તરસ્યો અને ભૂખ્યો હતો. કાગડો જંગલમાં આમ-તેમ ખૂબ ભટક્યો પણ તેને કોઈ જગ્યાએ પાણી મળ્યું નહિ. કાગડાએ ખૂબ ઊંચે ઊડીને નીચે જોયું પણ પાણી દેખાયું નહિ. તે થોડો આગળ ગયો ત્યાં તેને એક નદી જોવા મળી, તેને થયું નદીમાં પાણી હશે ! તેણે ત્યાં જઈને જોયું, પણ નદી તો સુખી ભઠ્ઠ! તે નિરાશ થઈ ગયો. તેને ખૂબ જ તરસ લાગી હતી. તે હિંમત ભેગી કરીને થોડોક આગળ ગયો ત્યાં તેને ત્યાં દૂર એક તળાવ દેખાયું. તાપના કારણે તળાવમાં તેને પાણી જેવું દેખાયુ. તેણે ત્યાં જઈને જોયું તો, તળાવ પણ ખાલી ખમ! તે ખૂબ થાકી ગયો હતો તેથી તે ધીમે ધીમે આગળ વદ્યો. 

તે જંગલમાં જતો હતો ત્યારે તેની સામે તેને મોર, ચકલી, પોપટ, ગીધ, સમડી, બગલો અને બતક જેવા પક્ષીઓ મળ્યા. તે બધાને કાગડાભાઈએ પાણી વિશે પૂછ્યું કે, "પાણી કોઈ જગ્યાએ છે ?"  

બધા પક્ષીઓ એ કહ્યું, "અમે પણ ખૂબ જ તરસ્યા છીએ, અમે પણ પાણી શોધી રહ્યા છીએ." 

કાગડાભાઈ વાત સાંભળી આગળ ચાલવા લાગ્યા. તેમને વિશ્વાસ હતો કે પાણી મળશે જ. કાગડાભાઈ આગળ ગયા ત્યાં એક વૃક્ષ નીચે એક કબૂતર થાકી ને તરસ્યું આરામ કરતું હતું. 

કાગડાભાઈએ કબૂતર ને પૂછ્યું, "કોઈ જગ્યાએ પાણી છે?" 

કબૂતરે કહ્યું, " આમ તો આખા જંગલમાં પાણી નથી , પણ એક ઝાડ નીચે એક મોટો કુંજો છે. તેમાં થોડું પાણી છે. તે એટલું ઊંડું છે કે અમે તે પી શકતા નથી."

 કાગડાભાઈએ કબૂતર ને કહ્યું, " તે કૂંજો મને બતાવો." 

કબૂતર કાગડાભાઈને  કુંજા પાસે લઈ ગયું. કાગડાએ કુંજો જોયો. તે ઊડીને તેના કાંઠા પર બેસીને પાણીનું નિરીક્ષણ કર્યું.

કાગડાભાઈએ થોડું વિચારીને કબૂતરને કહ્યું, " તમે અહીજ રહેજો, હું આ ગયો અને આ આવ્યો !"

 કાગડો ઊડતો ઊડતો બાજુના ગામમાં ગયો. ત્યાં તેણે એક ઘર પાસે પાણીની પાઇપ (નળી) જોઈ. કાગડાએ તે નળી ચાંચમાં પકડી અને ઊડવા લાગ્યો. તે ઊડતો ઊડતો જંગલમાં આવ્યો.

કાગડાની ચાંચમાં આવી લાંબી વસ્તુ જોઈ બધા પક્ષીઓને કૌતુક થયું, અને પૂછ્યું, " કાગડાભાઈ ચાંચમાં આ શું લઈને જઈ રહયા છો ?"

કાગડાભાઈએ કહ્યું, "તમારે તમારી તરસ છીપાવવી છે ? તો ચાલો મારી સાથે."

બધા પક્ષીઓ કાગડાભાઈની મદદ કરવા માટે નળી ઉપાડવા લાગ્યા. બધા પક્ષીઓ કુંજા પાસે આવ્યા. નળી નીચે મૂકી. બધા પક્ષીઓ વિચારમાં પડયા કે, "કાગડાભાઈ હવે શું કરશે ?"

કાગડાભાઈ ઊડયા અને નળીનો એક છેડો કુંજામાં રહેલા પાણીમાં ડૂબી તે રીતે કુંજામાં રાખ્યો. બીજો છેડો તેણે બહાર રાખ્યો. કાગડાભાઈએ મોર ભાઈને કહ્યું, "મોરભાઈ આ નળીના બીજા છેડેથી હવા ખેંચો."

મોરભાઈએ પોતાની ચાંચ નળીમાં નાખી અને હવા ખેંચી.પણ પાણી બહાર આવ્યું નહીં. બધા પક્ષીઓ ખુબજ હસવા લાગ્યા. અને બોલવા લાગ્યા. કાગડાભાઈએ કહ્યું , " મોરભાઈ થોડી વધારે જોરથી હવા ખેંચો."

મોરભાઈએ નળીમાં રહેલ હવા જોરથી ખેંચી. પાણી થોડું ઉપર આવ્યું પણ બહાર આવ્યું નહીં. બધા પક્ષીઓ કાગડાભાઈ પર હસવા લાગ્યા. કાગડાભાઈ બોલ્યા, "હસો નહીં ! થોડીવાર રાહ જુઓ." તમને પાણી મળશે જ. 

કાગડાભાઈ વિચાર કર્યો. પછી નળીનો બીજો છેડો થોડો લાંબો કરી કુંજાના પાણીથી નીચે કર્યો. અને ઢેલ બેનને કહ્યું, " ઢેલ બેન તમારો અવાજ વધુ છે, તમે હવે ખૂબ જોરથી હવા ખેંચો."

ઢેલ બેને નળીના બીજા છેડામા પોતાની ચાંચ રાખી હવા ખેંચી. જેવી હવા ખેંચી કે કુંજાનું પાણી બહાર આવવા લાગ્યું. અને ત્યાં ખાબોચિયું ભરાઈ ગયું. બધા પક્ષીઓએ ખુશ ખુશ થઈ પોતાની તરસ છીપાવી. આજુ બાજુમાં રહેતા દેડકા, ખિસકોલી અને ઉંદર જેવા પ્રાણીઓએ પણ ત્યાં પાણી પીધું અને ખુશ થયા.

બધા પક્ષીઓ કાગડાભાઈની આ યુક્તિ જોઈને એક સાથે બોલી ઊઠયા, " કાગડાભાઈ સાયન્ટિસ્ટ."


સામગ્રીને રેટ આપો
લોગિન