પાલી… પાલી.. રમવા જઈશું...?
પાલી… પાલી.. રમવા જઈશું...?
એક મજાની વાડી. વાડીમાં નાનકડી ઝૂંપડી…ને આ નાનકડી ઝૂંપડીમાં ભોલુ અને ગોલુ તેના મા-બાપ સાથે રહે. આ પરિવારમાં એક નાની એવી બકરી પણ રહેતી. સૌએ તેનું નામ પાડેલું પાલી. આ પાલી પરિવારમાં બધાંની વ્હાલી ! સૌ તેની બહુ કાળજી રાખે. નજરે જોતા તે કહેતા કે જીવાને બે નહીં ત્રણ સંતાન છે. ભોલુ-ગોલુ ને ત્રીજી પાલી !
જીવો અને તેની પત્ની વાડીનું દરેક કામ સંભાળે. એમાંથી જે કંઈ આવક થાય તેમાંથી પરિવારનું ગુજરાન ચાલે ને વાડીના માલિકને પણ તેનો ભાગ મળે તેથી વાડીનો માલિક પણ ખુશ ને જીવો પણ ખુશ !
ભોલુ-ગોલુ હજુ નાના હતા. મા-બાપ વાડીમાં કામ કરતાં હોય ત્યારે તે ઝૂંપડીની આજુબાજુમાં જ પાલી સાથે રમ્યા કરતા. થોડો સમય પસાર થયો. બન્ને થોડા મોટા થયા. હવે તે ઝૂપડીથી થોડે દૂર જતા થયા. પાલી ત્યાં ચારો ચરતી ને પાણી પીતી. ભોલુ-ગોલુ પોતાના મિત્રો સાથે ગિલ્લીદંડો, પકડદાવ, મીની ઠેકામણી કે સંતામણી દા જેવી રમતો રમતા અને સાંજ પડતા જ પાછા ઝૂંપડીએ આવી જતા.
એક સમયની વાત છે. ઉનાળાના આકરા તાપ પછી ચોમાસુ આવી પહોંચ્યું.કેટલાય દિવસ સુધી વરસાદ પડ્યા પછી ધીમે ધીમે વાતાવરણ ચોખ્ખું થતું જણાયું. ભોલુ-ગોલુને થયું કે હમણાંથી રમવા જવાયું નથી.આજે તો તડકો નીકળી ગયો છે તો મિત્રો સાથે મળીને રમત રમીએ.
તે બન્નેએ હંમેશ મુજબ પાલીને પૂછ્યું, “પાલી પાલી રમવા જઈશું? ઊંચે ડુંગરે ચડવા જઈશું?”
સાંભળીને પાલી જાણે હા પાડતી હોય તેમ બેં…બેં….કરતી આગળ ચાલવા લાગી.રસ્તામાં બીજા મિત્રો પણ રાહ જોતા હતા.ધીમે ધીમે કરતા આઠ-નવ જણાની ટોળી થઈ ગઈ ને ઉપડી નદીના સામે કાંઠે આવેલ ડુંગર પાસેના મેદાનમાં. સુંદર મેદાનમાં સૌ મસ્તીથી રમવા લાગ્યા ને પાલી તો મનગમતો ચારો ચરવામાં મશગૂલ થઈ ગઇ.
સૌ મન મૂકીને એટલા રમ્યા..એટલા રમ્યા કે કલાકો પસાર થઈ ગયા તેની કોઈને ખબર પણ ન રહી. કલાકો જ નહીં ચોખ્ખા ચણાક આકાશમાં કાળાં કાળાં વાદળાં છવાઈ ગયા તેની પણ કોઈને ખબર રહી નહીં ને ટપ.ટપ..કરતા છાંટા માથા પર પડ્યા ત્યારે યાદ આવ્યું કે સૌના ઘર દૂર છે..વચ્ચે નદી પસાર કરવાની છે.
હવે સૌ ઘરે જવા ઉતાવળા થયા.ચાલવાથી નહીં પહોંચાય એમ વિચારી મુટ્ઠીઓ વાળીને માંડ્યા દોડવા..માંડ્યા દોડવા..જોતજોતામાં નદી પાસે પહોંચી ગયા.ત્યાં અચાનક ભોલુને યાદ આવ્યું.કહે, “ ગોલુ..ગોલુ…પાલી ક્યાં ?” ગોલુએ પાછળ જોયું તો પાલી નહીં.તેણે ચિંતાથી કહ્યું, “ભોલુ..પાલી તો નથી આપણી સાથે.” ને બન્ને ભાઈઓ ઉદાસ થઈ ગયા.વરસાદ વધતો જતો હતો.એક મિત્ર બોલ્યો, “ભોલુ..નદીમાં પાણી વધી જશે તો આપણે અહીં જ અટવાઈ જશું.પાલીને અહીં જ રહેવા દે..આવતી કાલે લઈ જઈશું.”
પાલીને છોડીને જવાનું ભોલુ ને ગોલુ તો વિચારી જ ના શકે.ભોલુએ કહ્યું, “તમે બધાં થોડીવાર અહીં જ ઊભાં રહો. હું હમણાં જ પાલીને લઈને આવું છું.” કોઈના જવાબની રાહ જોયા વગર ભોલુએ તો દોટ મૂકી ડુંગર તરફ ! આંખો પર પડતાં વરસાદનાં ટીપાં લૂછતો જાય ને પાલી..પાલી કરતો જાય.ત્યાં સામે પાલી દેખાઈ. ભોલુ તો દોડીને તેની પાસે પહોંચી ગયો ને ભેટી પડ્યો ! બન્ને ભીંજાતા ભીંજાતા નદી કાંઠે આવી પહોંચ્યાં.
વરસાદને કારણે નદીમાં પાણી વધી ગયું હતું. સૌ ચિંતામાં પડી ગયાં. થાય કે હવે શું કરીશું? સામે કાંઠે કેમ જઈશું? નાનકડો કિશન તો રડવા પણ લાગ્યો કહે મને તો પાણીની બહુ બીક લાગે છે. ભોલુએ તેને સમજાવીને શાંત પાડ્યો ને કંઈક રસ્તો વિચારવા લાગ્યો. મિત્રો ઉપરાંત તેની એક જવાબદારી વધુ હતી. એ હતી પાલી. તેને પણ સાથે લઈ જવાની હતી.
ગમે તેમ પણ ભોલુ હતો હિંમતવાળો ! કોઈ મુશ્કેલી વખતે ડરવાને બદલે તેમાંથી રસ્તો કેમ કરવો તેની તેનામાં સારી એવી સમજ હતી. તે ચારેબાજુ ધ્યાનથી જોવા લાગ્યો. એક જગ્યા એવી હતી જ્યાં નદી થોડી સાંકડી હતી. ભોલુ બધા મિત્રોને ત્યાં લઈ ગયો. પછી બધાને કહે કે તમે એકબીજાના હાથ મજબૂત રીતે પકડી રાખો. પાણીનું દબાણ આવે તો પણ હાથ છોડશો નહીં.
બધાએ તે પ્રમાણે કર્યું ને એક પછી એક ધીમે ધીમે પાણીમાં ઉતર્યા.બન્ને કાંઠાને જોડતી લાઈન થઈ ગઈ.છેલ્લે રહ્યો ભોલુ.ભોલુએ પોતાના નાનકડા ખભા પર બકરીને ચડાવી.એક હાથથી તેને મજબૂત રીતે પકડી લીધી ને પાણીમાં ઉતર્યો.બીજા હાથ વડે પોતાના મિત્રોનો સહારો લેતો ગયો ને આગળ વધતો ગયો.એમ કરતાં કરતાં મહામુસીબતે તે સામે કાંઠે પહોંચ્યો.પાલીને હળવેથી નીચે ઉતારી ને એક પછી એક પોતાના મિત્રોને બહાર ખેંચતો રહ્યો.ધસમસતા પ્રવાહને કારણે ખૂબ તકલીફ પડી પણ બધા સલામત રીતે બહાર નીકળી ગયા.
સૌએ ભેગા મળીને ભોલુને શાબાશી આપી.કહેવા લાગ્યા કે તારી હિંમત અને સૂઝથી જ આપણે સૌ સલામત રીતે નદી પાર કરી શક્યા.અમને પણ શીખવા મળ્યું કે મુશ્કેલી વખતે ડરીને બેસી રહેવા કરતા હિંમતથી તેનો સામનો કરવો જોઈએ.
બધાં તો ખુશ હતાં જ પણ સૌથી વધુ ખુશ ભોલુ હતો કેમકે બધાએ સલામત રીતે નદી પાર કરી હતી અને પોતાની વહાલી પાલી પણ પોતાની સાથે જ હતી ! પછી તે પાલી પાસે ગયો અને તેને ચીડવતો હોય તેમ કહેવા લાગ્યો,
“પાલી…પાલી…ફરવા જઈશું…?
ઊંચે ડુંગરે ચડવા જઈશું..?”
ને પાલી જાણે વરસાદથી ડરી ગઈ હોય તેમ માથું ઘૂણાવતી ઘૂણાવતી ના પાડવા લાગી. ને બેં…બેં…કરતી ચાલતી થઈ….પોતાની ઝૂંપડી તરફ…!
