કલવીબેન વિયાણાં...
કલવીબેન વિયાણાં...
હજુ તો ઘરનો દરવાજો ખોલ્યો ન ખોલ્યો ત્યાં તો એક ટાબરિયાંનું ટોળું ‘દાદી…દાદી…દાદી..’ કરતું દોડી આવ્યું. કોઈએ મારો હાથ પકડ્યો તો કોઈએ વળી સાડલાનો છેડો. મને બેસાડી દીધી ને આજુબાજુ સૌ ગોઠવાઈ ગયાં. પછી કહે, “દાદી…વાર્તા કહોને..!”
”અરે વાહ! તમારે વાર્તા સાંભળવી છે એમને?”
“હા…..” સૌ સાથે બોલી ઊઠ્યાં. પ્રગતિ કહે, “દાદી! જંગલની, પરીની, નદીની, સૂરજની, દરિયાની… કેટલી બધી વાર્તા સાંભળી લીધી છે. આજે કાંઈક નવી હોય એવી વાર્તા કહેજો હો..!”
“હા, હા, ચાલો આજે નવી વાર્તા. એ એવી વાર્તા જે તમે ક્યારેય સાંભળી જ ન હોય, કારણ કે એ વાર્તા મારા બાળપણની એક વાત છે.”
“ઓહો..તો તો બહુ મજા પડશે સાંભળવાની.” સૌ એક સાથે બોલી ઊઠ્યાં.
“તો સાંભળો. ઘણા સમય પહેલાની આ વાત છે. એ સમયે આજની જેમ ન્હોતા ટીવી કે ન્હોતા મોબાઈલ ફોન કે ન્હોતા આટલાં સાધનો. ભણવાનો સમય બાદ કરતા રમવાનો અને મોજમસ્તી કરવાનો પુષ્કળ સમય મળી રહેતો.
વરસાદ આવે એટલે ભેગા થઈ ન્હાવાનું,
હોડીઓ-કૂબા બનાવવાના ને પૂર જોવા જવાનું!
શિયાળામાં બોર-જામફળ ખાવા જાવાનું,
શેરડીની છાલનાં રમકડાં વનાવવાના,
ઉનાળામાં તો વેકેશન! ને વેકેશનમાં તો મજા જ મજા!
એક દિવસ રજામાં અમે રમી રહ્યાં હતાં. અચાનક ‘વાઉ..વાઉ..વાઉ..’ એવો અવાજ આવ્યો. અમારા કાન ચમક્યાં. અરે! આતો કલવીનો અવાજ! કલવી તો અમારી વહાલી કૂતરી! અમે દોડ્યાં. જોયું તો એક વાહનચલાવનાર તેના પગ પર ચલાવીને જતો રહેલો. પગમાં બહુ વાગેલું તેની પીડા આંખોમાં પણ દેખાઈ આવતી હતી. અમે સૌએ તેના પગ પર પાણી નાખ્યું… પૂંઠાથી થોડી હવા નાખી. થોડીવારે કળ ઊતરતા તે ઊભી થઈને ચાલવા લાગી. ત્રણ પગથી જ! ચોથો પગ જે ભાંગી ગયો હતો તે માંડી શકતી ન હતી.
આ બનાવ પછી તે સતત અમારી સાથે રહેતી. અમે સૌ તેની ખાવાપીવાની કાળજી લેતાં. ધીમેધીમે તે અમારી ટણકટોળીની લાડલી બની ગઈ. અમારી સાથેનો શિવમ મહાભરાડી! અવારનવાર કલવીની પૂંછડી ખેંચી હેરાન કરે ને ક્યારેક વળી હાથમાં રોટલીનો ટુકડો બતાવી પોતાની પાછળ દોડાવે. ક્યારેક કલવી પણ કૂઊં..કૂંઊં..કરતી રીસાઈને એક બાજુ બેસી જાય પણ ખરી.
એક વખતની વાત છે. રવિવારની રજા ને રમવાની પણ મજા. અમે સૌ સવારથી જ નીકળી પડ્યા. બપોર સુધી ખૂબ રમ્યાં. ખૂબ રમ્યાં. અચાનક શિવમને યાદ આવ્યું. આ કલવી કેમ દેખાતી નથી? બધા કહે, “હા.. એતો યાદ જ ન આવી!” પછી તો સૌએ આજુબાજુ જોયું. શેરીઓમાં જોયું. ચોકમાં જોયું. પણ ક્યાંય દેખાઈ નહીં. બધાં તો ઉદાસ થઈને એક ઝાડ નીચે બેસી ગયાં. હવે કલવીને ક્યાં શોધવી તેની ચર્ચા કરવા લાગ્યાં. બહાર ગયેલો અભિ આવ્યો. કહે, “અરે તમે સૌ આમ કેમ બેઠાં છો? કોઈને કાંઈ પ્રશ્ન છે?" બધાં એક સાથે બોલ્યાં,
“કલવીકૂતરી ખોવાણી..ભાઈ ખોવાણી,
ખોવાણી કે પછી રિસાણી..ભાઈ રિસાણી.
ચાલો ખોળવા જઈએ સહુ,
કલવીને મળવા જઈએ સહુ !”
પછી તો બધાં ઊઠ્યાં ને કલવીને શોધવા લાગ્યાં. કોઈના હાથમાં બોલ ને કોઈના હાથમાં ગિલ્લી-દંડા, કોઈના હાથમાં ગરિયા તો કોઈના હાથમાં વળી નાનકડું બેટ. કરિયાણાની દુકાનના શેઠ આ જોઈ ગોળ જોખતા જોખતા બહાર આવ્યા. કહે, “અલ્યા છોકરાઓ, આ બધાં સંપીને આમ ક્યાં નીકળી પડ્યા?”
શિવમ બહુ ઉતાવળો. કહે,
“કલવીકૂતરી ખોવાણી..ભાઈ ખોવાણી,
ખોવાણી કે પછી રિસાણી..ભાઈ રિસાણી.
તેને ખોળવા જઈએ સહુ,
તેને મળવા જઈએ સહુ !”
શેઠ કહે, “ઓહો! એમ વાત છે? શોધો..શોધો… હશે તો આટલામાં જ ક્યાંક. પગે નબળી છે ક્યાં જવાની? લો આ થોડોક ગોળ લેતા જાવ કદાચ માંદી-બાંદી પડી હોય તો ખવરાવવામાં કામ લાગશે.
ટોળીએ તો શેઠનો આભાર માન્યો. ગોળ સાથે લીધો ને આગળ ચાલ્યા. ત્યાં ઘુસાભાઈની ઘંટી આવી. ઘંટીમાં તો ઘઉં દળાય, બાજરી દળાય, જુવાર ને વળી ચણાની દાળ પણ દળાય. ઘુસાભાઈનું ધ્યાન પણ ગયું. તેણે પૂછ્યું, “અલ્યા છોકરાઓ.. આ બધા સંપીને ક્યાં ચાલ્યા?” વળી શિવમ બોલી ઊઠ્યો,
“કલવીકૂતરી ખોવાણી..ભાઈ ખોવાણી,
ખોવાણી કે પછી રિસાણી..ભાઈ રિસાણી.
તેને ખોળવા જઈએ સહુ,
તેને મળવા જઈએ સહુ !”
સાંભળીને ઘુસાભાઈએ કહ્યું, “ઓહો! એમ વાત છે? શોધો..શોધો…હ શે તો આટલામાં જ ક્યાંક... પગે નબળી છે ક્યાં જવાની? લો આ થોડો લોટ લેતા જાવ. માંદી પડી હોય તો રોટલો કરી ખવરાવવાના કામમાં આવશે.”
ટોળીએતો ઘુસાભાઈનો આભાર માન્યો. લોટ સાથે લઈ લીધો ને આગળ ચાલ્યા. આજુબાજુ જોતા જાય. ક્યાંય કલવી ન દેખાય. ઘણા દૂર નીકળી ગયા. ત્યાં એક ઘાણી આવી. ઘાણીમાં તો તેલ પિલાય. તાજું તાજું ને સુગંધીદાર. ઘાણીના માલિક મનુભાઈએ બધાંને સાથે જોયા તો કહે, “અરે… આ તમે બધાં આમ ક્યાં ચાલ્યા?” શિવમ હજુ તો કાંઈ બોલે તે પહેલા જ બધાં બોલી ઊઠ્યાં,
“કલવીકૂતરી ખોવાણી..ભાઈ ખોવાણી,
ખોવાણી કે પછી રિસાણી..ભાઈ રિસાણી.
તેને ખોળવા જઈએ સહુ,
મળવા જઈએ સહુ !”
મગનભાઈ કહે, “ઓહો! એમ વાત છે? શોધો..શોધો… હશે તો આટલામાં જ ક્યાંક... પગે નબળી છે ક્યાં જવાની? લો આ થોડું તેલ લેતા જાવ. માંદી પડી હોય તો કાંઈક ખવરાવજો.”
સૌએ મગનભાઈનો આભાર માન્યો.
લોટ-ગોળ ને હવે તેલ… બધું જ સાથે લઈ ને સૌ આગળ ચાલ્યાં. શોધતાં શોધતાં ક્યારે ગામ બહાર નીકળી ગયાં તેની ખબર પણ ન પડી. ત્યાં એક મોટો વાડો દેખાયો. કોઈની આવન-જાવન વગરનો. અવાવરુ. ઘાસ ઊગી નીકળેલું ને સૂકાં પાંદડાંના ઢગલે ઢગલા. થોડી વાર થઈ ત્યાં તો ‘કૂંઊ…કૂંઊ’ એવો અવાજ આવ્યો. સૌના કાન ચમક્યા. “અરે! આતો આપણી કલવીનો જ અવાજ!”
ધીમે ધીમે સૌ અંદર ગયાં. આજુબાજુ જોયું તો એક ખૂણામાં નાનકડા કંતાન પર કલવી ને તેની બરાબર બાજુમાં સુંદર મજાના નાજુક-નાજુક ને નમણાં-નમણાં ઝીણી ઝીણી આંખો ને નાના-નાના પગવાળા ચાર ગલૂડિયાં ટૂંટિયુંવાળીને પડેલાં! અમે તો આવા તાજા જન્મેલાં ગલૂડિયાં જિંદગીમાં પહેલી જ વાર જોયેલાં તેથી આંખો ફાડી ફાડીને જોવામાં એટલા મશગૂલ થઈ ગયા કે કલવી સામે જોવાનું યાદ જ ન આવ્યું. ને પછી જ્યારે સૌનું ધ્યાન ગયું તો પેટ સાવ ચોંટી ગયેલું. આંખો ઊંડી ઊતરી ગયેલી ને સાવ શાંતિથી પડેલી. સખત ભૂખ અને પીડાથી થાકી હોય એવું લાગ્યું.
અમારામાંથી જ્યારે પણ કોઈ “કલવી... કલવી...” કહીને બોલાવે તો તરત પૂંછડી પટપટાવતી કલવી આજે અમારી સામે પણ માંડમાંડ જોતી હતી ને તરત આંખો બંધ કરી પડી રહેતી હતી. અમને ઘડીભર તો બીક લાગી. આ કલવીને કાંઈ થઈ જશે તો એના નાના-નાના બચ્ચાંનું શું થશે? મને અચાનક મારા દાદીમાની વાત યાદ આવી. તેઓ કહેતાં કે કૂતરીને બચ્ચાં આવે પછી શીરો ખવરાવીએ તો તેને શક્તિ મળે અને પછી એ પોતાનું દૂધ બચ્ચાંને પાય.
યાદ આવ્યું. અમારી સાથે લોટ-ગોળ અને તેલ તો હતું. અમારામાંથી ત્રણ-ચાર છોકરા ગયા ને નજીક્ના ઘેર જઈ શીરો બનાવી લાવ્યા. તેઓ ઘણા જ દયાળુ હતા. સાથે સાથે થોડું પાણી આપ્યું ને બચ્ચાંને ઓઢાડી શકાય તેવું એક કપડું પણ. થોડી જ વારમાં તેઓ આવી ગયા. શીરો ધરતા જ કલવી તો પચક પચક કરતી માંડી ખાવા... માંડી ખાવા... ધરાઈને ખાધું ને પછી પાણી પીધું. તેને પેટમાં હાશ થતી જોઈ અમને પણ બહુ આનંદ થયો.
પણ થયું એવું કે આનંદમાં ને આનંદમાં સમયનું ભાન ન રહ્યું. ઘેરથી બધાં ક્યારના નીકળી ગયાં તેની ખબર પણ ન રહી. થોડીવાર થઈ ત્યાં તો બધાંના પરિવારજનો પોતાના બાળકોને શોધતાં શોધતાં વાડા પાસે આવી પહોંચ્યાં. સૌ કોઈ ગુસ્સામાં ને ચિન્તામાં હતાં. પણ આ બધામાં અભિ બહુ જ શાંતિથી ને વ્યવસ્થિત વાત કરવાવાળો હતો. તેમણે બધી જ વાત વડીલોને કરી, કલવીની શોધથી માંડીને તેને આવેલાં ગલૂડિયાં અને શીરો ખવરાવ્યા સુધીની વાત સાંભળી બધાંનો ગુસ્સો શાંત થઈ ગયો..સૌને પોતાના બાળકોએ કરેલું આ કામ ગમ્યું.
સૌ કહેવાં લાગ્યા, “પશુ-પંખી-જંતુ તમામમાં જીવ હોય છે... અને એ આપણાં મિત્રો જ કહેવાય. તેની મદદ કરવી... સેવા કરવી એ પણ પુણ્યનું જ કામ છે.” પછી અમે સૌ આનંદ કરતાં કરતાં ઘેર જતાં હતાં ત્યાં રસ્તામાં મગનભાઈની ઘાણી, ઘુસાભાઈની ઘંટી ને શેઠની દુકાન આવી.
બધાને સમાચાર આપ્યા,
“ના કલવીબેન ખોવાણાં-
ના કલવીબેન રીસાણાં-
કલવીબેન તો વિયાણાં... ભાઈ વિયાણાં !”
બધાને આ સમાચાર સાંભળી આનંદ થયો ને અમે પણ પારવગરના હરખ સાથે ઘેર ગયાં. “મજા પડીને બાળકો મારી બાળપણની વાર્તા સાંભળવાની?”
“હા દાદી... બહુ જ મજા પડી હો. પણ એ તો કહો... પેલાં ગલૂડિયાંનું શું થયું પછી?”
“અરે, એની પણ બીજી અનેક વાર્તાઓ થાય તેવું છે. તમે જ્યારે કહેશો ત્યારે કહીશ હો… અને હા તમે સૌ મોબાઈલ અને કમ્પ્યુટરની ગેમ રમવામાં બહુ વ્યસ્ત ન થઈ જતા… ઘરની બહાર નીકળજો. ખૂબ રમજો... ઝાડે ચડજો... પાણીમાં છબછબિયા કરજો ને પશુ-પંખીઓને તમારા દોસ્ત બનાવજો. આજે જેમ હું કહી શકી તેમ તમે પણ મોટા થઈને કહી શકો ને કે, “મને સાંભરે રે મારું બાળપણ” ખરુંને?
