Bhartiben Balubhai Gohil

Others

3  

Bhartiben Balubhai Gohil

Others

અભિઉત્સવ

અભિઉત્સવ

3 mins
13.9K


‘આ અડિયલ કબાટ પણ… બારણું ખોલતાની સાથે જ કડડક... કડડક એવું પોકારી ઊઠે. મને ખબર પણ છે તેને શું પેટમાં દુખાવો છે. પણ તેમાંથી મારી અમાનત છે તે જ હું લઉં છું. કંઈ તેનો ખજાનો લૂટીને તો નથી ભાગતો…’ સુધાકર બબડતો રહ્યો. પોતાની આ ગાંડીઘેલી વાતો કોઈ સાંભળતું નથી ને એમ વિચારી તેણે પાછળ ફરીને જોયું પણ ખરું. માથે હાથ દઈ ફરી બબડવા લાગ્યો, ‘હા.. હવે અહીં ક્યાં કોઈ સાંભળવાવાળું છે? સાંભળવાવાળાં હતા તે મા-દીકરો બન્ને સંપીને લાંબી સફરે ચાલી નીકળ્યાં.. ને મને અહીં આ ખંડેર જેવાં ઘરમાં જીવતી એક પગવાળી લાશને હેરાન થવા મૂકતાં ગયાં.’

સુધાકરથી નિસાસો નખાઈ ગયો. શરીર પર કાબુ નહીં રહે તેવું લાગતા ધબ્બ કરતો ખાટલા પર બેસી ગયો. હંમેશની માફક પત્ની-પુત્રની અસામયિક વિદાય.. ને વિદાય પછીની એકલતાની પીડા તેને ઘેરી વળી.

એ જીવલેણ અકસ્માત પહેલાનું જીવન તેને યાદ આવી ગયું. વિવિધ રંગોથી રંગાયેલું કેવું સમૃદ્ધ જીવન હતું એ ! પતિ-પત્ની અને પુત્ર અભિજીત. ઘરમાં માણસો ઓછા પણ માનવીય સંવેદનાથી જીવન જાણે હર્યુંભર્યું હતું. સુધાકરને સાહિત્યસર્જનનો શોખ. ઓછું ભણતર કે મધ્યમવર્ગીયજીવન ક્યારેય તેના સર્જનકાર્યમાં બાધારૂપ બન્યા ન હતા.

પોતાના પરિવારજીવનના વિવિધ રંગો હંમેશાં જાળવી રાખવા  માગતો હોય તેમ એ રંગોને મેળવીને એણે પુષ્કળ સાહિત્યસર્જન કરેલું... ને કબાટમાં તેને સંભાળીને મૂકી રાખેલું. સુધાકરની બેચેની વધતી ગઈ. બાજુમાં જ પડેલ માટલા પાસે ગયો. પાણી પીધું. થોડી રાહત અનુભવી.

અકસ્માત બાદ જિંદગી બચાવવા કાપવા પડેલ એક પગ પર નજર કરી. બે પગે દોડવા ટેવાયેલો સુધાકર પહેલા તો પોતાને હવે એક જ પગ છે તેવું માનવા તૈયાર જ નહોતો થતો..પણ વાસ્તવિકતા ક્યાં કોઈને છોડે છે? તેને તો સ્વીકાર્યે જ છૂટકો. ને આમ પણ પોતાના જીવનના બે મજબૂત ટેકારૂપ પત્ની-પુત્રને ગુમાવ્યાના આઘાત પાસે તો પગ ગુમાવ્યાનો આઘાત ઘણો જ સામાન્ય કહી શકાય તેવો હતો.

કંઈ કમાણી કરવા જઈ શકે તેવી માનસિક સ્થિતિ ન હતી. આવકનું અન્ય કોઈ સાધન હતું નહીં. બચત હતી તે સારવાર અને દવામાં ખર્ચાઈ ગઈ. કલમ ઉપાડી કંઈક લખી શકાય એવી તાકાત એકઠી કરવા તે પ્રયત્ન કરતો પણ હૈયાની હામ તેને દગો દઈ દેતી. હામ વગર સર્જનકાર્ય પણ ક્યાંથી શક્ય બને? પરિણામે કબાટમાંથી એક પછી એક ફાઈલ ઓછી થવા લાગી. પહેલા જે સાહિત્યસર્જન દ્વારા તેને આત્મસંતોષ અને આનંદની અનુભૂતિ થતી હતી તે જ સાહિત્ય અકસ્માત પછી આજીવિકાનું એકમાત્ર સાધન બની ગયું હતું.

આજે જે ફાઈલ હાથમાં આવી તેનું સુધાકર માટે ઘણું જ મહત્વ હતું કેમ કે આ ફાઈલમાં તેણે પોતાના એક્માત્ર સંતાન અભિના ગર્ભધાનથી માંડીને શૈશવ સુધીનાં સંસ્મરણો આલેખ્યા હતા. પત્નીએ અનુભવેલ પ્રસવપીડાની જેમ જ પોતે એ ક્ષણોને અમર બનાવવા પોતાની કલમ મારફત શબ્દોને સર્જનદેહ આપ્યો હતો. નામ પણ એવું જ આપ્યું ‘અભિ-ઉત્સવ’. અભિનો જન્મ જ આ પરિવાર માટે એક ઉત્સવ હતો ને!

સુધાકરે એક ગાભો લઈ ‘અભિઉત્સવ’ પરની રજ ખંખેરી. ઊડેલી એ રજ નાક દ્વારા જાણે હૈયાનાં સ્પંદનને સ્પર્શી ગઈ હોય તેમ એકાદ બે ઠસકાએ સાબિત કર્યું. હ્રદયના ધબકારા વધી ગયા. ઘડીભર થયું ફાઈલને પાછી સંભાળીને મૂકી દેવી... પણ જે હાથમાં ફાઈલ હતી એ સિવાયનોબીજો હાથ અનાયાસે જ પેટને સ્પર્શી રહ્યો હતો. કેટલાયે ટંકનો ખાડો… અંતે તે પ્રકાશક પાસે જવા લંગડાતો લંગડાતો બહાર નીકળ્યો.

ઘરની બહાર નીકળ્યો ત્યાં તો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. પલળતા જવા કરતા ઘડી’ક ખમી જાઉં એમ વિચારી ઊભો રહ્યો. તેની નજર પોતાના ઘરની બરાબર સામે વર્ષોથી ધૂણી ધખાવી ઊભેલા વડલા નીચે ગઈ. તેણે ત્યાં એક સ્ત્રીને ઊભેલી જોઈ. અસ્તવ્યસ્ત કપડાં ને હાથમાં નાનકડું બાળક. માંડ ત્રણ-ચાર મહિનાનું હશે. સુધાકરને થયું કોઇ ભીખારણ લાગે છે. તે ઘડીભર જોઈ રહ્યો. પેલી સ્ત્રી પોતાના સાડલાથી બાળકને ઢાંકવા સતત પ્રયત્ન કરતી હતી. સાડલો તો ફાટેલો હતો પણ એક મા જાણે કે પોતાના બાળકને વરસાદથી બચાવીને સ્નેહથી ભીંજવી રહી હતી!

સુધાકર તો આ દ્રશ્ય જોતો જ રહ્યો. ફાટેલા સાડલાવાળી સ્ત્રી, હાથમાં બાળક ઉપરથી વરસાદ... બાળકને બચાવવાનો પ્રયત્ન. ને પછી તેણે પોતાની જાત તરફ દ્રષ્ટિ કરી. હાથમાં ફાઈલ અભિઉત્સવનું મમત્વ પેટનો ખાડો ફાઈલના બદલામાં આવક. સુધાકરનું મગજ ચકરાવે ચડી ગયું. તે ઘડીભર થંભી ગયો.

થોડી ક્ષણો બાદ તે મક્કમ ગતિએ ઘરની અંદર પાછો ફર્યો. કબાટ ખોલ્યો ને હાથમાંની ફાઈલ ભારે હૈયે સાંચવીને પાછી મૂળ જગ્યાએ મૂકી દીધી. બારણું બંધ કર્યુ. તેને આશ્ચર્ય થયું. ખોલતી વખતે કડડક કડડક પોકારી ઊઠતું બારણું ચૂપચાપ બંધ થયું હતું !


Rate this content
Log in