Bhartiben Balubhai Gohil

Inspirational Tragedy

3  

Bhartiben Balubhai Gohil

Inspirational Tragedy

અધૂરો અભ્યાસ

અધૂરો અભ્યાસ

3 mins
14.2K


અવની ઇન્ટરવ્યુ આપીને બહાર આવી. રાહ જોઈ રહેલા હેમંતભાઈ કંઈ પૂછે એ પહેલાં જ કહી દીધું, “પપ્પા…એઝ.. યુઝવલ.. અધૂરો અભ્યાસ..” હેમંતભાઈ કંઈ જવાબ ન આપી શક્યા. પોતાની હતાશા ખંખેરી અવનીને સંભાળવા પ્રયત્ન કર્યો. થોડું આશ્વાસન આપી ગાડીમાં બેસાડી. ગાડી ઘર તરફ દોડવા લાગી.

રસ્તામાં હેમંતભાઈને એક વિચાર આવ્યો અને ઉત્સાહપૂર્વક બોલ્યા, “અવની, હું જાણું છું… તું હોંશિયાર છો.. સક્ષમ છો.. નવું કાર્ય કરવાની તારામાં કાબેલિયત છે… પણ ફક્ત ડિગ્રી ન હોવાના કારણે તારે હાર માનવી પડે છે. બેટા, એવું ન થઈ શકે કે નવી જોબ શોધતા પહેલાં તું તારો અભ્યાસ પૂરો કરી લે?” અવનીએ એક સૂચક નજરે પપ્પાની સામે જોયું. કંઈ જવાબ ન આપ્યો. હેમંતભાઈએ વાત હળવી કરવા કહ્યું, “જો કે મારી દ્રષ્ટિએ તો તું એમ.બી.એ. છો જ !” અવનીએ આશ્ચર્યથી કહ્યું, “એમ.બી.એ. છું જ એટલે? મને કંઈ સમજાયું નહીં?” “યુનિવર્સિટી જ પ્રમાણપત્ર આપે એવું થોડું છે…? મારા મતે એમ.બી.એ. એટલે ‘માય બ્રેવ અવની..’ અને બન્ને હસી પડ્યાં. હસતાં હસતાં બન્નેની આંખો ક્યારે આસુંથી છલકાઈ ગઈ તેની ખબર કોઈને ન પડી.

હેમંતભાઈના લાગણીભર્યા આગ્રહથી અવની આગળ અભ્યાસ માટે તૈયાર થઈ ગઈ. એક કોલેજમાં એડમિશન લેવાઈ ગયું. હેમંતભાઈ નિયમિત રીતે અવનીને તેડવા અને મૂકવા જતા. ગાડી પોતે જ ચલાવતા. કોલેજ આવી જાય એટલે, ‘બાય..પપ્પા…’ કરતી હાથ હલાવતી અવની વિદ્યાર્થીઓનાં ટોળામાં દેખાતી બંધ થાય ત્યાં સુધી હેમંતભાઈ તેને જોતા રહેતા. મૂકીને ઘેર આવતા ત્યારે એકલતા તેને ઘેરી વળતી. હીનાબેનનો સાથ છૂટ્યાને તો વરસો વિત્યા… પણ અત્યારે તેઓને આ ઘર જાણે ટહુકા વગરના માળા જેવું લાગતું.

હેમંતભાઈ વિચારતા હતા કે હવે તો ટૂંક સમયમાં જ પરીક્ષા પાસ કરીને અવની એમ.બી.એ. થઈ જશે. કોઈક સારી કંપનીમાં તેને જોબ મળી જશે. જોબ ફ્ક્ત આર્થિક જરૂરિયાતનું સાધન નથી… કેટલાક સંજોગોમાં વ્યક્તિને જીવવાનું… પરિસ્થિતિ સામે ટકવાનું એક બળ પણ બની શકે છે. હેમંતભાઇ સારી રીતે જાણતા હતા કે અવની માટે એ બળની આજે કેટલી જરૂર છે !

પરીક્ષાની તારીખ આવી ગઈ. અવનીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં કેન્દ્રીત કર્યું. રોજના ક્રમ મુજબ એક દિવસ ગાડી કોલેજના દરવાજા પાસે ઊભી રહી. અવની નીચે ઊતરીને જેવી આગળ ચાલવા ગઈ એવી જ કોલેજના એક સ્ટુડન્ટની હાઈસ્પીડમાં આવતી બાઈકે તેને ટક્કર મારી. તે ઉછળીને ફેંકાઈ ગઈ. હેમંતભાઈની નજર સામે જ આ બન્યું. તેની રાડ ફાટી ગઈ. ફટાફટ નીચે ઊતર્યા ને બેચાર વિદ્યાર્થીઓની મદદથી તેને ગાડીમાં સુવડાવી. ગાડી દવાખાના તરફ દોડવા લાગી.

અવની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અંદર ઓપરેશન થીએટરમાં તેની સારવાર ચાલુ હતી ને બહાર હેમંતભાઈ બિલકુલ એકલા જ આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે પોતાનું દુઃખ.. પીડા… ચિંતા.. જાણે કે અંદર જ સમાવી લીધા. લગભગ અઢી-ત્રણ કલાક્ની સારવાર બાદ ડૉક્ટરે તેને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા ને અવનીની સ્થિતી બાબત જાણકારી આપી. ડૉક્ટરને એક વાત ન સમજાણી કે દીકરી સાથે આવેલા આ તેના વાલી હેમંતભાઈ દરેક પ્રશ્નના ઉત્તરમાં તેની પરીક્ષાનો મુદ્દો જ વચ્ચે લાવી રહ્યા હતા ને સ્વાભાવિક જ એક ડૉક્ટર તરીકે પોતાને દર્દીની તબિયતની હાલ વિશેષ ચિંતા હતી. ધીમે ધીમે ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લીધું. ડૉક્ટરે કહ્યું, “મને લાગે છે કે તમને તેના સ્વાસ્થ્ય કરતાં તેની પરીક્ષાની વધુ ચિંતા છે. તમારી ઇચ્છા એવી છે કે તે જલ્દી તેનો અભ્યાસક્રમ પૂરો કરે…જલ્દી પરીક્ષા આપે અને જલ્દી તેને નોકરી મળી જાય ને પછી દીકરીનો પગાર તમારી આવકનું સાધન બની જાય.”

હેમંતભાઈએ તેમને રોક્યા અને ભારે હૈયે કહ્યું, “બસ ડૉક્ટર હવે આગળ ન બોલશો. અવનીની તબિયતની ચિંતા મને પણ છે. કંઈ અનુમાન કરતા પહેલા મારી વાત સાંભળી લો. લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા જ કેંસરે તેના પતિનો ભોગ લીધો. બહારથી મજબૂત દેખાતી અવની ધીમે ધીમે માનસિક સમતુલન ગુમાવતી જતી હતી. મારા સિવાય તેને સંભાળે તેવું કોઈ ન હતું. કંઈક કામ મળે તો તેનું મન લાગે તે હેતુથી તેની સાથે બહુ ભટક્યો. દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો ‘અધૂરો અભ્યાસ’. તેના પિતાએ લગ્ન પહેલાં કરેલી આ ભૂલનું પુનરાવર્તન હું કરવા નથી માગતો. અને એટલે જ...” હેમંતભાઈ આગળ ન બોલી શક્યા.

ડૉકટર આ સાંભળીને ચમક્યા, કહે, “તો શું અવની તમારી દીકરી નથી?”

હેમંતભાઈ કહે, “ના… એ મેં ગુમાવેલા મારા પુત્ર આકાશની ધર્મપત્ની છે.”

ડૉકટર એક સવાયા બાપની સામે ગૌરવભરી નજરે જોઈ રહ્યા અને મનોમન એટલું જ બોલી શક્યા - "હવે અવનીનો અભ્યાસક્રમ અધૂરો ન રહે તેની જવાબદારી મારી !!!"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational