ના તું ના હું...મે બી ઓન્લી આઇ
ના તું ના હું...મે બી ઓન્લી આઇ


સતત એક, બે, ત્રણ દિવસથી મારી "પેરેલિસિસ" ક્યાંય મળતી ન હતી ને પછી જાણ્યું કે એની "શ્રેષ્ઠ વાનગીઓ" પણ જડતી ન હતી.
આમ તો બે વચ્ચેનું અંતર ઘણું હતું. છેક રસોડાથી લઈને જીવંત ખંડ સુધીનું. તે છતાં મારી ખબરને પણ ખબર ના પડે એ રીતે ઘટના ઘટી ગઈ.
એક છે જે જીવન રસની કરુણા દબાવીને બેઠી છે અને બીજી હંમેશા સતત ક્રિયાશીલ રહે છે, જીભની અનેકાનેક સભાનતાઓને લઈને. એક હતી મારા સ્વજનની જેમ ને બીજી એના સમગ્ર અસ્તિત્વની ઝાંખી.
પછી શું ? દિવસો વિતતા ગયા, શોધખોળો થતી રહી, આજે મળશે કાલે ભટકાશે.... આ વાતને લગભગ મહિનો વીતી ગયો પણ હજી સુધી એના મને ખુશ કરવાના કોઈ સમાચાર મળ્યા નથી.
નો મેસેજીસ ..નો મેલ્સ .. નો કોલ્સ .. નો ટ્વિટસ.. નથિંગ એલ્સ ..
શોધખોળોનું રૂપ હવે ઉગ્ર બનતું જાય છે. ગામડાથી લઈને શહેર સુધીની સફરો ખેડી નાખી. એકધારું એને જ શોધવાનું શરૂ કરી દીધું, કેમકે એ મારા માટે સવિશેષ હતી. એટલે હવે એના સથવારા વિના જાણે ખાલીપો મને ચારે તરફથી ખોતરી રહ્યો હતો.
પછી થયું લાવ માણસની ઈચ્છાઓ જ્યાં તૃપ્ત થાય છે એવી સયાજીનગરીમાં એક લટાર મારી આવું. મધ્યાહનના સૂર્યથી લઈને સંધ્યાકાળના સૂર્યની સાથે સાથે આખી નગરીમાં એના સુધી પહોંચવાના મારા પ્રયત્નો અંતે નિષ્ફળ ગયા. હું જેમ જેમ એની નજીક જતો હતો એ તેમ તેમ મારાથી દૂર જવાના પ્રયત્નોમાં રહેતી હતી.
અંતે રહી રહી ને વિચાર આવ્યો કે સાલું આપણી આજુબાજુ કંઈક ગુગલ જેવું ફરકયા કરે છે. એક દિવસ એમાં દસ્તક કરી તો ગુગલે મને એમેઝોન સુધી એક પછી એક પગથિયાં ચઢતા હોય એમ લઈ ગયું.
અચાનક આ શું? કોઈ મૃત શરીરમાં આત્મા પ્રવેશીને ફફડાટ કરતો હોય એવી રીતે હું સભાન થઈ ગયો. મારી એ પેરેલિસિસ બીજે ક્યાંય ન હતી પણ એમેઝોન પર પહોંચી ગઈ હતી.
ઘણાં સરનામાં બદલતો રહ્યો અંતે એ મને A-90, શિવમ પાર્ક સોસાયટી, વડોદરા ખાતે મારા બે મહિનાના વલોપાત પછી રૂપિયા 210 માં મળી.
હવે વાત રહી એની "શ્રેષ્ઠ વાનગીઓની" . હશે, ચાલશે, દોડશે... ભલે ના જડે તો... જીભને તો આપડે સીધે સીધી સાદી ભાષામાં સમજાવી દઈશું.