મધ્યબિંદુ
મધ્યબિંદુ


નેહા અને રોહનના લગ્નને આજે બાર વર્ષ પુરા થઈ ગયા છે. આજે તેમની બારમી મેરેજ એનિવર્સરી છે, એટલે આજે રોહન કહીને જાય છે આપણે સાજે બહાર જમવા જઈશું. જોઈન્ટ ફેમિલીમાં રહેતા બંને ક્યારેક જ આ રીતે એકલા બહાર જતાં. આમ તો બંને એકબીજા સાથે ખુશ હતા. તેમના પરિવારમાં રોહનના મમ્મી-પપ્પા અને તેમનો એક દીકરો અને દીકરી છે. નેહા આમ તો રોહન સાથે ખુશ હતી. તેને પહેલાં જ ખોળે લગ્નના એક જ વર્ષ પછી દીકરો જનમ્યો હતો. તે પણ એકદમ સ્વસ્થ અને દેખાવડો હતો. આમ જ તેમનો પરિવાર સારી રીતે ચાલી રહ્યો હતો.
ફરી બે વર્ષ પછી નેહા ફરીથી મા બનવાની એવા સમાચાર મળતા આખા ઘરમાં ખુશીનુ મોજું ફરી વળ્યું. સૌ ખુશ હતા. અને આ સાથે જ પુરા મહિને તેને એક સુંદર દીકરી જન્મી. અને તેમનો પરિવાર પૂર્ણ થઈ ગયો. બાકી હવે પૈસાની પણ કોઈ કમી નહોતી. બધા બહુ જ ખુશ થઈ ગયા. નેહા અને રોહન બંને બહુ ખુશ હતા. ધીરે ધીરે બંને સંતાનો મોટા થવા લાગ્યા. નેહા આમ તો રોહન સાથે ખુશ હતી પણ તે હંમેશા જાણે મનમાં કોઈક બાબતે મુઝાયા કરતી. આ બાબત હતી રોહનનો સ્વભાવ. રોહન આમ તો એક ભણેલો ગણેલો, મિડલ ક્લાસનો સમજુ છોકરો, સારી નોકરી કરતો છોકરો છે. પણ બસ એક તફલીક છે તેનો સ્વભાવ... બસ બહુ જલ્દીથી તેને ગુસ્સો આવી જાય.
તેને જમવામાં કંઈ પણ તેના કહ્યા મુજબ ના થાય કે પછી બીજી કોઈ પણ બાબતમાં પણ કંઈક બરાબર ના થાય તો આખું ઘર ગજવી મુકે. જમવાની ડીશ ત્યાંથી ફેકી દે, વગેરે. જમ્યા વિના સુઈ જાય. કોઈ સાથે વાત પણ ના કરે. અને ધીરે ધીરે ગુસ્સો ઉતરે એટલે એક બે દિવસમાં બધા સાથે નોર્મલ રીતે વાત કરવા લાગે. પણ ગુસ્સામાં તે નેહાને ઘણી વાર ઉતારી પાડે. ગમે તેમ થોડું કહી દે.
આ બાજુ નેહા એક ભણેલી, સમજુ પત્ની છે. તે બાળકો નહોતા ત્યાં સુધી રોહનને હેલ્પ થાય માટે નોકરી પણ કરતી હતી. પણ તે સ્વભાવે એકદમ શાંત. કોઈની પણ સામે તે સાચી હોવા છતાં પણ જવાબ પણ ના આપી શકે. એવી જ રીતે રોહન તેના પર ગુસ્સો કરે ત્યારે તેની સામે કંઈ જ બોલી ના શકે ફક્ત રડી લે. હવે તો એવુ થવા લાગ્યું હતું કે તે હંમેશાં ડરતી રહેતી કે રોહનને કંઈ વાતનુ ઉધુ પડશે અને ફરી એ ઘરનુ વાતાવરણ ખરાબ કરી દેશે. તેને પહેલાંથી જ ઝઘડાના નામ માત્રથી ડર લાગતો. તેને બહુવાર લાગી આવતુ કે, એક સ્ત્રી શું આ માટે જ હોય છે ? આખો દિવસ ઘર સંભાળે, પૈસાની જરૂર હોય તો સાથે નોકરી પણ કરે અને બાળકો તથા પરિવાર પણ સંભાળે. આખરે આજ મેળવવા માટે બધુ કરવાનુ. પણ રોહનના આવા વર્તનથી તે એકદમ હારી જતી.
ઘણીવાર તો તેને થઈ જતુ કે આનાથી તો ઘર છોડીને ક્યાંક ભાગી જાઉ. પણ શું એમ થોડું કોઈને છોડાય છે ? પોતાનાઓથી ભગાય છે ? રોહનના આ સ્વભાવને કારણે તેના મમ્મી પણ કંટાળી જતાં. તે પણ ઘણીવાર નેહાનો પક્ષ લઈને રોહન ને કહેતા. પણ આવુ નેહા તેના મમ્મી પપ્પાને કે તેના કોઈ ફ્રેન્ડસને પણ ના કહી શકતી. કારણ કે.આ તેના પરિવારની વાત હતી અને એમાં પણ એના પતિની. આમ જોઈએ તો બહુ મોટી વાત નહોતી કે તે કોઈની સામે ઢંઢેરો પીટતી ફરે. પણ આ અવારનવારની આવી માથાકૂટથી તે મેન્ટલી થાકી ગઈ હતી.
એવું પણ નથી કે રોહન ખરાબ છે, તે નેહાને બહુ પ્રેમ કરે છે તેની કેર કરે છે. તેને કોઈ પણ વસ્તુમા બીજી કોઈ રોકટોક નથી કરતો. પરિવારની બધી જવાબદારી સારી રીતે નિભાવે છે. બંને બાળકો આરવ અને મિષ્ટી બંનેને બહુ જ પ્રેમ કરે છે. અને એમાં પણ દરેક બાપની જેમ મિષ્ટી તો તેનો જીવ છે. તેને તો કંઈ જ ના થવું જોઈએ. તેના વિના તો એને જરા પણ ના ચાલે. તેની દરેક ઈચ્છા પુરી કરે. કહેવાય છે ને, "દીકરી એ બહાર હરતુ ફરતુ બાપનુ હદય છે."
નેહા બસ બધી જ રીતે રોહન સાથે ખુશ છે પણ આ બાબત તેને લગ્ન પછી હજુ સુધી ખટકી રહી છે. રોહન તો કંઈ કહીને કે ગુસ્સો કરીને પોતે ઓફીસ જઈને વાત ભુલી પણ જાય. પણ નેહા તો આખો દિવસ આ વાતને લઈને આખો દિવસ દુખી થતી.
અત્યારે મિષ્ટી પાચમા ધોરણમાં ભણે છે. તે પહેલેથીજ એકદમ ચાલાક અને હોશિયાર છે. તેની કોઈ પણ વસ્તુ સમજવાની કે કોઈનુ પણ અનુકરણ કરવાની કુદરતી રીતે જ શક્તિ જાણે વધારે છે. તે તેની ઉમર કરતાં જાણે વધારે જ મેચ્યોર છે. ઘણી વાર રોહન ગુસ્સે થાય ત્યારે નેહા અચુક કહેતી, તમે બાળકોની સામે તો આમ ગુસ્સો ના કરો. બાળકો પર તેની તરત અસર થાય. અને તમને ખબર છે કે બાળકોને કંઈ પણ કહો એના કરતાં તે જોવે એવા જ સંસ્કાર તેમનામાં વધારે આવે છે.અને મિષ્ટી તો જાણે વધારે જ મેચ્યોર છે આપણી. તે આટલી નાની હોવા છતાં આવુ કંઈ થાય ત્યારે તે નેહાને કહેતી, મમ્મી સોરી.. તને ના ગમ્યું ને પપ્પા આવુ કરે તો ? જાણે એ બધુ જ સમજતી પણ કોઈને સમજાવી ના શકે એટલે બહાર રમવા જતી રહેતી દુ:ખી થઈને. આમ જ ચાલ્યા કરે છે.
રોહન નેહાને આજે એક રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય છે. આજે તેમની એનિવર્સરી હતી એટલે. રાત્રે બંને ફરીને ઘરે આવે છે. તો રોહનની એક બહેન છે. તે ત્યાં નજીકમાં જ લગ્ન પછી રહેતી હોય છે તે ત્યાં સરપ્રાઈઝ આપવા કેક લઈને આવે છે. બધા ખુશ થઈ જાય છે અને રોહન અને નેહા બંને કેક કટ કરે છે. મિષ્ટી કહે છે, મને પણ કેક કટ કરવી છે. તેના મમ્મી કહે છે બેટા તારો બર્થડે તો હમણાં ગયો ત્યારે આપણે સેલિબ્રેશન કર્યુ જ હતુ ને.
મિષ્ટી : પણ મારે તો ફરીથી પણ કેક કટ કરવી છે.
ચાદની (રોહનની બહેન ) : એક કામ કર તારા પણ લગ્ન કરાવી દઈએ... (હસતા હસતા)
મિષ્ટી : (એકદમ થોડી ગભરાઈને ) ના ના મારે લગ્ન નથી કરવા. હુ તો નથી કરવાની.
ચાદની : કેમ બેટા, તુ કેમ આટલી ગભરાઈ ગઈ. હાલ નથી કરવાના તુ મોટી થાય પછી.
મિષ્ટી : ના પણ મારે તો બીજા ના ઘરે જવું પડે ને. ત્યાં તો બધા આપણા પર ગુસ્સો કરે ને અને આપણાથી કંઈ ના થાય તો ગમે તેમ બોલી દે ને !
આ શબ્દો નેહા અને રોહન પણ સાભળી રહ્યા છે. નેહા તો કંઈ કહેતી નથી પણ રોહનને જાણે અચાનક દિલમાં કંઈક હલચલ થાય છે. આ નાનકડી દીકરીના શબ્દો જાણે બહુ બધુ કહી દીધું હતું તેને.
ચાદની : ના બેટા એ પણ તારૂ ઘરજ હશેને બીજું ? તો ત્યાં પણ બધા તને સરસ સાચવે જ ને.
મિષ્ટી : ના ફીયા એ તો ખોટું છે. જો એવું હોય તો પપ્પા મમ્મી પર કેટલો બધો ગુસ્સો કરે છે. છતાં મમ્મી કંઈ બોલતી નથી અને રડે છે. કારણ કે એના તો મમ્મી પપ્પા અહીંયા નથી એટલે ને. નહી તો મને તો પપ્પા કોઈ દિવસ કંઈ નથી કહેતા. હુ માગુ એના કરતાં કેટલુ બધુ વધારે લાવીને મુકી દે છે.
મિષ્ટીના આ શબ્દો તેને તીરની જેમ વાગી રહ્યા હતા. તેને આજે સમજાય છે કે નેહા ખરેખર સાચુ કહેતી હતી કે મિષ્ટી તેની ઉમર કરતા બહુ વધારે જ સમજણ ધરાવે છે એને આ બધા જ વાતાવરણ ની ખબર છે. એને આજે પોતાની ભુલ સમજાય છે કે મારી દીકરી જ્યાં જશે ત્યાં એની સાથે કોઈ એવું વર્તન કરશે તો મને કેટલી તફલીક થશે. મને કેટલુ દુઃખ થશે ? તો એમ જ નેહા પણ કોઈની લાડકી છે. મારે ફકત મારા દ્રષ્ટિકોણથી હંમેશા ના જોઈને બીજાની પણ વિચારધારા અને લાગણીઓનો વિચાર કરવો જોઈએ.
અને એજ દિવસથી રોહન પોતાની જાતને સંપૂર્ણ રીતે બદલવાનુ નક્કી કરે છે. અને એ જ રાત્રે તેમની એનિવર્સરીના સેલિબ્રેશન પછી તે નેહાને તેમના રૂમમાં લઈ જઈને પ્રેમથી કપાળ પર અને ગાલ પર એક ઉષ્મા ભર્યું ચુંબન કરે છે અને તેને હગ કરીને આસુ સાથે કહે છે, "નેહા પ્લીઝ મને માફ કરી દે. હુ અમુક બાબતોમાં ફકત મારા જ વિચારોને મહત્વ આપતો. તારી લાગણીઓ હુ ક્યારેય સમજ્યો નહીં. પણ આજે આપણી સૌની વ્હાલી અમ્મા મિષ્ટી એ મારી આખો ખોલી દીધી.
મારો સ્વભાવ છે એટલે એકદમ તો ના બદલાય, પણ હુ ચોક્કસ બદલાવાનો પ્રયત્ન કરીશ કે ક્યારેય તને દુઃખી ના કરૂ અને તારી લાગણીઓ ના દુભાવુ ! આજે આપણા આ એક નવા પ્રેમભર્યા મિલનમાં આપણી દીકરી એક મધ્યબિદુ બની છે."
નેહા રડતાં રડતાં કહે છે "કંઈની બકા. દીકરી ઓ તો એવી જ હોય. આખા પરિવારને ફક્ત ખુશીઓ જ આપે. અને એમ કહીને તે પણ રોહન ને ભેટી પડે છે."
અને આજે બાર વર્ષ પછી પણ આજે તેમના એ બેડરૂમમાં નવપરણિત દંપતીની સુહાગરાત જેવો રોમેન્ટીક માહોલ સર્જાય છે અને નેહા પણ જાણે આજે એકદમ ચિંતામુક્ત થઈ જાય છે. અને બંને આગળના લગ્ન જીવનના વર્ષો સાથે રહીને પ્રેમથી નીભાવવાના વચન સાથે ફરી એક નવા જીવનની શરૂઆત કરે છે !