The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bharat M. Chaklashiya

Comedy Others

3  

Bharat M. Chaklashiya

Comedy Others

માથાભારે નાથો ભાગ 2

માથાભારે નાથો ભાગ 2

11 mins
812


  "મારું પાકીટ..? અરે..ભાઈ મારુ પાકીટ કોઈ કાઢી ગ્યું છે."નાથાએ ગભરાઈને રિક્ષાવાળાને કહ્યું." બસમાં ખૂબ ગડદી (ગિરદી) હતી, અને મારે એક જણ હારે માથાકૂટ થઈ'તી.. એ વખતે કોક મારું પાકીટ મારી ગ્યું ભાઈ."

રિક્ષાવાળો ભલો માણસ હતો.એણે નાથાની આંખોમાં રહેલી સચ્ચાઈ પારખીને કહ્યું, "કાંઈ વાંધો નહીં દોસ્ત, તું સાચું જ બોલે છે એમ હું માની લઉં છું. મારું તો ખાલી ભાડું જ ગયું, પણ તારું તો પાકીટ ગયું ! મારી કરતા તને વધુ નુકસાન થયું છે, જા દોસ્ત ક્યારેક કોઈ જરૂરિયાત વાળા માણસને મદદ થાય તો કરજે, ચાલો રામ રામ.." એમ કહીને રિક્ષાવાળો ચાલ્યો ગયો.નાથો એણે કહેલી વાત સાંભળીને મનોમન એને વંદી રહ્યો 

"આ શહેર ચોક્કસ રહેવાલાયક છે, લોકોમાં માનવતા છે.''


નાથાએ એકજણને રચના સોસાયટી તરફનો રસ્તો પૂછીને ખભે બગલથેલો લટકાવીને ચાલવા માંડ્યું. પણ રસ્તામાં ખૂબ કાદવ હતો. ચોમાસાની ઋતુ હોવાથી રોડ પર નાના મોટા પાણીના ખાબોચિયા ભરેલા હતા. નાથાના ભારેખમ બુટ કાદવથી બચવા માટે ખૂબ મથ્યા. ત્યાં વળી એક કાર નાથાની બાજુમાંથી સ્પીડમાં નીકળી. અને ગંદા પાણીના ખાબોચિયાની છાલક ઉડીને નાથા પર પડી. બગલથેલા સહિત નાથાના કપડાં કાદવથી ખરડાયા. કેટલોક કાદવ નાથાના મોં પર પણ ઉડયો.

"તારી જાતના...જરીક હળવેથી હાંકયને...! '' 

 નાથાએ ખીજવાઈને કહ્યું પણ કારવાળો તો પાણીના ખાબોચિયા રોંદતો ચાલ્યો ગયો.


નાથાની જેમ બીજા બે ચાર જણાએ પણ પેલા કારવાળાને ગાળો દીધી. પણ અહીં તો એમ જ ચાલવાનું હતું. આખરે પૂછતાં પૂછતાં નાથાએ રચના સોસાયટીમાં મકાન નં 157 શોધી કાઢ્યું. રચના સોસાયટી ગાળા ટાઈપ સોસાયટી હતી. 157 નંબરના આ ગાળામાં નીચે ભોંયતળિયે આગળના ભાગમાં બે રૂમ, આગળ પાછળ બનાવેલા હતા, અને સાઈડમાં પાછળ જવા માટે બે ફૂટની ગેલેરી હતી જેમાં થઈને પાછળની રૂમમાં જવાતું હતું. પહેલી જે બે રૂમ હતી એમાં આગળની રૂમ બેઠકરૂમ અને પાછળની રૂમ રસોડું હતું. પાછળની રૂમનું બારણું પડતું ત્યાં ડાબી બાજુ સંડાસ-બાથરૂમ અને જમણી બાજુ ઉપર જવાનો દાદર હતો. દાદરની શરૂઆત થાય એ જગ્યાએ પાછળ એક સિંગલ રૂમ હતો જેમાં એક ખૂણામાં ચોકડી બનાવવવામાં આવી હતી. જેથી એ રૂમમાં રહેનાર ફેમિલીને નાહવા તથા વાસણ ધોવા બહાર જવું ન પડે. એ છેલ્લી રૂમનું પાછળનું બારણું મકાનના વાડામાં પડતું.જ્યાં કપડાં ધોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.


નાથાના મિત્ર મગને આ સરનામું આપેલું હતું. નાથો એ મકાન આગળ આવ્યો ત્યારે એ ઘણો બગડેલો હતો. મનથી અને તનથી પણ ! એના બુટ કાદવથી લથબથ હતા, કપડાં પર પણ કાદવ ચોંટયો હતો, મોં પર ગંદા પાણીની છાલક લુછાઈ હતી. વાળ પણ વીંખાઈને અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. એટલે એ ભિખારી વધુ લાગતો હતો. હવે મકાન નં 157ની આગળની બે રૂમોમાં એક સિંગલ ફેમિલી ભાડેથી રહેતું હતું. અને ઉપરના માળે મકાનમાલિક રહેતા હતા. 


આ જે ગેલેરી હતી એનો ઉપયોગ મકાનમાલિક અને પાછળની રૂમમાં રહેતા ભાડુત ચાલવા માટે કરતા હતા. અને આગળની રૂમમાં રહેતા ભાડુત આ ગેલેરી વાપરતા ન હોવા છતાં એ સાફ કરવાની જવાબદારી એના માથે પણ નાખવામાં આવી હતી. એટલે આગળની બે રૂમો અને પાછળની રૂમના ભાડૂતની પત્નીઓએ આ ગેલેરીમાં કચરુ પોતું વારા ફરતી કરવું પડતું અને એ માટે અઠવાડીયાના વારા કરવામાં આવ્યાં હતાં. હવે પાછળની રૂમમાં મગન અને એનો કોઈ મિત્ર એકલા જ રહેતા હોઈ આ સાફ સફાઈનું કામ નીચે રહેતી કાંતા ઉપર જ આવ્યું હતું. મકાન માલિકે ગેલેરી સાફ રાખવાની શરતે જ મકાન ભાડે આપેલું.


હવે જે પાછળની રૂમનું સરનામું નાથાને એના જે મિત્ર મગને આપેલું એ મગન પણ એના એક દોસ્ત રમેશના આશરે પડેલો હતો. આ રમેશ કાપોદ્રા વિસ્તારમાં એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતો એટલે એ વાંઢો હોવા છતાં એને આ રૂમ ભાડે આપવામાં આવી હતી. નહિતર વાંઢાને કોઇ રૂમ ભાડે આપતું નહીં. પણ રમેશે પોતે વાંઢો નહીં પણ કુંવારો હોવાનું કહેલું ત્યારે મકાન માલિક છગનલાલે એ બેમાં શુ ફેર છે એ પૂછેલું.


"જેની પરણવાની ઉંમર વીતી જવા છતાં કોઈ કન્યાએ એની ઉપર કળશ ન ઢોળ્યો હોય એ વાંઢો કહેવાય, જ્યારે પરણવાની ઉંમર હજુ થઈ જ હોય અને કન્યા રત્નની તપાસ ચાલુ હોય એ કુંવારો કહેવાય સમજ્યા ?''


રમેશના જવાબથી રાજી થઈને અને એ શિક્ષક હોવાથી "સંખણો" રહેશે એવો વિશ્વાસ રાખીને, મકાનમાલિક છગનલાલે રમેશને એ પાછળની રૂમ રહેવા અને કોઈ બે ચાર છોકરાઓનું ટ્યુશન કરાવવા માટે ભાડેથી આપી હતી. રમેશ એના કહેવા મુજબ કુંવારો હોવાથી એ તો કાંઈ ગેલેરી સાફ ન જ કરે ને ! એટલે એ કામ આવ્યું આગળની રૂમમાં રહેતી કાંતા ઉપર ! 


હવે જે વસ્તુનો તમેં ઉપયોગ જ ન કરતા હોવ છતાં તમારે એ સાફસુફ કરવું પડે તો ન જ ગમે એ સ્વભાવિક છે ! અને એમાંય આ કાંતા એટલે આખા બોલી અને કુહાડા જેવી જીભની માલિકણ. અને કડવી પણ એવી જ. તડનું ફડ કરતા એને જરાય વાર ન લાગે. સાચું કહેવામાં કોઈના બાપની શરમ એને નડતી નહીં.આ મકાનમાં એ છ મહીનાથી રહેતી હતી. એનો પતિ સવારે ભાખરી ખાઈને હીરા ઘસવા ચાલ્યો જતો. ત્યાર બાદ કપડાં વાસણ પતાવીને એ આ લોબીમાં કચરું પોતું કરી નાખતી. આવી રીતે જે જગ્યા પોતાને વાપરવાની ન હોવા છતાં એ સાફસુફ રાખવાની જવાબદારી માથે આવી હતી એ કાંતાને જરાય ગમતું નહોતું. એટલે એણે બીજું મકાન પણ શોધવાનું એના ધણીને કહી દીધું હતું.


 લોબી ગંદી હોય એ મકાન માલિકની વહુને જરાય ગમતું નહીં. અને સાફ રાખવી કાંતાને જરાય ગમતી નહીં. નાથો પહોંચ્યો ત્યારે બપોરનો એક વાગી ચુક્યો હતો. અને નાથાને બિચારાને ભૂખ પણ ખૂબ લાગેલી. મગને કહેલું કે ગાળાનં 157ની પાછળની રૂમમાં હું રહું છું, એટલે નાથાને હવે કોઈને પૂછવાની જરૂર નહોતી. એણે પાછળની રૂમમાં જવા માટે ગેલેરીમાં પ્રવેશ કર્યો.


નાથો બગડેલા બુટ લઈને, કાંતાએ કમને કચરું પોતું કરીને સાફ કરેલી લોબીમાં પગલાં પાડ્યા ! છેક કાપોદ્રાથી ચોંટેલો કાદવ એ લોબીમાં પડેલા પગલામાં લિંપાયો ! નાથો પાછળની રૂમના દરવાજે પહોંચીને ઉભો રહ્યો. દરવાજો બહારથી બંધ હતો.પણ તાળું નહોતું માર્યું. પોતાના દોસ્તની જ રૂમ માનીને નકુચામાં ભરાવેલો આગળો (હેન્ડલ) ખોલીને એ રૂમમાં જતો રહ્યો.


એ રૂમમાં રમેશની પહેલા મકાનમાલિકનો સાળો જેન્તી રહેતો હતો. પણ જેન્તીની વહુ ખાટલા પર ગઈ (ડિલિવરી માટે પિયર) હોવાથી બે વરસ સુધી એ આવે તેમ નહોતી. એટલે એનો પલંગ એક ખૂણામાં પડ્યો હતો એને એની પર ગાદલું પણ પાથરેલું જ હતું. જેન્તી પણ હીરા ઘસતો.અને રાત્રે અહીં જ સુવા આવતો. રમેશ દિવસે આ રૂમમાં ટ્યુશન કરાવતો અને આ રૂમમાં જેન્તી સાથે સુઈ રહેતો.


કાદવથી ખરડાયેલા હાથ પગ મોં ખૂણામાં આવેલી ચોકડીમાં ધોઈને નાથો થોડો ફ્રેશ થયો. પાંખો ચાલુ કરીને એણે પેલા ગાદલામાં લંબાવ્યું. પોતાના દોસ્તની જ રૂમ હોય પછી પૂછવું જ શુ ! આગળના દિવસની સાંજે ઘેરથી નીકળ્યો હતો.અને અહીં પહોંચતા સુધીમાં થાકીને લોથપોથ થઈ ગયો હતો.એટલે એ થોડી જ વારમાં જેન્તીના પોચા ગાદલામાં ઘસઘસાટ ઊંઘી ગયો !!

*   *   *   *   *    *   *


નાથાના કાદવથી લથબથ જોડા બારણાની બહાર પડ્યા હતાં અને ગેલેરીમાં એના પગલાં ! કાંતાએ જે ગેલેરી હજી કલાક પહેલાં પોતું મારીને સાફ કરી હતી એ ગેલેરીમાં કોક આવા ગારાવાળા જોડા પહેરીને આવ્યું હતું અને ગેલેરીને જોવા જેવી કરી મૂકી હતી !


"આ કોણ મરી ગ્યું આયાં.. મારા તો હાથ ભાંગી ગ્યા સે આ ગલેરી ઢહડી ઢહડી ને. કોક આ વાંહલી રૂમમાં ગોબરા જોડા પે'રીને ગુડાણો સે. મારો હાળો ખેતરમાં હાલ્યો આવતો હોય ઇમ ધોડ્યો આવ્યો. આંય ટૂટી જ્યાં સે મારા બાવડાં...." કાંતા વિફરી હતી.   કાંતાનો દેકારો સાંભળીને નાથો જાગ્યો. પોતાના જોડાની કહાની સાંભળી અને પોતાના આગમનને ગુડાયા હોવાનું કહેનારી છે કોણ ?


એ જોવા બહાર આવ્યો.એને જોઈને કાંતાએ વધુ શોર બકોર કર્યો..."કોણ સો ભાઈ તું ? અને ચયાંથી આયો સો ? આ ગલેરીમાં આવા ગારા વાળા જોડા લઈને ગરી જ્યો સો !હાલ્ય આમ સાફ કર બધું.નકર મારા જેવી કોઈ ભૂંડી નથી.."


કાંતાનું રૌદ્ર રૂપ જોઈને નાથો ગભરાયો. ''જુઓ બેન, આમ બરાડા ન પાડો. હું રમેશનો મિત્ર છું. અને મને ખ્યાલ નહોતો કે આ ગેલેરી તમારી છે. આ રૂમમાં આવવાનો બીજો રસ્તો મને ખ્યાલ નહોતો એટલે તમારી ગેલેરીમાં હું ચાલ્યો. અને શું છે કે વરસાદની સિઝન હોવાથી બહાર બધે જ કાદવ છે. એટલે મારા આ બુટ જરા ગંદા થયેલા છે. એ તો તમે બહાર જાવ તો તમારે પણ એમ જ થાય. હવે ભગવાનને ગમ્યું તે ખરું.."


નાથાની વાત સાંભળીને કાંતાને વધુ ગુસ્સો આવ્યો, "ગલેરી મારા બાપની નથી..પણ મારે જ સાફ કરવી પડે છે, તમારો ભાઈબન માસ્તર નથી સાફ કરતો. ઓલ્યા જેન્તીયાની વવ પણ ખાટલા પર ગઈ છે અટલે તમારું ડોહું બધું કામ મારી ઉપર નાખ્યું સે.. હું હવે સાફ નંઇ કરું..કય દવ સુ હા..." એમ કહીને કાંતા એની રૂમમાં જતી રહી. કાંતની રાડો સાંભળીને મકાન માલિકની ઘરવાળી શાંતાએ ઉપરથી નીચે ડોકાઈને શાંતીથી નાથા સામે જોયું.

"રમેશ માસ્તરના ભાઈબંધ સવો ? "

"હા, બેન. મને ખ્યાલ ન્હોતો એટલે હું બુટ પહેરીને ચાલ્યો..સોરી.."

"કશો વાંધો નહીં. ચાલો હું પાણીની ડોલ અને સાવરણો આપું છું, જરાક સાફ કરી નાખો. મને ગોબરવાડો ગમતો નથી. તમારે જરાક જોવું જોવે. આમ કોકના ઘરમાં ગોબરા પગ લઈને ઘરી નો જવાય. કોક માણસ નો બોલતું હોય તોય બોલે..!''


શાંતાબેને ડોલ અને સાવરણો આપ્યા. નાથાએ કમને ડોલ ભરીને ગેલેરીમાં પાણી નાખ્યું અને સાવરણાથી વાળવા લાગ્યો. વાળતો વાળતો એ બહારના ઓટલે પહોંચ્યો ત્યારે સામેના ઓટલા પર ઉભેલા લીલાબેને એમના મકાનની ગેલેરી બતાવતા સાદ પાડ્યો..

"એ ભાઈ..જરીક આયાં પણ સાવરણો મારી દે જે..આ ચોમાસું તો બળ્યું જરીકે'ય સારું નઈ લ્યો. ઘર સારું જ નો રે..."

નાથાએ લીલાબેન સામે જોયું. બેઠી દડીના અને કાળામેશ લીલા ગૌરી પેટના મોટા ઘેરાવા પર ગોળ મટોળ મસ્તક અને એ મસ્તકમાં મોટા મોટા ડોળા ઘુમાવી રહ્યા હતા.

"સામું શુ જોઈ રીયો સો..! ન્યા વળઇ જયું હોય તો હાલ્ય આયાં..અમે કંઈ મફતમાં નઈ કરાવીએ..બે રૂપિયા તો હું'ય આલીશ.."


નાથાને પોતાના બગડેલા બુટનો છુટ્ટો ઘા આ બાથણ ઉપર કરવાનું મન થયું.એ કંઈ બોલે એ પહેલાં ઉપરથી શાંતા બોલી. "એ..ઇ.. લીલાબેન કોને કયો સો ? ઇ કાંઈ સફાઈવાળો નથી. ઓલ્યા રમેશશાબના ભાઈબન છે.. શુ તમે'ય તે..કાંક માણહા તો જોતા હોવ..!"


''હી હી હી...લે..એ..એ.. ઇમ સે..? મને ઇમ કે તમે કોકને ગેલેરી ધોવરાવવા બોલાવ્યો સે. ભૂલ થઈ ગઈ હો ભાઈ. તે મેં'માન થઈને ચયમ સાવરણો લીધો સે..?" લીલા એ લાંબા ટૂંકા હાથ કરીને હસી પડતા કહ્યું.


''આ જો ને ઓલી.. આ ભાઈ બસાડા અંદર જોડા પે'રીને હાલ્યા ઇ માં ક્યારની ગાંગરતી'તી.. તે મેં કીધું કે એની જેવું કોણ થાય..જો મેં ડોલ ને સાવરણો આપ્યો..તે બસાડાએ વાળી નાખ્યું..લ્યો..!"


"હં..ક..ન..સાચું સે..ઠીક લ્યો..!" એમ કહી લીલા પોતાની લીલા સંકેલીને ચાલતી થઈ. પણ શાંતાના શબ્દો "એના જેવું કોણ થાય.." એ સાંભળીને કાંતા એના ઘરમાંથી ઓટલે આવી. શાંતા ઉપરના માળની એની બારીમાંથી લીલા સાથે વહીવટ કરતી હતી એની સામે હાથ લાંબો કરીને બોલી,

"ઇ તો જેને કરવું પડતું હોય ને ઈને ખબર્ય હોય. અમેં તો આ ગલેરીમાં ડગલું'ય મુકતા નથી. તમે બધા ટાંટિયા ઢહડી ઢહડીને આખો દી આવ-જા કરો સો. બહુ સારા હતા તે કિમ આ બસાડા મેમાનને સાવરણો પકડાવ્યો. ચીમ વાંકુનો વળાણું.."

 "એ.. ઇ તો રૂમ ભાડે આપી ઇ ટાણે હંધીય સોખવટ કરી'તી. નો પોહાણ હોય તો ખાલી કરીને વેતીના પડો.."શાંતા હવે શાંતી ગુમાવી રહી હતી.

"મોઢું હંભાળીને બોલજે હો..મકાન ભાડે રાખ્યું સે. મફત નથી દીધું..વેતીના પડો એટલે ? નવી નવઈનું મકાન થિયું સે તે ભાડુતને તો નોકર જ ગણે લ્યો. આવતા મહિને ખાલી જ કરવાનું સે..અને હવે આ ગલેરી સાફ કરજે તું અને તારો ભાયડો.." કાંતા કાતિલ બની !

શેરીની સ્ત્રીઓ આ ઝગડો જોવા પોતપોતાના ઘરમાંથી બહાર નીકળી. નાથાના હાથમાં ડોલ અને સાવરણો હજુ યથાવત હતો. શાંતા અને કાંતા ખૂબ ઝગડી. શેરીની સ્ત્રીઓએ બન્નેને શાંત કરી. અને નાથો ડોલ અને સાવરણો મૂકીને પાછળની રૂમમાં આવ્યો. અને ફરી જેન્તીના ગાદલામાં લંબાવ્યું !


***

નાથાનો મિત્ર મગન સાવ મુફલિસ હતો. નાથાની જેમ એ પણ સુરત અભ્યાસ કરવા અને સાથે સાથે હીરા ઘસીને ખર્ચ કાઢવા આવ્યો હતો. નાથો, મગનના અને મગન રમેશના આશરે પડેલો હતો. રમેશની જાણ બહાર જ મગને નાથાને રમેશનું આ સરનામું આપી દીધેલું. એટલે રમેશ, મગનને ઓળખતો નહોતો. જ્યારે નાથો રમેશની રૂમમાં પડેલા જેન્તીના પલંગમાં, ગેલેરી સાફ કરીને ફરીવાર સુઈ ગયો હતો ત્યારે રમેશ એની સ્કૂલે ગયો હતો. અને મગન હીરાના કારખાનામાં એક ઓળખીતા હીરાના કારીગર પાસે હીરા ઘસતા શીખવા ગયો હતો. બપોર સુધી કોલેજમાં અને બપોર પછી હીરા ઘસીને સ્વાવલંબી બનવાની મગનની યોજના હતી. જે એણે પોતાના પરમમિત્ર નાથાને જણાવી હતી.એટલે નાથો પણ કોલેજમાં એડમિશન લઈને હીરા શીખવાનો હતો.


સાંજે સાડા પાંચ વાગ્યે રમેશ પોતાના નિવાસ્થાને આવ્યો એટલે પહેલા કાંતાએ અને પછી શાંતાએ એનું શાબ્દિક સ્વાગત કર્યું.

"એ..માસ્તર.. આ કોણ મેમાન આવ્યો સે તમારી રૂમમાં ? આખી ગેલેરી ગારો ગારો કરી મેલી'તી. હાળાવને એટલી'ય ભાન નથી કે કોકના ઘરમાં આમ ગારા વાળા પગે ઘરી નો જવાય. અને હવેથી હું કય દવ સુ તમને..આ ગેલેરી તમારે સાફ કરવી હોય તો કરજો, હું કાંઈ તમારી નોકર નથી..અમારે'ય બીજા કામ હોય શુ કીધું ? હમજી લેજો હા..."

"પણ મારી રૂમમાં કોણ મેમાન આવ્યું છે ઇ મને નથી ખબર..."રમેશે કકળાટ કરતી કાંતાને શાંતિથી કહ્યું. ત્યાં જ ઉપરથી શાંતા નીચે ઉતરી.


"બિચારા પાંહે આણે ગલેરી ધોવડાવી બોલો ! તે હેં માસ્તર ઇ કોણ આવ્યો સે ? તમારો ભાઈબન આવો હાવ ? ઓલ્યા સામેવાળા બેન તો સફાઈવાળો હમજી બેઠા બોલો !"

"ગલેરી મેં નથી ધોવરાવી..ઇ તો તમારે નો ધોવી પડે એટલે ડોલ ને સાવયણો તમે જ આપ્યો'તો. મારું નામ શીદ લ્યો સો. નથી બોલવું તોય મોઢામાં આંગળા નાખીને બોલાવો સવો.."કાંતાએ ફરીવાર શાંતાની શાંતિ હણવા હાકલ કરી.


વળી ફરીથી વાકયુદ્ધ જામી પડેત પણ આ દેકારો સાંભળીને નાથો જાગીને બહાર આવ્યો. એને જોઈને રમેશ નવાઈ પામ્યો.

"અરે ભાઈ કોણ છો તમે ?" રમેશ નાથાને ઓળખતો નહોતો. કારણ કે નાથો મગનનો અને મગન રમેશનો મિત્ર હતો.

"હું નાથો, મગનનો મિત્ર. તમે કોણ ?" નાથો પોતાનો પરિચય આપીને રમેશને તાકી રહ્યો.

"હું રમેશ.રમેશ રૂપાણી. તમને અહીં કોણે મગને મોકલ્યા ? મગન માવાણીએ ?" રમેશ સમજી ગયો કે મિત્રનો મિત્ર એટલે મિત્ર જ કહેવાય.

"હા, મને મગને કીધું હતું કે આ એની જ રૂમ છે, એટલે હું આયાં આવ્યો છું, પણ આ બેન બહુ માથાભારે છે, એમણે રાડો પાડી એટલે ઉપરવાળા બેને મારી પાસે આ ગેલેરી વળાવડાવી..."

"હા, તે વાળવી જ પડે અને ધોવી'ય પડે. કંઈ અમારી એકલા ઉપર બધું નથી નાખવાનું. જુઓ માસ્તર હું તમને કઈ દવ છુ, હું કંઈ તમારી નોકરાણી નથી. તમારે તો કોઈ બયરૂ છે નઈ એટલે મારે એકલીને જ આ ગેલેરી વાળવી પડે છે, હવે હું નથી વાળવાની હા...


તમારે બધાને ટાંગા લઈને હાલવુ અને અમારે ઢહડવું. ઇ ક્યાંનો ન્યાય. સુરતમાં મકાનની કાંઈ તાણ નથી તે આવા ઢયડા કરવા આંય રે'વી. આજ તો તમારા ભાઈને કેવું જ સે, ઝટ બીજે રૂમ ગોતો. આવાને ન્યા કોણ રેય.."

કાંતાની દાઝ હજુ ઉતરી નહોતી. નાથાની કમાન પણ છટકી રહી હતી પણ એ અહીં નવો જ હતો અને પોતાના દોસ્તના દોસ્તના આશરે આવ્યો હતો એટલે મગજ પર ખૂબ જ કન્ટ્રોલ રાખીને એ શાંત ઉભો રહ્યો. પણ એનો ગુસ્સો આંખમાંથી પ્રસરી રહ્યો હતો.


"હશે, કાંતાબેન.. તમારે જેમ કરવું હોય એમ કરજો. મારા આ ભાઈબંધને આ બધી ખબર નોતી નકર ઇ બિચારો પગ માથા ઉપર લઈને હાલેત !" રમેશ પણ ગાંજ્યો જાય તેમ નહોતો. 

"ચાલ ભાઈ નાથા..આવું તો આયાં હાલ્યા જ કરશે.." કહીને રમેશ રૂમમાં જઈને બેઠો. નાથો પણ કાંતાને ડોળા કાઢીને જોઈ રહ્યો. 

"તારી જાતની..મારી રૂમ હોતને તો તને'ય ખબર પાડી દેત, આ નાથાને તું હજી ઓળખતી નથી, સાલ્લી તારા જેવી સત્તર કાંતાને હું પૂરો પડું એમ છું...હવે હું'ય સુરતમાં જ રેવાનો છું ક્યારેક ઘાએ ચડ પછી જો..." મનમાં ને મનમાં નાથાએ કાંતાને વઢી લીધું. કાંતાને પણ નાથાએ ડોળા કાઢ્યા એટલે ખીજ ચડી, "જા ને ભાઈ જાતો હો નયાં, ડોળા કાઢ્યા વિના. માસ્તરનો મેમાન છો અટલે કાંઈ કે'વુ નથી..."

કાંતા પણ એની રૂમમાં ચાલી ગઈ.


"મગન આયાં નથી રહેતો ? ઇ ડફોળે મને તારું સરનામું આપ્યું એટલે યાર. તને અગવડ પડે એમ હોય તો હું મારી વ્યવસ્થા બીજે કરી લઈશ.."નાથાએ રમેશને કહ્યું.

"અરે દોસ્ત, મને શું અગવડ પડવાની છે ? તું તારે રહેને ભાઈ. ક્યારે તું આવ્યો છો અને ક્યાંથી ?" રમેશે હસીને કહ્યું.

 નાથાએ સવારથી અત્યાર સુધીની કહાની સંક્ષિપ્તમાં કહીને ઉમેર્યું, "યાર સવારનો ભૂખ્યો છું, ચાલને ક્યાંક નાસ્તા પાણી કરીએ !"

 "હા હા..એ તો હું ભૂલી જ ગયો. ચાલ આપણે ચા નાસ્તો કરતા આવીએ પછી સાંજે ક્યાંક જમવાનો મેળ પાડી દેશું."

 બન્ને મિત્રો રૂમને ખાલી બંધ કરીને ચા નાસ્તો કરવા ચાલ્યા ગયા. બે સાવ અજાણ્યા યુવાનો પળભરમાં મિત્રો બની ગયા !


(ક્રમશ :)


Rate this content
Log in

More gujarati story from Bharat M. Chaklashiya

Similar gujarati story from Comedy