Bharat M. Chaklashiya

Comedy Others


3  

Bharat M. Chaklashiya

Comedy Others


માથાભારે નાથો 7

માથાભારે નાથો 7

12 mins 487 12 mins 487

"અલ્યા, તારું પાકીટ તો તું આવ્યો ત્યારે બસમાં કોક મારી ગ્યું'તું..તો આ ક્યાંથી લાવ્યો..?" મગને નાથાએ કાઢેલું પાકીટ જોઈને કહ્યું.

"આ એક બીજું જૂનું પાકીટ મારી પાંહે હતું. પણ આમાં તો અઠ્ઠાવીસ જ નીકળ્યા. તારી પાંહે કાંઈ નથી ?" નાથાએ નિરાશ થઈને કહ્યું.

"યાર, મારેને લખમીજીને ક્યાં મેળ છે. સાવ લૂખી પાંચમ છું. મને એમ કે તું દેશ (વતન)માંથી આવ્યો છો એટલે તારી પાંહે થોડાક હશે.

"હતા તો ખરા, પાંચસો જેટલા.. પણ પાકીટ હારે ગયા. અને બીજા થોડા'ક આમાં હતા ઇ અત્યાર સુધી હાલ્યા. હવે આ પેટ્રોલના કેમ કરીને દેવાના છે ?"

નાથાએ પેટ્રોલ પુરીને પૈસા માટે ઉભેલા છોકરાને બતાવીને કહ્યું. ત્યાં જ પેલો બોલ્યો.


"પૈહાની મલે તો શું જોઈને ગાડી લઈને નિકલી પડતા છો. ચલો પચાસ રૂપિયા આપી દેવ.."

"અલ્યા ભાઈ, અમે એમ કંઈ લુખ્ખા થોડા છીએ. આતો મારુ પાકીટ ઘેર રહી ગયું છે અને આની પાસે ખાલી અઠયાવીસ જ નીકળેલા મલે છે. એમ કર તું બીજું પચાસનું ભરી દે, એટલે હું ઘેર જઈને પૈહા લેતો આવ છું." મગને પેલાને સમજાવવા માંડ્યું.

"એમ કેમ ? ટું છે ને પેલા પચાહ રૂપિયા આલી દેવ. પછી જ બીજી વાટ થહે.." પેલો કાચો નહોતો.

"પણ હું આ લાખ રૂપિયાનો માણસ અહીં મૂકીને જાવ છું ને. અને તને મંજુર નો હોય તો આ લુનામાંથી બાવીસ રૂપિયાનું પેટ્રોલ પાછું કાઢી લે બીજું શું. અમારી પાંહે તો અઠયાવીસ જ છે, સારું ઇ તારું..કાં તો પચાસનું બીજું ભરીને મારા આ ભાઈબંધને રાખ, તો હું ઘેર જઈને પૈહા લઈ આવું. કલાકમાં આપણો છુટકારો થાય.અને એમ નો કરવું હોય તો બાવીસનું પાછું કાઢીને અઠયાવીસ જમા કર. લે હાલ્ય ઝટ, ઉતાવળ કર્ય. અમારે મોડું થાય છે.." મગને દાવ નાખ્યો.

પેલો દોડાદોડ એ પમ્પના મેનેજરને બોલાવી લાવ્યો. એટલે મગને આખી વાત ફરી વખત એ મેનેજરને સમજાવી.


"તું છે ને અઠ્ઠાવીસ રૂપિયા આલી દે.અને તારો મિત્ર અહીં ઉભો રેશે. તું બાકીના બાવીસ રૂપિયા લઈ આવે ટાં હુધી. અમને લોકોને મામા હમજે છે ? અને જો તું કલાકમાંની આવે ટો તારા આ ડોસ્ત પાસે કચડા પોટા હો કરાવવા. હમજ્યો ?" મેનેજર હોંશીયાર નીકળ્યો.


"એટલે તમે લાખ રૂપિયાના માણસને બાવીસમાં પડાવી લેવા માંગો છો એમ ? મને એમ નહીં પોસાય. ચાલ ભાઈ બાવીસનું પેટ્રોલ પાછું કાઢ. આ નાથેશભાઈ ગીરવે મુકવા નથી લાવ્યો હમજ્યો ?'' મગને સામું સમજાવવા માંડ્યું.


"ઠીક છે..ચાલ ભઈ, એક ખાલી બોતલ લઈ આવ. અને આની ગાડીમાંથી બાવીસ રૂપિયાનું પેટ્રોલ કાઢી લે. કાં કાંથી ચાલ્યા આવે છે સાલ્લાઓ..અને હવે છે ને પૈહા પેલા જ લેઇ લેજે અને પછી જ પેટ્રોલ ભરજે. નહીંતો ટારો પગાડ જ કાપી લેવા." એમ કહીને મેનેજર ગુસ્સે થઈને ચાલ્યો ગયો. પેલો છોકરો ઓફિસમાં જઈને ખાલી બોટલ લાવ્યો અને લુનાના એન્જીનને પેટ્રોલ સપ્લાય કરતી નળી કોકમાંથી ખેંચી કાઢી. અને કોક ચાલુ કરીને બોટલમાં પેટ્રોલ કાઢવા માંડ્યો.


"બાવીસનું જ કાઢજે. જો થોડુંક'ય વધુ કાઢીશ તો હું અઠયાવીસ પણ નહીં આપું. બાવીસનું પેટ્રોલ કેટલું થાય ઇ પેલા કે મને.. પચ્ચીસનું લીટર એટલે બાવીસનું કેટલું ?"

"એ મને ની હમજ પડે. મેં તો આ બોટલ ભરી લેવા."પેલાએ કહ્યું.

"તો ભાઈ રે'વા દે. એમ કઈ બાવીસ રૂપિયામાં આખી બોટલ કોઈ ના આપે. આ તો એક લિટરની બોટલ છે, તું આખી બોટલ કાઢ તો તો મને નુકશાન જાય. એક કામ કર, હું તને એક બોટલ પેટ્રોલ આપી દઉં. તું મને પચ્ચીસ પાછા આપ બરાબર ?" 

"કેમ ? મને ની હમજન પડી.."

"જો પચીસનું લીટર પેટ્રોલ છે બરાબર ? " મગને કહ્યું.એટલે પેલાએ માથું ધુણાવીને હા પાડી.

"અને હું તને મારી ગાડીમાંથી એક લીટર પેટ્રોલ કાઢી આપું છું. તો તારે મને પચ્ચીસ રૂપિયા આપવાના થાય ને !"

"હા, એ તો બરાબર પણ. તમારે પચાસ આપવાના છે એનું શું. "

"પણ એ તો હું અઠયાવીસ આપીને બાવીસનું પેટ્રોલ પાછું આપું છું ને !"

"હા, તો એ બાવીસનું જ હું પાછું લેતો છું.."

"પણ તું તો આખી બોટલ કાઢવાની વાત કરે છે. આખી બોટલ તો પચ્ચીસની થાય. તો તારે ત્રણ પાછા આપવા પડશે."

"વાંધો ની. મેં ત્રણ પાછા આપી દેવા.."


 આ વાત ચાલતી હતી ત્યાં સુધીમાં બોટલ પેટ્રોલથી ભરાઈ ગઈ. એટલે મગને ત્રણ રૂપિયા પાછા માગ્યા. પેલાએ પોતાના પર્સમાંથી ત્રણ રૂપિયા પાછા આપ્યાં એટલે તરત જ મગને કીક મારીને લુના ઉપાડ્યું. નાથો વાંદરાની જેમ કૂદીને પાછળની સીટ પર ગોઠવાયો. 

 મગને પેલાને વાતોમાં અને બાવીસ, પચીસ અને અઠયાવીસના હિસાબમાં એવો ગુંચવ્યો કે એ બિચારો આગળના અઠયાવીસ લેવાના છે એ ભૂલી ગયો અને નાથો-મગન કોલેજ તરફ ચાલી નીકળ્યા.

***


યુનિવર્સીટીના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગના બિલ્ડીંગમાં બીજામાળે આવેલા કલાસરૂમમાં એકાઉન્ટનું લેક્ચર ચાલી રહ્યું હતું. લગભગ પિન ડ્રોપ્સ સાઈલન્સ કલાસરૂમ અને બહાર લોબીમાં પણ જળવાઈ રહ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ પ્રોફેસર એમ.કે. જીનવાલાના લેક્ચરમાં રસતરબોળ થઈ ગયા હતા. એકાઉન્ટની આંટી ઘૂંટી વિશે વિસ્તૃત છણાવટ દ્વારા, જીનવાલા 

પોતાના અનુભવનો નિચોડ નીચોવી રહ્યાં હતાં, બરાબર એ જ સમયે બહાર લોબીમાં કોઈના વજનદાર બુટનો ખૂબ ઝડપથી 

ઠકાક.. ઠકાક...ઠકાક.....અવાજ આવવો શરૂ થયો. વિદ્યાર્થીઓ સહિત પ્રો. જીનવાલા પણ ડિસ્ટર્બ થઈને ભણાવતા અટક્યા. અવાજ નજીક આવતો ગયો અને આખરે એ અવાજનો ઉત્પાદક નાથો અને મગન કલાસરૂમના દરવાજામાં દ્રશ્યમાન થયા. 

"મે આઈ કમ ઇન સ..અ... ર..."


મગન અને નાથાએ સમુહગાન કરીને કલાસમાં પ્રવેશ માટે પરવાનગી માગી. જીનવાલા સાહેબે પગથી માથા સુધી બન્નેને પોતાની નજરમાં આવરી લીધા. પાંથી પાડીને ચપ્પટ ઓલેળા વાળ, મોટી અને ચમકતી લંબગોળ આંખો અને વધેલા દાઢી મૂછ. ખૂલતો શર્ટ અને એવું જ ઢીલું પેન્ટ અને પગમાં પહેરેલા સ્લીપર. મગનનો સાવ મુફલિસ દેખાવ, એના ચહેરા પરની બેફિકરાઈને કારણે એની અલગ છાપ ઉપસાવતો હતો.


એની જોડા જોડ ઉંચો અને પાતળો નાથો, પગમાં ચામડાના મજબૂત જોડાં (બુટ નહીં) પહેરીને ઝીણી નજરે સાહેબને જોઈ રહ્યો હતો. બન્નેના હાથમાં રહેલી એક એક નોટબુક આ લોકોને વિદ્યાર્થી હોવાનું બતાવી રહી હતી. કલાસમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓ આ બેલડીને તાકી રહ્યા. અને ધીમો ગણગણાટ વર્ગમાં શરૂ થઈ ગયો. અને ધીમે ધીમે એ ગણગણાટ કોલાહલમાં પરિવર્તિત થાય એ પહેલાં પ્રો. જીનવાલાએ કહ્યું,

"મોડા આવનારને હું મારા કલાસમાં બેસવા દેતો નથી. સો ડોન્ટ કમ એન્ડ ગો એલ્સવ્હેર.."

અને કલાસ તરફ મોં ફેરવીને ભણાવવા લાગ્યા.


 મગન અને નાથાએ એકબીજાની સામું જોયું.

"પ્લીઝ સર...હવે પછી ક્યારેય લેટ નહિ થઈએ. વન એન્ડ લાસ્ટ ચાન્સ સર...." મગને અવાજમાં લવાય એટલી કરુણતા લાવીને એકદમ રડમસ અવાજે કહ્યું. અને નીચું જોઈને ઉભો રહ્યો. એનું જોઈને નાથાએ પણ નજર નીચી રાખી.

 "મારો સિદ્ધાંત છે..આઈ હેઈટ લેટ કમર્સ...ડોન્ટ વેસ્ટ માય ટાઈમ..ગેટ આઉટ ફ્રોમ હિયર.." પ્રો.જીનવાલા

ખિજાયા.


"સર...અમે ઘાએ ઘા આવતા હતા, ત્યાં પેટ્રોલ ખૂટયું અને પેટ્રોલ પુરાવવા ગ્યા તો ટ્રાફિક હવાલદારે ખોટી રીતે અમને રોકીને આની પાસે લાયસન્સ માગ્યું. હવે ગેરલેસ મોપેડ ચલાવવા માટે થોડી લાયસન્સની જરૂર પડે ? પણ આપણા દેશમાં ભ્રષ્ટાચાર પણ એક ચીજ છે. સર,લોકોને એક બન્ને તરફ વાંહો(પીઠ) નથી હોતી, એક બાજુ જે પેટ હોય છે એ પાપી હોય છે અને એ પાપી પેટને કારણે લોકો શું શું નથી કરતા હેં ?"

નાથાએ જીનવાલા સર અને કલાસમાં ડોળા ઘુમાવતા ઘુમાવતા હાંકવા જ માંડ્યું. કલાસરૂમમાં હળવું હાસ્યનું મોજું પણ રેલાયું ! એટલે પ્રોફેસરે નાથાને અટકાવ્યો. અને આ અડબંગનો અવિરત વાકપ્રવાહ, ખોટો સમય બગાડશે એમ સમજીને પ્રોફેસરે પોતાના સિદ્ધાંતમાં બાંધછોડ કરી.


"બસ બસ ભાઈસા'બ બસ કર..ભાઈ ! ઠીક છે, હવે પછી મોડું થાય અને મારું લેક્ચર હોય તો આવતા જ નહીં. સમજ્યા ? આ ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ છે. નાઉ કમ ઇન એન્ડ ગેટ યોર સીટ..."કહીને સર ભણાવવા માંડ્યા.

 ઠ...કક...ઠ.. ક..ક..ઠકાક.. વળી નાથાના બુટ બોલ્યા. એ કર્કશ અવાજથી ત્રાસીને પ્રોફેસરે કહ્યું,


"હે'ય..યુ...આવા બુટ પહેરીને આવતો નહીં. લોબીમાં પણ આનો કેટલો અવાજ આવે છે.."

"સોરી સર, પણ મારી પાસે બીજા બુટ નથી. નો એક્સટ્રા બુટ્સ હેવ આઈ સર...થિસ ઇસ આ સ્ટ્રોંગ ક્વૉલિટી..એન્ડ મેઇડ ફ્રોમ બુફેલો'ઝ લેધર, સર.. સો ઇટ મેક્સ સમ નોઈઝ એન્ડ સ્ટ્રોંગ થીંગ્સ આર ઓલવેઝ મેઇક નોઈઝ સર..યુ..નો..." નાથાને પહેલેથી જ ઈંગ્લીશ પર ઠીક ઠીક પકડ હતી. સરને ઉપર પ્રમાણે જવાબ આપીને ઠકાક...ઠકાક... ઠકાક...અવાજ કરતો છેલ્લી રોમાં જઈને મગનની બાજુમાં બેસી ગયો. નાથો સરને પોતાના બુટ વિશે સમજાવતો હતો ત્યારે મગન રોકાયા વગર જ છેલ્લી બેન્ચમાં આવીને બેસી ગયો હતો. અને છોકરીઓના વિભાગમાં નજર ફેંકી તો ચમેલી સ્માઈલ આપીને સ્વાગત કરી રહી હતી. તે દિવસે જે શુદ્ધ ગુજરાતીનો પરિચય મગને કરાવેલો એની બેહદ અસરમાં ચમેલી મગન તરફ ખેંચાઈ હતી.


મગને પણ સ્માઈલ આપ્યું અને ડાબી આંખનું પોપચુ નમાવ્યું. એ જોઈને ચમેલીના આનંદનો પાર રહ્યો નહીં. અને તરત જ મગનને એ જ રીતે રીપ્લાય પણ આપ્યો. આ નજરસંધાન લાબું ચાલે એ પહેલાં નાથો પોતાના બુટ વિશે વક્તવ્ય આપીને આવી પહોંચ્યો.


પ્રો. જીનવાલા ઘડીભર નાથાની પીઠ પર તાકી રહ્યા અને સમય બગડી રહ્યો હોવાનું યાદ આવતાં તરત ભણાવવા માંડ્યા.

 લેક્ચર પૂરું કરીને પ્રો. જીનવાલાએ ફરી એકવાર નાથા અને મગન સામે નજર ફેંકી અને કલાસ છોડી ગયા અને કલાસમાં કોલાહલ શરૂ થઈ ગયો. મગન થોડી થોડીવારે ચમેલી તરફ ત્રાંસી આંખ કરીને જોઈ લેતો હતો. ચમેલી વારંવાર મગનને જોતી હતી, અચાનક નાથાએ આ નેન મટક્કા પકડી પાડ્યા.અને ઉભો થઈને ચમેલી પાસે ગયો.


"કેમ છે તમારો ટાંગો રીપેર થઈ ગયો ? "

 નાથાના એ સવાલે ચમેલીની આજુબાજુ બેઠેલી છોકરીઓ હસી પડી.અને એક બોલી, "અલી ઓ...આ શું કેટો છે ? ટાંગો ? વોટ ઇઝ ટાંગો ? અને રીપેર ઠેઈ ગયો મટલબ ? મશીન છે કે ? "


 "ઓ ભાઈ ટું જાને જટો હોય ટાં.. ની જોયો હોય ટો..લેધર ઓફ બફેલો..." ચમેલીએ ગુસ્સાથી નાથાને કહ્યું.

 મગન પરિસ્થિતિ સમજીને તરત ત્યાં આવ્યો. અને નાથાનો હાથ પકડીને બોલ્યો, "શુ યાર, તું પણ. ચાલને ભાઈ અહીંથી.. તારે ખબર અંતર નથી પૂછવા..એનો ટાંગો રીપેર થઈ ગયો હોય તો જ આવી હોય ને..!"

"પણ મને એણે લેધર ઓફ બફેલો કીધું મગન.." નાથાએ ડોળા કાઢ્યા.

છતાં મગન એને ખેંચી ગયો. ચમેલીએ ફરી સ્માઈલ આપ્યું, એ જોઈને નાથો બબડયો, "બફેલો તો તું છો હાળી.. ક્યારની આ પાડાને જોઈને રણકી રહી છો..!"


પછીના લેક્ચર ભરીને નાથો અને મગન લુના પર સવાર થઈને કેમ્પસમાંથી બહાર નીકળતા હતા ત્યારે જ પોલીસની જીપ કેમ્પસમાં દાખલ થઈ. પોલીસ જોઈને વિદ્યાર્થીઓ નવાઈ પામ્યા. પણ મગને તો લુનાને એકદમ જ લીવર આપ્યું.

"મગન, આપણને પકડવા તો પોલીસ નહિ આવી હોય ને !" નાથાએ કહ્યું.

"આપણે ક્યાં કંઇ ગુન્હો કર્યો છે, કદાચ આપણી પૂછપરછ કરવાની હોય ખરી, કારણ કે ઓલ્યા હરામખોરોના હાડકા આપણે ભાંગ્યા છે ને ! પણ આપણને કોઈએ જોયા નથી અને આપણાં નામ પણ કોઈ જાણતું નથી.એટલે વાંધો નહી."  


મગન આટલું કહી રહ્યો ત્યાં જ પોલીસની જીપમાંથી ચાર હવલદારો ઉતર્યા. અને મગન અને નાથા સહિત જેટલા પણ વિદ્યાર્થીઓ કેમ્પસમાં હતા એ તમામને એકઠા કરીને એક લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા. અને જીપમાંથી પેલી છોકરીને પણ લાવવામાં આવી.


મગન અને નાથાના પેટમાં ફાળ પડી. આ તો ઓળખવીધી હતી. પોલીસને વહેમ હતો કે તે દિવસે જે ઘટના બની અને આ છોકરીની ઈજ્જત બચાવી એ બે વિદ્યાર્થીઓ કદાચ યુનિવર્સીટીમાંથી આવ્યા હતા. પોલીસ કાયદકીય કાર્યવાહી મુજબ મગન અને નાથાનું બયાન લેવા માંગતી હતી, જેથી આરોપી વિરુદ્ધ ગાળિયો સારી રીતે કસી શકાય.


પેલી છોકરી વારા ફરતી દરેક છોકરાને જોઈને માથું નકારમાં હલાવતી હતી. નાથા અને મગનને જોઈને એના ચહેરા પર આછું સ્મિત, અને આંખમાં ચમક આવીને અદ્રશ્ય થઈ ગઈ. છોકરી પોતાના તારણહાર નાથા અને મગનને ઓળખી ગઈ છતાં એણે માથું તો નકારમાં જ હલાવ્યું.


આખરે ઓળખવીધી પુરી થઈ. પોલીસ પેલી છોકરીને લઈને ચાલી ગઈ. વિદ્યાર્થીઓમાં જાત જાતની વાતો ફેલાવા લાગી. શા માટે ઓળખ પરેડ થઈ ? કેમ્પસના વિદ્યાર્થીઓમાંથી કોઈએ આ છોકરીની છેડતી કરી હશે એ બાબતે પોતપોતાની બુદ્ધિ અને વિચારો મુજબ ટોળે વળીને વિદ્યાર્થીઓ ચર્ચા કરવા લાગ્યા.


 મગન અને નાથો હળવાફૂલ થઈને ફરી લુના પર સવાર થયા. થોડી જ ક્ષણોમાં સ્ટેશન તરફ વાયુવેગે (?) લુના ભાગી રહ્યું હતું.

 ચમેલીએ મગન અને નાથાને લુના લઈને જતા જોયા. એટલે તરત જ એણે પોતાનું સ્કૂટર એ લોકો પાછળ દોડાવ્યું. થોડીવારે એણે લુનાની સાઈડ કાપી. નાથાએ જોયું તો ગોગલ્સ ચડાવીને સ્કૂટર ધમધમાવતી ચમેલી જઈ રહી હતી. સાઈડ કાપતી વખતે ચમેલીએ મગનને કહ્યું, "હા..આ..આ..ઇ.."


 "મગના, આ હાથણી આપડી બકરીની સાઈડ કાપે છે, તું ચલાવ જલ્દી.." નાથાએ કહ્યું.

"પણ એની પાસે બજાજનું સ્કૂટર છે, ડફોળ..જાવા દે ને..નયાં ક્યાં આગળ જઈને ઇનામ મેળવી લેવાની છે, કોઈની પણ હરીફાઈ કરતા પહેલા આપણી પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જરૂરી છે, અને હરીફાઈ કરવાનું કોઈ કારણ પણ હોવું જરૂરી છે, કારણ વગરની હરીફાઈ કરીને કેટલાય દુઃખોને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. એ જાડીને કદાચ ઘેર જવાની ઉતાવળ હોય એવું'ય બને. અને એવું પણ બને કે એ બિચારી આપણી આગળ થવા ન માગતી હોય, પણ આપણું આ ટડટડીયું આપણને બેયને બેહાડીને માત્ર હાલે તો પણ ઘણું કહેવાય, જ્યારે આ ધીમું ધીમું દોડે તો છે!! તું શાંતીથી બેસ..આપણે ધીમે ધીમે જઈએ એ બરોબર છે.."કહીને મગને લુનાની સ્પીડ વધારવાને બદલે ધીમી કરી નાખી.


નાથાએ પણ મગનની વાત માની લીધી.

 ચમેલીએ જોયું કે પોતાની "હા..આ...ય.."ની કોઈ અસર થઈ નથી. એટલે એણે પણ સ્કૂટર ધીમું પાડ્યું. અને અરીસામાં મગનનું પ્રતિબિંબ જોવા લાગી. એ જોઈને મગને ફરી લીવર ઘટાડયું અને ચમેલીએ પણ સ્કૂટર વધુ ધીમું પાડ્યું એટલે નાથો અકળાયો. બન્ને પગ જમીન પર મૂકીને એ લુના પરથી ઉતરી ગયો અને મગનને પકડીને લુના ઉભું રખાવ્યું. લુના ઉભું રહ્યું કે તરત જ મગનને હળવો ધક્કો મારીને ડ્રાઇવિંગ સીટ પરથી પાછળ ધકેલીને પોતે ત્યાં ગોઠવાયો.

"પકડજે બરોબર..ઇ જાડી સમજે છે શું એના મનમાં.." કહીને નાથાએ લીવર આપ્યું. ઝાટકા સાથે "ફ્રુ..રૂ..રૂ...રૂ..."કરતું લુના આગળથી ઊંચું થઈને પછડાયું અને બીજી જ સેકન્ડે ભાગ્યું.


ચમેલીની એકદમ નજીકથી નાથાએ લુના સ્પીડમાં ચલાવ્યું. એકાએક સ્પીડમાં આવી રહેલા નાથાને જોઈને ચમેલીનું બેલેન્સ ખોરવાયું. માંડ માંડ તે પડતાં બચી. મગને હાથ ઊંચો કરીને પોતાની પાછળ આવવા ઈશારો કર્યો. એટલે સ્કુટરને કન્ટ્રોલ કરીને ચમેલીએ લીવર આપ્યું.


"ઓલી જાડી,આપણને આગળ નહિ થવા દે, નાથા.. તું રહેવા દે..એની પાસે બજાજ..."મગને નાથાને ઉશ્કેર્યો.

"બજાજની તો ઐસી કી તૈસી..બુલેટ કેમ નથી એની પાસે... મગના હાંકવાની હામ ઇ ક્યાંથી ઇની @#$&% માંથી લાવશે ? આ નાથાની સાઈડ કાપવી એ ઇ જાડી નું કામ નહીં."નાથાએ લુનાના લીવરને આગળ પાછળ કરીને ગજાવ્યું. લુના પણ કોઈ ઘોડી પોતાના અશ્વારનો ઈશારો સમજતું હોય એમ ફૂલ સ્પીડમાં ભાગવા લાગ્યું. મગને હાથની મુઠ્ઠી વાળીને અંગુઠો જમીન તરફ રાખીને ટાંય ટાંય ફિસનો ઈશારો ચમેલીને કર્યો. અને પાછળ ફરીને એક હાથ કપાળ પર મૂકીને જમીન તરફ ફગાવ્યો.


એ જોઈને હવે ચમેલીને ગમે તેમ કરીને નાથાની સ્પીડ કાપવી જરૂરી બની ગઈ. પોતાનું પરફોર્મન્સ બતાવ્યા વિના એનો કોઈ છૂટકો નહોતો. મનગમતાં પાત્રને ઈમ્પ્રેસ કરવા લોકો શું શું નથી કરતા. આ તો માત્ર એક લુના, અને એ પણ ડબલ સવારી ! એને પોતાના બજાજ સ્કુટરની પાછળ રાખી દેવું એતો એના ડાબા હાથનો ખેલ હતો. ચમેલીએ ટોપ ગિયરમાં નાખીને સ્કુટરને લીવર આપ્યું. ચમેલીએ સ્પીડ વધારી એટલે વળી મગને પહેલી આંગળી અને અંગુઠો મેળવીને બાકીની ત્રણેય આંગળી ઉભી કરીને મસ્તનો સંકેત કર્યો.


યુનિવર્સિટી બાજુ રોડ પર ખાસ વાહનો હતા નહિ. નાથો, ચમેલીનું સ્કૂટર આગળ ન થાય એ માટે લુનાને ફૂલ લીવર આપી ચુક્યો હતો. લુના,નાથા અને મગનને પોતાની સીટો ઉપર બેસાડીને એની તમામ તાકાતથી દોડી રહ્યું હતું. એ બિચારું આઠ દસ વરસ ખાઈ ચૂક્યું હતું.એની ટાંકીમાં પ્યોર પેટ્રોલ તો એ નવું નવું હતું ત્યારે એને પીવા મળતું.એના મૂળ માલિકને યાદ કરી કરીને કાટ ખાતું મોહનની ચાલમાં આવેલી એક મુતરડીની દીવાલને ટેકો દઈને પડ્યું રહેતું હતું. એના ટાયર પણ સાવ ઘસાઈ ગયા હતા અને ટ્યુબ પણ હવાને માંડ જીરવતી હતી ! કન્ડમ પ્રકારનું હલકું પેટ્રોલ પાઈને એને એનો માલિક ચંદુ જીવાડતો હતો. મગન જેવા એના દોસ્તો મન ફાવે ત્યારે એને હાંકી જતા,m મન ફાવે એમ હાંકતા અને મન ફાવે ત્યારે મૂકી જતાં. બિચારું એ લુના જો સજીવ હોત તો એના દુઃખના આંસુઓથી તાપી નદીમાં પુર આવ્યા હોત અને કદાચ આખા સુરતને તાણી ગયા હોત !  


ચમેલી એના પપ્પાને (દરેક દિકરીની જેમ) ખૂબ જ વ્હાલી હતી. કોલેજમાં આવી તે જ દિવસે એને સ્પેશિયલ કોલેજ જવા આવવા માટે જ આ સ્કુટરની ગિફ્ટ એના પપ્પાએ આપી હતી. વળી રોજ સવારમાં એ ખુદ આ સ્કુટરને ગાભો મારીને સ્વચ્છ રાખતાં. નિયમિત ગેરેજમાં લઈ જઈને નાનામાં નાનો સ્ક્રુ પણ ઢીલો થયો હોય તો ટાઈટ કરાવી આપતાં. પોતાની વ્હાલસોઈ દીકરી ક્યાંય હેરાન ન થાય એનું ખૂબ ધ્યાન એ બાપ રાખતો.અને એટલે જ આ ચમેલી ફાલી ફૂલી હતી.


ચમેલીએ સ્કૂટર લુનાની સાથે કર્યું. અને આગળ થઈ જતા પહેલા મગનની સામે જોયું. મગને હથેળી જમીન તરફ રાખીને સાઈડ ન કાપવા અને જોડા જોડ ચલાવવા ઈશારો કર્યો. ચમેલીએ લુના જેટલી સ્પીડ જાળવીને આરામથી સ્કૂટર ચલાવવા માંડ્યું.

 નાથો સમજયો જાડી આગળ જઈ શકતી નથી. લુનાના એન્જીનમાં મંજીરા વાગવા લાગ્યાં. ઘરડો ડોસો ખાંસી રહયો હોય એમ બિચારું લુના ચાલી રહ્યું હતું. એના એન્જીનમાં ઓઈલનું એક ટીપું પણ નહોતું.એટલે ખૂબ ગરમ થઈને ધુમાડા કાઢવા લાગ્યું.

મગને લુનાની દયા ખાઈને ચમેલીને પાછળ રહી જવા ઈશારો કર્યો. ચમેલીએ લીવર ઘટાડીને સ્કૂટર લુનાની પાછળ લીધું.


"જોયું, ભાયડાના ભડાકા..? અલ્યા એક બયરૂ આપણી મોર્ય થાય ઇમ ? ભલે એની પાંહે સ્કૂટર હોય અને આપડી પાંહે આ જૂનું ટટડીયું....થઈ હકી મોર્ય..?" નાથો જાણે કે રેસ જીત્યો હોય એમ બોલ્યો.એ સાથે જ લુનાના એન્જીને જવાબ આપી દીધો.

 પોતાના મિત્રની જીદને પુરી કરાવીને મગન મનોમન હસી પડ્યો. 


"હા, ભાઈ નાથા..તું જીત્યો હો..પણ આ તારું સગલું ઓલવાઈ ગયું..ગરમ થઇ ગયું લાગે છે.. ચલ સાઈડમાં લે.." નાથાએ લુના સાઈડમાં લઈને ઉભું રાખ્યું.એન્જીનમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા. ઓઇલ વગર ખૂબ જ સ્પીડમાં હાંકવાથી લુનાનું એન્જીન ચોંટી ગયું હતું. 


ચમેલી આ બન્ને પાસેથી પસાર થઈ ત્યારે મગને હાથ હલાવીને એને "બાય" કહ્યું. પણ એ ન ગઈ,

સ્કૂટર ઉભું રાખીને એણે કહ્યું.


"કેમ શું ઠીયું ? ટમે ટો બહુ જ ભગાવતા છો... મને ટો તમાડી આગડ ની ઠવા ડેવ.. પન ગાડી તો બગડી ગેઇ લાગટી છે ને"

 "એવું જ થયેલું મલે.. આપનો આભાર. આપ અમારી પરિસ્થિતી માં રસ લેવાને બડલે આપના ઘર તરફ હાંકી જશો તો તમારા આભારી થઈશું..." નાથાએ કહ્યું.

ચમેલીએ મગન સામે જોયું.મગને ખભા ઉલાળ્યા. ચમેલી મોં બગાડીને ચાલી ગઈ.

લુના કેમે'ય કરીને શરૂ ન થયું. બન્નેએ સાઇકલ કરીને પેડલ મારવાનું શરૂ કર્યું. 

(ક્રમશ:)


Rate this content
Log in