માથાભારે નાથો 19
માથાભારે નાથો 19
રમેશ આજે ખૂબ જ ખુશ હતો. મુંબઈ જઈને જામી ગયેલા રાઘવે ફરીવાર પૈસા મોકલ્યા હતા. અને મુંબઈ આવવાનું આમંત્રણ પણ !
મુંબઈ જોવાની ઈચ્છા હવે પુરી થવાની હતી.
મગન અને નાથો સાંજે રૂમ પર આવ્યા એટલે રમેશે મુંબઈ જવાની વાત કરી.
"તારો ભાઈબંધ છે..તું જા ભાઈ..અમારે નથી આવવું.."મગને કડવાશથી કહ્યું.
"યાર, હવે ક્યાં સુધી તારે એ પડિકાની કાણ કરવાની છે..? બિચારો પ્રેમથી બોલાવે છે તો તને શું વાંધો છે..''નાથાએ ખિજાઇને કહ્યું. પછી રમેશને ઉદ્દેશીને બોલ્યો," હાલ, ઇ ભલે અત્યારે ના પડતો..આપણે જશું..બોલ ક્યારે જવાનું છે ?''
"આવતા શનિ રવીમાં ઉપડવી...રેલવે સ્ટેશનેથી ટ્રેન મળશે..." રમેશ ઉત્સાહિત થઈને બોલ્યો.
"ટ્રેન રેલવે સ્ટેશનથી જ મળે..ઇ કાંઈ તારી આ રચના સોસાયટીના નાકે નો આવે..હાળો માસ્તર થયો તોય બુદ્ધિ જ નથી.." મગને કહ્યું.
"મગના..તું બહુ વાઇડીનો થા માં.."
કહીને રમેશ હસી પડ્યો.
બે દિવસ પછી વહેલી સવારે ત્રણેય મિત્રો મુંબઈ જવા નીકળી પડ્યા.રાઘવને ફોન કરી દીધો હતો અને રાઘવે પણ ક્યાં ઉતરવું વગેરે સમજાવી દીધું હતું. અને એ પણ જણાવેલું કે રસ્તામાં પાસવાળા સાથે માથાકૂટ કરતાં નહીં એ લોકો તમને ઉભા થવાનું કહે તો ઉભા થઇ જજો..
રમેશે એ બધું સમજી લીધું હતું.
પણ નાથા કે મગનને કંઈ વાત કરી નહોતી.
પાંચ વાગ્યે ફ્લાઈંગ રાણી સુરત રેલવે સ્ટેશન પર આવીને ઉભી રહી. આ દેશમાં ટ્રેન અને બસમાં ચડવામાં જો ફાવટ ન હોય તો ઉભા ઉભા જ પ્રવાસ કરવો પડે !
હજુ લોકલ ટ્રેન અને બસોમાં બળીયાના બે ભાગવાળી નીતિ ચાલી રહી છે. આપણો નાથો એ કલામાં પ્રવીણ છે એટલે બીજા ચડે એ પહેલાં જ ચાલતી ટ્રેને ડબ્બાના દરવાજાના સળિયા પકડીને ટીંગાઈ ગયો. ઉતરવાવાળા
ને હાથ અને કોણીનો પરિચય કરાવતો એ અંદર ઘુસી પણ ગયો અને બારી પાસેની સામસામેની સીટો રોકી લીધી. અને બીજી એક સીટ પર ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મૂકી દીધો. રૂમાલ એટલે જગ્યા રોકવાનું સાધન ! જ્યાં મુકાઈ જાય એ જગ્યા એ રૂમાલના માલીકની થઈ જાય..કેવું સારું હેં..! મેરા ભારત કંઈ એમનીમ મહાન નથી.
ત્રણેય ગોઠવાયા. ટ્રેન ઉપડી,ચાય બિસ્કુટ વગેરે નાસ્તાવાળા ફેરિયાઓ એમના ગળા તાણી તાણીને આવતા જતા રહ્યા.
''ચા પીવી છે..?"રમેશે પૂછ્યું.
"પૂછવાનું હોય ? જો પેલો ચા વાળો આવ્યો..ત્રણ કટિંગનું બોલ." નાથાએ કહ્યું.
બીજા પેસેન્જરમાંથી એક જણ નાથાની વાત સાંભળીને હસ્યો
"અહીં કટીંગ નો આવે..પાંચ રૂપિયા આપશો એટલે આખી જ આપશે.."છોકરાઓની અજ્ઞાનતા દૂર કરવાની તક ઝડપીને એણે ઝડપી લીધી.
રમેશે ચા વાળાને રોક્યો.
ચા વાળાએ નાનકડી ચાની ભૂકીવાળી પોટલી રાખેલા કપમાં ગરમ દૂધ રેડીને કપ ભર્યો..
''અલ્યા, દૂધ નથી પીવું..ચા તો કીધું..." નાથો અકળાયો.
"ભાઈ.. એ ચા જ આપે છે..પેલી પોટકીમાં ચાની ભૂકી છે...એ હલાવશો એટલે દૂધમાં ભળી જશે ગામડીયા લાગો છો..કોઈ દી આવી ચા પીધી નથી કે શું..."પેલો જ્ઞાનવર્ધક પેસેન્જર હસી પડ્યો.
એની સાથે બેઠેલા કંપાર્ટમેન્ટના બીજા પેસેન્જર પણ હસ્યાં..
"તે નો ખબર હોય તો નો ખબર હોય..બધા કંઈ શીખીને નથી આવતા..દાંત શેના કાઢો છો..અમે ગામડેથી આવ્યા તે કંઈ ગુન્હો નથી કર્યો.."નાથો, ચા નો કપ લઈને પેલી પોટકીને, કપમાં ગોળ ગોળ ફેરવવા માંડ્યો. રમેશ અને મગને પણ એમ જ કર્યું. એ જોઈને પેલો જ્ઞાનવર્ધક ફરી હસ્યો.
"અલા એમ નહીં.. પોટકીને ઉપર નીચે ડબકા ખવડાવો..''
"લો ને ભાઈ તમે જ હલાવી આપો ને બાપુ.." કહીને નાથાએ પેલાને કપ પકડાવ્યો. પેલાએ હોંશે હોંશે કપ લઈને નાથાને પોટકીવીસર્જન કરી બતાવ્યું.
"લેજો ભાઈ..મને'ય નહીં ફાવે, જરીક આમાં પણ આપના વરદ હસ્તે આ પોટલીને કુદકા મરાવી આપો એટલે ચા નો રસાસ્વાદ અમે પણ માણીએ.." મગને પોતાનો કપ પેલાને લંબાવ્યો.એ જોઈને નાથાએ રમેશને કહ્યું.
"રમલા તું'ય હલાવડાવી લે..આ ભાઈ બહુ સારા માણસ છે.બધાને હલાવી આપશે."
રમેશે પણ પોતાનો કપ લંબાવ્યો..
"આ રીતે પોટકીને ડુંબકા ખવડાવોને યાર..."પેલાએ આવી પડેલું કામ જોઈને કંટાળીને કહ્યું.
"ઇ તો બરોબર..પણ તમારી જેવું નહીં ફાવે..શુ છે કે તમે અનુભવી અને શહેરના માણસ કે'વાવ..અને અમે ગામડીયા..એટલે આવી પોટકીયુંને ડબકા ખવડાવતા નો ફાવે..અમને તો કોક માણસને ડબકા ખવડાવવા હોય તો ફાવે..કેમ મગન બરાબરને..!" કહીને નાથાએ મગન સામે આંખ મારી..
ત્યાં સુધીમાં રમેશે પણ પોતાનો કપ પેલાને પરાણે પકડાવી દીધો.
"અરે..વાહ..ચા સ્વાદમાં ઘણી ફિક્કી છે, પણ આ મહાનુભાવના પરોપકારી સ્વભાવને કારણે એમના હૈયાની મીઠાશ કંઈક અંશે ચા ના આ પ્રવાહીમાં સંમિલિત થઈ છે, અને આવા પરગજુ માનવો દ્વારા આપણા દેશમાં લોકોને, પોતાની અજ્ઞાનતાને કારણે સાંપડતી અસુવિધા તાત્કાલિક બેઅસર થવાનું અનુભવાઇ રહ્યું છે, આ ટ્રેનની સફરમાં આપના કરકમળોની મદદ અમને સાંપડી છે એ બદલ હું અને મારા આ બન્ને પરમ સખા આપના ઋણી રહેશે. ક્યારેક કોઈ સંજોગોનો શિકાર બનીને વરાછારોડ પરની રચના સોસાયટીમાં આવવાનું થાય તો ગાળા નંબર એકસો સતાવનમાં
અવશ્ય પધારજો, ત્યાં અમે તમારી ખાતીર બરદાસ્ત સારી રીતે કરીશું.. તો મહોદય અમને આ તબ્બકે ચામાં ભૂકીની પોટલી હલાવી આપવા બદલ આપનો ફરી વખત આભાર માનું છું.." મગને ચા ના સબડકા લેતા લેતા પેલા મદદગારનો આભાર માન્યો. પેલો રમેશના કપમાં પોટકી હલાવતો હલાવતો સ્થિર થઈને ખુલ્લા મોં એ મગનને તાકી રહ્યો. એનો હાથ પોટકીને ડબકા ખવડાવવાનું જાણે કે ભૂલી ગયો..એ જોઈને નાથાએ એનો હાથ પકડીને કહ્યું, "તમે કામ ચાલુ રાખો યાર..ઇ બોલે છે એમાં ભલભલાને સમજ નથી પડતી..તો તમને શું કંટોલા સમજ પડવાની ? અમારો આ ભયબન ક્યારેક ક્યારેક બહુ અઘરું અઘરું બોલે છે..
રમેશ પરાણે હસવું દબાવી રહ્યો. બીજા પેસેન્જર પણ મગનવાણી સાંભળીને અચરજથી મગનને જોઈ રહ્યા.
પેલાને ચાનું જ્ઞાન આપવા બદલ મનોમન પસ્તાવો થયો. "સાલાઓને સલાહ આપી, તો કપ જ મને પકડાવ્યા...હલાવી આપો.."
થોડીવારે શિંગોડા વેચવાવાળી એક ફેરીયણ આવી. કાળા કાળા શિંગોડા જોઈ નાથો નવાઈ પામ્યો.
એણે પેલા મદદગાર સામે જોયું. પેલો તરત જ બારી બહાર જોવા લાગ્યો..
"ઓ હેલો..જેન્ટલમેન..આ કઈ ચીજ છે..વોટ ઇસ ધીસ. ? આ કઈ રીતે ખવાય..એ આપ જાણતા હોવ તો પ્લીઝ અમને જણાવવાની કૃપા કરશો..?" નાથાએ પેલાને પૂછ્યું.
"તારે આ શિંગોડા ખાવા હોય તો લઈ લઉં.પાંચ રૂપિયાના.. હવે ચ્યાં વાંધો છે, ચા હલાવી આપી છે તે શું શિંગોડા નઈ ફોલી આપે ? તેં યાર, નાથા માણસને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી..આ ભાઈ જેવા લોકોથી જ આ આકાશ પૃથ્વી ઉપર વગર ટેકે ઉભું છે...તેં ક્યાંય આ આભને ટેકા જોયા છે ?
આવા લોકો જ આભના ટેકા છે યાર..એ શિંગોડાવાળી આપ પાંચના શિંગોડા..." રમેશે હસવું દબાવીને કહ્યું.
શિંગોડા વેચવાવાળીએ પાંચ રુપિયાના શિંગોડાનું પડીકું વાળીને રમેશને આપ્યું..રમેશે એ પડીકું લઈ પાંચ રૂપિયા ચૂકવીને પેલા ભાઈને ખભે હાથ મુક્યો..
"તો હવે આ શિંગોડાનું જ્ઞાન પણ અમને આપી જ દયો હવે..ભલે થઈ જાય આજ..."
"હા...આ..આ..બરોબર છે.." નાથાએ સુર પુરાવ્યો.
કંપાર્ટમેન્ટના બધા પેસેન્જરો પેલા મદદગારને જોઈ રહ્યા. એ બરાબર સપડાયો હતો..
"આ શિંગોડા છે..એને ફોલીને કાળું પડ દૂર કરવાનું હોય..તમે કરી શકો..'' પેલાએ થોડા ઢીલા અવાજે કહ્યું.
"હં...હં..તો એકાદું ફોલી આપો એટલે આપણે બધા જ શિંગોડાનો સ્વાદ લઈશું..કેમ બરાબરને ભાઈઓ..." નાથાએ પેસેન્જરો ને કહ્યું.
"હા..આપના કર કમળોની કરામત આ અશ્વેત ફળ ઉપર કરી બતાવો
સર્જનહાર પણ મહાન વૈજ્ઞાનિક છે...ઉપરથી કાળા અને અંદરથી ધોળા ફળ બનાવ્યા..પણ માણસોને તો ઉપરથી ધોળા અને અંદરથી કાળા બનાવ્યા...દેખાય એવા હોય નહીં અને હોય એવા દેખાય નહીં.. આ શિંગોડાનું પણ એવું જ લાગે છે..લ્યો ત્યારે સજ્જનશ્રી આપ આ શિંગોડા કેવી રીતે ખાવા એનું જ્ઞાન આપી જ દો.."મગને કહ્યું.
પેલાએ પરાણે એક શિંગોડું ફોલી બતાવ્યું. નાથાએ એ શિંગોડું મોઢામાં મૂકીને બીજું પકડાવ્યું, એટલે પેલો ખિજાઇને બોલ્યો, "હવે યાર તમે ફોલો ખાવા હોય તો..."
"એમ કેમ ચાલે..? તમારા ભરોસે તો શિંગોડા લીધા છે...જોયું હું નહોતો કહેતો..બહારથી ધોળો દેખાતો માણસ અંદરથી કેટલો કાળો હોય છે..? આમને સજ્જન સમજીને પાં..આ..આ..ચ રૂપિયા જેવડી ધરખમ રકમ અમે શિંગોડાપાછળ રોકી દીધી.. અને જરા અમથું ફોલવાનું કામ માથે આવ્યું તો હાથ ઊંચા કરી દીધા..જેમ ચા હલાવી આપી એમ શિંગોડા નો ફોલી દેવાય..? કાલ ઉઠીને કોણ તમારો ભરોસો કરશે..અને અમારા જેવી નવી પેઢીનું માર્ગદર્શક કોણ હેં..?" મગને રડમસ અવાજે કહ્યું.
જાણે શિંગોડા ન ફોલાય તો એની સમગ્ર દુનિયા લૂંટાઈ ન ગઈ હોય ?
"હા..હા..યાર..તમારે શિંગોડા તો ફોલી જ આપવા જોશે..નહિતર પાંચ રૂપિયા આપી દો.." નાથાએ
પેલા ભાઈનો હાથ પકડ્યો..
હવે પેલો બરાબર નો ખીજાયો..
"અરે ખાવા હોય તો ફોલો..અમે કંઈ નવરીના નથી.. આતો આંગળી આપીએ ત્યાં આખો હાથ પકડે છે.."
" તો વાંધો નહીં.. અમેં આ શિંગોડાનો ત્યાગ કરીએ છીએ બરોબર..?" નાથાએ કહ્યું. અને શિંગોડાનું પડીકુંવાળીને રમેશના થેલામાં મૂકી દીધું.
થોડીવારે ભેળ વેચવા એક ફેરિયો ટોપલો લઈને આવતો હતો એનો અવાજ આવ્યો..
"ચના..ચોર..ગરમ...ભેળ પકોડી..કોલેજીયન ભેળ...."
એ અવાજ સાંભળીને વળી નાથે પેલા ભાઈ સામે જોયું..
"કોલેજીયન ભેળ..? આ વળી કેવી ભેળ...ભાઈ શ્રી તમે આ પ્રકારની કોલેજમાં વેચાતી ભેળ પર પ્રકાશ ફેંકી શકશો..?"
પેલો તરત જ ઉભો થઇ ગયો. એનો થેલો ઉપર મુક્યો હતો એ લઈને બીજા કંપાર્ટમેન્ટમાં જવા લાગ્યો.
"મારે ક્યાંય પ્રકાશ પાડવો નથી. તમે લોકોએ તો પતર ઠોકી નાખી.
જરા એક ચા બાબતે શીખવ્યું ત્યાં સાલા પાછળ પડી ગયા..ભલાઈનો તો જમાનો જ રહ્યો નથી, નલાયકો.. કોણ જાણે ક્યાંથી આવી ચડ્યા છે, સવાર સવારમાં..
દિવસ બગાડી નાખ્યો..શિંગોડા ફોલી આપો...ભેળ ઉપર પ્રકાશ ફેંકી આપો.. અરે ભાડમાં જાવ તમે બધા..મારે અહીં બેસવું જ નથી.."એમ બબડતો બબડતો પેલો આગળના કંપાર્ટમેન્ટમાં જઈને બેઠો.
" હવે ટ્રેનમાં કોઈ કાનમાં કોળિયા નાંખશે તોય આ ભાઈ મુંગો જ રહેશે.. સલાહ નહીં આપે કે ભાઈ કાનેથી નહીં, મોંએ થી ખવાય.."
મગને નાથાને તાળી આપતા કહ્યું. અને બીજા પેસેન્જરો પણ હસી પડ્યા..
" હજુ તો મારે એ ભાઈને ટ્રેનમાં ટોઇલેટની વ્યવસ્થા વિશે પૂછવાનું હતું.." નાથાએ કહ્યું..
"તારે શુ એની પાસે ધોવડાવવાનો પણ વિચાર હતો કે શું..? નાથીયા એમ કોઈની અણી નો કાઢી લેવાય.." રમેશે કહ્યું.
એવામાં વાપી આવી ગયું. મુંબઈ કામકાજ કે નોકરી કરતા ,રોજ અપડાઉન કરવા વાળા લોકો
ટ્રેનમાં ચડયા.
"ચાલો...ચાલો...ઉભા થઇ જજો ભાઈ.. જગ્યા આપી દેજો..બોસ.." એક બે જણ ડબ્બામાં આવીને પેસેન્જરને ઉભા કરવા લાગ્યા.
પેસેન્જરો પણ ઉભા થઈને એ લોકોને જગ્યા આપવા લાગ્યા. રમેશને રાઘવે પાસવાળા જોડે માથાકૂટ કર્યા વગર ઉભા થઈ જવાનું કહેલું એ યાદ આવ્યું..પણ એણે નાથા અને મગનને આ વાત કરી નહોતી. અપડાઉન વાળાનું એક ગ્રૂપ એ કંપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યું.. એટલે બધા પેસેન્જર સાથે રમેશ પણ ઉભો થઇ ગયો.
"ચાલ એ ભાઈ, તને શું સ્પેશિયલ કહેવું પડશે..? ઉભો થઈને જગ્યા આપ.."એક જણે નાથાનું બાવડું પકડ્યું. અને મગનને પણ કહ્યું
"ચલ ઓ..તું પણ ઉભો થઈ જા.."
નાથો ક્યારનો આ ખેલ જોઈ રહ્યો હતો.
''કેમ..તમારા બાપની ટ્રેન છે ભાઈ..
હું ટીકીટ લઈને બેઠો છું..તું મને ઉભો કરવાવાળો છો કોણ..?"
નાથો બોલે એ પહેલાં જ મગને ઉંચા અવાજે કહ્યું.
"ઓ..ઓ.. બાપની વાત ની કર.. ચલ ઉભો થઇ જા..નહીં તો માર પડશે.. ''પેલાએ જોરથી કહ્યું અને નાથાનું બાવડું પકડીને ખેંચવા લાગ્યો. ત્યાં જ બીજા ચાર પાંચ જણ આવીને બોલવા લાગ્યા.
"કોણ છે એ..શૂરવીરનો દીકરો.. ખેંચી લો સાલાને..અપડાઉન વાળા નો પરિચય નથી લાગતો..ચાલ ઓ હજુ કહીએ છીએ ઉભા થઇ જાવ બન્ને..."
નાથાએ એનું બાવડું પકનારના હાથ પર ઝાપટ મારીને એનો હાથ હટાવ્યો.
"મારની બીકે અમે અમારી જગ્યા છોડીએ એવા ફાટણીયા નથી, તમારા લોકોમાં ત્રેવડ હોય તો અમને ઉભા કરી જુઓ..આજ ટોળામાં આવ્યા છો..તમારી સંખ્યા વધુ છે..એટલે અમે કંઈ ફાટી નથી પડતા..ભલે માર ખાવો પડે.. બેસ એય રમલા.. તું પણ આ બધા બાયલાઓની જેમ ઉભો થઇ ગયો..? "એમ કહીને નાથાએ રમેશને પણ બેસાડી દીધો.
"જેની માં એ સવાશેર સુંઠ ખાઈને જણ્યો હોય ઇ આવે.. હું અને મારા આ બન્ને દોસ્તો અમારી જગ્યા છોડવાના નથી..તમારી માને ધાવ્યા હોય તો આવી જાવ, આજ તમારી છે..પણ દીકરાઓ યાદ રાખજો કાલ તમારી નહીં હોય..પચાસ જણા હથિયાર લઈને આવશું..જેના જેના હાથ અમને અડયા હશે એ બધાયનું અપડાઉન છ છ મહિના બંધ કરાવી નો દઈએ ને તો અમે કાઠિયાવાડી નહીં.. તમારા બાપની ગાડી છે તે બધાંયને ઉભા કરી દો છો..? "પછી ઉભા થઈને જગ્યા આપી દેનારા પેસેન્જરોને ઉદ્દેશીને મગને કહ્યું, "સાલા બાયલાઓ..
મારની બીકે જગ્યા આપી દીધી..
કાલ તમારી બેન દીકરીઓ અને બયરીઓ પણ બીક બતાવીને લઈ જશે.. તો શું આમ મોઢા ફાડીને જોયા કરશો..? આપણો દેશ તમારી જેવા નમાલા લોકોને કારણે જ બસ્સો વરસ ગુલામ રહ્યો..." ફરી પેલા અપડાઉનવાળાને કહ્યું.
''તો આવી જાવ..આ મુઠ્ઠીનો ઢીકો જેના મોઢા ઉપર પડશે એના દાંત સાજા નહીં રે.. ચાલ નાથા..તારી ખંજવાળ પણ આજ ભાંગી જ નાખ.."
મગન અને નાથો બારી પાસેની સામ સામેની સિંગલ સીટો પર બેઠા હતા. વચ્ચે પેસેજ હતો અને રમેશ અંદરના કંપાર્ટમેન્ટમાં સીટના કોર્નર પર બેઠો હતો. મગન અને નાથાએ એક હાથે બારીના સળીયા પકયા અને બીજા હાથની મુઠ્ઠી વાળીને મુક્કો તૈયાર કર્યો. રમેશ પણ એ બન્નેની વચ્ચે આવીને ઉભો રહી ગયો.
મગનની ધમકીની અસર પેલા ટોળા ઉપર થઈ. પણ એ ટોળાનો આગેવાન બોલ્યો, "મારો.. સાલ્લાઓને..આજ કોઈ સામો થવામાં સફળ થશે તો કોઈ દિવસ જગ્યા નહીં મળે..રોજ ઉભા ઉભા જવું પડશે.."એમ કહી એણે આગળ આવીને નાથાને તમાચો મારવા હાથ ઉગામ્યો. એનો હાથ નાથાના ગાલ પર પહોંચે એ પહેલાં જ નાથાએ એના જડબા ઉપર મુક્કો રસીદ કરી દીધો.અને એ સાથે જ રમેશે પેલાને પાટું માર્યું. અપડાઉનવાળા ચાલીસ પચાસ જણ હતા..પણ નાથા-મગન રમેશને બધી બાજુથી ઘેરી શકાય તેમ નહોતું..કારણ કે ટ્રેનના ડબ્બાના પેસેજમાં આ લડાઈ લડવાની હતી..એટલે વધુમાં વધુ બન્ને બાજુ ત્રણ ત્રણ જણ મગન અને નાથાને મારવા આવી શકે.
રમેશ વચ્ચે ઉભો રહીને વારા ફરતી નાથા અને મગનને કવર કરી શકે એમ હતો. રમેશે જેને લાત મારી એ ગબડીને સામેના કંપાર્ટમેન્ટમાં બન્ને સીટ વચ્ચે પડ્યો.
એ જોઈને એક જણે રમેશનો કાંઠલો પકડ્યો અને મગન અને નાથાના હાથ પકડીને ખેંચવા લાગ્યા..મગન અને નાથાએ એક એક હાથે બારીના સળીયા પકડ્યા હતા એટલે પેલા લોકોને વધુ ખેંચવા પડે તેમ હતું. મગન અને નાથાના બન્ને હાથ રોકાઈ ગયા હોઈ બીજા લોકો ધસી આવ્યા અને મગન અને નાથાને મારવા લાગ્યા. રમેશને પણ ટોળાએ ખેંચી લીધો.
આખરે મગન અને નાથાએ બારીની ગ્રીલ છોડીને જે હાથમાં આવ્યો એને ઢીબવાનું ચાલુ કર્યું. ઢીકા અને પાટુંના સામસામાં પ્રહારો અને ગાળાગાળી..ત્રણેય મિત્રોને પણ અપડાઉનવાળાએ ઘણો માર માર્યો. અને મગન, નાથા અને રમેશે પણ ઘણાની ધોલાઈ કરી. એટલામાં કોઈએ ચેઇન પુલિંગ કર્યું. અને ટ્રેન ઉભી રહી ગઈ.
રેલવે પોલીસે આવીને ઘટનાનો જાયજો લીધો. મગન અને નાથાએ જોરદાર દલીલો કરી.
પોલીસે આખરે મામલો રદે ફદે કરીને અપડાઉનવાળાઓને ખખડાવ્યા. મુસાફરો પર દાદાગીરી ન કરવા ચેતવણી આપી.
મગન, નાથો અને રમેશ પુન: પોતાની જગ્યા ઉપર ગોઠવાયા.
સાથે સાથે એ કંપાર્ટમેન્ટના પસેન્જરોમાં પણ હવે હિંમત આવી હતી. એ લોકોએ પોતાની જગ્યા પર બેસી ગયા.અપ ડાઉનવાળાઓને જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા, અને બાકીના બીજા ડબ્બામાં ચાલ્યા ગયા..
કેટલાક હજી ઉભા હતા એમને મગને કહ્યું.."અમને મારીને તમે બહુ મોટી ભૂલ કરી છે, હવે જોઈ લેજો..એક એકના હાથપગ ભંગાવી ન નાખુંને તો કે'જો..આ જ ડબ્બામાં અમે આવશું..નીચના પેટના'વ..તમારા બાપની ટ્રેન છે ?"
"જવા દો ને યાર..હવે પતી ગયું છે..તમે પણ સારી હિંમત કરી હો..
આ લોકોની સામે કોઈ અવાજ પણ કરી શકતું નથી..તમે ઘણાંને મેથીપાક આપ્યો..."એક પેસેન્જર બોલ્યો.
"પતી નથી ગ્યું.. હવે જ શરૂ થયું છે...જોઈ લેજો...હવે.." મગનનો ગુસ્સો શાંત થતો નહોતો. મોટેભાગે નાથો આગ પકડી લેતો હોય છે પણ આજ મગને દાવ લીધો હતો.
"અન્યાય હું સહન કરી શકતો નથી, કોઈએ પણ ન કરવો જોઈએ.
..માર પડવાની બીકે આપણે શું બાયલા બની જવાનું..? જો તમે બધાએ પહેલેથી જ આ લોકોનો વિરોધ કર્યો હોત તો કોઈની હિંમત કેમ ચાલે...આપણને આપણી જગ્યા પરથી ઉભા કરી મૂકે..?"
નાથાએ કહ્યું.
"તમારી વાત સાચી છે, પણ આપણે શું છે કે કામથી નીકળ્યા હોઈએ..અને આ લોકો સમૂહમાં હોય..કોણ માથાકૂટ કરે..ઘડીક ઉભા રહી જઈએ..એમ તો આ લોકો આપણને ક્યાંક જગ્યા હોય તો બેસવા દે છે, બિચારા..''
''વાહ ભાઈ વાહ..તમારી જેવાની જ જરૂર છે એ દેશને..ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી મુકવામાં આવ્યા પછી ગાંધીજીએ તમારી જેમ વિચાર્યું હોત તો હજી આપણે કદાચ ગુલામ જ હોત..આ છોકરાઓની હિંમતને હું દાદ આપું છું..પહેલા મોગલોએ અને પછી અંગ્રેજોએ આવી જ રીતે આપણને આપણી જગ્યાએથી ઉઠાડી મુક્યા અને બસ્સો વરસ સુધી આપણે ઉભું રહેવું પડયું..
અરે ઉભાંની ક્યાં કરો છો એમણે તો આપણને વાંકા રાખ્યા..વાંકા.."
એક વૃદ્ધ પેસેન્જરે પેલાને ખખડાવતા કહ્યું..
પેલો પણ ખસિયાણો પડી પડી ગયો.અને ટ્રેન દહીંસર સ્ટેશને ઉભી રહી. નાથો, મગન અને રમેશ ટ્રેનમાંથી ઉતરીને રિક્ષામાં ગોઠવાયા.
રાઘવનો ફ્લેટ મીરાંરોડ વિસ્તારમાં આવેલો હતો.
(ક્રમશ:)