The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dineshgiri Sarahadi

Drama

4  

Dineshgiri Sarahadi

Drama

માધુ રેડિયો

માધુ રેડિયો

7 mins
23.4K


    વાવાઝોડાની ચર્ચાએ તેની ઝડપ કરતાં પણ વધારે વેગથી જોર પકડ્યું હતું. ઉનાળાના દિવસો. ધોમ ધખતો તાપ. બપોરે આરામ કરવા સિવાય બીજું કંઈ ખાસ કામ ન હોવાથી નવરાશનો સમય પણ ઘણો મળી રહેતો હતો. કયારેક તો લોકો અવનવી અફવાઓ પણ ફેલાવે. 'ચોટલો કાપવાવાળા આવે છે' ; 'ડાકણો આવે છે એટલે ઘર બહાર કંકુના થાપા કરી દેજો' ; ' છોકરાં ઉપાડી જવા વાળા આવે છે ' વગેરે અફવાઓ વાવાઝોડાની ઝડપ કરતાં વધારે વેગથી ફેલાઈ જતી હતી. એટલે જ તો ઓખી, નિલોફર અને ફેની ની ઝડપ કરતાં લોકો જે અફવાઓ ફેલાવે તે ખૂબ ઝડપથી ફેલાઈ જતી હતી અને હવે તો અફવાઓ ફેલાવવાનું સરળ માધ્યમ સોશિયલ મીડિયા તેમના હાથવગું થઇ ગયું હતું.

      ચૂંટણીઓ પૂરી થઇ એટલે એક્ઝિટ પોલની ચર્ચાઓ સાંભળવા લોકો સવારથી જ ટીવી આગળ ગોઠવાઈ ગયા હતા. સાંજ થવા આવી તોય લોકો ટીવી બંધ કરવાનું નામ લેતા ન હતા.

   " અલ્યા રમલા, આ ટીવીનો ડફોળો બંધ કરીને કાંક કામ ધંધો કર... આ વોટ વાળા કાંય ખેતર ખેડવા નહિ આવે. શેઢા પાળી સરખા કરો મે ના દિ'' તો આવી ગયા.."

    કંટાળી ગયેલાં રેવાં ડોશીએ ચાની તપેલી ઉકાળતાં બોલ્યાં. 

    " બસ બાઈ, હવે હાલની એકાદ એડવટાઇ આવવા દે .. પછી બંધ "

રમેશે જવાબ આપ્યો.

        અચાનક લાઈટ (વીજળી) ગઈ તો ટીવી બંધ થઈ ગઈ એટલે સ્વિચો બંધ કરીને આંખો ચોળતા ચોળતા રમેશ, જગો અને રાજુ બધા ઘરમાંથી બહાર આવ્યા.

   " મારું કીધું ન માન્યું પણ લાઈટ ગઈ એટલે ઊભા રહ્યા ને... ? હવે બેટા ખેતરે આંટો મારી આવો " રેવાં ડોશી બોલ્યાં.

   "બે દા'ડા તો જોવા દે. ખેતરના સેઢા તો આખી જિંદગી છે જ. " રમશે કહ્યું.

     " આ મારા બેટા લાઈટ વાળાઓ પણ પતર ઠોકે છે. " તેણે બબડાટ ચાલું જ રાખ્યો, " ખરા ટાઈમે જ કાપ મૂકી દે છે. મેચ વખતે પણ છેલ્લી ઓવર બાકી હતી અને લાઈટ ગઈ. પછી રેડિયો સાંભળવા જવું પડ્યું હતું. આના કરતાં તો રેડિયો હોય તો સારું. ઓછા ખર્ચે આવી જાય કામ કરતા પણ સાંભળી શકાય અને લાઇટની કોઇ માથાકૂટ નહીં. " 

     " એક જોડી પાવર (સેલ) નાખીએ એટલે બે મહિના શાંતિ. " જગે કહ્યું," કાંતો તું લાવ નહીતર આ વખતે હું થરાદ જાઉં તો લાવી જ દેવો છે."

   "ના...હો... રેડિયો... નહીં... " રેવાં ડોશીએ ઊંચા અવાજે કહ્યું " ટીવી બરાબર છે. રેડિયાનું ઠિબડું તો આપણા ઘરે નહીં જ.."

   "કેમ.. મા... ? ટીવી કરતાં તો રેડિયો હજાર વાર સારો" જગે નવાઇથી પૂછ્યું.

   "તમોને કીધુને એકાર...? રેડિયો નહિ એટલે નહીં !!!" રેવાંમાએ ગુસ્સે થઈને કહ્યું.

    "અરે બાઈ ઓમ ચમ કરે છે ? રેડિયો લઈને તો છેતરે ય જવરાય. હાંભળતાં હાંભળતાં કોમેય થાય. ચમ ના પાડે છે ? " રમેશે પૂછ્યું.

    થોડીવાર નિરુત્તર રહીને રેવામાંએ કહ્યું,

" તો સાંભળવું જ છે ને ?.... આટલા દિ' આ વાત તારા કાને પડવા જ દિ'ધી નથી અને પછી સંભળાવવાની ઈચ્છા કરી તો તે કદિ'યે કાન દિ'ધો નથી ! પણ હવે સાંભળી લો... "

       " હું જે વાત કરું એને તો ઘણાં વરહ થઈ ગયાં. બનવાનું હતું તે બની ગયું." વાત કરતાં જ રેવા ડોશીની આંખો માં ઝળઝળીયા આવી ગયાં. ગળે ડૂમો ભરાઈ આવ્યો. બેભાન થઇને જમીન પર ઢળી પડે તે પહેલાં રમેશ અને તેના મિત્રોએ તેમને હાથ પકડી ને ધીમેથી નીચે બેસાડ્યા. વ્યવસ્થિત બેસાડી કાપડના ટૂકડાથી પવન નાંખ્યો અને પાણીનો કળશીયો આપ્યો.

થોડા સમય પછી બધાએ કહ્યું કે હવે તમારે બધી વાત કરવી જ પડશે.

  થોડી વાર પછી તેમનાથી બોલાયું,

    " તારા બાપને રેડિયાનો શોખ હતો. એવો તો ગાંડો શોખ કે જ્યાં જાય રેડિયો બગલમાં લઈને જ જાય..."

    રમેશ અને તેના ભાઇબંધો આશ્ચર્યચકિત થઈને રેવામા સામે જોઈ રહ્યા, રેવા ડોશીએ આગળ વાત કરી...

     " ઈ સમયમાં આખા ગોમમાં કોઇને ઘેર ટીવી, ટેપ કે રેડિયો હતાં જ નહી. ખાલી ઓપડી ઘરે જ રેડિયો. સાંજ પડે એટલે અડધું ગામ આપડી ઘરે ભેગું થાતુ 'ગામનો ચોરો ' સાંભળવા. બધાં ભેગાં થઈને અલક મલક ની વાતો કરતાં, પોગ્રાંમ સાંભળતાં, અને તેમાંથી કાંક શીખીને જતાં. "

    ' તારા બાપા બહાર ગામ મહેમાનગતિ કરવા જાય કે નાતે જાય, ધાન વેચવા માર્કેટમાં જાય કે સામાન ખરીદવા જાય, રેડિયો તો સાથે ને સાથે જ. ખાવા બેસે કે રાત્રે સુવા જાય રેડિયો વગર તેમને ન ફાવે. '

  " રેડિયો ની ટેવ છોડાવવા એક વખત અમે રેડિયો સંતાડી દિ'ધો. બે ત્રણ દિવસ ન આપ્યો તો તેમણે ત્રણ દિવસ ખાવા ન ખાધું. છેવટે અમે રેડિયો આપ્યો ત્યારે જમ્યા. રેડિયો તેમના શરીરનું અંગ બની ગયો હતો. આખું ગામ તેમને તેમના નામની પાછળ રેડિયો શબ્દ બોલતું થઈ ગયું હતું. રેડિયો એમને જીવથીએ વધારે વ્હાલો લાગતો. "

     રૂપેરી પતરા જેવા ધોળા વાળને સરખા કરતાં રેવા ડોશી જુવાનીના દિવસોના સંસ્મરણોમાં સરી પડ્યાં...

      રેવા ના આડોશપડોશ કે ગામના લોકો માધવને બજાર માં કે બીજે ક્યાંય જોતાં તો બીજા દિવસે રેવા ના ઘરે જઈને વાત કરી દેતા કે, ' આજે તો જમાઈ રેડિયો લઈને ફલાણી જગ્યા એ ફરતા હતા. '

    રેવા અને માધવના લગન લેવાયા ત્યારે તેઓ જાનમાં પણ રેડિયો લઈને આવેલા. અને તેથી જ જાનડીઓ પણ એક ગીત તો વારંવાર ગાવતી હતી...

   " લીલી પીળી વાદળી માં વિમાન ચાલે..

     નીચેની દુનિયા જોયા કરે...

    ભણેલ માધુભાઇ રેડિયો રાખે...

    અભણ રેવા વઉ સમાચાર પૂછે.. "

     આ હા હા.... શું એ દિવસો હતા ? પણ સમયને બદલાતાં ક્યાં વાર લાગે છે ?

     રેડિયો સાંભળવા આખું ગામ ભેગું થતું. સાંજ પડે એટલે 'વિયાળું' કરીને 'સમયસર' બધાં આવી જતાં..

      દોઢ બે મહીને રેડિયામાં ખખડાટ આવવાનું શરૂ થાય અને શ્રોતાગણની ફરિયાદો આવવાનું શરૂ થાય કે તરત જ માધવ નવા પાવર (સેલ) નાખે એટલે ચોખ્ખો અવાજ આવવા લાગતો. માધવ પણ દિલનો રાજા માણસ. તે એડવાન્સમાં પાવરની બબ્બે જોડ રાખતો. સેલ બદલાવ્યા છતાં ઘોઘાટ આવ્યો તો માધવે કહ્યું કે, 'આકાશમાં વીજળી થાય છે એટલે ખખડાટ થાય છે.' 

      લાખા સરપંચે તો હળવી ટકોર પણ કરી, " માધુડા, તારો રેડિયો જોખમી છે હો ભાઈ કયારેક દખ ઊભું કરશે.' 

  માધવે સમજાવ્યું કે,'એવી ચિંતા ના કરો સરપન બા, કોઈ તકલીફ નહિ થાય.' 

હવે તો માધુ એટલે રેડિયો અને રેડિયો એટલે માધુ બની ગયાં હતાં. ધીમે ધીમે બીજા ગામોના લોકો તેને 'માધુ રેડિયો' ના નામે ઓળખવા લાગ્યા.

      એ દિવસોમાં કસુંબાની રેલમછેલથી ધમધમતું લાખા સરપંચનુ ઢાળીયુ ખાલી થવા લાગ્યું હતું. સાંજે લાખાના ઘરે પરસ (વાતો) કરવા આવતો ડાયરો ધીમેધીમે માધુ રેડિયાનાં ઘર તરફ વળવા લાગ્યો. એમાંય 'ચિથરા ભાભા' ની વાર્તા સાંભળવા તો એટલા બધા લોકો આવ્યા કે માધવને રેડિયો આંગણેથી બહાર લાવીને ચોગાનમાં ગોઠવવો પડેલો.

     ગામમાં જમણવારનું નોતરું હોય કે રાતુજગા (રાત્રિ જાગરણ)નું આમંત્રણ આપવાનું હોય; કોઈ બે વ્યક્તિઓ વચ્ચે સમાધાનની પંચાત હોય કે ગામના ભલા માટે કોઈ કાયદો (નિયમ) બનાવવાનો હોય બધું જ હવે લાખાના ઢાળીયાને બદલે માધવને ત્યાં થાવા લાગ્યું હતું.

      સરપંચની ચૂંટણી નજીક આવી ગઈ હતી. માધવે ગામ વચ્ચે ઘણી વખત સ્પષ્ટતા કરી દિ'ધેલી કે મારે સરપંચ નથી બનવું છતાં પણ રાજકરણના અઠંગ ખેલાડી એવા લાખાને થયું કે માધવ ચૂંટણી લડશે તો આરામથી જીતશે એટલે પોતાના ઓછા થતાં મતોને બચાવવા પોતે પણ રેડિયો લાવી દે તો લોકો ફરીથી પોતાને ત્યાં આવતા થાય એવું વિચારવા લાગ્યો. પરંતુ તેના સલાહકારોએ તેને એવું કરવાની ના પાડતાં કહ્યું કે, 

    " જો લાખો આવું કરે તો તો તેણે કાલના છોકરા માધવથી ડરી જઈને તેની નકલ કરી એવી છાપ પડી જાય. રાજકરણમાં તો નેતાની છાપ જ અગત્યની હોય છે. અમુક પ્રકારની છાપથી જ અમૂક પ્રકારના મતો મળતા હોય છે. તો નકલ કરવાથી તો વધારે નુકશાન થાય."

    તો સલાહકારોએ બીજો રસ્તો બતાવ્યો કે માધુ ને પોતાની પાર્ટીની કોઈ નાની મોટી જવાબદારીનો હોદો આપીને સક્રિય સભ્ય બનાવી દઈયે તો તેનો ફાયદો આપણને જ મળે એવું કરીએ. પરંતુ લાખો માન્યો નહી.

     તેણે કહ્યું, "જો માધવ જેવો નિષ્ઠાવાન માણસ પાર્ટીનો સક્રિય સભ્ય બને અને જો સારી રીતે કામ કરે તો આપણું તો નામું જ લખાઈ જાય. આપણું પતું કપાઈ જાય. પછી આપણે તો આખી જિંદગી સરપંચ જ બનીને રહેવું પડે અને મારો બેટો માધુડો આગળ વધી જાય."

     ઘણી ચર્ચાઓ પછી વચ્ચેનો રસ્તો કાઢ્યો. રાત્રીની રેડિયો સભામાં માધવના ઘેર પહોંચી લાખાએ જાહેરાત કરી,

   " ગામલોકો ને મારે જણાવવાનું કે આપણા માધવભાઈ ગામમાં રેડિયાની સારી સેવા પૂરી પાડી રહ્યા છે. પણ મીઠા ઝાડનાં મૂળ ન કઢાય. હવેથી રેડિયામાં વપરાતા પાવર (સેલ) નો ખર્ચ ગામના સરપંચ તરીકે હું ભોગવીશ. તમારે રેડિયાનો જેટલો ઉપયોગ કરવો હોય કે જેમ ઉપયોગ કરવો હોય તેમ કરો પણ પાવરની કોઈ ચિંતા ના કરો. "

      ટોળા માં બેઠેલા લાખાના માણસોએ લાખાની વાહવાહી કરી.

     માધવે ના પાડી છતાં લાખો માન્યો નહી અને બે ચાર જોડી પાવરનાં પૈસા લાખા એડવાન્સમાં આપી દિ'ધા.

        હવે રેડિયોએ સહીયારી મિલકત બની ગયો. રાત્રી જાગરણ કે કોઈ સામાજિક પ્રસંગે વગેરેમાં પણ ગામલોકો રેડિયો માગવા આવવા લાગ્યા. માધવની ઇચ્છા ન હોવા છતાં પણ તેને રેડિયો આપવાની ફરજ પડતી.

     ચૂંટણીમાં લાખાની જીત થઈ. આપેલા વચનો ભૂલી જવાની કેટલાક નેતાઓની પરંપરા પ્રમાણે લાખા એ પણ નવા પાવર લાવવા માટેના પૈસા આપવાનું બંધ કર્યું. પણ માધુએ પોતાના પૈસાથી પાવર લાવી રેડિયો સેવા ચાલુ રાખી.

       એક વખત માધુ બજારમાંથી ખરીદી કરીને બસમાં પરત આવતા રસ્તામાં કોઈ સ્ટેશને બસ ઊભી રહી હતી. ગામમાં પાણીનું ટેન્કર આવેલું હતું, તેથી પાણી ભરવામાં ધક્કામુક્કીમાં ઘણું બધું પાણી નીચે ઢોળાયેલું હતું. કોઈ મુસાફરે બસના છાપરા પર મુકેલી પોતાની લોખંડની પેટી નીચે ઉતારવા માટે તે પેટી ઉપાડીને તે વ્યક્તિ બસના છાપરા પર ઉભો થઇ ત્યાં તો પેટી વીજળીના તાર સાથે અડકી જતાં આખી બસમા કરંટ ફેલાઈ ગયો નીચે જમીન ભીની હતી તેથી ઘણા બધા લોકોને કરંટની અસર થઈ અને ડઝનેક લોકો કરંટની ઝપટમાં આવી ગયાં. ડીપીએ થી લંગરિયાં ઉતારવામાં ઘણું મોડું થઈ ગયું હતું. ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યો. માધુ રેડિયો માટે પણ એ મુસાફરી છેલ્લી યાત્રા બની ગઈ. 

     આખા ગામમાં અફવા ફેલાઇ ગઇ કે માધુ પાસે રેડીયો હોવાના કારણે બસમાં કરંટ લાગ્યો અને અનેક લોકોના જીવ ગયા. લાખો સરપંચ આટલી રાહ જોઈને જ બેઠો હતો તેણે માધુના કુટુંબ પાસે ધર્માદો નંખાવ્યો અને ગામમાં માધવના પરિવારની બંધી કરી. 

    માધુના હાથ સાથે જકડાઈ ગયેલો રેડિયો અલગ કરવાની કોઇની હિંમત ના ચાલી. રેડિયા સાથે જ તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.

   સ્મશાનમાં માધુના રેડિયોના નાશ ન થયેલા અવશેષો લોકોને ગામના માધુ રેડિયાની યાદ અપાવે છે અને રેડિયો માધવને ઝંખે છે.


Rate this content
Log in

More gujarati story from Dineshgiri Sarahadi