STORYMIRROR

Valibhai Musa

Inspirational Others

3  

Valibhai Musa

Inspirational Others

લાગણીનું મૂલ્ય !

લાગણીનું મૂલ્ય !

8 mins
14.5K


આજનો રવિવારી દિવસ તમારા માટે વિશ્રાંતિ અને માનસિક રાહતનો હોઈ, અલી અને આલિઆ, તમે તમારા માસ્ટર બેડરૂમમાંથી મોડાં બહાર નીકળ્યાં છો. અલી, તમે તમારી વહેલી સવારની નમાજ અદા કર્યા પછી અંગ્રેજી તરજુમા અને તફસીર સાથેની કુરઆને પાકની નિત્યક્રમાનુસાર થોડોક સમય તિલાવત કરીને પ્રાત:કાળ થઈ ગયા પછી વળી પાછા તમે થોડીક ઊંઘ ખેંચી કાઢી છે.

હવે, અલી, તમે લિવીંગ રૂમમાં આવી જઈને બારીઓની ફરેડી તમે ટી.વી. સામેના સોફા ઉપર બેસીને ટિપોય ઉપરનાં મેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યા છો, ત્યારે આલિઆ સવારનો નાસ્તો તૈયાર કરવા કિચનમાં પોતાના કામે લાગી ગઈ છે. આલિઆ ક્રિશ્ચિયન છે અને તમે, અલી, મુસ્લીમ છો. તમારાં આંતરધર્મીય લગ્ન પરસ્પરની સંમતિથી એ શરતે થયાં હતાં કે તમારા બંનેમાંથી કોઈ ધર્માંતર કરશે નહિ અને ભાવી સંતતિ પુખ્ત વયે પહોંચતાં પોતાની મરજી મુજબ જે તે ધર્મને અપનાવી શકશે. વળી તમારામાંનું કોઈ તેમને પોતાની ધાર્મિક માન્યતાથી પ્રભાવિત કરવાની કોશિશ પણ કરશે નહિ.

નીલ હજુસુધી નિદ્રાધીન જ છે, કેમ કે અઠવાડિક રજાના બંને દિવસોએ તેને વહેલો જગાડવામાં આવતો નથી. દેશભરમાં ગણનાપાત્ર એવી નજીકની જ સ્વનિર્ભર પબ્લિક સ્કૂલમાં નીલ તૃતીય ગ્રેડમાં અભ્યાસ કરી રહ્યો છે. તે પોતાની એકાદ વર્ષની વયથી જ ગાત્રસંકોચ વ્યાધિથી પીડિત હોઈ તેને હરફર માટે ઓટો વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે. નીલ ભલે શારીરિક રીતે વિકલાંગ છે, પરંતુ તે દશેક વર્ષની વય ધરાવતો યુનિવર્સિટિ પોસ્ટ ગ્રેજ્યુએટ જેટલી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવે છે. નીલની વિકલાંગ સ્થિતિને ધ્યાનમાં લેતાં તેના ઉછેરની બાબતમાં તેને કોઈ અન્યાય ન થઈ જાય તે હેતુથી તમે બંને જણાંએ જીવનભર બીજું સંતાન ન થવા દેવાનું સ્વીકારી લીધું છે.

નાસ્તો આરોગતાં તમે બંને શુક્રવારે તમને મળેલા નીલની સ્કૂલ તરફના એસ.એમ.એસ.નોટિફિકેશનના અનુસંધાને તમારા લેપટોપમાંના તૃતીય ગ્રેડના કેટલાક ફોટોગ્રાફ્સને તમારા ટી.વી. સ્ક્રીન ઉપર નિહાળવાનું શરૂ કરો છો. સ્લાઈડ-શોના વિકલ્પે સરક્યે જતા ફોટાઓમાંના નીલના ક્લાસના ગ્રુપ ફોટાને ફરીવાર ઝીણવટથી જોવા માટે, તમે આલિઆ, અલીને તે ફોટાએ પાછા આવી જવાનું કહીને તેને સ્થિર વિકલ્પે વિસ્તૃત કરવાનું કહો છો. આ ગ્રુપ ફોટાને જોતાંની સાથે જ, આલિયા તમે, ફાટી પડતા અવાજે રાડ પાડી ઊઠતાં બોલી ઊઠો છો, ‘ઓ માય ગોડ ! હું આ શું જોઈ રહી છું ! હું એ લોકોને કોર્ટમાં ખેંચી જઈશ, અલી. એ લોકો એમના મનમાં શું સમજતાં હશે ? આપણા નીલ સાથેના તેમના આવા ભેદભાવનાપ્રેરિત વર્તનને હું સાંખી નહિ લઉં !’

તમે અલી, પાસેના જ ઓરડામાં સૂતેલો નીલ જાગી ન જાય તે માટે આલિઆના મોં ઉપર તમારી હથેળી દબાવતાં બોલી ઊઠો છો, “‘શાંત થઈ જા, મહેરબાની કરીને શાંત થઈ જા, આલિઆ !’ ‘મને સમજાયું નહિ, તું કઈ ભેદભાવનાની વાત કરે છે, પ્રિયે ?’”

‘અલી, જો તો ખરો ! એ લોકોએ નીલને વ્હીલચેરમાં કેવો અતડો બેસાડ્યો છે ! વળી એ પણ જોઈ લે કે પોતાનો ફોટો કપાઈ ન જાય તે માટે તે બિચારો કેવો પોતાના મસ્તકને જમણી તરફ નમાવી રાખીને બેઠો છે ! આને ભેદભાવના નહિ, તો બીજું શું કહેવાય ? અલી, તું માને યા ન માને; પણ, હું નીલની મા છું અને આ ફોટો મારા માટે હૃદયવિદારક બની રહ્યો છે ! ઈશ્વરને ખાતર આ ફોટો તું નીલને તો જોવા દઈશ જ નહિ ! તું હાલ ને હાલ સ્કૂલના સત્તાવાળાઓને ફોન કરી દે કે તેઓ આ ફોટાને સ્કૂલની વેબસાઈટ ઉપરથી દૂર કરી દે અને બીજો ફોટો લેવાની તજવીજ કરે. વળી, એ પહેલાં તને કહી દઉં કે તું આ ફોટાને તો આપણા આલ્બમમાં સાચવી જ લેજે. એ લોકોને કાનૂની રીતે પડકારવામાં તેમની સંવેદનહીનતાની આ સાબિતીની મારે જરૂર પડશે જ. મારી-આપણી લાગણીઓને ઠેસ પહોંચાડનાર એ સ્કૂલવાળાઓને હું હરગિજ નહિ છોડું ! આપણી લાગણી દુભાવવા બદલ હું તેમની પાસેથી વળતર વસુલીશ કે જે ભવિષ્યે નીલને જ કામ લાગશે !’ આલિઆ તમે ફરી પાછાં હિબકે ચઢો છો.

અલીએ કહ્યું, ‘હવે જો તારું કહેવાનું પૂરું થઈ ગયું હોય તો મને બોલવા દઈશ ? પહેલી વાત તો એ કે ગ્રુપ ફોટાને તું બરાબર જોઈ લે. સામેની પ્રથમ હરોળમાંની પાટલીને અડીને જ જમણી બાજુએ નીલની વ્હીલચેર ગોઠવાએલી છે. પાટલી ઉપર બેઠેલા છોકરાઓની જમણી બાજુએ વ્હીલચેર તરફના ભાગે એક છોકરો બેસે તેટલી જગ્યા ખાલી રહી જવા પામી હોવાના કારણે જ આપણો નીલ જુદો પડી ગએલો દેખાય છે. વળી એ પણ જોઈ લે કે નીલના ચહેરા ઉપર ઉલ્લાસમય સ્મિત તરવરી રહ્યું છે. તું માને છે તેવી ભેદભાવના જો નીલે મહેસુસ કરી હોત તો તે સ્મિત કરતો ન હોત ! નીલની શારીરિક વિકલાંગ સ્થિતિ પરત્વે તેના માત્ર શિક્ષકગણને જ નહિ, સ્કૂલના લાગતાવળગતા તમામ જવાબદારોના દિલમાં અનુકંપા હોય જ; કેમ કે આ કોઈ જેવી તેવી સ્કૂલ નથી.

આ સ્કૂલના મુદ્રાલેખ મુજબ વિદ્યાર્થીઓમાં આત્મસન્માન, જવાબદારીનું ભાન અને માનવીય સંબંધોની જાળવણીના ગુણોને વિકસાવવાની બાબતને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભલી, આવા ઊંચા આદર્શોને વરેલી આ સંસ્થાનો નીલ પ્રત્યેનો ભેદભાવનાનો કોઈ રવૈયો હોઈ શકે જ નહિ. વળી તું એ પણ વિચારી લે કે નીલ પ્રત્યેની આપણી નૈસર્ગિક લાગણીનું કોઈ મૂલ્ય હોઈ શકે ખરું ? આ ગ્રુપ ફોટામાં જે કંઈ થયું છે, તે ઈરાદાપૂર્વક નહિ, પણ સહજ રીતે જ થયું લાગે છે. આમ છતાંય હું તારી વાત સાથે સંમત થાઉં છું અને આવતી કાલે વહેલામાં વહેલી તકે આ ગ્રુપ ફોટાને સ્કૂલની વેબસાઈટ ઉપરથી દૂર કરી દેવાની સ્કૂલના સત્તાવાળાઓને જાણ કરી દઈશ તથા તેની જગ્યાએ નવીન ફોટો પણ મુકાઈ જશે, બસ !’

‘જો અલી, તું ભલે સ્કૂલની તરફેણમાં આ બધી દલીલો આપતો હોય; પણ મારા સમજવામાં એ નથી આવતું કે એ ફોટોગ્રાફરે પોતાના કેમેરાના લેન્સમાં જોયા પછી તેણે કઈ રીતે માની લીધું હશે કે સામેની ગોઠવણી બરાબર છે ! તેની શિક્ષિકા પણ ક્લાસના ગ્રુપ ફોટામાં પોતાનો ફોટો પડાવી લેવા એવી તે કેવી હરખપદુડી થઈ ગઈ હશે કે તેણી ત્રીજી હરોળમાં ઊભેલાંઓ સાથે ડાબી બાજુએ ગોઠવાઈ ગઈ અને ફોટામાંના નીલના સ્થાન વિષે ધ્યાન પણ ન આપ્યું ! શું તેણીએ ફોટોગ્રાફરને વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં મદદરૂપ થવું જોઈતું ન હતું ? આ આપણા નીલ અને તેની સ્કૂલ પૂરતી જ ભેદભાવનાની વાત નથી, પણ સમાજમાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે લોકો વિકલાંગો પરત્વે માત્ર ઉદાસીનતા જ ધરાવતા નથી હોતા, તેમને તિરસ્કૃત પણ કરતા હોય છે; અને એટલા જ માટે તો ઘણા દેશોને શારીરિક અને માનસિક વિકલાંગોના સામાજિક અધિકારો માટેના કાયદાઓ ઘડવા પડતા હોય છે. હું આપણા નીલ પરત્વેની સ્કૂલવાળાઓની ઉપેક્ષાભરી વર્તણુંકને પ્રકાશમાં લાવીને લોકોનું ધ્યાન દોરવા માગું છું કે જેથી નીલ અને નીલ જેવા અનેકોના આત્મસન્માનને માનસન્માન આપવામાં આવે ! ’

‘અરે ગાંડી, એક તરફ તું નીલની લાગણી ન દુભાય તે માટે એટલી બધી સજાગ રહેવા માગે છે કે આ ફોટો તેના જોવામાં ન આવી જાય અને બીજી તરફ તું દુનિયાભરમાં એ જ વાતનો ઢંઢેરો પિટાય તેવો ખેલ પાડવાનું વિચારી રહી છે ! શું આ બંને બાબતો એકબીજાની વિરોધાભાસી નથી ? મારું માને તો હવે તું શાંત થઈ જા અને હાલ પૂરતાં આપણે આપણી સામે પડેલા નાસ્તાને ન્યાય આપીએ.’

‘તારે નાસ્તો કરવો હોય તો કરી લે, મને હવે નાસ્તામાં કોઈ દિલચસ્પી રહી નથી ! હું લોન્ડ્રી પતાવવા જાઉં છું અને નીલ તેની મેળે જાગે ત્યારે તેને સંભાળી લેજે.’ આમ બોલતાં તમે આલિઆ આંખોમાં ઝળહળિયાં સાથે લોન્ડ્રી રૂમ તરફ ચાલ્યાં જાઓ છો.

* * *

એકાદ કલાક પછી, અલી અને આલિઆ, તમારા બંનેના મોબાઈલમાં એસ.એમ.એસ. ની રીંગ રણકી ઊઠે છે. તમને બંનેને ઉદ્દેશીને નીલ તરફથી એક જ જેવો આ સંદેશો તમને મળે છે :. 'મહેરબાની કરીને તમારા મેઈલ ઈનબોક્ષને ખોલો.’. તમારા મેઈલબોક્ષમાં નીલની નીચે પ્રમાણેની મેઈલ આવેલી પડી છે. તમે બંને સાથે મળીને આ મેઈલ વાંચી રહ્યાં છો

“વ્હાલાં મમ્મી-પપ્પા,

મમ્મીએ રાડ પાડી ત્યારે જ હું સફાળો ચમકીને જાગી ગયો હતો. મેં તમારી સઘળી વાતચીત સાંભળી લીધી છે. પપ્પા તમે સાચા છો. મારા મતે તમારી બંનેની મારા પ્રત્યેની અનહદ લાગણીને દુનિયાભરની સંપત્તિથી પણ મૂલ્યાંકિત નહિ કરી શકાય. માનહાનિ કે લાગણી દુભાવા અંગેનાં વળતરો ચૂકવવા માટે દરેક સંસ્થા વીમાક્વચથી સુરક્ષિત હોય છે. માની લો કે આપણી લાગણી દુભાયા બદલનું નાની કે મોટી કોઈ રકમનું વળતર આપણે મેળવ્યું, તો અમૂલ્ય એવી તમારી બંનેની લાગણી સામે શું એ પર્યાપ્ત ગણાશે ? શું તમને નથી લાગતું કે જ્યારે લાગણીનું મૂલ્ય અંકાય, ત્યારે સમજવું રહ્યું કે એ લાગણીની કિંમત કોડીની ! મારાં શાળાપરિવારનાં તમામ જણ મને સાચા દિલથી ખૂબ ચાહે છે. તમારા આવા સંભવિત કોર્ટમામલાથી આપણું એ લોકોની ગણતરીએ કેટલું મૂલ્ય રહેશે તેનો તમે વિચાર કર્યો છે ખરો, મમ્મી ? ખેર, મને ખાતરી છે કે ભલે મારાં સ્કૂલવાળાંઓથી જાણેઅજાણ્યે તમારી લાગણી દુભાઈ હોય, પણ મારી લાગણી જાળવી રાખવા માટે તમે લોકો આમાંનું એવું કશું જ નહિ કરો !

એક વિશેષ સાનંદાશ્ચર્ય (Surprise) આપું છું. મારા મોબાઈલમાં એ સંદેશો પડેલો જ છે. મારી વ્હીલ-ચેરની કંપનીએ મારાં તેમાં વિવિધલક્ષી સુધારા-વધારાનાં તમામ સૂચનોને સ્વીકારી લીધાં છે. તેમની આગામી વાર્ષિક સાધારણ સભા માં તેઓ મારું બહુમાન કરવા ઉપરાંત કલ્પનાતીત એવા સરપ્રાઈઝ પુરસ્કારની ઘોષણા કરશે. વળી એટલું જ નહિ, તેઓ આંતરરાષ્ટ્રીય વિકલાંગ કલ્યાણ સંઘના ‘શોધ અને સંશોધન’ ના નોબલ પ્રાઈઝને સમકક્ષ એવા તેના મેગા પ્રાઈઝ માટે મારી ભલામણ પણ કરશે.

મમ્મી, હવે તું મારા ભાવીની ચિંતા કરીશ નહિ !

તમારો લાડલો,

નીલ”

મેઈલનું વાંચન પૂરું થતાં જ તમે, અલી અને આલિઆ, સફાળાં તમારા માસ્ટર બેડરૂમ તરફ ધસી જાઓ છો અને શાણા અને સમજદાર એવા નીલને બાઝી પડીને તેને તમે તમારાં અશ્રુથી ભીંજવી નાખો છો !



Rate this content
Log in

Similar gujarati story from Inspirational