Vishwadeep Barad

Inspirational Others

2.4  

Vishwadeep Barad

Inspirational Others

કન્યાદાન !

કન્યાદાન !

9 mins
15.1K


‘મૉમ,આઈ ડોન્ટ કેર વોટ યુ આર સેયિંગ. આઈ બોર્ન હીયર એન્ડ ગ્રોન અપ વિથ મોડર્ન વર્લ્ડ. યુ આર લીવીંગ વિથ ઓલ્ડ ઇન્ડિયન ટ્રેડીશનલ વર્લ્ડ. (મૉમ, તું શું કહે છે એની મને પડી નથી. હું અહી જન્મી છું અને અહીંની આધુનિક દુનિયામાં મોટી થઈ છું. તું ભારતના જુના રીતે-રિવાજોમાં જીવી રહી છો).’

વચ્ચેજ મીતા બોલીઃ ’પિન્કી,ભલે અમો જુના રિવાજોમાં જીવીએ છીએ પણ સુખી છીએ. તને ખબર છે કે હું તારા ડેડી પચીસ વર્ષથી સુખી લગ્ન જીવન જીવી રહ્યાં છીએ. કેટલાં સુખી છીએ?’

‘મમ્મી તું ખોટી ડંફાસ ના માર. જ્યારે જયારે તારા અને ડેડી વચ્ચે કોઈ પણ માથા-કુટ થાય છે ત્યારે તારે જ નમવું પડે છે. તારી કોઈ વાત ડેડીએ કદી માની છે ? તું વાત કરે ત્યારે ડેડી હંમેશા તને કહે તને કશી ભાનજ નથી પડતી.’

‘બેટી, અમારા મા-બાપે હંમેશા અમને શીખવાડ્યું છે કે ઘર સંસાર સારો રાખવો હોય તો પતિનું હંમેશા માનવું અને તેમને માન આપી સેવા કરવી.’

‘હા મમ્મી, પતિ દેવો ભવ ! પતિ તમારો દેવ ! તમે એમની દાસી.’ ‘ 'પિન્કી, તું શું કહેવા માંગે છે ? તું આવો બકવાસ ના કર.’

‘તને સાચું કહું છુ એટલે બકવાસ લાગે છે.પણ હું એવી વ્યક્તિની પંસદગી કરીશ કે એક મિત્રની જેમ મારી સાથે રહે અને મારું કહ્યું કરે. હું તારી જેમ પતિની પુજા નથી કરવાની. તને એ પણ કહી દઉ કે લગ્ન પછી મારી અટક(સર-નેઈમ) બદલવાની નથી અને અમો બન્ને લગ્ન બાદ હું મારું ચેકીંગ અને સેવીંગ એકાઉન્ટ મારા નામનું જ રાખવાની.’

‘બેટી, તું સાવ બદલાઈ ગઈ છો. આવું અમેરિકન-સોસાયટીમાં ચાલે આપણાં સમાજમાં ના ચાલે. તું ખોટી રીતે બદનામ થઈ જઈશ.’ ‘મમ્મી,મને લોકોની નથી પડી.’

‘હા તને ના પડી હોય પણ અમારી ઈજ્જત-આબરૂં ધુળમાં ભળી જાય. લોકો કહેશે કે જોયું દીકરીને કશા સારા સંસ્કાર નથી આપ્યા. અમારી એકને એક દીકરી અને તું આપણું ચાર-બેડરૂમનું ઘર છે છતાં એક્લી એપાર્ટમેન્ટમાં રહે છે. લોકો ખોટી વાતો કરે છે કે એકલી રહે એટલે એ ધાર્યું કરી શકે, બોયફ્રેન્ડને અને અન્ય મિત્રોને બોલાવી ડ્રીન્કસ પાર્ટી કરે, વીકેન્ડમાં બે-ત્રણ વાર નાઈટ્સ કલબ્સમાં જાય અને ત્યાં ડ્ર્ગ્ઝ પણ લે આવી આવી વાતો લોકો કરતાં હોય છે.’

‘ભલે ને કરે. ડેડી સાથે ઓફીસમાં જોબ કરતી પેલી પંજાબણ ડોલીની વચ્ચે જે સંબેધો ચાલે છે તેની તને પણ ખબર છે અને ડેડી ખુલ્લેઆમ ઘણી વાર ઘરે પણ લાવે છે,તેની સાથે વીકેન્ડ ગાળે છે તો તે શું કરી લીધું ? મને બધીજ ખબર છે. હું નાનપણથી આ બધું જોતી આવું છું. બસ એક સતી સાવિત્રીની જેમ એમની સદા પૂજા કરતી રહી છો. ચુપ ચાપ બધું સહન કરી લે છે. અને મારા વિશે લોકો ખોટી અફવા ઉડાડે છે મને એની નથી પડી પણ..’

‘મમ્મી, તું આવી વાતો સાંભળી કેમ લે છે ? એ લોકોને તું કહી શકે કે તમે તમારું સંભાળો અને ગંધાતું મો બંધ રાખ.’

‘બેટી તું કહે છે એ સાવ સરળ વાત નથી કેટ કેટલાને મોઢે ગરણા બાંધવા જાઉ ?’

મહેશભાઈ જોબના કામે એક અઠવાડીયું બહારગામ ગયાં છે અને પિન્કી એક અઠવાડીયું મમ્મીને કંપની આપવા આવી છે. ડેડીના ઘરેથી જોબ પર જાય છે પણ મા-દીકરી આજે શુક્રવાર હોવાથી મોડી રાત સુધી વાતોએ ચડ્યા છે. પિન્કી અહીં જન્મેલી અને અહીંના વાતાવરણ અને સોસાયટીમાં ઉછરેલી છે, ભારતીય જુના રિત-રિવાજો એને જરા પણ પસંદ નથી. મમ્મી-ડેડી સાથે એકવીસ વર્ષ ગાળ્યા અને એમાં જોયું કે મમ્મીનો કોઈ પણ જાતનો ઘરમાં વોઈસજ નથી. બધું ડેડીનું ચાલે. ડેડી કહે તેજ ઘરમાં થાય. મમ્મી પણ જોબ કરે છે એ પણ પૈસા કમાય છે. છતાં પતિ એટલે પરમેશ્વર.કાર લેવી હોય, ઘરમા ટીવી અરે ! ઘરમાં નાનામાં નાની વસ્તું લેવી હોય તો ડેડીને જ પુછવાનું અને એ હા પાડે તો જ વસ્તું ઘરમાં આવે નહીતો નહી. બન્ને જોબ કરે છે બન્ને સાંજે પાંચ વાગ્યા પછી આવે છે પણ મહેશ ઘેર આવી કપડા બદલી સીધા સોફા પર ટીવી અને બીયરની બોટલ લઈ બેસી જાય અને મીતા રસોડામાં ત્રણે માટે રસોઈ બનાવે અને પછી ડીશ સાફ કરવાની. પિન્કીને આવી પરિસ્થિતિમાં રહેવું ગમતું જ નહી એટલેજ જેવી જોબ કરતી થઈ તુરતજ જુદી થઈ ગઈ. તેણીની કોલેજ માટે ડેડીએ ખર્ચનો હિસાબ પણ તેણીએ રાખેલ ને અત્યારે મહિને મહિને ડેડીને ૫૦૦ ડોલર્સનો ચેક મોકલી આપે છે.

‘પિન્કી, તું બધી વાત મને કરે છે તે તું તારા ડૅડીને કરીશને તો તને ધમકાવી નાંખશે.’

‘મમ્મી, હું હવે નાની બાળકી નથી કે ડેડીનું ગમે તે સાંભળી લઉ. હા એ સાચી સલાહ આપે તો જરૂર માનીશ. તારી જેમ નહી કે ડેડી ગમે તે કહે તે તારે તો માનવું જ પડે. તારો પોતાનો કોઈ મત ચાલેજ નહીં.’

‘મમ્મી, તમો ભારતના પુરુષ-પ્રાધાન્ય દેશમાં રહી સાવ નિર્બળ બની ગયાં છો, ત્યાંના દરેક ધાર્મિક-પુસ્તકોમાં પતિને જ મહત્વ આપવામાં આવ્યું છે. છોકરીઓને નાનપણથી પતિની સેવા કરવાથી સુખ મળે, સ્વર્ગ મળે,મોક્ષ મળે એવું ઘણું ઘણું શિખવાડવામાં આવ્યું છે. દરેક વ્રતમાં પતિનું લાંબું આયુષ્ય માટે પાણી લીધા વગર દિવસો સુધી સાધના કરવાની. પતિ કે છોકરાને કેમ પત્નિના લાબાં આયુષ્ય માટે કોઈ વ્રત કે ઉપવાસ નથી ? રામાયણ કે મહા-ભારત જેવા પવિત્ર ગ્રંથમાં પણ સીતા-દ્રોપદીને કોઈ પણ કારણ વગર કપરામાં કપરી પરિક્ષામાંથી પસાર થવું પડ્યું છે.આપણાં મોટાભાગના ગ્રંથો પુરુષોએ જ લખ્યા છે અને એજ પુરુષ લેખકોએ સ્ત્રી માટે બધા કાયદા-કાનુન, રિત-રિવાજો લાદી દીધા છે. પુરુષને કોઈ જાતની સીમા કે બંધંન લાદવામાં આવ્યાજ નથી. તેથી ભારતમાં સ્ત્રી હંમેશા અબળા અને નિર્બળ રહી દાસીની જિંદગી જીવી રહી છે.’

‘પિન્કી, રાત્રીના ૧ વાગ્યો છે. ચાલ આપણે સુઈ જઈએ. હજું તારા ડેડીને આવવાના બે દિવસ બાકી છે બાકીની બધી વાતો પછી કરીશું.’ ‘મમ્મી,ઑકે ! પણ મને ખબર છે કે તું તો હવે બદલાવાની નથી પણ હું તો મારી જિંદગી મારી રીતેજ જીવીશ. જેટલો પુરુષને હક્ક છે એટલોજ સમાન હક્ક સ્ત્રીને પણ છે.’

‘ ઑકે બેટી…ગુડ-નાઈટ !’

પિન્કીનો બોયફ્રેન્ડ મૅથ્યું અહીં અમેરિકન બ્લેક છે અને પિન્કીની દરેક વાતો તેને મંજુર છે. આજના મોર્ડન વિચારનો છે. પિન્કીથી બે વર્ષ નાનો હતો પણ બન્નેના જીવ મળેલા, મન મળેલા તો પછી ઉંમર તો ખાલી નંબર છે ! પરંતું પિન્કીના ડેડીને એ મંજુર નહોતું. પિન્કી સી.પી.એ છે અને કંપનીમાં વાઈસ-પ્રેસીડેન્ટની પોસ્ટ ધરાવે છે અને તેણીનો બોયફ્રેન્ડ મેથ્યુ બી.એ અને મેડીકલ એકાઉન્ટીંગનો અભ્યાસ કરી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ છે પગાર પણ પિન્કી કરતાં ઓછો.

પિન્કીના ડેડી મહેશભાઈ ગુસ્સામાં ઉશ્કેરાઈ જઈ પિન્કીને કહેતાં:

‘તને કંઇ ભાન પડે છે કે નહી ! એકતો ઉંમરમાં તારાથી નાનો, ઓછું ભણેલો, પગાર પણ ઓછો. આવા છોકરાને તે પસંદજ કેવી રીતે કર્યો ? અને આપણો સમાજ આવા કાળીયાને કોઈ રીતે પસંદ નહી કરે હું પણ નહી. તારા માટે તો ડોકટર અને એન્જિનિયર છોકરાના માંગા આવે છે. પુરુષ એવો હોવો જોઈએ કે ઘરની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લે અને બૈરી કરતા સારુ કમાતો હોય. હી કે બાયલા જેવો ! અને એ પણ કાળીયો તને મળ્યો બીજા ભારતિય કે ગુજરાતી છોકરા મરી પરવાર્યા છે. કાળીયા કરતાં તો કોઈ ધોળીયાને પસંદ કર્યો હોત તો પણ મને વાંધો નહોતો. મારી તો આપણાં સમાજમાં આબરૂના કાકરા કરી નાંખ્યાં….’ ‘ 'ડેડી તમો બોલી રહ્યાં હોય તો હું હવે બોલી શકું ? પહેલું એકે મારી જિંદગી છે, મારુ જીવન છે અને મારે જે રીતે જીવવું હોય તે પ્રમાણેજ જીવવાનો મને અધિકાર છે. એ મારી પંસદગી છે. કોણે કહ્યું કે પુરુષજ વધારે ભણેલો અને વધારે કમાતો હોવો જોઈએ ? સ્ત્રી પુરુષ કરતા વધારે કમાતી હોય, વધારે ભણેલી હોય તો એમાં શું તફાવત પડે ? તમે વ્યક્તિનું દીલ નથી જોતાં. બસ ચામડીનો ભેદ જુઓ છો. તમો વારે ઘડીએ “કાળીયો..કાળીયો” શબ્દ વાપરો છે તે મને જરી પણ પસંદ નથી. મેથ્યુ દીલનો સાફ છે, માયાળું છે અને હું તેને વર્ષોથી ઓળખું છું. એજ મારો જીવન સાથી બનશે. તમને ગમે કે ના ગમે હું લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ.

‘પિન્કી, તને કહી દઉં છું કે જો તું મેથ્યું સાથે લગ્ન કરીશ તો આ ઘરમાં તને કોઈ આશરો કે મદદ નહી મળે, અમો તારા લગ્નમા પણ નહી આવીએ.અને લગ્નબાદ અમે તારું કાળું મો પણ જોવા નથી માંગતા…’ ‘ડેડી, હવે ચુપ થઈ જાઉ, હવે હું આ ઘરમાં એક પળ પણ રહેવા માંગતી નથી. તમે મારા લગ્નમાં ના આવો એની મને પડી નથી. મારે તમારા આશિષની જરુર નથી. હું જાઉં છું, કદી પણ આ ઘરમાં પગ નહી મુકું.’

મીતા દોડતી આવીઃ..રડતી રડતી બોલી..

‘પિન્કી…બેટી, ના જા. મારા સમ.. તારા ડેડીનો સ્વભાવજ એવો છે.’ પિન્કી, મમ્મી આવે પહેલાંજ ઘરમાંથી દોડી પોતાની કારમાં જતી રહી. મીતા રડતી રડતી મહેશને કહ્યું. ‘તમે પણ છોકરા સાથે છોકરા થઈ ગયાં છો..એ અપસ્ટે થઈને ગઈ છે અને મને ચિંતા થાય છે કે ડ્રીઇવીંગમાં ધ્યાન નહી રહે અને કઈક એકસીડેન્ટ કરી બેસશે તો આપણે..મને બહુંજ ચિંતા થાય છે.’

'એ શું બોલી ગઈ તેનું તને ભાન છે ? મને કશી પડી નથી, આવા સંતાન કરતાં ના…હોય..’

‘ના ના આવું અશુભ ના બોલો.. આપણું એકનું એક સંતાન છે.. થોડી સમજાવટથી કામ લેવું જોઈએ.’

‘મને કોઈ લેકચર આપવાની જરૂર નથી. હું ગુસ્સે થાવ તે પહેલાં તું અહીંથી જતી રહે નહી તો સારા વાન નહી થાય.’

મીતા મહેશને સ્વભાવ જાણતી હતી. પોતાના રૂમમાં જઈ પિન્કીને સેલ પર ફોન કર્યો પણ તેણીએ ફોન ઉપાડયો નહીં. મીતાની ચિંતા વધવા લાગી. ‘હે ! ભગવાન, બધા સારાવાના કરજે !’

મીતા વિચારોમાં ચડી ગઈ.

‘મારી દીકરી કંઈક કરી બેસશે તો હું કઈની નહીં રહું. મુકેશ પણ જિદ્દી અને જુના વિચારોનો છે.અમેરિકામાં તીસ વર્ષથી છે પણ જરીયે સુધર્યો નથી. બીજા કોઈ એની સાથે ટકી ના શકે, હુંજ બધું સહન કરી એની સાથે રહી શકું.

અચાનક મીતાની જોબ પર પિન્કીનો ફોન આવ્યો, મીતા ખુશ ખુશ થઈ ગઈ’ ‘બેટી,તું બરાબર છે ને ? તે દિવસે તારા ડેડીનું વર્તણુક અને જે વાત કરી તેના માટે હું માફી માગું છું. મને માફ કર બેટી.’

‘મમ્મી, એમાં તારો કશો દોષ નથી તું શા માટે ડેડી વતી માફી માંગે છે. મમ્મી,તું નિખાલશ છે તે તેથી તારી સાથે હું મારા જીવનની બધીજ વાત કરી શકું છુ. તું મારી મમ્મી જ નહી પણ બેનપણી પણ છો. મમ્મી, મે બે મહિના પછી જુનની ૨૦મી તારીખે મેથ્યું સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અમો હિન્દું વિધિથી લગ્ન કરવાના છીએ અને મેથ્યુ પણ એમાં સહમત છે તેના માટે મેરેજનું આઉટ-ફીટ હું અહીંથી ખરીદવાનું છું.’

‘બેટી, મારી એક વાત કહું ? તારા લગ્નનું આઉટ-ફીટ હું લઈશ.’

‘મૉમ! ડેડીતો મારા લગ્નમાં આવવાજ નથી એ મને ખબર છે પણ તને આવવા દેશે ?’

‘ બેટી, એની તું અત્યારે ચિંતા ના કર, બધું સારાવાના થઈ જશે. મારા પોતાના સેવીંગમાંથી હું તારા લગ્નનો ડ્રેશ લઈશ. બેટી, તારે કોઈ પણ કામ-કાજ હોય તો મને જોબ પર ફોન કરજે.’

‘ઑકે..મૉમ..જરૂર.'

મીતા અને તેની અન્ય બેનપણી અને પિન્કીની બધી સહેલીઓની મદદથી મેરિયાટ હોટેલમાં સવારે હિન્દુ વિધીથી લગ્ન અને સાંજે ૭ વાગે રિસેપ્સન નક્કી થયું.

‘મિતા ,મેં તને ના પાડી છે કે તારે પણ પિન્કીના લગ્નમાં જવાનું નથી.’ ‘મહેશ, હું મા છું. મે નવ- મહિના મારા કુખમાં પાળી-પોશી અને જન્મ આપ્યો છે. જન્મદાતા માની લાગણી તમે પુરુષ કદી પણ સમજી નહીં શકો.’

‘મારે તારું કશું સમજવું નથી, જો તું એના લગ્નમાં જઈશ તો તારા માટે આ ઘરના દ્વાર હમેશને માટે બંધ થઈ જશે.’

‘ તમો ગમે તે કરો હું તો આજે મારી દીકરીના લગ્નમાં જવાની એટલે જવાની.’

મહેશ ગુસ્સે થઈ તાડુક્યોઃ ‘ખબરદાર, જો ઘરમાંથી આજે બહાર પગ મુક્યો છે તો.’

‘..તો તમે શુ કરી લેશો ? તમે તો તમારી ફરજ ચુકી ગયા, પિતાનું વાત્સલ્ય ક્યાં ગયું ? દીકરીને કન્યાદાન આપનાર બાપ આજ દીકરીનો દુશ્મન બની ગયો છે. અરે ! જે કન્યાદાન કરે છે એના માટે તો કહેવાય છે કે એનું જે પુણ્ય મળે છે તેને તો સ્વર્ગની સીડી મળી જાય છે. તમારા હાથમાં આવો સુંદર અવસર આવ્યો છે.અને તેને તું ઠુકરાવી દે છે. કહેવાય છે કે બાપને દીકરીજ, લગ્ન-વખતની વિદાય ચોધાર-આસુંએ રડાવી જાય છે. તેણીની વિદાય બાપને આંસુના સાગરમાં ડુબાડી દે છે. અને તમો…’

‘મીતા, તારું ભાષણ બંધ કર, અને છાની-માની ઘરમાં ચુપ-ચાપ બેસી રે.’

‘આજ મહેશ મને કોઈ રોકી શકે તેમ નથી….’

‘તો સાંભળીલે..જો તું ગઈ છે તો ફરી આ ઘરમાં આવવાનો હક્ક ગુમાવી દઈશ. તારા માટે મારા ઘરના દરવાજા હંમેશને માટે બંધ. પિન્કીની જેમ…’

મીતાએ, કાર ગરાજની બહાર કાઢી. કઈ પણ સાંભળ્યું નથી તેમ હસતી હસતી બોલીઃ ‘આજ દુનિયાની કોઈ તાકાત માની મમતાને રોકી નહી શકે. દુનિયા ઉથલ-પાથલ થઈ જાય, મારું જે થવાનું હોય તે થાય, હું મારા નિર્ણયમાં મક્કમ છું. મા-દીકરીના પ્રેમના માર્ગમાં કઈપણ અડચણ કે તોફાન આવશે તેની સામે લડી લેવાની મારામાં તાકાત છે.’

મીતાના ઉંચા અવાજમાં આવી વાતો સાંભળતાજ, એક્દમ ગુસ્સે થઈ મહેશ, હાથમાં બેઈઝ-બોલ બેટ રહી પાછળ દોડ્યો પણ ત્યાં સુધીમાં તો મીતાની કાર ઘરથી ઘણી દૂર નિકળી ગઈ હતી, દીકરીને કન્યાદાન કરવા, આશિષ આપવા. ખંડ સૌભાગ્યવતી કહેવા. પાછળ આવતા ભયાનક વંટોળની પરવા કર્યા વગર…


Rate this content
Log in

Similar gujarati story from Inspirational