કન્યાદાન
કન્યાદાન
બી.બી. એન્ડ સી.આઈ. રેલવેના જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે ફતુડી અને ફાટુફાટુ થતા યૌવનના ઉંબરે ઊભેલી પોત્રી નામે રૂખલી હતાં. દોઢેક માઈલ છેટેના એ સુખી ગામમાં ભીખ માગીમાગીને લાડકોડથી ઊછેરેલી પોતાની વહાલસોયી પૌત્રીને જ્ઞાતિના જ કોઈક સુખી પરિવારમાં પરણાવવાના એ વૃદ્ધાને કોડ હતા.
પરંતુ સ્ટેશનના સ્ટાફનાં છોકરાંની હારોહારનું રૂખીનું પ્રાથમિક શાળાનું ભણતર એની ગેરલાયકાત બન્યું હતું. વરપક્ષવાળાં બસો રૂપિયા
ના દહેજની હઠ પકડીને બેઠાં હતાં. તેમની દલીલ હતી કે ભણેલી વહુ ભીખ માગતાં શરમ અનુભવશે અને તેને ઘેરેબેઠાં ખવડાવવું પડશે ! ફતુ ડોશી પાસે ફૂટી કોડી ન હતી. કરજ લેવા અવેજમાં કોઈ દરદાગીનો પણ ન હતો. પણ હા, પોતાની અસ્ક્યામત કે જે ગણો તે, પેલા સુખી ગામમાં ભીખ માગવા માટેનો ઈંગ્લેન્ડના બંધારણ જેવો બેએક પેઢીથી ચાલ્યો આવતો એકાધિકાર જેવો તેનો ઇજારો હતો; જેને જ્ઞાતિજનોએ માન્ય રાખેલો હતો. ફતુ ડોશીએ પોતાના શેષ જીવનની ભૂખમારાની પરવા કર્યા સિવાય દહેજના બસો રૂપિયાના બદલામાં એ ગામમાં ભીખ માગવાના ઈજારાના વેચાણખત ઉપર અંગૂઠો કરી આપીને હરખનાં આંસુડે પોતરીનું કન્યાદાન કર્યું હતું.
ગામલોકોને ખબર ન હતી કે તેમના ગામનો સોદો થઈ ચૂક્યો હતો !