ખીલી જેવી યાદો
ખીલી જેવી યાદો
સાંજે 8 વાગ્યાની આસપાસ ઘરનું વાતાવરણ એકદમ શાંત અને સામાન્ય હતું. ત્યાં જ પપ્પા પર મારા ફઈબાનો કોલ આવ્યો અને એ એક ફોન કોલે ઘરની શાંતિને તોફાનમાં ફેરવી નાખી.
ફઈબાએ સીધો જ પ્રશ્ન કર્યો, "ભાઈ, તેં શું વિચાર્યું છે સીતા અને વિશાલના સંબંધનું?"
પપ્પાએ એક ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં ચાલી રહેલી ગડમથલને છુપાવતા હોય, અને બોલ્યા, "જો બેન, મેં હજી સીતાને પૂછ્યું નથી પણ જો એ ના પાડશે તો..."
પપ્પાનું વાક્ય હજી પૂરું પણ નહોતું થયું ત્યાં જ ફઈબા વચ્ચે બોલી ઉઠ્યા, "તો શું? તું મને એક દીકરી તો દઈશ જ નહી તો..." પપ્પાએ કદાચ સંબંધો તૂટવાના ડરથી કે ઉતાવળમાં કહી દીધું, "હા હા, પહેલા હું નક્કી કરી લઉં, નહી તો પછી બીજી ત્રણમાંથી એક દીકરી તને દઈશ."
અહીંથી જ સીતાના જીવનની વાર્તા એક ગંભીર વળાંક લે છે. સીતા દરવાજા પાછળ ઉભી રહીને આ બધું સાંભળી રહી હતી. તેને વિશાલ પસંદ તો હતો, પણ વિશાલની સ્થિતિ તેને અંદરથી ડરાવી રહી હતી. વિશાલ હજી કોઈ સ્થાયી નોકરી કરતો નહોતો; તે કારખાનાઓમાં જઈને હીરા ઘસવાનું કામ કરતો હતો. સીતાના મનમાં સતત એક જ પ્રશ્ન ખીલીની જેમ વાગતો હતો કે, "જો છોકરો સરકારી નોકરી કે કોઈ સ્થાયી જગ્યાએ કામ નહીં કરતો હોય, તો ભવિષ્યમાં એ ઘરના બધાનું પૂરું કેવી રીતે કરશે? એ મને સમય આપી શકશે ખરો?"
સીતાને એ વાતની પણ મુંઝવણ હતી કે વિશાલ હજી પોતાના ઘરમાં પણ પોતાની મક્કમ જગ્યા બનાવી શક્યો નથી, તો એ સીતાની જવાબદારી કઈ રીતે ઉપાડશે? સીતા પોતે પણ હજી ભણી રહી હતી. તેના મનમાં એક વિચાર વારંવાર આવતો કે જો તે પોતે અત્યારે નોકરી કરતી હોત, તો તેને વિશાલ સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નહોતો. પણ અત્યારે બંને પક્ષે આર્થિક અસ્થિરતા હતી.
સીતા પાસે કોઈ એવી બહેનપણી પણ નહોતી કે જેની સાથે તે આ હૃદયની વાત કરી શકે. તે સાવ એકલી પડી ગઈ હતી. સીતાની નાની બહેન તૃપ્તિ, જે દેખાવમાં થોડી શ્યામ અને નીચી હતી, તેને મમ્મી ઘણીવાર કહેતી કે તેને સંબંધોમાં મુશ્કેલી પડી શકે છે. જ્યારે સીતાએ હિંમત કરીને હર્ષને (વિશાલનો ભાઈ) મેસેજ કર્યો, ત્યારે તેને ખબર પડી કે હર્ષને તો સીતાની નાની બહેન તૃપ્તિ પસંદ છે. અહીં બધું જ બગડી રહ્યું હતું. હર્ષ અને વિશાલ બંને ભાઈઓની સ્થિતિ સરખી જ હતી, બંને કારખાનામાં જ કામ કરતા હતા.
સીતા આખી રાત વિચારી રહી હતી કે આજે ઊંઘ નહી આવે, ત્યાં જ તૃપ્તિનો ફોન આવ્યો. તૃપ્તિએ કહ્યું, "દીદી, મને મેરેજ કરવામાં વાંધો નથી પણ મારું ભણતર પૂરું થશે પછી હું કરીશ." સીતા સ્તબ્ધ થઈ ગઈ. તેણે તૃપ્તિને પૂછ્યું, "તેં તારા ભવિષ્ય વિશે વિચાર્યું છે? હું આ જ કારણે ના પાડી રહી છું."
તૃપ્તિએ એવો જવાબ આપ્યો જે સીતાના હૃદયને ચીરી ગયો: "દીદી, તમારી પાસે હવે સમય નથી, પણ મારી પાસે હજી ભણીને જોબ લેવાનો સમય છે. જો તમારો સંબંધ નહીં થાય તો મારો પણ નહીં થાય, અને જો હું હા પાડી દઉં તો કદાચ બધું સચવાઈ જશે. તમે જે ભણ્યા છો એમાં પણ હવે તમને શંકા છે."
સીતાએ આ બધી વાતો પોતાની મમ્મી અને કાકી સાથે કરી, પણ તેમનો જવાબ હતો, "સમયે બધું જ સારું થઈ જશે." પણ સીતાનું મગજ આ વાત સ્વીકારવા તૈયાર નહોતું. તેને ખબર હતી કે ના પાડવાથી પસ્તાવો થશે, છતાં તેણે હિંમત કરી. સૌથી પહેલા તેણે ફોન કરીને વિશાલને ના પાડી દીધી અને બપોરે પપ્પાને પણ મક્કમ અવાજે કહી દીધું, "પપ્પા, મારે ત્યાં લગ્ન નથી કરવા."
સીતાની 'ના' સાંભળતા જ ફઈબાના ઘરમાં જાણે સૈનિકોનો હુમલો થયો હોય તેવું વાતાવરણ થઈ ગયું. પપ્પાની બહેન (ફઈબા) તો તરત જ રડવા માંડી. સીતાને સમજાતું નહોતું કે પોતે શું કરી રહી છે, પણ તેણે ના પાડી દીધી હતી. પરંતુ અંતે, ઘરની મર્યાદા સાચવવા તૃપ્તિએ હા પાડી દીધી. ખરાબમાંથી સારું અને સારામાંથી ખરાબ—ઘણું બધું એકસાથે થઈ ગયું.
આજે પણ સીતાના મનમાં એ દિવસની યાદો તાજી છે. પપ્પા અને તૃપ્તિના વિચારો તેના હૃદયમાં હજી પણ ખીલીની જેમ ખૂંચે છે. સીતાના મનમાં પસ્તાવાની સાથે સાથે તેની આંખોમાં આજે પણ એક અજીબ ભીનાશ અને અનેક વણઉકેલ્યા પ્રશ્નો છે.
