કહાની
કહાની
એક કહાની ફક્ત કહાની નથી હોતી.. તેની સાથે પાત્ર, એ પાત્રની લાગણીઓ, ને કંઈક તેથી વિશેષ જોડાયેલું હોય છે.. એવી જ એક કહાની પ્રથમની. રજૂ કરું છું..
રોજના રાબેતા મુજબ કામ પતાવી થાક્યો પાક્યો પ્રથમ પોતાના ઘરે આવ્યો.. આશરે દસ વર્ષ પહેલાં મુંબઈ રહેવા આવેલ પ્રથમ અભ્યાસ પતાવી સારી એવી કંપનીમાં ઈન્જિનીયર તરીકે જોબ કરતો હતો.
છ વર્ષ હોસ્ટેલમાં ગાળ્યાં બાદ તેણે પોતાનો માટે 2 બીએચકે ફ્લેટ અંધેરીમાં ખરીદેલ. પોતાને મહેનતે બધું પોતે ઊભું કરેલ. કારણ માબાપ ને તેણે બાળપણમાં જ ગુમાવેલ હતાં.
ચંચળ ને મસ્તીખોર સ્વભાવ .. દોસ્ત બનાવતા પ્રથમને વાર જ નહીં. તેને ઘણી આદતોમાંથી એક આદત દર વિકેન્ડ પર ક્લબમાં જવાનું. પાસેના એરીઆમાં બ્લેક સ્પેરો નામનાં ક્લબમાં તે જતો..
દર વખતની જેમ આ વિકેન્ડ પર તે ક્લબમાં પહોચ્યો..પણ ખબર નહી આજે કેમ તેને બેચેની અનુભવાતી હતી. ચિલ્ડ બિયરનો ઓર્ડર આપી તે ત્યાં જ પોતાના મિત્રની રાહ જોતો ઊભો રહ્યો.. અચાનક તેને એક સુંગધ આવી.. એ ધીમે ધીમે સુંગધના દરીયામાં તણાવા લાગ્યો.. મોટાભાગે છોકરીઓથી દૂર રહેતો પ્રથમ આ સુવાસ જે બેશક કોઈ યુવતીના અંતરની હતી.. તેનાથી તે દૂર ના રહી શક્યો.
પાછું વાળી એણે જોયું તો એક તેનીજ ઉંમરની યુવતી બિયર પી રહી હતી.. જોતાં જ પોતે જાણી ગયો કે આ તે જ યુવતી છે જે મોટાભાગે અહીં દેખાય છે.. પણ આ સુંગધ આજે નવી છે. તેણે તેના સામે જોઈ હસીને પૂછ્યું આજ આ ક્લબ કઈ ખુશીમાં મહેકાવો છો..? એ પ્રશ્નના વળતા જવાબમાં આછું હસીને યુવતી બોલી ખુશી.? એ શું હોય..?
પ્રથમને થોડું અજુગતું લાગ્યું.. છતાં તેણે હિંમત કરીને યુવતીને ટેબલ પાસે બોલાવી.. બન્ને ચેર પર બેઠા.. જાણે પેલી યુવતી પ્રથમને ખુબ સારી રીતે જાણતી હોય તેમ વર્તી.. બિયરનો ગ્લાસ આપતા પ્રથમે પૂછ્યું કેમ ખુશી નથી અનુભવી આપે ક્યારેય..?
જો તમે સાંભળવા ઈચ્છો તો સંભળાવું.. પ્રથમે હકારમાં માથું ધુણાવ્યું.. ને ભૂતકાળની એ વાત એણે શરું કરી.. મારું નામ રીયા.. હું આ ક્લબમાં વિકેન્ડ પર આવું છું.. લગભગ વરસથી તો દરરોજ. આ સાંભળી પ્રથમને નવાઈ લાગી.. સાથો સાથ એની બેચેની વધતી ગઈ.. મને યાદ તો નથી પણ વરસ પહેલાં હું રવિવારે ખુબ હોશેથી આ જ અત્તર લગાવી .. મારું મનપસંદ વનપીસ પહેરી હું અહીં આવી.. કારણ મારો જન્મદિવસ.. મિત્રો થોડા હતાં પણ મને ખુબ આનંદ હતો કારણ મારી નવી જોબ લાગેલી હતી.. ઉત્સાહમાં ને ઉત્સાહમાં મારાથી બિયરનો ગ્લાસ એક મારી જ ઉંમરના યુવાન પર પડી ગયો.. આ નજીવી બાબતનો એણે તમાશો કરી નાખ્યો.. મારા આખાય મુડની હોળી થઈ ગઈ.. મે માફી માંગી.. એકવાર નહી ત્રણ ત્રણ વાર.. છતાં તે તથા તેનાં સાથી મિત્રો ના સમજ્યાં.. પછી મારાથી ગુસ્સે થવાઈ ગયું.. આ જ મારી સૌથી મોટી ભૂલ.
દરેક વાત ધ્યાનથી સાંભળતો પ્રથમ પણ તે જ ભાવો અનુભવવા લાગ્યો જે રીયા બોલતી હતી.. વાત આગળ વધારતાં તે બોલી.. પછી હું ક્લબમાંથી નિકળી આવી.. પાર્કીંગમાં પડેલી મારી સ્કુટી જ્યાં હું ચાલું કરવા ગઈ ત્યાં અચાનક કોઈ અજાણ્યો હાથ મારા ખભે અડ્યો.. હું ભભુકી ઊઠી.. સ્કુટી પરથી નીચે ઉતરું ઉતરું ત્યાં તો મારા માથા પર એક તિક્ષ્ણ પ્રહાર થયો.. ઓહ. મા.. રાડ પડી ગઈ.. પણ આતો શરુઆત હતી.. મને ખેંચી એ ચાર નરાધમ કાર પાછળ લઈ ગયાં. મારી ચીસોને દબાવી દીધી. મારા અંગ અંગમાં મારી આત્મા મને ડસવા લાગી..એ કોઈ એમએસએ નો દીકરો છે એ વાતથી હું અજાણ હતી.. મે થોડી જાણી જોઈ ગ્લાસ ઢોળ્યો હતો..?
પ્રથમ ડરવા લાગ્યો.. તે ક્લબમાં બેઠો હતો છતાં આજુબાજુ તે બંને સિવાય કોઈ નથી તેવું લાગ્યું તેને. રીયાએ વાત આગળ વધારી..
આંખ ઉઘડતા મે મારી જાતને અલગ જ દુનિયામાં ભાળી. જ્યાં હું કોઈને અડી શકતી નહોંતી.. મારી ચીસો કોઈને નહોતી સંભળાતી.. બસ વરસ દિવસથી હું આમ તેમ ક્લબની આસપાસ ફરું છું.. પ્રથમના તો હોશ જ ઊડી ગયા.. પણ આજે જ્યારે તમે મારા અંતરની સુવાસથી ખેંચાઈને મને બોલાવી ત્યારે મને .. આ આત્માને નવાઈ લાગી.
પ્રથમ થોથવાય ગયેલ અવાજે બોલ્યો.. હું ..હું તો.. તમને જોઈ શકું છું.. ! કેમ..? આવું કેમ.?
રીયા જોર જોરથી હસવા લાગી.. પ્રથમના ખુબ નજીક જઈ.. આંખમાં આંખ પરોવી રડી ને બોલી.. મેં ભીખ માંગી હતી તારા પાસે મને બચાવવાની.. યાદ છે તને તે કાળી રાત.. કહી તે ફરી હસવા લાગી.
ડરીને પ્રથમ બોલ્યો બચાવો. બચાવો઼. હસતા હસતા રીયા બોલી આમ બસ આમજ ને ચીસો પાડી હતી તને જોઈને. મારી આશા પર તે પાણી ફેરવ્યું હતું .. દારુના નશામાં ધૂત તે.. કોઈ લફડામાં નથી પડવું એ વિચારી તારી ગાડી મારી મૂકી હતી.. જો તે મદદ કરી હોત તો શાયદ હું આજે..
રહેમના નામે આ દુનિયામાં કંઈ જ નથી. ભીખ માંગો તોય કોઈ બક્ષતું નથી.. હું જીવવા મથતી છોકરીને આ કારણે જ મારી ને જતાં રહ્યા.. કારણ એક ગ્લાસ બિયરનો એમ કહી રીયાએ પ્રથમના હાથમાં ગ્લાસ આપ્યો ને હસતી હસતી ચાલી ગઈ. પણ તેનાં અંતરની સુવાસ ફેલાતી જ઼ રહી. શું બની રહ્યું છે તે સમજવા અસમર્થ તે ગ્લાસ પી ગયો..ને પ્રથમ બેહોશ થઈ ગયો.
હોશ આવતા તેણે પોતાને એક અલગ જ દુનિયામાં ભાળ્યો........!

