જનરેશન ગેપ
જનરેશન ગેપ
કાકા સાહેબ કાલેલકરની ઉત્કૃષ્ઠ કૃતિ છે "રાખડવાનો આનંદ" જેમાં તેમણે પોતાના પ્રવાસ ના અનુભવો વર્ણવ્યા છે અને સાચેજ રાખડવાનો જે આનંદ છે તે તમે જાતે રખડપટ્ટી કરો તો ખબર પડે.
તેવોજ એક આનંદ લેવા અને કડવા પાટીદાર ના કુળદેવી શ્રી ઉમિયા માતા ના લક્ષચંડી મહાયજ્ઞ જેવા મહાન ઉત્સવમાં ભાગ લઈ પોતાને પણ ઇતિહાસ ના સાક્ષી બનાવવા હું અને મારા કઝિન ભાઈ મુંબઇ થી અમદાવાદ જતા હતા.. લોકશક્તિની ટિકિટ હતી અને અમે બોરીવલીથી ટ્રેનમાં ચડવાના હતા...જેવા અમારી સીટ પાસે પહોંચ્યા કે ખબર પડી કે સફાલે અને દહાણું વાળા જે રોજ ના પ્રવાસી હતા તેમણેતો બધી સીટ પર કબજો જમાવી લીધો હતો અને અમારે રીતસર ની રિક્વેસ્ટ કરવી પડી પોતાની જગ્યા મેળવવા માટે.
હવે જ્યારે અમને પોતાની જગ્યા મળી ગઈ એટલે મારો રખડેલ જીવ ચાલ્યો આજુ બાજુ વાળા પ્રવાસીઓ સાથે થોડી વાત કરવા અને જુદી જુદી જગ્યાઓની વૈચારિક સફર માટે. આવી રીતે પ્રવાસ કરતી વખતે ઘણી વખત મને નવી જગ્યાઓ વિશે જાણવા મળ્યું છે. આમ તો આજ કાલ ગૂગલ બાબા પાસે બધીજ માહિતી મળી રહે છે પણ હજી સુધી ગૂગલે ભોમિયા ની ગરજ નથી સારી શકતું.
લોકશક્તિ ની ગતિ સાથે હું પણ મારી વૈચારિક યાત્રા આગળ વધારી રહ્યો હતો અને દહાણું આવતા સુધી માં તો ફક્ત અમે રિઝર્વેશન વાળા રહ્યા અને લોકલ વાળા ઉતરી મુંબઈની ભીડમાં ખોવાઈ ગયા.
છ લોકોના કંપાર્ટમેન્ટમાં હું અને મારો ભાઈ, બીજી એક સીટ એક બેનની હતી જે આવ્યા ત્યારથી પોતાના મોબાઈલમાં ખોવાઈ ગયા હતા અને હું વલસાડ પછી સૂઈ ગયો ત્યાં સુધી તેમની જીવંત દુનિયા માં પાછા ફર્યા નહોતા. બીજી એક સીટ જેમ લગભગ દરેક ભારતીય સાથી થાય તેમ એક સીટ અહીંયા અને બીજી બીજા કંપાર્ટમેન્ટ માં હતી જે પાછળ થી ભારતીય રેલ્વે સમજુતી થી
એક ભાઈ ને મળી હતી. હવે બચી બે સીટ જે હતી લગભગ પોતાના જીવન ના ૭૦ વર્ષ માણી ગયેલા અને ૫૦ વર્ષ લગ્ન જીવન ના સાથે અનુભવી ગયેલા નવયુગલ ની.
હા બરાબર વાંચ્યું નવયુગલ જેવા જ હતા તે દાદા અને દાદી. જ્યારથી અમે ટ્રેન માં ચડ્યા ત્યારથી તેમની વાતો નો કોઈ છેડો આવ્યો ન હતો અને પેલા મોબાઈલ વાળા બેન ની જેમ આ કપલ ને વાસ્તવિક દુનિયા સાથે કાંઈ વિશેષ વળગણ હતું નહીં બસ પોતે બંને અને પોતાની વાતો જેમાં જ્યાં જગ્યા મળે ત્યાં વચ્ચે હું કંઈક ટાપ્સી પુરાવતો.
આ થઈ અમારી છ સીટ ની વાત હવે આવે સામાને બે સીટ જ્યાં પણ એક જુવાન કપલ હતું અને તેમની સાથે એક ૫ વર્ષ નું બાળક. ઉંમર ની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકો વધારે નવયુગલ લાગવા જોઈએ પણ તેમના વર્તન થી લાગતું હતું કે ખરેખર આમના લગ્ન ને ૫૦ વર્ષ થઈ ગયા છે અને આ સમયમાં તેમની વચ્ચે નો પ્રેમ બાષ્પીભવન થઈ ગયો છે. આવ્યા ત્યારથી બને મિયા બીવી કૈક ને કૈક મગજમારી કરતા હતા. મોબાઈલ ને ચાર્જ કરવા માટે, જમવા માટે, કોણ કઈ સીટ પર સૂઈ જશે?, છોકરો કોની સાથે સુશે... આવી તો કૈક મગજમારી ચાલી હશે તેમની વચ્ચે.
જ્યારે સામે છેડે પેલા દાદા દાદી પાસે તો અલક મલક ની વાતો નો ભંડાર હતો. વચ્ચે દાદીએ ઘરે ફોને કરી પૌત્ર સાથે થોડી મશ્કરી કરી લીધી..બધા ઘર માં શુ કરે છે તે જાણી લીધું અને પાછા બંને પોતાની દુનિયા માં ખોવાઈ ગયા. થોડી વાર પછી તે લોકો જમવા બેઠા ત્યારે હું મારી સહુથી મનગમતી સીટ જે ટ્રેન ને અપર બર્થ છે ત્યાં જઈ ને બેઠો અને આ બંને કપલ ના જનરેશન ગેપ ને જોતો રહ્યો.
આજકાલ ના છોકરાઓ જેને જનરેશન ગેપ કહે છે તેમને સમજવાની જરૂર છે કે જનરેશન ગેપ પોતાના અને માબાપ વચ્ચે નહીં પણ પોતાના અને પોતાના જીવનસાથી વચ્ચે હોઈ શકે છે.