જનનીનો પ્રેમ
જનનીનો પ્રેમ
એક રામપુર નામનું નાનકડું ગામ હતું. તે ગામમાં મોટા ભાગની ગરીબ વસ્તી રહેતી હતી. તે ગામમાં એક સ્ત્રી રહેતી હતી. તેનું નામ લીલાબહેન હતું. આ લીલાબહેનના ઘરની પરિસ્થિતિ એવી હતી, કે તેમને પૂરતા કપડા, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અને અમુકવાર તો પૂરતું ભોજન પણ મળતું ન હતું. તે વીસ વરસની હતી ત્યારે તેના લગ્ન એક નિમ્ન મધ્યમવર્ગના ગરીબ પરિવારમાં થયા હતાં. તેમનો પતિ ખુબ જ વ્યસની હતો. તેને દારૂ અને સિગારેટ પીવાની ખુબ જ ટેવ હતી.
ખુબ જ દારૂ અને અતિશય ગુટખા ખાવાથી અને સિગારેટ પીવાથી તેનું નાની ઉમરમાં જ મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી એમને એકપણ સંતાન થયું નહતું.
પોતાના જીવનમાં સહારો રહે તે માટે લીલાબહેને એક બાળક દત્તક લેવાનું નક્કી કર્યું. તેમને ખુબ જ મહેનત મજૂરી અને દુ:ખ વેઠીને દીકરાને ખુબ જ ભણાવ્યો. લીલાબહેનની કાળજીને લીધે દીકરો ભણવામાં પણ હોંશિયાર બન્યો. સમય જતાં એ એક સારો ડોક્ટર બન્યો. એક સુંદર છોકરી સાથે તેના લગ્ન કરાવી આપ્યા. થોડાક જ સમયમાં તેણે બેંગલોર ખાતે એક સરસ નોકરી પણ મળી ગઈ.
હું તને એકાદ બે મહિનામાં જ તમને મારી સાથે લઈ જઈશ. એમ કહીને તે દીકરો બેંગલોર ચાલ્યો ગયો. આજે તો એ વાતને બે મહિના થઈ ગયા. પણ ના દીકરો પાછો આવ્યો કે ના એના કોઈ સમાચાર આવ્યા. લીલાબહેને ગમે તેમ કરીને પોતાના દીકરાનું બેંગ્લોરનું સરનામું મેળવ્યું. મજૂરી કરીને થોડાક પૈસા ભેગા કરીને બેંગલોર જવાની તૈયારી કરી. અને એમ એક દિવસ તે પોતાના દીકરાનું ઘર શોધતા શોધતા તેનાં ઘરે પહોંચી જ ગયા.
ત્યાં જઈને જોયું તો દીકરો ખુબ જ સુખી થયો હતો. તેણે પોતાનો એક આલીશાન બંગલો પણ બનાવ્યો હતો. દીકરાનું સુખ જોઈને માનું હૃદય આનંદથી ઝૂમી ઊઠ્યું. અચાનક માને આવેલી જોઈને દીકરો અને વહૂ એકદમ ચોંકી જ ગયા. લીલાબહેન પોતાના દીકરાના ઘરે રહેવા લાગ્યા. પણ થોડાક જ દિવસમાં લીલાબહેન પોતાના દીકરા અને વહુને બોજ લાગવા લાગ્યા. તેણે પોતાની માં ને કહ્યું, ‘મા તમે હવે વતન પાછા ચાલ્યા જાઓ.’ માને બહુજ નવાઈ લાગી જે દીકરાને પેટે પાટાં બાંધી ભણાવી ગણાવી હોંશિયાર બનાવ્યો તે દીકરાને મોઢે આવી વાત સાંભળી તેણે ખુબ જ દુખ થયું. એને દીકરાને પૂછ્યું, ‘કેમ દીકરા ?’ ત્યારે દીકરા એ કહ્યું, ‘અમારે ઘણા કામ હોય છે, વળી તમને સાથે લઈ જતાં અમને શરમ આવે છે. તમે અહીં હોવ એટલે અમે બહાર ક્યાય જઈ શકતા નથી. કોઈને અમારે ઘરે બોલાવી શકતા નથી. અમને અમારી રીતે જીવવા દો, તમે વતનમાં તમારી રીતે જીવો.’ આ સાંભળી લીલાબહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ.
બીજા જ દિવસે લીલાબહેન બેંગ્લોરથી વતન પાછા આવવા માટે નીકળ્યા. પણ જતાં જતા એમને દીકરાને કહ્યું, ‘દીકરા જો મને તને અનાથ આશ્રમમાંથી દત્તક લઈને ઉછેરીને ભણાવી ગણાવીને મોટો ન કર્યો હોત, તો તું પણ આજે ડોક્ટર ના બન્યો હોત, પણ કોઈ ગંદી જગ્યાએ ભિખારીનું જીવન જીવતો હોત.’ એટલું કહીને લીલાબહેન દીકરાનું ઘર છોડી વતન આવવા માટે નીકળી ગયા. દીકરાનું આવું ક્રૂર વર્તન લીલાબેનથી સહન ન થયું. એ દુ:ખના આઘાતમાં તેઓ મૃત્યુ પામ્યા.
સમય બદલાયો. દીકરાને ઘરે પણ દીકરો થયો. સમય જતાં એ દીકરો મોટો થયો. અને તેણે ડોક્ટર અને તેની પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા. તેમણે વૃદ્ધાશ્રમમાં રહેવાના દિવસો આવ્યા. ત્યારે ડોક્ટરને ખુબ જ પસ્તાવો થયો. એને કુદરતનો ન્યાય દેખાયો. જે માં-બાપની સેવા નથી કરતું, તેના સંતાનો પણ તેની સેવા નથી કરતા. પણ હવે પસ્તાવો કરવાથી શું થાય !
