જાદુઈ તપેલું
જાદુઈ તપેલું


ઘણા વરસો પહેલાની આ વાત છે, એક નગર હતું. તે નગરમાં એક રજા રાજ કરતો હતો. રાજા પાસે ખુબ મોટા પાયે જમીન હતી. અને મોટા પાયે ખેતી વાડી હતી. તેના ખેતરમાં અનેક જણ ખેતીનું કામ કરતાં હતા. આ માણસોમાં એક છગન નામનો માણસ હતો. અ છગન ખુબ જ ગરીબ હતો પણ તે ખુબ જ મહેનતુ અને ઈમાનદાર હતો. તે પૂરી લગનથી ખેતરમાં કામ કરતો હતો.
હવે એક દિવસની વાત છે. ગામના ઘણા લોકો રાજાના ખેતરમાં કામ કરતા હતા. છગન પણ ત્યાં કામ કરતો હતો. આ લોકો ખેતરમાં ખોદવાનું કામ કરતાં હતા. ખોદતા ખોદતા દિવસ આથમવા લાગ્યો. એટલે બીજા લોકો ખોદવાનું કામ પડતું મૂકી ઘરે ગયા. પણ છગન ઈમાનદારી પૂર્વક ખોદવાનું કામ કરે જતો હતો. ખોદતા ખોદતા અચાનક તેનો પાવડો કોઈ વસ્તુ સાથે અથડાયો. અને એક અવાજ આવ્યો. તેને નવાઇ લાગી. તેણે ફરીથી એજ જગ્યાએ ફરીથી પાવડો ચલાવ્યો. તો ફરીથી આવાજ આવ્યો.
છગનને લાગ્યુ કે નીચે કોઈ વસ્તુ દટાયેલી છે. તેને ધીમે રહીને આજુબાજુમાં વધુ ખોદકામ કર્યું. તો જમીનમાંથી એક મોટું તપેલું નીકળ્યું. આ તપેલું ઘણું જ મોટું હતું. જેમાં અનેક લોકોનું ખાવાનું એક સાથે બનાવી શકાય તેવી સગવડ હતી. એટલે તેણે એ તપેલું બહાર કાઢી એકબાજુ મૂકી દીધું. હવે રાત પડી હતી. એટલે તેને આરામ કરવાનો નિર્ણય કર્યો. તેણે પાવડો બાજુ પર મુક્યો. પણ તેના ધ્યાન બહાર તે પાવડો પેલા મોટા તપેલામાં જઈને પડ્યો. તેની તેને ખબર રહી નહિ.
હવે સવાર થઇ એટલે છગન ફરી પાછો ખેતરમાં ખોદકામ કરવા માટે આવ્યો. તે પાવડો લેવા માટે ગયો. ત્યાં તેને જોયું કે પાવડો તો તપેલામાં પડ્યો હતો. એટલુ નહિ. પણ આખું તપેલું પાવડાથી ભરાઈ ગયેલું હતું. તેને ખ્યાલ આવી ગયો કે આ એક જાદુઈ તપેલું છે. તેમાં જે વસ્તુ મુકવામાં આવે તેવી અનેકગણી વસ્તુ આમાં બની જાય છે.
પોતાના વિશ્વાસ માટે તેણે બીજા દિવસે રાતે તે તપેલામાં તેણે અનાજનો એક દાનો નાખ્યો. બીજા દિવસે સવારે જોયું તો આખું તપેલું અનાજથી ભરાઈ ગયું હતું. હવે તેને વિશ્વાસ થઇ ગયો કે ખરેખર આ તપેલું જાદુઈ જ છે. એ પછી તો તેણે પોતાને જોઈતી બધી જ વસ્તુ અનાજ, કપડા, સોનામહોર વગેરે તપેલા ભરી ભરીને મેળવી લીધું. અને તે ધનવાન બની ગયો.
પછી ધીમે ધીમે આ જાદુઈ તપેલાની વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. રાજાને પણ આ વાતની જાણ થઇ. એટલે પોતાના સૈનિકો મોકલી એ તપેલું રાજ-દરબારમાં મંગાવી લીધું. હવે રજા રાત પડવાની રાહ જોવા લાગ્યા. તે જાણવા માંગતા હતા કે આ તપેલામાં કેવો જાદુ કામ કરે છે. એમ કરતા રાત પડી. એટલે રાજા પેલા તપેલાં પાસે આવ્યા. અને તેમાં એક સોનામહોર નાખી. હવે એ સોનામહોર કેવી રીતે વધે છે તે જોવા માટે તે તપેલામાં આઘા થઇ જોવા લાગ્યા. આમ કરતા અચાનક તેમનો પગ લપસી ગયો. અને રાજાજી સીધાજ તપેલામાં જઈને પડ્યા.
હવે તપેલું એટલું મોટું અને ઊંડું હતું. કે રાજાજી જાતે બહાર નીકળી શક્યા નહિ. અને આખી રાત તપેલામાં જ રહ્યા. સવાર પડી ત્યારે તો તપેલામાંથી એકને બદલે અનેક રાજા બહાર નીકળ્યા. એમાંથી અસલી રાજા કયા ? તે જાણવું મુશ્કેલ બની ગયું. બધાજ રાજા અંદર અંદર ઝઘડવા લાગ્યા. અને એક બીજાને મારવા લાગ્યા. લડાઈમાં અસલી રાજા પણ મોત પામ્યા. અતિ લોભ વિનાશ જ નોતરે છે.