STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

ઈશ્વરનું અમરત્વ

ઈશ્વરનું અમરત્વ

4 mins
0

ક બ્રાહ્મણે વર્ષોના તપ, જપ અને યજ્ઞ પછી પુત્રનું સુખ મેળવ્યું હતું. જન્મોત્સવમાં આખું ગામ નાચ્યું હતું, ઘંટનાદ થયો હતો, અને પિતાના હૃદયમાં અમરત્વની આશા જાગી હતી. પરંતુ કેટલાક વર્ષો પછી જ કાળે તે બાળકને ખેંચી લીધો. અસમયે મૃત્યુ! બ્રાહ્મણ શવને હાથમાં લઈને શ્મશાન તરફ વળ્યો. આંખોમાં આંસુ, હૃદયમાં મોહ, અને મનમાં અનંત વિલાપ.

ભારતમાં મૃત્યુ પછી દેહનું ત્રણ રીતે વિસર્જન થાય છે—મનુષ્યને અગ્નિમાં સમર્પણ, સંતને સમાધિ કે નદીમાં પ્રવાહિત કરવું , અને બાળકને ધરતીમાં દફન. પરંતુ પિતાનો મોહ એટલો પ્રબળ હતો કે તે બાળકને દફનાવી શકતો ન હતો. પુત્રપ્રાપ્તિના તપની યાદો, જન્મોત્સવની મધુર સ્મૃતિઓ—બધું જ હૃદયને વીંધતું હતું.

આ શ્મશાનમાં બે જીવો વસતા હતા—એક ગિદ્ધ અને એક શિયાળ. બંને શવ જોઈને આનંદથી નાચ્યા. તેમની વચ્ચે એક સમજુતી થયેલી હતી. સ્મસાન માં આવેલા શવ ને દિવસે શિયાળ માંસ ન ખાય, અને રાત્રે ગિદ્ધ. શિયાળે વિચાર્યું, “જો બ્રાહ્મણ દિવસે જ ચાલ્યો જાય તો આ શવ પર ગિદ્ધનો અધિકાર થશે. તેથી અંધારું થાય ત્યાં સુધી તેને વાતોમાં ફસાવી રાખું.” વહેલું જવાની ઇચ્છા રાખતો ગિદ્ધ પણ આજ તક માં હતો.

છોકરાના પરિવાર વાળા જલ્દી ચાલ્યા જાય માટે ગિદ્ધ બ્રાહ્મણ પાસે ગયો અને વૈરાગ્યની મીઠી ભાષા બોલવા લાગ્યો, “હે માનવ! તારા દુઃખનું મૂળ મોહમાયા જ છે. જન્મ પહેલાં જ પ્રત્યેક પ્રાણીની આયુ નક્કી થઈ જાય છે. સંયોગ અને વિયોગ પ્રકૃતિના નિયમ છે. તું પુત્રને પાછો લાવી શકતો નથી. શોક ત્યજીને પ્રસ્થાન કર. સંધ્યા નજીક છે, શ્મશાન રાત્રે વધુ ભયાનક બને છે.”

ગિદ્ધે ભગવદ્ગીતાનો શ્લોક કહ્યો :

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च। 

तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥ (ભગવદ્ ગીતા ૨.૨૭) 

જે જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ પામેલાનું જન્મ પણ નિશ્ચિત છે. તેથી અપરિહાર્ય વસ્તુ માટે તારે શોક કરવો યોગ્ય નથી.

સગાસબંધીઓને આ વાતો પ્રિય લાગી. તેઓને પણ જલ્દી ઘેર જાવું હતું. તેઓ બોલ્યા, “બાળક જીવતો નથી, અહીં રોકાવાનો શો લાભ?”

શિયાળે બધું સાંભળ્યું. ગિદ્ધની ચાલ સફળ થતી જોઈને તે દોડી આવ્યો અને કહેવા લાગ્યો: “તમે કેટલા નિર્દય છો! જેની સાથે પ્રેમ કર્યો તેના મૃત શરીર સાથે થોડો સમય પણ નહીં વિતાવો? ફરી કદી તેનું મુખ નહીં જોઈ શકો. ઓછામાં ઓછું સંધ્યા સુધી રોકાઈને જી ભરીને જુઓ!”

તેણે નીતિની વાતો છેડી: “રોગી, અભિયોગી અને શ્મશાન તરફ જનારને બંધુ-બાંધવોના સહારાની જરૂર હોય છે.”

પરંતુ તેની વાતોમાં સ્નેહનો આભાસ હતો. પરિજનોને વાત બરોબર લાગી.ભાવ જાગ્યો અને તેઓ તરત પાછા ફરવાનો વિચાર છોડી દીધો.

હવે ગિદ્ધને ચિંતા થઈ. તેણે કહ્યું: “તમે જ્ઞાની છો છતાં કપટી શિયાળની વાતમાં આવી ગયા. એક દિવસ દરેક પ્રાણીની આ જ દશા થવાની છે. શોક ત્યજીને ઘરે જાઓ. જે બન્યું છે તે નષ્ટ થાય છે. તમારો શોક મૃતકને પરલોકમાં કષ્ટ આપશે.”

अनित्यं यौवनं रूपं जीवितं धनसञ्चयः। 

भोगाश्चानित्याः सर्वे नित्यं धर्मः सनातनः॥ 

અર્થ: યૌવન, રૂપ, જીવન અને ધનસંચય અનિત્ય છે. બધા ભોગ અનિત્ય છે, માત્ર સનાતન ધર્મ જ નિત્ય છે.

લોકો જવા તૈયાર થયા ત્યારે શિયાળ ફરી બોલ્યો: “આ બાળક જીવતો હોત તો તમારું વંશ વધત. કુળનો સૂર્ય અસ્ત થયો છે, ઓછામાં ઓછું સૂર્યાસ્ત સુધી તો રોકાઓ!”

ગિદ્ધે કહ્યું: “મારી આયુ સો વર્ષની છે. મેં કદી કોઈને જીવતો થતો નથી જોયો. તમે જલ્દી મોક્ષકાર્ય વિધિ શરૂ કરો.”

શિયાળે જવાબ આપ્યો: “જ્યાં સુધી સૂર્ય આકાશમાં છે ત્યાં સુધી દૈવી ચમત્કાર થઈ શકે. રાત્રે આસુરી શક્તિઓ પ્રબળ થાય છે. થોડી પ્રતીક્ષા કરો.”

બંનેની ચાલાકીમાં ફસાયેલું બ્રાહ્મણ પરિવાર નક્કી ન કરી શક્યું. અંતે પિતાએ પુત્રનું માથું ખોળામાં મૂકીને જોરથી વિલાપ કર્યો. તેના રુદનથી શ્મશાન કાંપી ઊઠ્યું.

મોહની માયા મનને બાંધે, 

પ્રેમની ધારા આંસુ વહાવે, 

કાળની લીલા કોણ સમજે, 

મહાદેવ જ્યારે કૃપા કરાવે.

મહાદેવ તો શ્મશાનમાં જ વસે છે. સંધ્યા-ભ્રમણે નીકળેલા મહાદેવ-પાર્વતી ત્યાં પહોંચ્યા. પાર્વતીજીએ તડપતા પરિજનોને જોઈને દુઃખી થયાં. આ બ્રાહ્મણે આજીવન ભગવાનનું કાર્ય કર્યું હતું, પુત્રપ્રાપ્તિની ઇચ્છા પણ ભગવાનના વિચારોપુત્ર ઘરે-ઘરે લઈ જાય એ હતી. અંતે તેમણે મહાદેવને બાળકને જીવંત કરવાની વિનંતી કરી. ભગવાને તેની આ ઈચ્છા જોઈ. બાળકને સો વર્ષની આયુ આપી.

“સ્વાર્થની નીતિ કદી સાચી નીતિ નથી હોતી.”

ગિદ્ધ અને શિયાળ બંને ઠગાઈ ગયા. આકાશવાણી થઈ: “તમે પ્રાણીઓને ઉપદેશ તો આપ્યો, પરંતુ તેમાં સાંત્વનાની જગ્યાએ તમારો સ્વાર્થ હતો. તેથી તમને આ નિકૃષ્ટ યોનિથી શીઘ્ર મુક્તિ નહીં મળે. બીજાના કષ્ટ પર સાચા મનથી શોક કરવો જોઈએ. શોકનું આડંબર કરીને પ્રગટ કરેલી સંવેદના ગિદ્ધ અને શિયાળની ગતિ આપે છે.”

परोपकारः पुण्याय पापाय परपीडनम्। 

धर्मेण हीनाः पुरुषाः पशुभिः समाः॥ 

પરોપકાર પુણ્ય માટે છે, પરપીડન પાપ માટે. ધર્મથી હીન પુરુષો પશુ સમાન છે.

આમ શ્મશાનમાં મોહમાયાની છાયા ફાટી, અને મહાદેવની કૃપાથી અમરત્વનો પ્રકાશ પ્રગટ્યો. બાળક જીવંત થયો, પિતાનું હૃદય આનંદથી ભરાયું, અને ગિદ્ધ-શિયાળને તેમના કપટનું ફળ મળ્યું.





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational