હું મરવા કરતાં ભાગ-૧
હું મરવા કરતાં ભાગ-૧


I DON’T WANNA DIE, I’D RATHER KISS!
હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!
લૉર્ડ ઈબે : મૂળ લેખક
– વલીભાઈ મુસા : (ભાવાનુવાદક)
[અંગ્રેજીમાં લખાયેલી આ વાર્તાના યોરુબા(Yoruba) માતૃભાષી એવા મૂળ લેખક લૉર્ડ ઈબે પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઈજીરિયાના વતની છે. વાર્તાને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવા માટેની તેમણે મને સહૃદયતાપૂર્વક સંમતિ આપી છે. વાર્તામાંના કેટલાક સંવાદો યોરુબા ભાષામાં હતા, જે માટે તેમણે જહેમત લઈને આખીય વાર્તાનું પુનર્લેખન કરીને મને મોકલી આપ્યું છે. યોરુબા એ ઘણીબધી આફ્રિકન ભાષાઓમાંની વધુ બોલાતી ભાષા છે અને અને એ લોકો વિદેશોમાં પણ જ્યાંજ્યાં સ્થાયી થયા છે, ત્યાંત્યાં પોતાની ભાષાને જાળવી રાખવા માટે સમભાષીઓ સાથે એ જ ભાષામાં
વાણીવિનિમય પણ કરતા રહેતા હોય છે. વાચકોને આ યોરુબા ભાષાનો અછડતો ખ્યાલ મળી રહે તે માટે મેં એવા સંવાદોને ક્યાંક ક્યાંક ગુજરાતીની સાથે સાથે કૌંસમાં અંગ્રેજી લિપિમાં દર્શાવ્યા છે. મારા મત પ્રમાણે સંભવત: યોરુબા ભાષાની પોતાની અલગ લિપિ નથી અને તેઓ અંગ્રેજી મૂળાક્ષરો (Alphabets) જ પ્રયોજે છે. મારા નેટ ઉપરના ખાંખાંખોળા મુજબ તેમણે અંગ્રેજીના છવ્વીસ (૨૬) મૂળાક્ષરોમાંથી [C,Q,V,X,Z]ને પડતા મૂક્યા છે. વળી આ ત્રણ મૂળાક્ષરો [E,O,S)ની નીચે Dot (.) મૂકીને બબ્બે કર્યા છે અને G ઉપરાંત Gb એક વધારાનો મૂળાક્ષર બનતાં તજી દેવાયેલા પાંચ મૂળાક્ષરના બદલે આ નવા ચાર મૂળાક્ષરો સાથે તેના કુલ મૂળાક્ષર પચીસ (૨૫) થાય છે. અંગ્રેજીના પાંચ સ્વરો (A, E, I, O, U) માં ‘E’ અને ‘O’ની નીચે Dot (.) મૂકીને એમણે પાંચના બદલે સાત સ્વરો બનાવ્યા છે. આપણા ‘એ’ અને ‘ઓ’ના સાધારણ ઉચ્ચારો ઉપરાંત ‘ઍ’ અને ‘ઑ’ એવા પહોળા ઉચ્ચારોની જેમ યોરુબામાં ઊંચા (high), મધ્યમ (mid) અને નીચા (low) એવા ત્રણ પ્રકારના ઉચ્ચારો થતા હોય છે. જેમ ગુજરાતી ભાષામાં ‘ગૉળ’ અને ‘ગોળ’ના ઉચ્ચાર પ્રમાણે ભિન્ન અર્થવાળા શબ્દો મળે છે, તે જ પ્રમાણે યોરુબા ભાષામાં પણ હોય છે. આ સ્વરગત કે ઉચ્ચારગત ભાષા છે અને લિખિત સ્વરૂપમાં એવા ઉચ્ચારો દર્શાવવા માટે જો ઊંચો ઉચ્ચાર કરવાનો હોય તો અક્ષર ઉપર સ્વરાઘાત ચિહ્ન (‘) ડાબી તરફ ત્રાંસું અને નીચા ઉચ્ચાર માટે જમણી તરફ ત્રાંસુ ( ‘ ) મુકાય છે. મધ્યમ ઉચ્ચાર માટે કોઈ ચિહ્ન મૂકવામાં આવતું નથી હોતું. આ ભાષા અંગ્રેજી મૂળાક્ષરોમાં જ લખાતી હોઈ લખવામાં સરળતા રહે છે.
લૉર્ડ ઈબે એ લેખકનું તખલ્લુસ કે ઉપનામ (Pen Name) છે. આ યુવાન લેખક પોતાના મૂળ નામને જાહેર કરવાનું પસંદ કરતા નથી. તેમનો “Lord eBay School of Thought” નામે બ્લૉગ છે, જેનું URL – https//ebayism.wordpress.com છે. તેમના બ્લૉગની Tag Line છે : AWAKENING THE SLEEPING READERS. એમના બ્લૉગ ઉપરથી તેમના વિષેનો કોઈ અંગત પરિચય મળતો નથી. અમારા પરસ્પરના પ્રારંભિક સંબંધમાં અંગત બાબતો અંગે વધુ ઊંડા ઊતરવું એ સૌજન્યતાના ખિલાફ હોઈ એમના વિષેનો વિશેષ પરિચય ન આપી શકવા બદલ દિલગીરી પેશ કરું છું. – વલીભાઈ મુસા]
* * * *
હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!
હું ડાન્સ કરવા માગું છું; અરે ઓ બાનુઓ, બિન્ધાસ્ત!” (I want to dance, oh ye ladies who care,). મારી પાસે મારા દિલની રડી લેવાની વાતને સાંભળવાનો સમય નથી. મારી પાસે મૃત્યુ આવી જવા પહેલાંનો બહુ જ ઓછો સમય છે. કાશ! એકાદવાર પણ મારા ચહેરા ઉપર સ્મિત ફરક્યું હોત તો કેવું સારું થાત! મારા દોસ્તો પૉર્ચ આગળ આવી પહોંચ્યા છે અને મારું દ્વાર ખટખટાવે છે. તેઓ આર્જવભરી વિનંતી કરી રહ્યા છે કે હું મૃત્યુ પામવાનું મુલતવી રાખું. પરંતુ એ દોસ્તો, તમે મોડા પડ્યા! આજે હું મરી જ જઈશ. ભલે ને તેઓ ગમે તેટલી મથામણ કરે, ભલે ને તેઓ પરસેવાથી રેબઝેબ થાય! ભલા, તેઓ કેવી રીતે કોઈને બચાવી શકે, જ્યારે કે તે જણ જીવવા માટેની કોઈ તમન્ના જ ન રાખતો હોય!” આવું મેં ખરેખર બે જ દિવસ પહેલાં કહ્યું હતું અને સાચે જ હું મરી પણ ગયો હતો; પરંતુ આશ્ચર્યની વાત એ બની છે કે આજે હું જીવતો-જાગતો છું અને શ્વાસ પણ લઈ રહ્યો છું.
ત્રણ જ દિવસ પહેલાંની એ વાત છે જ્યારે કે મને મારી પ્રિયતમા તરફથી એક સંદેશો મળ્યો છે. મારી એ પ્રિયતમા કે જેના વિષે હું એમ જ માનતો આવ્યો છું કે મારું સુખ બીજે ક્યાંય નહિ, પણ માત્ર અને માત્ર અદૃશ્ય એવા એના સીનામાં જ છુપાયેલું છે અને મારા સુખની એક માત્ર પ્રણય રૂપી ચાવી તેની જ પાસે છે. એણે મને લખ્યું છે : “વ્હાલા, મેં તારી પાસેથી જ જાણ્યું અને અનુભવ્યું છે કે સાચો પ્રેમ કેવો હોઈ શકે, પરંતુ એમ તને કહેવું મને સાવ અજુગતું નહિ જ લાગે કે તારા પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યા છે! તું મારા પ્રત્યે જે પ્રેમ ધરાવે છે એવા પ્રેમની લાગણી હું તારા પરત્વે નથી ધરાવતી. મેં તને થોડોક પણ ચાહવા માટેનો પ્રયત્ન કરી જોયો છે, પણ એમાં હું સફળ થઈ શકી નથી. એવું તો નહિ હોય કે મારા બિનઅનુભવના કારણે પ્રેમ શું છે એ હું સમજી શકી ન હોઉં, કે પછી સાચે જ હું તને ચાહતી જ ન હોઉં? તું વફાદારી અને ઉદાત્તતાનું એક મૂર્ત સ્વરૂપ છે, પરંતુ હું બનાવટ કરીને તને એવી હૈયાધારણ તો નહિ જ આપું કે હું તને ચાહું છું. આપણા બંનેના ભલા માટે તું એવા અન્ય કોઈ પાત્રને શોધી લે કે ખરે જ જે તને ચાહતું હોય, અને તારે એમ જ કરવું જોઈએ, હા! આ પળેથી હું મારા શક્ય પ્રયત્નોથી તારા માર્ગમાંથી દૂર જઈ રહી છું કે જેથી આપણી ભૂતકાલીન પ્રસન્નતાઓ તારી લાગણીઓને ઉત્તેજીત ન કરે કે જેમને સંભાળવી તારા કાબૂ બહાર હોય! સુખી થા!”
મેં જ્યારે સંદેશો વાંચ્યો, ત્યારે હું લગભગ ભડકી જ ઊઠ્યો હતો; આમ છતાંય મને ચોક્કસ ખાત્રી તો હતી જ કે આ એપ્રિલ ફૂલ પ્રકારનું ટીખળ હોવું જોઈએ, જો કે આ એપ્રિલ મહિનો તો નહોતો જ. મેં આ જાણ્યું ત્યારે મારી જાત માટે હું પોતે જાણે કે ત્રાહિત વ્યક્તિ જ હોઉં એવું મને લાગ્યું. હું એવો ડઘાઈ ગયો હતો કે મારા હાથમાં ફોન પણ પકડી રાખી શકતો ન હતો. મારી ફોન ઉપરની પકડ ઢીલી થતાં તે નીચે પડી ગયો. હું એવો સ્તબ્ધ બની ગયો હતો કે મારી જગ્યા ઉપરથી હાલી શકતો પણ ન હતો. હું જડ પૂતળાની જેમ ઊભો જ રહી ગયો અને આ સંદેશો સાચો હોવાની સંભાવનાથી હું ખરે જ ડરી ગયો હતો.
“અંકલ, તમારો ફૉન પડી ગયો છે.” એમ કહેતાં એક છોકરાને મેં સાંભળ્યો.
“ઓહ, ઓહ (Ehn-ehn)! આભાર.” મેં બાઈક હંકારી દીધી અને જાણે ગાંજાના ઘેનમાં ઘેરાયેલી તપખીરી આંખોવાળા યુવાન મૉટરસાયકલિસ્ટ એવા મેં તેને ગંતવ્ય સ્થાનનું સરનામું આપીદીધું.
મેં કપડાં બદલવાની પણ દરકાર કરી નહિ અને ઝટપટ રંગરોગાન વગરના એ બંગલા તરફ ધસી ગયો કે જે હમણાંનું તેનું નિવાસ સ્થાન હતું. જેવો હું એ ઘરે પહોંચ્યો કે તરત જ મને ખ્યાલ આવી તો ગયો હતો કે તેણે મોકલેલો સંદેશો એ ખરેખર તેની મજાક ન હતી. ઘરના પ્રવેશદ્વાર આગળ જ વતનમાંથી આવેલો તેનો ભાઈ ઊભેલો હતો! અને – જહન્નમની કેવી દુર્દશા, તેની મા પણ હાજર હતી! હું નાસ્તાહાઉસની પાછળથી જ્યારે દેખાયો, ત્યારે પેલો મારા તરફ આંગળી ચીંધી રહ્યો હતો. બસ, મને લાગ્યું કે કંઈક રંધાઈ રહ્યું છે.
મેં ચહેરા ઉપર સજ્જનતાનો એવો ભાવ ધારણ કર્યો જેવો કે કોઈ વિદાય થતી પોતાની દીકરી સામે જોઈ રહે; પરંતુ અફસોસ, એનો કોઈ હેતુ સર્યો નહિ. મને આવકારતી તેની આંખો એવી આક્રમક સાવરણા જેવી હતી, કે જાણે તે મને જમીન ઉપરથી વાળી ઝૂડીને સાફ કરી દેવા માગતી ન હોય!
“ગુડ આફ્ટરનૂન, મૅમ (Ekasan ma)” મેં સલામ ભરી. “સફર કેવી રહી, મૅમ (Ekuurin ma)? આશા રાખું છું કે આપની સફર તનાવપૂર્ણ તો નહિ જ રહી હોય.”
“તમે મૌલાના છો (S’ewo l’aafa)?” મને ત્વરિત જવાબ મળી ગયો.
“હું મૌલાના (Semi l’aafa ke)?” હું મનોમન મારી જાતને પ્રશ્ન પૂછી બેઠો.
“આહ, હા મૅમ (Ah—yes ma).” મારી પાસે શબ્દો ન હતા. “ટ્યુનડે મારું નામ છે(Tunde ma).” જાણે કે હું મારી જાતને ખરે જ ઓળખાવી રહ્યો હતો, એવું મને લાગ્યું. “ફેન્મી તૈયાર (Se Funmi ti)….”
“તે અહીં નથી. એ અમારી સાથે આવેલી તેની બહેન સાથે બહાર ગઈ છે. હું સલાહ આપું છું કે મોડેથી તેની તપાસ કરજો ને!”
બસ, આ એ જ હતું. મારા ઉપર આવેલા સંદેશાની પાછળનાં કારણોમાં એ લોકો જ હતાં. એટલા જ માટે તો મને મૌલવી (Alfa) તરીકે ઓળખાવવામાં આવ્યો હતો, મુસ્લીમ તરીકે પણ નહિ! ‘મૌલાના’ સંબોધનમાં વેધક કટાક્ષ હતો અને એનાથી જ મને બધું સમજાઈ ગયું હતું. તેના ભાઈનો મારા હસ્તધૂનનના સ્વીકાર વખતનો ભાવ સાવ શુષ્ક હતો, પણ મેં એવો દંભ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, જાણે કે મને કોઈ અકળામણ થઈ જ ન હતી. હું વધારે પ્રયત્ન કર્યા વગર પાછો ફરી ગયો અને હું છોભીલો પડ્યો હતો તે ન દેખાઈ જાય તે રીતે મેં હળવેથી ચાલતી પકડી.
હું ચહેરા ઉપર કટુ સ્મિત સાથે રસ્તે ચાલવા માંડ્યો. મારા મનમાં કોઈ મંઝિલ નિશ્ચિત ન હતી. મારી આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ હતી, પણ હું મારાં આંસુને ખાળવામાં સફળ રહ્યો. અલ્લાહની કસમ, અમારું પણ એક સ્વપ્ન હતું! ફૂન્મી અને મેં ભાવી યોજના વિચારી રાખી હતી. અમે નક્કી કર્યું હતું કે અમે અમારા જન્મદિવસોની નજીકના દિવસે પરણી જઈશું. અમારે હઠીલાં બાળકો હશે જે આઈસક્રીમ ખાવાનાં શોખીન હશે અને ભણવામાં મેથેમેટીક્સમાં હોશિયાર હશે. અમારું એ પણ આયોજન હતું કે અમે લગ્ન પછી તરત જ દરિયા કિનારે ચૂપચાપ ઊપડી જઈશું અને બીચહાઉસમાં ઠહેરીશું. અમે ત્યાં નાનાં બાળકોની જેમ રમતો રમીશું અને બાલ્યજીવનનો સમય પસાર કરીશું. આ બધું અચાનક કેમ બદલાઈ ગયું?
મેં તરત જ તેને ફોન ડાયલ કર્યો. મેં વિચાર્યું કે એ કંઈક કહે તે સાંભળવા પહેલાં મારે કોઈ અનુમાન ન કરી લેવું જોઈએ. કદાચ એ એમ કહેતી હસી પણ પડે કે “તો તું આટલો બધો કમજોર પડી ગયો અને હાલથી જ ડગમગવા માંડ્યો (Ootie le, sheru ti wan bae ni)?” ફોન રણકતો રહ્યો, પણ એણે ફોન ન જ ઉપાડ્યો. છટ્!
સમીસાંજે મારો ફોન જીવંત બનીને ગુંજી ઊઠ્યો અને ત્યારે જ મને ભાન થયું કે હું છેલ્લા ચાર કલાકથી રસ્તાની એક બાજુએ ગમન કરી રહ્યો હતો. મેં આજુબાજુ જોયું તો મને એ પણ ખ્યાલ આવતો ન હતો કે હું ક્યાં છું. આ બધી બાબતોનું કોઈ મહત્ત્વ ન હતું, ફોન વાગી રહ્યો હતો અને સ્ક્રીન ઉપર તેનું નામ હતું. મેં ઉપાડ્યો.
“હેલો બેબી (bae), શા માટે તેં મને વિચિત્ર સંદેશો મોકલ્યો હતો? હું અહીં આવારાની જેમ રઝળી રહ્યો છું. હું તારા ઘરે …”
“તારે મારા ઘરે આવવું જોઈતું ન હતું. એ લોકોએ કહ્યું કે તું આવ્યો હતો. જો સાંભળ, હું ઘણી જ દિલગીર છું, મને માફ કર. આ બધું સારા માટે જ છે, પ્લીઝ. ટ્યુન્ડે, ટ્યુન્ડે (Tunde, Tunde); તું મને સાંભળે છે? ભલે, સારું. મને ખાત્રી છે કે તું બહાદુર છે, બસ હિંમત રાખ.”
“આ કોઈ મજાક છે કે પછી ખરેખર, ખરેખર તું ગંભીર છે?
ટુ-ટુ-ટુ-ટુ-ટુ… કોલ બંધ થઈ ગયો.
દરેક જણ શું ઇચ્છતું હોય છે? સુખ! પણ સ્ત્રી ક્યાંથી મેળવી શકે! વળી એ પોતે પણ સુખ આપવા ક્યાં તૈયાર છે, સામાન્ય સંજોગોમાં પણ! અમે લાંબા સમય સુધી પ્રતીક્ષા કરી શકતાં હતાં, વળી ધીરજ પણ રાખી શકતાં હતાં! છેવટે તો જે કંઈ શક્ય હોત, તે સ્વીકારી લેત! મેં તો માની લીધું હતું કે મેં મારું સુખ મેળવી લીધું છે, પણ શી ખબર વાસ્તવિકતા તો સાવ જુદી જ નીકળી અને હું માર ખાઈ ગયો! મારી અપેક્ષાઓ નિષ્ફળ પુરવાર થઈ. હું તો જડવત્ ઊભો જ રહી ગયો અને ફોન સામે જોતો જ રહ્યો. મારી આંગળીઓ ધ્રૂજતી હતી; મારા પગ ડગમગતા હતા; જાણે કે મારું શરીર ભારે થઈ ગયું હતું અને મારા પગ એ ભાર ખમી શકતા ન હતા. અને પછી તો મને હોર્નના પ્રચંડ અવાજની સાથે જોરદાર બ્રેકના કારણે ઘસરડાતાં ટાયરોનો કર્કશ ધ્વનિ સંભળાયો. મને લાગ્યું કે મારું આખું શરીર કઠોર ધરતી ઉપર પટકાયું છે અને પછી તો સાવ અંધકાર!
“ટ્યુન્ડે, ટ્યુન્ડે (Tunde, Tunde)! શ્વાસ લો. મને સાંભળી શકો છો? અરે, કોઈ આ વસ્તુ પકડવા માટે મને મદદ કરો, પ્લીઝ. થેન્ક ગૉડ, બચી ગયો. હું બોલું છું, એ સંભળાય છે?
મારી ઝીણી ફાટ પડેલી હોય તેવી સહેજ ખુલ્લી આંખો કોઈક માણસ જેવી સાવ ધૂંધળી આકૃતિને જોઈ રહી હતી. એ જણ મારી આંખમાં જમણેથી ડાબી તરફ ટૉર્ચનો પ્રકાશ ફેંકી રહ્યો હતો.
“હું તમને સાંભળી શકું છું. હું તમને જોઈ પણ શકું છું…’ હું મહાપરાણે બોલી શક્યો.
“સરસ, એ તો પ્રતિક્રિયા પ્રત્યક્ષ દેખાઈ જ આવે છે કે સ્વરતંત્ર અને જ્ઞાનતંતુઓની ગતિવિધિને કોઈ હાનિ પહોંચી નથી.”
તેમણે મારા પગના અંગુઠામાં ટાંકણી જેવું કંઈક ઘોંચ્યું.
“અઉંચ (Yeesh)”, મેં ઉહકારો કર્યો અને બોલી ઊઠ્યો, “મને અસર થઈ – અસર થઈ,”
“સરસ, સંવેદનાની કાર્યક્ષમતા બરાબર છે. એ એનાં પગનાં આંગળાં આમતેમ હલાવી શકે છે. કોઈ હાડકાં તૂટ્યાં નથી, સામાન્ય ઘા પડ્યા છે, અસ્થિભંગ (fracture) પણ નથી. ખૂબ જ નસીબદાર છે.”
તેઓ મને છોડી દઈને એ લોકો તરફ ફર્યા. હું હજુ સુધી જોઈ શકતો ન હતો કે એ લોકો કોણ છે. પરંતુ હવે હું સ્પષ્ટ જોઈ શકું છું. પેલો માણસ લૅબ-કોટ (Apparel)માં હતો. ડૉક્ટર! યા અલ્લાહ, હું હૉસ્પિટલમાં હતો! છત ઉપર ફરતો પંખો સલામ ભરી રહ્યો હતો અને મને આવકારતો હતો. તે મારા કાનમાં જાણે કે કોઈક ગીતનું ગુંજન કરી રહ્યો હતો! હું બોલવા જઈ રહ્યો હતો કે કોઈ આ પંખાને બંધ કરશે કે! પણ હું એ બોલી શક્યો નહિ.
“બહુ જ નસીબદાર છે,” ડૉક્ટરે કહ્યું. “એને કેટલાક મામુલી ઉઝરડા જ થયા છે, જે થોડાક દિવસોની કાળજીથી ઠીક થઈ જશે. હાડકાં ભાગ્યાં નથી, કોઈ આંતરિક ઈજા પણ થઈ નથી, ઘાતક કશું જ નથી. આજે રાત પહેલાં કે કાલે સવારે એને રજા આપી દેવામાં આવશે અને તમારે લોકોને એ ખ્યાલ રાખવો પડશે કે એને સંપૂર્ણ આરામ મળે, બરાબર? અને, તમારામાંથી કોઈએ એને દર ત્રણ દિવસે ઘા ઉપરની પાટાપટ્ટી બદલાવવા માટે લાવવો પડશે.”
ડૉક્ટર ફરીવાર મારી તરફ ફર્યા, મારા શરીરનાં કેટલાંક અંગોને સ્પર્શ કર્યો અને રૂમની બહાર જતા રહ્યા. મને હૉસ્પિટલથી સખત નફરત છે. હું મદ્યાર્ક (mentholated spirits) અને આયોડિનની દુર્ગંધ, દર્દથી કણસતાં દર્દીઓની ચીસો વગેરેને ખૂબ જ ધિક્કારું છું. મેં મારી આજુબાજુના ટોળામાં કોણ છે તે જોવા મારી ડોક ફેરવી.. પણ, આ શું!
મારા હાથમાંની નળીને ખેંચી કાઢીને હું પથારીમાંથી નીચે ઊતરી ગયો. મારા મિત્રોને આઘા ખસેડીને હું મારી ગર્લફ્રેન્ડની સામે ઊભો રહી ગયો કે જેના લીધે હું આજે હૉસ્પિટલમાં હતો. મારા કંપતા હોઠોએ હું માત્ર આટલું જ બોલી શક્યો, “મને આ કંઈ જ સમજાતું નથી!”
“તારે સમજી લેવું જ પડશે,” તેણે સાવ સીધાસાદા શબ્દોમાં કહ્યું. “બસ, બધું પૂરું થઈ ગયું.”
“પણ, શા માટે? એવું તે શું થઈ ગયું?”
“કશું જ નથી થયું. મારાથી એ નહિ બની શકે, બસ એમ જ કે એ મારાથી નહિ થાય.”
“તારાથી નહિ થઈ શકે, પણ શું?”
“જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, તેને સ્વીકારી લે. જિંદગી અનિશ્ચિતતાઓથી ભરેલી છે.” આમ કહેતાં તે પોતાનાં આંસુ છુપાવવા પાછળ ફરી ગઈ.
મેં હળવેથી તેના જમણા ખભા ઉપર હાથ મૂક્યો. મારા ઉદાસીના દિવસોમાં મારા માથાને ટેકવવા માટેનો એ જ તો મારો આશરો હતો. મને તીવ્ર વેદના થતી હતી, પણ હું સ્વસ્થ હતો.
“જિંદગી અનિશ્ચિતતાઓથી ભરેલી છે એમ બોલીને તું શું કહેવા માગે છે? મારી તરફ જો. તારે મારી સામે જોવું જ પડશે, બેબી (bae). આ ઠીક થતું નથી, તું કેમ મારાથી જુદી પડવા માગે છે? મેં તારી સાથે કોઈ છેતરપિંડી કરી છે? તું મને જૂઠાબોલો સમજે છે? મારાથી કંઈ એવું થઈ ગયું છે કે …”
“તું મુસ્લીમ છે!” તે એકદમ મારા ચહેરા સામે જોઈને બોલી ઊઠી.
“ઓહ, એને શી નિસ્બત (shoroniyen)?” આગળ શું કહેવું તે મને સૂઝ્યું નહિ.
“તું મુસ્લીમ છે.” એણે એ જ શબ્દોનું પુનરાવર્તન કર્યું, દેખીતી રીતે એ આશાએ એટલા જ માટે કે હું મારા બચાવમાં કે કંઈક એવું કહું.
“પણ હું હંમેશથી મુસ્લીમ જ છું અને એ તું જાણે પણ છે. આપણે એ વાતો કરી ચૂક્યાં છીએ અને તેં એમ પણ કહ્યું હતું કે ધર્મપરિવર્તન કરી લેવામાં તું કોઈની પણ પરવા નહિ કરે, યાદ છે? તો પછી, હવે એનું શું? આપણે શું એનો ઉકેલ લાવી નથી દીધો?”
“આપણે એવો કોઈ આખરી ઉકેલ લાવ્યાં નથી. એ ઉકેલ લાવવો એ કંઈ આપણા હાથની જ વાત નથી. મારાં માતાપિતા તને કદીય નહિ સ્વીકારે, બિલકુલ નહિ.”
“તેં એમની સાથે મારા વિષેની ચર્ચા કરી લીધી છે, એમ ને? અને એ લોકોએ મને વખોડી કાઢ્યો છે, એ પણ ખરું ને?
કોઈ પ્રત્યુત્તર નહિ.
“જો, મારી સાથે વાત કર. તો એ લોકો એટલા જ માટે અહીં આવ્યાં છે, કેમ ખરું કે નહિ? શું એ લોકોએ તને એમ કહી દીધું છે કે તું મારી સાથેના સંબંધો તોડી જ નાખે? એમણે તને એમ પણ કહ્યું છે કે બધા મુસ્લીમો ‘બોકો હરમ’ જેવા આતંકવાદીઓ જ હોય છે, કહ્યું છે કે નહિ? હવે તું કેમ મારી સાથે વાત કરી શકતી નથી? અલ્લાહને ખાતર મારી સાથે વાત કર.”
તે રડી પડી.
“ભલે, તો પછી,” હું નમ્રતાપૂર્વક બોલ્યો. “મને તો એ વિચાર સુદ્ધાં પણ નહોતો આવ્યો કે એ લોકો આમ સહજ રીતે આપણી વચ્ચે આવી જશે. મેં તો માન્યું હતું કે જ્યારે આપણી વચ્ચે પ્રેમ મોજુદ છે, ત્યારે બીજાં બધાં વિરોધી પરિબળો કશું જ નહિ કરી શકે.”
“બસ, એજ તો મુદ્દો છે.” તે સંકોચસહ બોલી ઊઠી. “પ્રેમનો જ અભાવ છે ને! માત્ર ધર્મનું જ કારણ એકલું કારણભૂત નથી. હું તને ચાહતી જ નથી… સાચે જ! હું દિલગીર છું.”
તે પોતાની પર્સ લઈને બારણા તરફ ધસી ગઈ, જ્યાંથી તેણે અશ્રુસભર આંખો વડે મારા સામે જોઈ લીધું. એ આંખો કંઈક કહેવા માગતી હતી, પણ કોણ જાણે અચાનક કહેવાનું માંડી વાળ્યું હોય એમ મને લાગ્યું. હું ડઘાઈ ગયેલી સ્થિતિમાં તેને જોઈ રહ્યો, જાણે કે હું તેની આંખોમાંથી કોઈ જવાબ મેળવવા માગતો હતો કે પછી એવી કોઈ શક્યતાની આશાનું કિરણ પામવા માગતો હતો કે જે કંઈ બન્યું એ કોઈ ટીખળ કે મજાક જ હોય!
“આવજે, ટ્યુન્ડે” એણે કહ્યું અને મને બંધ થયેલા દરવાજા તરફ જોતો રાખીને ચાલી નીકળી.
હું ચીસ પાડી ઊઠ્યો.
(ક્રમશ: ઉત્તરાર્ધ)