હોસ્ટેલનો હોબાળો - વાઇફાઇ
હોસ્ટેલનો હોબાળો - વાઇફાઇ


આટલી મોટી જનસંખ્યા વચ્ચેથી ૧૮ વર્ષની બે કિશોરીઓ હું અને મારી રૂમમેટ, કેતકી સમુદ્રને તરાપા પર બેસીને પાર કરીને સુરેન્દ્રનગરની જનરલ ટીકીટ લઈને પ્લેટફોર્મ પર પહોંચી ગયાં. આમ તો રિક્ષાવાળા ભાઈ જ્યાં અમને ઉતારે એટલે સ્ટેશનની ૫૦૦ મીટર દુરથી અમારું વાઈફાઈ ચાલુ થઇ જાય. રેલ્વેસ્ટેશન દુરથી દેખાય એટલે બે માંથી એક જણે પૈસા કાઢી રાખેલા હોય, એટલે ઉતરીને માત્ર દેવાના થાય. અને કોઈ પણ ટાઇમવેસ્ટ થયા વિના અમારું ફ્રીમાં ઈંટરનેટ ચાલુ થઇ જાય અને વોટ્સએપ ના મેસેજની ટીનટોકરી વાગવા માંડે. અમે અમારા યુનિવર્સીટીના ફોર્મ ભરવા માટે થોડું વહેલુંમોડું કરી શકીએ, પરંતુ ફ્રીમાં ઈંટરનેટ વાપરવામાં મોડું કરવું એ અમારે મન કાળાપાણીની સજા માફક છે. રોજીંદા કામો માટે અમે નીચેની ઉક્તિ પ્રમાણે જ નિષ્ઠાથી વર્તીએ છીએ :
“આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો;
ઇતની જલ્દી મરના ક્યાં હૈ, અભી જીના હૈ દિન બરસો.”
પરંતુ મફતની વાત આવે જયારે, ત્યારે ‘સંગ્રાહેલો સાપ પણ કામનો’ એમ કબીરના દુહા પર ચાલીને કદી ભાળ્યું ન હોય એમ બે હાથે લેવા માંડીએ છીએ. આમ તો ક્યારેક પોતાના હાથ પણ ભારરૂપ લાગતા હોય છે, કિન્તુ,પરંતુ,લેકિન મફતની વાત આવે ત્યારે સ્ત્રીઓને માતાજી બનાવાનો મોહ વધી જાય, કારણકે માતાજીની ‘મૂર્તિ ઘણા બધા હાથોવાળી’ ફિલ્મોમાં દેખાડે છે, એટલે એટલા બધા હાથે કેટલું ભેગું કરી શકાય! વળી, સ્ત્રીઓને સેલની વાત આવે ત્યારે જે પ્રકારે સ્ત્રીઓ વર્તે છે તેને જોઈ, તેઓને આગ્રા મોકલવા જેવી પરીસ્થિતિ થઇ જાય.(વિશેષ જાણકારી: આગ્રામાં પ્રખ્યાત મેન્ટલ હોસ્પિટલ આવેલું છે એટલા માટે આગ્રા. કોઈને સંપર્ક કરવો હોય તો કેજો; મારી રૂમમેટ ત્યાંથી ૩ વાર ભાગી છૂટી છે. જેની સાથે રહીરહીને હું આવું લખાણ લખતા શીખી ગઈ. મારી પરીસ્થિતી પર દયા ખાજો, કારણ કે આ બ્લોગના પ્રકાશિત થયા બાદ કેતકી મને જરૂર આગ્રાની ટેક્ષીમાં બેસાડી દેશે ; સીધા જ પાગલખાનાના ઝાંપા સુધી ,,,,,,,,હા....હા....) સંત કબીર ના દુહાની વાત કરી લઈએ:
“કાલ કરે સો આજ કર,આજ કરે સો અબ;
પલમે પ્રલય હો જાયેગા,બહુરી કરેગા કબ.”
તો હવે કેતકી પૈસા દેવા માટે રિક્ષા પાસે ઉભી રહી અને મેં એક વિડીઓ ડાઉનલોડ કરવા મૂકી દીધો,પછી હું સીધી પહોંચી ગઈ ટીકીટબારી પર. ટીકીટબારી પર મુસાફરોની લાંબી લાઈન હતી, પરંતુ મોટાભાગે પુરુષો જ ટીકીટ લેવા જતા હોય એટલે મહિલાઓની લાઇન ટૂંકી હોય, જેમાં બીજા-ત્રીજા નમ્બરે જ મારો વારો હતો. “બે સુરેન્દ્રનગર” કહીને મેં ૧૫૦ રૂપિયા આપી દીધા અને સાથે પ્લેટફોર્મ ક્રમાંક અને સમય પણ પૂછી લીધો. ત્યાં સુધીમાં પેલો વિડીઓ ડાઉનલોડ થઇ ગયો. કેવી સમય સુચકતા! હા....હા.....ત્યાં સુધીમાં કેતકીએ પણ ઈંટરનેટ પર ડાઉનલોડનું કામ શરુ કરી દીધેલું.
હવે,સામાન લઈને પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા. ઉપર પહોંચીને બીજો વિડીઓ ડાઉનલોડ ચાલુ કરીને પહોંચી ગયા રીસર્વેશન ચાર્ટ પાસે. ત્યાં જઈને જોઈ લીધું કે ક્યાં ક્યાં નંબરની સીટવાળા સુરેન્દ્રનગરથી ચડે છે.એટલે એ સીટો જામનગરથી સુરેન્દ્રનગર સુધી ખાલી હોય. એટલે કોઈ આપણને બેસેલી જગ્યા પરથી ઉઠાડે નહિ! ત્યાં ત્રીજો,પછી ચોથો એમ વિડીઓ ડાઉનલોડ થતા ગયા,એપ્સ અપડેટ થતી ગઈ અને મેસેજના રીપ્લાય પણ દેવાતા ગયા અને સમય થઇ ગયો ટ્રેનનો. પછી ૨-૩ વાર ક્રોસચેક કરીને કે આજ અમારી ટ્રેન છે ને એ જોઈ અમે ટ્રેનમાં ચડ્યા. ટ્રેનમાં તો અમારા વિચાર્યાથી એકદમ વિપરીત રિઝર્વેશનના ડબ્બામાં ઉભા રહેવાની જગ્યા પણ નો'તી......
હવે એનો રાઝ હું ખોલું છું, કારણકે ટ્રેનમાં ભીડ રે'વી એ સામાન્ય બાબત છે, પરંતુ હવે તમોને અમારો વિચાર કહું : ‘દર વખ્તે અમે જનરલ ડબ્બાની ટીકીટ લઈએ, પરંતુ જનરલમાં બેસીએ નહિ; અમે જાણે ટ્રેન અમારા વળવાની હોય એમ અમારે જાહોજલાલીમાં આવવું હોય એટલે રિઝર્વેશન ચાર્ટમાં જોઇને સ્લીપરકોચની જગ્યા પસંદ કરી લઈએ.
દરવખતે જ્યાં બિચારા સામાન્ય લોકો જે કોઈ આઈડીયા કર્યા વિના; બ્લેકફોરેસ્ટ કેક માં જેમ ચોકો કેટલા ભેગા ભેગા હોય કે કેકમાં એવી સપાટી શોધવી મુશ્કેલ બની જાય જ્યાં ચોકો ન હોય એવી જ રીતે લોકો જનરલના ડબ્બામાં બેઠા હોય જેમાં પ્રાણવાયુ લેવામાં મુશ્કેલી પડી જાય. એટલે અમે જનરલની ટીકીટ હોવા છતાં સ્લીપરકોચમાં બેસીએ. એના બે ફાયદા છે; એક તો પ્રાણવાયુ લેવામાં સરળતા પડે અને બીજું કે ત્યાં થોડી સારી પબ્લિક હોય, કારણ કે ગમે એવી પબ્લિક જે લોકો (સ્ત્રીઓને)ને હેરાન કરતી હોય, લગભગ સ્લીપરકોચનું ભાડું ભરે નહિ. એવું જરૂરી નથી પરંતુ સ્લીપરકોચમાં બે પોલીસમિત્રો ભરેલી બંદુકે આપણી સેવા માટે હાજર હોય છે. લગભગ તો આ ટ્રેન મુબઈ(મોહ્મયીનગરી) સુધી હોય છે એટલે મોટાભાગે વેપારીવર્ગ વધુ હોય છે આ કોચમા. હવે અમે લગભગ મોટેભાગે અત્યાર સુધી આવ્યા તો આવી જાહોજલાલીમાં જ આવ્યા. હેય.. ને ત્રણ જણની સીટમાં એક જણ બેઠા હોયને ડાઉનલોડ કરેલા વિડીઓ જોતા હોયને કાનમાં હેડફોન ભરાવેલા હોય અને આખી દુનિયાથી અલગ થઈને વિડીઓના ઈમોશનલ સીન જોઇને ગળગળા થઇ જતા હોય. ઉપરથી રેલ્વે ધ્વારા પૂરી પાડેલી વીજળીથી મોબાઈલ ચાર્જ કરતા હોય, ઉપરથી ૩-૩ પંખા હવા ફેકતા હોય, અંધારામાં લાઈટો ચાલુ હોય, ક્લીનીંગ ઓફીસર આવીને ક્લીન કરી જતા હોય, અમે સારો સારો ફીડબેક લખી દેતા હોય, બે સામસામેની સીટ વચ્ચેનું નીચું પાટિયું આડું કરીને ડાઈનીંગ ટેબલ બનાવ્યું હોય, સામાનની કોઈ ચિંતા નહિ એ તો આપડી જેટલી જ જગ્યામાં બેઠો હોય, બારીમાં દેખાતા દ્રશ્યોને છોડીને ઘર ભણી જતા હોય, ઠંડો પવન આવતો હોય બારીમાં, આવી સરસ જગ્યા ઉપરથી કોઈ ઉઠાડે નહિ માત્ર ૭૫ રૂપિયામાં! ખાલી એક ટીસી આવે ત્યારે થોડી ચિંતા.આમ તો મોટા ભાગના ટીસી સારા જ હોય છે, ક્યારેક અમુક લાંચિયા ટીસી પણ બેગ થાય ત્યારે પ્રમાણવાળી રશીદ ફડાવીએ પૂરી રકમ ભરીને, પણ આવું વારે વારે ન થાય, ખરેખર તો મોટાભાગના ટીસી રિઝર્વેશનવાળાની ટીકીટ જ તપાસે છે, બધાની નહિ. એકવાર ટીસી પેલીવાર અમારી પાસે ફાઈન માંગતા હતા ત્યારે તો મેં કહ્યું;
“સર,અમે આગળના સ્ટેશનથી જનરલ ડબ્બામાં જતા રેશું,પછી ટીસી એ રાજકોટ સુધી બેસવા દીધા હતા.પછી રાજકોટથી જનરલમાં.”આવું ક્યારેક ક્યારેક જ બનતું હોય છે. આમ તો ચિંતા નહિ, ફક્ત આત્મવિશ્વાસ ઓછો ન થવો જોઈ. આટલા સમય સુધીમાં એકવાર માત્ર ફાઇન ભરેલી છે એ પણ ૮૫ રૂપિયા. તોય ૭૫+૮૫=૧૬૦ રૂપિયામાં તમે જામનગરથી સુરેન્દ્રનગર. અને ગાડી પાટા ઉપર એવી સિફતથી ચાલે કે તમારા પેટનું પાણી પણ હલે. ઉપરથી શૌચાલયની સુવિધા પણ ખરી. એટલે આ વખતે જરાક અજુગતું લાગ્યું કારણ કે જે શૌચાલયની અમે અત્યાર સુધી એકપણ મુલાકાત ન લીધેલી, કારણ કે માત્ર ૩:૩૦ કલાકમાં તો ઘેર પહોંચી જઈએ,એવા શૌચાલયની બાજુમાં ઉભું રહેવું પડ્યું!
“ઉચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ,
ભરતી તેની ઓટ છે,ઓટ પછી જુવાળ”
આવા અનુભવો વડે તો જીંદગી ઘડાય.
આ ઓટનું કારણ:ચાતુર્માસ ચાલતો હતો અને ટ્રેન દ્વારિકાથી આવી હતી.એટલે યાત્રાળુ સંઘ ઘણા એ અમારી જેવો આઈડીયા વાપરેલો અને સ્લીપરકોચમાં બેસી ગયા. આવામાં હું અને કેતકી ચડી ગયા, બેસવાની તો જગ્યા જ નહોતી, પરંતુ શૌચાલય પાસે ઉભા રે'વાની હતી. હું અને કેતકી સાથે જતા હોય તો એવું લાગે કે છકો-મકો જઈ રહ્યા છે. કેતકી છકાની જેમ ઉચી અને પાતળી અને હું મકાની જેમ નીચી અને થોડી તંદુરસ્ત. હા..હા...થોડી જાડી,ખરેખર તો એ તંદુરસ્તીની જ નિશાની છે ને! ખરેખર, હું ગોલુંમોલું@@@. હવે,કેતકી તો ઉભી રહી ગઇ,પરંતુ હું ક્યાં જગ્યા શોધું?કદાચ ધરતીમાં જગ્યા દઈ પણ દે,પરંતુ મારે તો ઓછી જ પડે!હા...હા... થોડો અતિશયોક્તિ અલંકાર વાપરી લીધો છે એ બદલ ક્ષમા આપજો. પરંતુ કોઈ આપણાં માટે વ્યાજ્સ્તુતી અલંકાર વાપરે એના કરતા આપડે જ આપણાં પર બધાયે અલંકાર વાપરી લઈએ તો મનદુઃખ ના થાય.(વ્યજ્સ્તુતી અલંકાર:નિંદા સાથે વખાણ અને વખાણ સાથે નિંદા.) આમાં વાત એમ છે કે દુનિયાને છે ને તમને ઉશ્કેરાવવામાં રસ વધારે છે. હમેશા લોકો બીજાને ઉશ્કેરીને, દુનિયાની સામે બીજાને નીચે પાડીને,પોતાના મનમાં બીજાને નીચે બતાવીને અહમ સંતોષે છે.
“દુનિયા રાહ જોઇને બેઠી તમોને જોવા કે,તમો ક્યારે પડો છો?
કોઈને ચડવામાં રસ જ નથી,પડતા જોવામાં ખડો છો!”
હવે તમારે આ વાતથી બીજાને ખુશ ન થવા દેવા હોય તો એક રસ્તો છે: પોતાની પર જ મશ્કરી ઉડાવો, આનંદી કાગડાની જેમ તેલમાં નાખો તો વાળને તેલ નાખી ગયું અને કાટામાં નાખો તો ખંજવાળ મટી ગઈ એમ. પોતાની મશ્કરી બીજા કોઈ કેમ કરી જાય ? આપડે નથી? મરી ગયા કે શું? આપડે કેમ આપડી મશ્કરી ન કરી શકીએ! કરી જ શકીએને! અને આના લીધે આપડે પણ બીજાની વિકૃત મશ્કરી કરતા પણ રોકી જઈશું.હવે ફીલોસોફીથી આગળ વધીએ ...,.,.,..,....,.
હું ઘડીક આડીઅવળી થઇ, ઘડીકમાં નીચે બેસી ગઈ, ચંચળ સ્વભાવને કારણે ત્યાંથી ઘડીકમાં ઉભી થઇ ગઈ. તમે દુનિયાના કોઈપણ માણસને પહોંચી શકો પણ ડોશીઓને ન પહોંચી શકો. મને જગ્યા જ ન આપી. પછી નીચેના જાત્રાળુંઓને ઉપરની સીટવાળા એક્બેન નીચે જોતા’તા, ગીત ગાવા માટે, સત્સંગી,,,,,......પછી મારી જગ્યાતો ઉપર થઇ ગઈ. કેતકી હાપાસ્ટેશન{૧૫ મિનીટ}પછી હાપાની એન્ગ્રી ઓલ્ડ વુમન ઉતરી પછી તરત જગ્યા મળી ગઈ.
હવે શરુ થયું જાહોજલાલી સફર................