Dr.Siddhi Dave(MBBS)

Inspirational

3  

Dr.Siddhi Dave(MBBS)

Inspirational

મેડિકલનું મન વાંચનનું વન:રશિદા

મેડિકલનું મન વાંચનનું વન:રશિદા

8 mins
415


ઊંચી ડોક, પાતળો બાંધો, બે ચોટલા અને વાચાળ સાથે વિચક્ષણ છોકરીને જોઇને કદીયે કોઈને વિચાર નહિ આવ્યો હોય કે આ છોકરી મેડીકલમાં ભણતી હશે અને એ પણ માત્ર ત્રણ અક્ષરમાં.....એમ એ એફ એ ટી .. મ ફ ત. કોને ખબર હતી કે,બાળપણથી બીજાના હાથોને મહેંદીથી શણગારીને પૈસા કમાવવાવાળી દીકરીનું અલ્લાહ આટલું સરસ જીવન શણગારશે! એ અલ્લાહની અજોડ દીકરી છે,“રશિદા”.


આજે ૧૦માં ધોરણનું પરિણામ છે. ખબર નહિ કે શું આવશે? નક્કી નથી કે આગળ જઈને શું પસંદ કરીશ? વિજ્ઞાન કે વાણિજય ખબર નથી કે આગળ મોટી થઈને શું બનીશ?જીવનમાં કૈક કરી શકીશ કે બાકી સમાજની મોટા ભાગની છોકરીઓની જેમ રસોઈ અને ઘર સાથે પનારો પાડવો પડશે? આટલા બધા પ્રશ્નના જવાબ અત્યારે તો ખબર નથી, પણ એ જવાબ મારું પરિણામ નક્કી કરવાનું છે. પરંતુ જે કઈ પરિણામ આવશે એમાં ખુદા મારી સાથે હશે. આમ વિચારીને વ્યકુળતાનો અંત લાવીને જયારે લેપટોપ ખોલ્યું તો આહ્લાદક પરિણામ ૮૯% નજર આવ્યા. આમ તો આ મારા ધારેલાથી ૧% ઓછું આવેલું પરંતુ આગળ શું કરવું એ નક્કી કરવા માટે પુરતું હતું. હવે પરિણામ તો આવી ગયું પરંતુ હવે જરૂર હતી યોગ્ય દિશામાં આંગળી ચીંધનારની. જીવનમાં મુખ્ય રોલ હોય છે આવા આંગળી ચીંધનારાની. બાકી તો જીવન એવી રસ્તો ભૂલેલી નાવ બની જાય કે જે કિનારાની નજીક હોવા છતાં સમુદ્ર તરફ ભટકી રહી છે. ઘરમાં પપ્પા હોય પરતું એમને એમના ધંધાને લગતી ખબર હોય, કેળવણી વિશેનું માર્ગદર્શન તો કોઈ કેળવણીકાર જ આપી શકે. પરંતુ ખુદાને જયારે કરવું છે ત્યારે એ અંધારામાં એવી નાની દીવાદાંડી બતાવી દે છે કે તણખલાનેય સહારે માણસ દરિયો પાર કરી લે છે. બસ એવા ખુદાના એક ફરિશ્તા અમારી ઓળખાણમાં હતા. અમે તો વિચારેલું પહેલા કોમર્સ કરવું અને પછી ગ્રેજ્યુએટ ને પછી નિકાહ.......પરંતુ જિંદગીમાં ક્યાં કયો વળાંક આવે છે એ રહસ્ય છે અને જિંદગીની મજા એ અણધારેલું રહસ્યને ઉકેલવામાં! અમે રીઝલ્ટ લઈને પહોંચી ગયા એ ફરિશ્તા પાસે. પહેલા તો એમને અમે અમારો વિચાર અને રીઝલ્ટ દેખાડ્યું. એમણે પહેલા તો મારો કોન્ફીડન્સ ચેક કરવા પહેલા મને પુછ્યું, “જો બેટા,વાણિજ્ય પ્રવાહ પણ સારો છે, પરંતુ ૬૦%વાળા પણ વિજ્ઞાનપ્રવાહ પસંદ કરે છે. એવું જરૂરી નથી કે વધુ માર્ક્સ વાળા કોમર્સમાં ન જાય. એમાય આગળ વધવા જઈએ તોય સારો સ્કોપ છે, તારે બીજા બધા વિષયો કરતા વિજ્ઞાન અને ગણિતમાં વધુ માર્ક્સ છે. વિજ્ઞાન પ્રવાહ એ તારા માટે સારો સ્કોપ હોઈ શકે...જો બેટા વિજ્ઞાનપ્રવાહમાય હોશિયાર છોકરીઓ માટે b ગૃપ એ ઘણું સારુ ભવિષ્ય છે. ફિલ્ડમાં પૈસાય ઘણા છે પરંતુ મહેનત માંગી લેશે. મહેનત વિના તો કાઈ નથી. જો તારા પપ્પા તારી પાછળ પૈસા ખર્ચે પણ જો મહેનત ન કરી તો બધુંય પાણીમા.....ઉપરથી ભવિષ્યનું કાઈ નક્કી નહીં. પરંતુ જો મહેનત કરી લીધી તો પછી એટલું ઉજળું ભવિષ્ય આવશે......શુ તું મહેનત કરી શકીશ?” ફરિશ્તાએ તો સારા અને ખરાબ બંને બાજુ દેખાડી દીધી હતી. હવે નક્કી કરવાની વારી હતી રશીદાની.


પહેલેથી જ રશિદા મહેનતુ અને ઉત્સાહી હતી. એમાં સાથ મળ્યો એના મમ્મીનો....રાજકોટ લેવલે એ મોટાપાયે પાર્લર ખડું કરી દીધેલું હતું. બહુ મોટો ધંધો હોવાથી રાશીદાના મમ્મીને જરૂર હતી વિશ્વાસુ અને નવેતર માણસની. હવે આ તો ઘરનું પાર્લર હતું. ઘરના વિકાસમાં જ આખો પરિવાર જોડાઈ જાય એમ રશિદા એમાં સમજણી થઇ ત્યારથી જ જોડાઈ ગયી હતી. રશિદાને એમાં ખુબ પૈસા મળતા હતા. માની ન શકાય પરંતુ સારા વિકસેલા પાર્લરવાળા બેન એ એક ડોક્ટર કરતા પણ વધુ કમાઈ શકે ખરા! મોટી મોટી પૈસાદાર પાર્ટી એમના લગ્નપ્રસંગે બહુ ખર્ચો કરતી હોય છે. એક હાથમાં મહેંદી મુકવાનાં ૧૦૦ રૂપિયાથી માંડીને ૧૫૦૦ સુધીના હોય છે. રશિદા પણ પોતાના કપડા અને નાનીમોટી ચીજ વસ્તુ સાથે થોડું સોનું ખરીદીને પોતાના પૈસા વાપરવા માંડી હતી. સ્કુલખર્ચ સિવાય વધારાનો ખર્ચો એ પોતાના પપ્પા પર નાખતી નહોતી. લક્ષ્મીજી આવે ત્યારે કળીયુગમાં માણસનું મન ખરાબ થઇ જાય. એ પણ કાચી ઉંમરે પૈસા આવતા થઇ જાય પછી બાળકનું મન ભૌતિક સુખો પાછળ વધી જાય. નવી નવી વસ્તુઓ લેવાનું મન થાય. લક્ષ્મીજી આવતા સરસ્વતી ચાલી જાય એવું જોવા મળે છે.પણ રશિદા એ અલગ માટીની બનેલી હતી.


પોતાના માટે શું સારું છે?એ ધોરણ ૧૦ પછીનો વિદ્યાર્થી એ સારું વિચારી શકે! હવે પોતાની તમામ આવડત વિશે વિચારી અને મહેનત કરવાની તૈયારી સાથે રશિદાએ મક્કમ ઉત્તર આપ્યો, એ માત્ર બોલવા ખાતર બોલવા માટે નહોતો કે જે આજકાલ લોકો બોલીને એકબીજાને ખુશ કરતા હોય છે પણ એ જવાબ આપવાનો નહોતો પરંતુ જીવવાનો હતો. જવાબ આપવામાં અને જીવવામાં એક શિક્ષક અને ગુરુ જેટલો ફેર છે. શિક્ષક માત્ર માહિતી આપે છે પરંતુ ગુરુ એ માહિતી જીવે છે.”’હું કરી શકીશ” એ જવાબ સાથે રશીદાએ મન બનાવી લીધેલું. સાથે રાશીદાના પપ્પાનો પણ ખૂબ જ સાથ હતો. એમણે રશીદાને નિર્ણય લેવામાં મદદતો કરેલી પણ રશીદાના નિર્ણયને માં આપ્યું. જે કોમમાં છોકરીઓ શુ ભણે છે? એની એના બાપને ખબર પણ નથી હોતી તેવામાં રશીદાના પપ્પા સાથોસાથ રહ્યા, ક્યાંય એકલી પડવા નથી દીધી.


માર્ગદર્શક તો માત્ર રસ્તો દેખાડે, ચાલવાનું તો આપણે જ હોય છે . બસ હવે રસ્તો પસંદ કરી દીધો હતો. પોતાના પપ્પા સાથે જઈને રશીદાએ રાજકોટની સારી સ્કૂલમાં જઈને એડમિશન લઇ લીધેલું અને 10માં ધોરણના સારા %ને કારણે ફી પણ ઓછી ભરવી પડી. હવે રશીદા સવારના 5 વાગે ઉઠી જતી હતી. મમ્મીપપ્પાને હેરાન કર્યા વિના જાતે તૈયાર થઈ જતી. જાતે રાજકોટની મ્યુનિસિપલ બસમાં સ્ટેન્ડ નજીક હોઈ બેસી 7 વાગે સ્કૂલમાં પહોંચી જતી હતી.7 થી 2 વાગ્યા સુધી બરાબર ધ્યાન રાખતી. વાચાળ હોવાથી સરની પણ ખાસ નજરો માં રહેતી. સરની પાસે ડિફિકલ્ટી સોલ્વ કરવામાં પણ જરાય શરમ ન રાખતી અને પોતાની વાત કહી દેતી અને પશ્નનું નિરાકરણ લાવતી. 2 વાગે આવીને સ્કૂલડ્રેસ બદલાયા વિના જમી લેતી અને પાછી 3 થી 6 સુઈ જતી હતી. હવે પછીની વાત વાંચીને સાહેબ તમને આશ્ચર્ય થશે! 6 થી 9 એ રાશીદાનો ટીવી ટાઈમ હતો. આ સમય દરમિયાન એ વધારાનું હોમવર્ક સાથે આજુબાજુના 1 થી 5 ના બાળકોને ભણાવતી સાથે ઘરનું કામ કરી લેતી અને મહેંદીના ઓર્ડર પણ પુરા કરી લેતી. પછી જમીને 10 વાગ્યાથી લઈને ક્યારે ઘડિયાળના કાંટા 2-3 પર પહોંચી જતા એને એને કે ફિઝિક્સના દાખલાનેય ખબર ન રહેતી. ફરી પાછું 5 વાગે ઉઠવાનું. રશીદાએ બાકીની છોકરીઓની જેમ ચડસા ચડસી માં માનતી નહોતી માત્ર પોતાને 90% ઉપર આવવા જોઈ એ કટ્ટર પણે માનતી. જે રેકોર્ડ 90% આસપાસનો નાનપણથી જાળવેલો. સ્કૂલ સારી મળી ગયી હતી. તેની દરેક વિકલી ટેસ્ટ પ્રમાણે એ મહેનત કરતી અને પોતાના સારા પ્રયત્નો આપતી. સારા પ્રયત્નોનું સારું જ રિઝલ્ટ આવે છે એમ સેમ 1 ગયું, એમાંય પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો,સેમ 2 પણ એ જ રીતે સારું ગયું...પરંતુ 3 સેમમાં રશીદાનો પગ ફ્રેકચર થઈ ગયો છતાં એક પણ દિવસ ન તો રૂટિનમાં ફેરફાર થયો એ જ પ્રમાણે બધી સિરિયલોની સચોટ માહિતી સાથે પેપરમાં રેકોર્ડ જાળવવાની પરંપરા સાથે એ બધું એમનું એમ. માત્ર એક ફેર હતો એ હતો સ્કૂલ આવવા જવાનો જે છેકથી છેક પહોંચાડવાની જવાબદારી પપ્પાએ બરાબર જાળવી રાખેલી, માટે એક પણ દિવસની ગેરહાજરી વિના સેમ 3 અને 4 પણ પતી ગયા. પરંતુ ગુજકેટની તૈયારી વખતે કંટાળો બહુ આવતો કારણકે એકનો એક કોર્સ પરીક્ષા પત્યા પછી વાંચવું એ ધૈર્ય માગી લે. પરંતુ જ્યારે જ્યારે આવું થતું ત્યારે ઈંસ્પીરેશનની જ્યોત રશીદામાંથી નીકળતી, ત્યારે રશીદા અરીસા સામે જોઈને કહેતી,’હવે રશીદા કંઈક કર, તે કેવી જિંદગી પસંદ કરી છે. મહેનત કર્યા વિના ચાલે એમ જ નથી. હવે નહીં તો પછી ક્યારે? જો થોડા ઓછા માર્ક આવ્યા તો મેડિકલ ભૂલી જજે. સેલ્ફાયનાન્સમાં ભણાવવાની ત્રેવડ નથી. અને મારે એવા ખોટા ખર્ચા કરાવાય નથી. જો મળે તો ગવર્મેન્ટમા જ નહીંતર નહિ. ’આવા દ્રઢ નિર્ધાર સાથે ગુજકેટની પરીક્ષા આપે છે.


સામાન્ય કોઈ ફિલ્મી વાત હોત તો તો હવે સીધુ એડમિશન મળી જવું જોઈએને! પરંતુ આ કોઈ કાલ્પનિક વાતો કાઈ નથી. સત્યઘટના છે...આવું કાઈ સાદું એન્ડિંગ થોડું આવે?


રિઝલ્ટ બહાર આવે છે.માત્ર ગુજકેટના 3 માર્ક માટે રશીદાને ગવર્મેન્ટ માં મેડીકલમાં mbbs માં મળતું નથી. હવે શુ કરવું ?ફરીથી એકસામ આપવી? એક વર્ષ બગાડવું? પૈસા ભરીને લેવું? કે પછી અન્ય કોર્સમાં જોડાઈ જવું? આ વખતે રશીદા ખૂબ રડે છે.પોતાની તમામ અભિલાષાઓને ડૂબતી જોવે છે અને કોઈ ખોટું પગલું ભર્યા વિના ખુદાનો ફેંસલો સ્વીકારે છે.પોતાની પાસેના તમામ ઓપશનો જુવે છે. પહેલી વસ્તુ ડ્રોપ તો નથી જ લેવો કારણકે કંટાળી જઈશ, એના કરતા મહેંદી સારી! બીજું કે પૈસા નથી ખર્ચવા, લઈશ તો મફતમાં જ લઈશ, નહીંતર નથી લેવું. હવે mbbs પછીની બ્રાન્ચ ડેન્ટલમાં ગવર્નમેન્ટ લઇ લવું. માત્ર 3000 રૂપિયા એક વર્ષની ફી. અને હવે નવા શહેર અમદાવાદમાં પોતાની કારકિર્દી શરૂ કરે છે,એને ક્યાં ખબર હતી કે અમદાવાદ સાથે અંજળપાણી જાજો સમય નથી. નવા શહેરમાં હોસ્ટેલમાં પપ્પા સાથે જઈ એડમિશન લઇ લે છે.ડેન્ટલની બુક સાથે ડેન્ટલના વિષયોમાં વણાઈ જાય છે.


માણસ વિચારે છે કંઈક અને થાય છે કંઇક અલગ.વર્ષ 2015માં pmt ની પુરી સીટો મેડીકલમાં ન ભરતા. હવે સરકાર રીશફલિંગ કરે છે. હવે રશીદાનો મેરીટ રેન્ક બહુ જ નજીકમાં હોવાથી નેટ પર મુકેલી સીટો પ્રમાણે રશીદાને ગવર્મેન્ટ મેડિકલ માં મળી જાય છે......પરંતુ

‘ખુદા તારી કસોટીની પ્રથા સારી હોતી નથી.

જે સારા હોય છે એની દશા સારી હોતી નથી.

જે દિવસે એડમિશન કનફર્મ કરવાનું હોય છે એ દિવસે યોગ્ય આયોજન ન થતા રીશફલિંગ કેન્સલ થાય છે. ખુદા પણ કેવો છે જરાક જેટલા વાદળ દેખાડીને પાછો તડકો બતાવી દે છે. એ દિવસે રાશીદા દરગાહ જઈને ખૂબ જ રડે છે. પણ અંતે તો બધાને ખુદાનું મંજુર કરેલું જ મંજુર કરવું પડે છેને! પાછું ચોકઠાં બનાવવામાં મન લગાડી દે છે.


પરંતુ ફરીથી ખુદાને કૈક કરવું છે.એ ફરીથી રીશફલિંગ નું આયોજન કરે છે અને રશીદાના અંજળપાણી જોડાઈ જાય છે શહેર જામનગરમાં માત્ર 6000(છ હજાર;નોંધ લેશો કે કોઈ ઝીરો રકમમાંથી ખાવામાં આવ્યો નથી) રૂપિયા ફી ભરીને શ્રી એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માં mbbs માં રશીદા પહોચી જાય છે.અહીંથી ફરી શરૂ થાય છે જિંદગી સામે ઝીક ઝીલવવાની નવી રમત.


એક લઘુમતી કોમમાં જન્મ લેનાર છોકરીએ કર્ણનું પેલું વાક્ય ખરેખર જીવીને બતાવ્યું છે “દેવાયાતં તું કુલે જન્મ,મદાયાતં તું પૌરુષમ”. જન્મ દેવો એ ઈશ્વરને આધીન છે પણ પરાક્રમ મારે આધીન છે. એમાય જેને ભણવાની ખરેખર લગન છે એને તો માર્ગદર્શક પણ મળી રહે છે. સાથે સાથે માબાપ નો પૂરો સાથ...એને તો લક્ષ્મીજી ની સાથે સાથે સરસ્વતી પણ હંમેશા સાથે રહે છે. કલાસમાં સીટી મારીને એન્ટ્રી કરતી ખુશમિજાજી રશીદાને જોઉં છું ત્યારે ખરેખર નીચેની પંક્તિ લખવાનું માં થાય કે

નથી જોવાતું કુળ અહીં,નથી ચાલતી લાગવગ અહીં,

ખુદાની કસોટીમાં એ જ પાસ થાય છે,

જેને ખન્ત,ધીરજ અને લગન ખુદ માંહી.

શુ આ હવા એ અભાવ તો નથી કે અંદરનો સ્વભાવ ખળખળે છે!

સિદ્ધિની કલમનો શું આ શબ્દ આપને છળે છે.

ફાવશે,ચાલશે,ગમશે અને ભાવશે જેને ઝળહળે છે .

ખુદા પણ તેને માટે ટળવળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational