હકુના મટાટા, નો પ્રોબ્લેમ - 2
હકુના મટાટા, નો પ્રોબ્લેમ - 2


‘બોટસ્વાનામાં આવેલ અમેરિકન એમ્બેસીએ તમારી વિઝાની અરજીઓ ચાર-ચાર વાર નકારી છે. આથી હવે ત્યાં પાંચમી વાર અરજી કરવાનો કંઈ અર્થ નથી.’
એપોઈન્ટમેન્ટ લઈને સૌપ્રથમ સવારના દસ વાગે આવી પહોંચેલ જીવીના ભાઈ ચિરંતન પટેલને અમેરિકાના વિઝાના કન્સલ્ટન્ટ અરવિંદ પટેલે જણાવ્યું.
‘મિસ્ટર પટેલ, મને આ વાતની જાણ છે અને એટલે જ તો તમે મને અહીં આણંદમાં બોલાવ્યો છે, જેથી હું ઈન્ડિયાના મુંબઈમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝાની અરજી કરી શકું. પણ મને હજુ સમજ નથી પડતી કે તમે એ માટે બધી ગોઠવણો કેમ કરશો?’ ચિરંતન પટેલે અત્યાર સુધી એને જે પ્રશ્ર્ન મૂંઝવી રહ્યો હતો એ પૂછી નાખ્યો.
‘જુઓ, મિસ્ટર ચિંતન...’
‘ચિંતન નહીં, ચિરંતન...’
‘તમારું આવું અટપટું નામ કોણે પાડ્યું?’
‘મિસ્ટર પટેલ, મારા પપ્પા સાઉથના ફેમસ ઍક્ટર ચિરંજીવીના ખૂબ મોટા ફૅન હતા એટલે એના નામ ઉપરથી એમણે મારું નામ ચિરંતન પાડ્યું છે, પણ એમાં અટપટું શું છે?’
‘તમારું નામ અટપટું છે કે નહીં એ વાત જવા દો. આપણે તમારું નામ જ બદલી નાખવાના છીએ. નવું નામ ચિરંતન જેવું અટપટું નહીં રાખીએ.’
‘હકુના મટાટા. મિસ્ટર પટેલ, તમે મારું નવું નામ શું રાખવા વિચારો છો? અને એ નવા નામનો ઈન્ડિયન પાસપોર્ટ તમે કેવી રીતે મેળવી શકશો?’
‘પૈસા ફેંકો તમાશા દેખો.’
‘એટલે?’ ઈન્ડિયામાં વારંવાર વપરાતા રૂઢિપ્રયોગનો અર્થ ન સમજતાં ચિરંતને વિઝા કન્સલ્ટન્ટ અરવિંદ પટેલને પૂછ્યું.
‘એટલે મિસ્ટર ચેતન... સૉરી ચિરંતન, આ તમારું નામ આજે ને આજે બદલી નાખવું પડશે. સાલું, મને ચિરંતન બોલતાં ફાવતું જ નથી.’
‘હકુના મટાટા. તમને બોલતાં ફાવે એવું કોઈ નામ સૂચવો? અને હા, તમે શું બોલ્યા હતા, પૈસા ફેંકવાનું અને તમાશો જોવાનું. એટલે શું?’
‘અરે, હું એમ કહેતો હતો કે ઈન્ડિયામાં પૈસા ખર્ચતાં બધું જ કામ થઈ શકે છે. પણ જુઓ, સૌથી પહેલાં તો તમારું નવું નામ શું રાખવું એ આપણે વિચારવું પડશે. ફક્ત તમારું નામ જ નહીં, તમારા ફાધર અને મધરનું નામ શું હોવું જોઈએ એ પણ વિચારવું પડશે. પછી તમારા નવા નામથી જન્મનું પ્રમાણપત્ર મેળવવું પડશે. એ માટે તમારો જન્મ ક્યાં થયો હતો એ વિચારવું પડશે. એ નવા નામથી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ મેળવવું પડશે. એ માટે તમે કઈ સ્કૂલમાં ભણ્યા હતા એ સ્કૂલનું નામ પણ વિચારવું પડશે. અહીંની એકાદ બૅન્કમાં તમારા નવા નામથી ખાતું પણ ખોલાવવું પડશે અને બેન્કના મેનેજર જોડે ગોઠવણ કરી એ ખાતું પાંચ-દસ વર્ષ જૂનું હોય એવું પણ દેખાડવું પડશે. આ બધું ગોઠવ્યા બાદ તમારા નવા નામથી પાસપોર્ટ મેળવવો પડશે.’
‘બાપ રે, બાપ! આ બધું થઈ શકશે?’
‘કેમ? તમે ટાઈટ સિક્યોરિટી હોવા છતાં ખાણમાંથી હીરા ચોરી નથી શકતા?’
‘હા, પણ....’
‘બસ, તમે જેમ એ અશક્ય કામ કરી શકો છો, એમ અમે પણ આ તમને જે અશક્ય લાગે છે એ કામ કરી શકીએ છીએ. જરૂર હોય છે ફક્ત પૈસા ખર્ચવાની.’
‘હકુના મટાટા. બોલો, કેટલા પૈસા લાગશે આ બધું કરવાના?’
‘એ હું તમને હમણાં નહીં કહી શકું. મારે આ બધાં કામ માટેના જે તે એજન્ટો આગળથી એમનો અત્યારનો ભાવ જાણવો પડશે. સાલાઓ, એમને જો ખબર પડશે કે તમે હીરાના વેપારી છો તો એમનું મોઢું મોટું થઈ જશે. મારે તમે કોણ છો એ વાત એમનાથી છુપાવવી પડશે.’
‘હા... હા, પણ નવા નામથી નવા પાસપોર્ટ ઉપર મને કયા વિઝા મળશે?’
‘જુઓ, મારા મત પ્રમાણે સૌથી પહેલાં તો તમારે બિઝનેસ વિઝાની માગણી કરવી જોઈએ.’
‘હકુના મટાટા. પણ એ મળશે?’ બોટસ્વાનામાં બબ્બે વાર બિઝનેસ વિઝાની અરજી નકારાઈ હોવાને લીધે ચિરંતનને એને બિઝનેસ વિઝા મળશે એ વિશે શંકા હતી.
‘એ માટે તમારે તમારો ધંધો બદલવો પડશે.’
‘એટલે?’
‘એટલે એમ કે તમે હીરાના બિઝનેસમાં છો એવું આપણે નહીં જણાવીએ. સાલા, સુરત અને મુંબઈના હીરાના વેપારીઓએ ઘણું બધું ખોટું કર્યું છે એટલે મુંબઈ કોન્સ્યુલેટના ઓફિસરો હીરાના વેપારીઓને વિઝા આપવાનું ટાળે છે.’
‘તો પછી?’
‘આપણે તમે ટોબેકો એટલે કે તંબાકુના વેપારી છો એવું જણાવીશું.’
‘હકુના મટાટા. મારો બનેવી પણ અહીં તંબાકુના બિઝનેસનો રાજા છે.’
‘તમારો બનેવી રાજા હોય કે રંક, ગમે તે હોય, તમારે એ ભૂલી જવું પડશે. હવેથી તમે ચિરંતન પટેલ નહીં, પણ બીજી જ કોઈ વ્યક્તિ હશો.’
‘હા, સાલું હું તો એ ભૂલી જ ગયો હતો, પણ હકુના મટાટા.’
‘અને જુઓ, મિસ્ટર ચે... તમારું જે નામ હોય તે, તમારા નવા નામના છેલ્લાં પાંચ વર્ષના ખોટા આઈટી રિટર્ન્સ પણ તૈયાર કરવા પડશે. એક કામ કરો, હમણાં મને લાખ રૂપિયા આપો. હું બધી પૂછપરછ અને તૈયારી કરું છું અને આ બધું કરવાના કુલ્લે કેટલા પૈસા જોઈએ છે એ તમને થોડા દિવસમાં જણાવીશ. આ બધું તૈયાર કરતાં થોડો સમય લાગશે. તમે એ દરમિયાન સરદારનું પૂતળું જોઈ આવો. અને હા, તમારી બહેનને ખબર ન પડવી જોઈએ કે તમે અહીં આણંદમાં છો. એક કામ કરો, બરોડા જતા રહો. અઠવાડિયા પછી મને ફોન કરજો.’
‘હકુના મટાટા, મિસ્ટર પટેલ.’
‘વન મિનિટ, વન મિનિટ.’
‘હા, બોલો, બીજું શું છે?’
‘તમારે નામની સાથે સાથે તમારું આ હકુના મટાટા, હકુના મટાટા બોલવાનું પણ ભૂલવું પડશે.’
‘હકુના મટાટા, મિસ્ટર પટેલ.’
ચિરંતન વિઝા કન્સલ્ટન્ટ અરવિંદ પટેલની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને ભાડે કરેલ ઉબેરની ઈનોવામાં બેઠો. તુલસી ટોકિઝ આગળથી એની ઈનોવા જેવી આગળ વધી કે બાજુના રસ્તા ઉપરથી પશો જીવી જોડે એની ઓડીમાં અરવિંદ પટેલની ઓફિસ તરફ આવ્યો.
‘પશા... પશા, આ હમણાં આપણી આગળથી જે ઈનોવા ગઈ એમાં ચિરંતન હતો.’
‘જા... જા ગાંડી, તને તો ડગલે ને પગલે તારો ભાઈ દેખાય છે. અરે, ચિરંતન તો બોટસ્વાનામાં અત્યારના હીરાની હેરાફેરી કરતો હશે.’
‘ના... ના, પશા, મને નક્કી લાગ્યું કે એ ઈનોવાની પાછલી સીટ ઉપર ચિરંતન જ હતો.’
‘તારા પપ્પાએ અહીં આણંદમાં કોઈ બીજી રાખી હતી?’
‘એ પશા, મારા પપ્પા માટે એલફેલ ન બોલ, હોં? આ તો મને મારા ભાઈ જેવો લાગ્યો એટલે કહ્યું.’
* * * * *
‘નો પ્રોબ્લેમ.’
ત્રણસો પચાસ સ્ક્વેર ફૂટની અરવિંદ પટેલની ઓફિસ બે ભાગમાં વહેંચાયેલી હતી. બહાર દોઢસો સ્ક્વેર ફૂટની વેઈટિંગ રૂમ હતી. એમાં એ વિઝા કન્સલ્ટન્ટની દર છ મહિને બદલાતી વીસ-બાવીસ વર્ષની રિસેપ્શનિસ્ટ-કમ-કમ્પ્યુટર ઉપર ટાઈપિંગ કરતી છોકરી અને વર્ષોથી એને ત્યાં કામ કરતો પિસ્તાલીસ-પચાસની ઉંમર ધરાવતો પ્યૂન રઘુનાથ બેઠાં હતાં. ક્લાયન્ટોના બેસવા માટે એક સોફા-કમ-બેડ હતો, જેનો ઉપયોગ દિવસના સમયે બેસવા માટે અને રાત્રિના રઘુ, રઘુનાથને બધા ‘રઘુ’ના ટૂંકા નામે બોલાવતા હતા, એના સૂવા માટે થતો હતો. આ ઉપરાંત, ત્રણ-ચાર ફોલ્ડિંગ ખુરસીઓ હતી. ચારમાંની એક દીવાલ ઉપર અમેરિકાનો મોટા કદનો ફ્રેમ કરેલો નકશો લટકાવવામાં આવ્યો હતો. એની બરાબર સામેની દીવાલ ઉપર જ્યોર્જ વોશિંગ્ટનથી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ, આજ સુધીના અમેરિકાના બધા જ પ્રેસિડન્ટોના ફોટાઓ લાઈનબંધ ટીંગાડવામાં આવ્યા હતા. જે દરવાજામાંથી ઓફિસમાં પ્રવેશ કરાતો હતો એ દીવાલ ઉપર દરવાજાની એક બાજુએ અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં આવેલ એમના પ્રેસિડન્ટનું રહેઠાણ વ્હાઈટ હાઉસનો ફોટો ટીંગાડ્યો હતો અને દરવાજાની બીજી બાજુની દીવાલ ઉપર એક સમયે જે વિશ્ર્વનું સૌથી ઊંચું મકાન હતું એ ન્યુ યોર્કમાં આવેલ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગનો ફોટો ટીંગાડેલો હતો. અરવિંદ પટેલની ઓફિસમાં જવાનો દરવાજો જે દીવાલમાં હતો એ આખી દીવાલ ઉપર, દરવાજાને બાદ કરતાં, વિશ્ર્વનો સૌથી મોટો ધોધ છે અને જેનો એક ભાગ કેનેડામાં અને બીજો અમેરિકામાં આવેલો છે, એ નાયગરા ફોલ્સનું દૃશ્ય દેખાડતું વોલપેપર ચીંટકાડવામાં આવ્યું હતું. અરવિંદ પટેલની કેબિનમાં પ્રવેશતાં એવો જ ભાસ થતો હતો જાણે કે તમે નાયગરા ફોલ્સની અંદર જઈ રહ્યા છો. અરવિંદે એની કેબિનની અંદર પોતાની ખુરસીની પાછળ અમેરિકાનો ધ્વજ ટીંગાડ્યો હતો અને ટેબલ ઉપર અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી ઈગલનું એક પૂતળું મૂક્યું હતું. એની ઓફિસમાં પ્રવેશતાં લોકોને એવું જ લાગતું હતું જાણે કે તેઓ અમેરિકામાં આવી પહોેંચ્યા છે.
અરવિંદ પટેલની પોતાની કેબિન એસી હતી. એમની બાજુની દીવાલ ઉપરની શેલ્ફોમાં થોડા દેખાવનાં અંગ્રેજી પુસ્તકો અને ઈંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઈંગ્લિશ ડિક્શનરી હતી.
પશો અને જીવી જ્યારે અરવિંદ પટેલની કેબિનમાં દાખલ થયા ત્યારે એ વિઝા કન્સલ્ટન્ટ કોઈની જોડે મોટા અવાજે એના મોબાઈલ ઉપર વાતચીત કરી રહ્યો હતો.
‘શું કહ્યું? તમને બધાને વિઝા મળી ગયા? મેં તો તમને ખાતરી આપી જ હતી ને? અચ્છા, આણંદ પાછા ક્યારે આવો છો? પેંડા લાવવાનું ભૂલતા નહીં.’
કોઈ પણ નવો ક્લાયન્ટ એની કૅબિનમાં આવે ત્યારે એના ઉપર પ્રભાવ પાડવાનો અરવિંદ પટેલનો આ જ કીમિયો હતો. આજે પણ એણે પશા અને જીવી ઉપર છાપ પાડવા જૂની ટ્રિક અજમાવી.
‘આવો... આવો, મિસ્ટર પુરુષોત્તમ પટેલ અને જયલલિતાબહેન. મને તો નવાઈ લાગે છે કે તમારા જેવા મોટા વેપારી આજ સુધી અમેરિકા ગયા કેમ નથી? ઈટ્સ એક્સ વન્ડર ઑફ ધ વર્લ્ડ.’
‘અહીં ભણી રહ્યા બાદ હું આગળ ભણવા અમેરિકા જવાનો હતો. પણ મારા પિતાશ્રીનું અચાનક હૃદયરોગના કારણે અવસાન થયું. અને ધંધાની બધી જવાબદારી મારી ઉપર આવી પડી એટલે હું અમેરિકા જઈ ન શક્યો. એમાં મારી મમ્મીએ મારા આની જોડે લગ્ન કરાવ્યાં.’ પશાએ જીવી તરફ ઈશારો કરતાં એ અમેરિકા હજુ સુધી કેમ નહોતો ગયો એનું કારણ અરવિંદ પટેલને જણાવ્યું.
‘તો તો ભાભી નસીબદાર કહેવાય. એ આવ્યાં અને એમના પગલે તમે અમેરિકા જવાનું વિચાર્યું.’
‘શેની નસીબદાર? લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું. છેક આજે મારા ખૂબ કહેવાથી એમણે તમારી આગળ આવવાનું કબૂલ્યું.’ જીવીએ એનો ઊભરો ઠાલવતાં જણાવ્યું.
‘કંઈ નહીં. દેર આયે, દુરસ્ત આયે.’ અરવિંદ પટેલને રૂઢિપ્રયોગો તેમ જ મુહાવરાઓ વાપરવાનો ખૂબ શોખ હતો.
‘જુઓ મિસ્ટર અરવિંદ, હું આડીઅવળી વાતો કરીને તમારો ટાઈમ બગાડવા નથી ઈચ્છતો. આ રહ્યા મારા અને મારી વાઈફના પાસપોર્ટ. બંને કોરાકટ છે. અમે હજુ સુધી ઈન્ડિયાની બહાર કશે પણ ગયા નથી. અને આ રહ્યા મારા અને મારી વાઈફના પાંચ વર્ષના આઈટી રિટર્ન્સ ઓકે...? નો પ્રોબ્લેમ?’
‘તે તમારી વાઈફ પણ બિઝનેસ કરે છે?’ ગુજરાતી સ્ત્રીઓ, એમાં પણ આણંદની પટલાણીઓ, સામાન્ય રીતે પતિ, સંતાનો અને ઘરને સંભાળવા સિવાય બીજું કંઈ કરતી નથી એટલે થોડી નવાઈ પામતાં અરવિંદ પટેલે પૂછ્યું.
‘નો... નો. જીવી પાણીનો ગ્લાસ પણ ભરીને નથી લાવતી. એ બિઝનેસ શું કરવાની હતી. આ તો ટેક્સ વહેંચાઈ જાય અને ઓછો ભરવો પડે એટલે હું એના નામથી પણ બિઝનેસ કરું છું.’
‘ઓહ...’
‘હા... અને આ જુઓ, અમારા બંનેના છેલ્લા છ મહિનાના બધી જ બેન્કોના ખાતાંના સ્ટેટમેન્ટો.’
‘અને આ બીજા દસ્તાવેજો શેના છે?’
પશા પટેલના હાથમાં એક મોટું બંડલ જોતાં અરવિંદ પટેલે સવાલ કર્યો.
‘સાહેબ, એ મારા ઘરના અને જમીનના દસ્તાવેજો છે ઉપરાંત જે ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે એ શેર સર્ટિફિકેટો છે. જો કે એ બહુ જૂનાં છે. હવેથી તો એ, સાહેબ શું કહેવાય...’
‘ડિમેટ...’ જીવીએ પશો જે શબ્દ ભૂલી ગયો હતો એ કહ્યો.
‘હા... હા એ જ. નો પ્રોબ્લેમ. હવેથી તો બધું ડિમેટ થઈ ગયું છે એટલે મારા ડિમેટ એકાઉન્ટના પણ સ્ટેટમેન્ટો આની અંદર છે.’
‘વાહ... તમે તો બધી જ તૈયારી કરીને આવ્યા છોને?! લાગે છે તમે લગ્ન નથી કર્યા પણ જાનમાં તો ગયા છો.’ અરવિંદ પટેલે એક વધુ રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો.
‘નો... નો, સર, અમે પરણેલા છીએ.’ અરવિંદ પટેલે રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો હતો એ ન સમજતાં પશાએ ફોડ પાડ્યો.
‘હા.... હા, મને ખબર છે તમે પરણેલા છો. આ તો હું એક ઈડિયમ બોલતો હતો. સૉરી, પાછું ઈડિયમનું ઈડિયટ્સ કરી નાખશો. એક રૂઢિપ્રયોગ એટલે કહેવત કહેતો હતો.’
‘હં... હં... નો પ્રોબ્લેમ.’
‘જુઓ મિસ્ટર પુરુષોત્તમ પટેલ, મને આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ નહીં જોઈએ. એ સાચવવાની જવાબદારી અમે નથી લેતા. તમે તમારા પાસપોર્ટ અને આ બધા દસ્તાવેજોની ઝેરોક્સ કોપી કરાવીને મને આપી દો. હું એનો અભ્યાસ કરીને થોડા દિવસોમાં તમારા બંને માટે વિઝિટર્સ વિઝાનું એપ્લિકેશન ફોર્મ ડીએસ-160 ભરીને તૈયાર કરીશ. પછી મારી સેક્રેટરી તમને ફોન કરશે અને એપોઈન્ટમેન્ટ આપશે એ સમયે તમે આવીને એ ફોર્મ ચેક કરી જજો. એમાં જો કંઈ સ્પેલિંગ મિસ્ટેક હોય કે તારીખમાં કોઈ ભૂલ હોય કે કોઈ વિગત ખરી-ખોટી લખી હોય તો મારું ધ્યાન દોરજો. અમે એ સુધારશું. પછી એ ફોર્મ ઓનલાઈન કમ્પ્યુટર દ્વારા કોન્સ્યુલેટને સુપરત કરશું અને તમારા બંનેના વિઝિટર્સ વિઝા માટેના ઈન્ટરવ્યૂની તારીખ લઈશું. પછી હું તમને ઈન્ટરવ્યૂમાં કેવા કેવા સવાલો પૂછવામાં આવી શકે છે એના કેવા જવાબોની અપેક્ષા રખાય છે આ બધું જણાવીશ. ડોક્યુમેન્ટ્સ કયા કયા લઈ જવા, એ કેવી રીતે ગોઠવવા એ પણ દેખાડીશ. તમને બંનેને મોક ઈન્ટરવ્યૂ દ્વારા ઈન્ટરવ્યૂની તાલીમ પણ આપીશ. અને ઈન્ટરવ્યૂ માટે જરૂરી એવી અગત્યની ટિપ્સ પણ આપીશ.’
અરવિંદ પટેલે લંબાણપૂર્વક તેઓ શું કાર્ય કરવાના છે એ પશાને જણાવ્યું, ‘નો પ્રોબ્લેમ.’
‘હા, અને હવેથી એ લોકો તમારા સોશિયલ નેટવર્ક વિશે પણ જાણવા માગે છે.’
‘નો પ્રોબ્લેમ.’
‘આ બધું તો ઠીક છે, પણ અમને વિઝા મળશેને?’ જીવીએ મુદ્દાનો સવાલ કર્યો.
‘મળશેને એટલે શું? મેડમ, તમે અરવિંદ પટેલ આગળ આવ્યા છો. મારા થકી તમે અરજી કરો અને વિઝા ન મળે એ શક્ય જ નથી.’
‘એટલે તમારો સક્સેસ રેટ હન્ડ્રેડ પર્સન્ટ છે?’ બધા જ વિઝાના અરજદારો વિઝા કન્સલ્ટન્ટોને સામાન્ય રીતે જે પ્રશ્ર્ન કરતા હોય છે એ પ્રશ્ર્ન જીવીએ પણ અરવિંદ પટેલને કર્યો.
‘હન્ડ્રેડ પર્સન્ટ? મારો સક્સેસ રેટ હન્ડ્રેડ ઍન્ડ વન પર્સન્ટ છે.’
‘એટલે તમે અમને વિઝા મળશે જ એવી ગેરન્ટી આપો છોને?’ જીવીએ ફરી પાછો બધા જ વિઝાના અરજદારો જે પ્રશ્ર્ન કરતા હોય છે એ પ્રશ્ર્ન કર્યો.
‘હા... હા. મારી ગેરન્ટી છે કે તમને વિઝા મળશે જ.’
‘અને જો વિઝા ન મળે તો તમે અમારી પાસેથી લીધેલી બધી ફી પાછી આપશો ને?’ આ સવાલ પણ સામાન્ય રીતે વિઝાના બધા જ અરજદારો વિઝાના કન્સલ્ટન્ટોને પૂછતા હોય છે.
‘એ તો બહેન, એવું છે ને કે અમે તો તમને વિઝા મળે જ એવી તૈયારી કરાવીએ છીએ. પણ ઈન્ટરવ્યૂ કંઈ તમારા માટે અમે આપી શકીએ? એટલે હા...હા...હા...’ અરવિંદ પટેલે રાબેતા મુજબ હસતાં હસતાં એમના બધા જ ક્લાયન્ટોને જે જવાબ આપતા હતા એવો જ જવાબ આપતાં કહ્યું, ‘જો ઈન્ટરવ્યૂમાં તમે કંઈ લોચા વાળો તો એમાં અમારો શું વાંકગુનો. હા..હા...હા. બહેન, અમે તો તાલીમ આપવાની, શિક્ષણ આપવાની, તમને તૈયાર કરવાની ફી લઈએ છીએ. તમે જો તાલીમ લીધા બાદ પણ ઈન્ટરવ્યૂમાં ફેલ થાવ તો એમાં અમારો વાંક નથી હોતો. પણ બહેન, તમે બંને તો બહુ મોટા વેપારી છો. એટલે મને નથી લાગતું કે વિઝિટર્સ વિઝા મેળવવા તમે કોઈ પણ જાતની તકલીફ પડે.’
‘પણ આ મારા વરને અંગ્રેજી બોલતાં નથી ફાવતું એનું શું?’ જીવીએ એની શંકા પ્રદર્શિત કરી.
‘એનો કંઈ વાંધો નથી. આપણે તમારા માટે ઈન્ટરવ્યૂ ગુજરાતી ભાષામાં ગોઠવશું. આણંદના બધા પટેલો ગુજરાતી ભાષામાં જ ઈન્ટરવ્યૂ આપે છે.’ અરવિંદ પટેલે જીવીની શંકાનું સમાધાન કરતો તોડ કાઢ્યો.
‘પણ મને અંગ્રેજી આવડે છે. બોટસ્વાનામાં હું બધા જોડે અંગ્રેજીમાં જ વાત કરતી હતી.’ જીવી બોલી.
‘વાહ... તો તો તમે ઈન્ટરવ્યૂ અંગ્રેજીમાં જ આપજો. તમે આગળ રહેજો એટલે કોન્સ્યુલેટ ઓફિસર તમને સવાલ કરશે. મિસ્ટર પુરુષોત્તમને કોઈ સવાલ કરે તો તમારે કહેવાનું, સર, માય હસબન્ડ કાન્ટ સ્પીક ઈંગ્લિશ.’
‘એવું કહું તો ચાલે?’
‘ચાલે નહીં દોડે. બસ, તમતમારે હું કહું છું એમ તૈયારી કરજો. ચાલો, આપણે બહુ વાત કરી. હવે મિસ્ટર પુરુષોત્તમ તમે આ બધા ડોક્યુમેન્ટ્સ અને તમારા પાસપોર્ટની ઝેરોક્સ કોપી કઢાવીને મને મોકલી આપજો. અને હા, મારી ફીના એડ્વાન્સ પેટે હમણાં પચાસ હજાર આપજો.’
‘નો પ્રોબ્લેમ.’ વિઝા માટે પશો ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર હતો.
‘તે તમારી ટોટલ ફી કેટલી હશે? અને આ પચાસ હજારમાં પેલી કોન્સ્યુલેટને આપવાની વિઝા ફી આવી જાય છેને?’ જીવી પશા કરતાં પાક્કી હતી.
‘નો... નો. કોન્સ્યુલેટને આપવાની વિઝા ફી તમારે અલગથી આપવી પડશે. અને મારી ટોટલ ફી તો મારે તમારે માટે કેટલું કામ કરવું પડશે, કેટલો સમય આપવો પડશે એના ઉપર આધાર રાખે છે.’ અરવિંદ પટેલે ફોડ પાડ્યો.
‘નો પ્રોબ્લેમ. કોના નામનો ચેક લખું?’ પત્નીની લાંબી પૂછપરછથી કંટાળી જતાં પશાએ મુલાકાતનો અંત લાવવા પૂછ્યું.
‘નો.... નો. મિસ્ટર પુરુષોત્તમ, અમે ચેક નથી લેતા. આપણી સરકારે જ્યારથી આ જીએસટી ઘુસાડ્યું છે ત્યારથી અમે ચેક લેવાની માથાકૂટમાં નથી પડતા.’
‘ઓકે... તો આ લો, બબ્બે હજારની પચ્ચીસ નોટ છે.’ ખિસ્સામાંથી ગાંધીજીના ફોટાવાળી નવીનક્કોર, બેન્કમાંથી સવારના જ મેળવેલ રૂપિયા બે હજારની સો નોટોનું બંડલ કાઢતાં એમાંથી ગણીને પચ્ચીસ નોટ આપતાં પશો બોલ્યો.
‘થેન્ક યુ... અને આ પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી...’
‘મિસ્ટર અરવિંદ પટેલ, મને આ બધાની ઝેરોક્સ કઢાવવાની તકલીફ શા માટે આપો છો? આ આખું પેકેટ તમારી પાસે મૂકી જાઉં છું. મારે આ દસ્તાવેજોની કે અમારા પાસપોર્ટની હમણાં કાંઈ જ જરૂર નથી. તમે તમારું કામ પૂરું થાય એટલે જણાવજો. હું આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટસ અને અમારા પાસપોર્ટ પાછા લઈ જઈશ.’
‘અચ્છા... અચ્છા. જો આમાંનું કંઈ ખોવાઈ જાય તો હું જવાબદાર નથી.’ અરવિંદ પટેલે ચોખવટ કરતાં કહ્યું.
‘હોય કંઈ? તમારા જેવા વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાંથી મારા ડોક્યુમેન્ટસ અને પાસપોર્ટ કોણ લઈ જવાનું છે? નો પ્રોબ્લેમ.’
* * * * * * * *
‘શું કહ્યું? એક જણના પાસપોર્ટના પાંચ લાખ રૂપિયા? અને જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આઈટી રિટર્ન્સ, બેન્ક સ્ટેટમેન્ટ આ બધા બનાવટી દસ્તાવેજો બનાવવાના દરેક વ્યક્તિદીઠ દસ દસ લાખ રૂપિયા?’
‘યસ મિસ્ટર અરવિંદ પટેલ, મોંઘવારી કેટલી વધી ગઈ છે. અને રૂપિયાની વેલ્યૂ કેટલી ડાઉન થઈ ગઈ છે. ડોલરના ભાવ કેટલા વધી ગયા છે એનો તમને ખ્યાલ છે? અને આ બધા પૈસા કંઈ મારા ખિસ્સામાં નથી જવાના. પ્યુનથી માંડીને મોટા સાહેબ બધાને અમારે ખવડાવવા પડે છે. અને સાલા, પેલા ફોર્જરી કરનારાઓ હવે તો માગતાં જીભ ન ઊપડે એટલા પૈસા માગે છે.’
અરવિંદ પટેલે ગુજરાતના ખ્યાતનામ, નહીં નહીં બદનામ, એજન્ટ, જે બનાવટી પાસપોર્ટ અને દસ્તાવેજો તૈયાર કરી આપવા માટે પંકાયેલો હતો એને ચિરંતન પટેલે માટે બનાવટી દસ્તાવેજ અને પાસપોર્ટ બનાવવા માટે સંપર્ક સાધ્યો ત્યારે એની કિંમત સાંભળીને આભો બની ગયો.
દસ લાખ જો હું આ એજન્ટને આપું તો ચિરંતન પટેલ આગળ મારા માટે શું માગી શકું?
‘જુઓ, મિસ્ટર...’
‘નહીં. આમ ફોન ઉપર નામ નહીં લેવાનું. તમને ખબર છે ને કે મોબાઈલને પણ કાન હોય છે.’
‘સોરી... સોરી. પણ તમે માગો છો એ દામ વ્યાજબી નથી.’
‘જુઓ, હું કંઈ શાકભાજી વેચતો કાછિયો નથી. મારી જોડે ભાવતાલ ન કરો. જો તમારા ક્લાયન્ટને પરવડે એમ હોય તો મને જણાવજો. બાકી, મારી વેલ્યૂ ડાઉન ન કરો.’
‘તમે આમ અકળાઈ ન જાય. આ કંઈ પહેલી વાર આપણે ડીલ નથી કરતા. આ પહેલાં પણ આપણે આવાં જ ઘણાં કામો કર્યાં છે. પણ આજે તમે જે રકમ માગો છો એ ખૂબ વધારે છે. થોડુંક રિઝનેબલ બનો.’
‘ઓકે... આપણા પાછલા સંબંધો ધ્યાનમાં લઈને હું દસ ટકા ઓછા લઈશ બસ.’
‘નહીં... નહીં. પચ્ચીસ ટકા ઓછો લો.’
‘સોરી... વીસ ટકા. એથી વધુ કનસેશન આપી શકું એમ નથી.’
દસ લાખના વીસ ટકા એટલે ત્રણ લાખ થાય. જો હું ચિરંતન પટેલેને આ બધા કાગળિયાં બનાવવાના પંદર લાખ થશે એવું જણાવો અને આ સાલા લોભિયા એજન્ટને બાર લાખ આપું તો મને એમાંથી તેર લાખ મળશે. અને બીજા પાંચ-પચ્ચીસ તો એ હીરાના વેપારી આગળથી મારી ફી પેટે પડાવી લઈશ. આવા બકરા ઘડીએ ઘડીએ નથી મળતા. આવું વિચાર્યા બાદ અરવિંદ પટેલે પેલા એજન્ટને કહ્યું.
‘અચ્છા, તો હું મારા ક્લાયન્ટને પૂછીને બે-ચાર દિવસમાં તમને જણાવું છું.’
* * * * *
‘હલ્લો, મિસ્ટર અરવિંદ પટેલ.’
‘હા... બોલો, મિસ્ટર ચે... મિસ્ટર પટેલ.’
‘હા...હા...હા... તમે મારું નામ ઉચ્ચારી જ નથી શકતા. તો હવે એ બદલીને શું રાખવાના છો?’
‘હજુ પાકું વિચાર્યું નથી. પણ તમે બરોડા પહોંચી ગયા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઈ આવ્યા.’
‘અરે, સાહેબ, એ તો જૂની વાત થઈ. બરોડા તો તમારે ત્યાંથી નીકળીને એ સાંજના પહોેંચી ગયો હતો અને બીજે દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયો હતો. આહહહ... શું જાયન્ટ સ્ટેચ્યૂ છે. અરે, વલ્લભભાઈની શું પ્રતિમા છે. મિસ્ટર અરવિંદ, પટેલ સિવાય બીજી કોઈ વ્યક્તિની આવી પ્રતિમા હોઈ જ ન શકે. હું તો એ જોઈને દંગ રહી ગયો. તમને ખબર છે, એક અમેરિકન ટુરિસ્ટોનું ગ્રુપ પણ એ વખતે આપણા સરદારનું એ ભવ્ય સ્ટેચ્યૂ જોવા આવ્યા હતા. એમણે મને શું કહ્યું ખબર છે?’
‘મિસ્ટર ચે... સોરી મિસ્ટર પટેલ, તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા ત્યારે તમને ત્યાં કોણ મળ્યું હતું અને એમણે તમને શું કહ્યું હતું એની મને કેવી રીતે ખબર પડે?’
‘હા...હા...હા... તમને કેવી રીતે ખબર પડે. હકુના મટાટા. અરે, એ અમેરિકનોએ મને કહ્યું કે અમારું સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી તમારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે બચ્ચું લાગે. તમે લોકોએ ખરેખર ખૂબ જ પ્રગતિ કરી છે. મિસ્ટર અરવિંદ પટેલ, આ સાંભળીને મારી અમેરિકા જવાની ઈચ્છા ખૂબ જ વધી ગઈ છે. મારે જોવું છે કે એ અમેરિકન કહેતા હતા એ વાત સાચી છે? ખરેખર સ્ટેચ્યૂ ઓફ યુનિટી આગળ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી શું બચ્ચું લાગે?’
‘આમ અધીરા ન થાવ. હું તમારી અમેરિકા જવા માટેની ગોઠવણમાં જ પડ્યો છું.’
‘પણ મિસ્ટર અરવિંદ પટેલ, હવે તમારે એક નહીં, પણ બે જણાની ગોઠવણ કરવી પડશે.’
‘એટલે?’
‘એટલે એમ કે... એટલે એમ કે...’
‘હા... હા, એટલે એમ કે શું?’
‘મિસ્ટર અરવિંદ પટેલ, એટલે એમ કે આઈ હૅવ ફોલન ઈન લવ. અને હું લગ્ન કરવાનો છું.’
‘વ્હોટ?’
‘મિસ્ટર અરવિંદ પટેલ, મને ખબર જ નહોતી કે ગુજરાતીની યુવતીઓ આટલી બધી ગુડ લુકિંગ અને ફોરવર્ડ હશે.’
‘કેમ શું થયું?’
‘અરે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા હું પગથિયાં ચડતો હતો. મારી આગળ જે અમેરિકનોનું ટોળું હતું એમાંની બે-ચાર સ્ત્રીઓ સાલી સાવ નફ્ફટ, આખું શરીર દેખાય એવાં કપડાં પહેરીને આવી હતી. મારું ધ્યાન એમના તરફ દોરાયું અને હું ઉપર ચઢવાનું એક પગથિયું ચૂકી ગયો અને ગબડ્યો.’
‘બાપ રે! તમને કંઈ વાગ્યું બાગ્યું નથી ને? ફ્રેક્ચર થયું નથી ને?’
‘મિસ્ટર અરવિંદ પટેલ, મારાં નસીબ સારાં કે મારી પાછળ એક ગરવી ગુજરાતણો, પેટલાદની પટલાણીઓનું એક ટોળું હતું. એમાંની રૂપરૂપનો અંબાર, જેણે જુવાનીમાં હજુ હમણાં જ પગ માંડ્યો છે એવી બરોડાની કોલેજમાંથી બીએમએમની પરીક્ષા આપીને બહેનપણીઓ જોડે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવેલ રિયાએ મને પકડી લીધો અને હું ગબડતાં ગબડતાં બચી ગયો. હકુના મટાટા.’
‘તમને એક યુવતીએ ગબડતાં બચાવ્યો એમાં તમે એ યુવતીનો આખો બાયોડેટા મેળવી લીધો?’
‘ના... એમ કંઈ તરત જ બધું ઓછું જાણી લેવાય. એ તો રિયાએ મને પડતાં બચાવ્યો એટલે મેં એમને થેન્ક યુ કહ્યું. પછી હું એના ગ્રુપ જોડે જ પગથિયાં ચઢવા લાગ્યો. આખું સ્ટેચ્યૂ ઓફ યુનિટી, અંદરથી, બહારથી, ઉપરથી, નીચેથી તેમ જ નજીકથી અમે સાથે જોયું. બપોરના લંચ પણ સાથે લીધું અને હું પડી ગયો.’
‘હેં? તમે પડી ગયા? હમણાં તો તમે કહ્યું કે એ સ્ત્રીએ તમને પડતા બચાવી લીધો.’
‘નહીં... નહીં મિસ્ટર અરવિંદ પટેલ, હું પડી ગયો એટલે હું રિયાના પ્રેમમાં પડી ગયો.’
‘ઓહ....’
‘હા. લવ એટ ફર્સ્ટ સાઈટ. પ્રથમ દૃષ્ટિએ પ્રેમ.’
‘અને રિયા?’
‘એ તો હું પડ્યો એ પહેલાં જ પડી ગઈ હતી.’
‘એટલે? હું સમજ્યો નહીં.’
‘એટલે મિસ્ટર અરવિંદ પટેલ, હું પગથિયાં ઉપરથી હું પડ્યો એ પહેલાં રિયા મને ક્યારથી જોતી હતી. હું એને ગમી ગયો હતો. અને એને પણ પ્રથમ દૃષ્ટિએ મારી જોડે પ્રેમ થઈ ગયો હતો. એટલે હું પગથિયાં ઉપરથી પડતાં પડતાં રહી ગયો એ પહેલાં રિયા મારા પ્રેમમાં પડી ગઈ હતી અને હું પગથિયાં પરથી પડતાં પડતાં બચ્યો પછી રિયાના પ્રેમમાં પડી ગયો.’
‘ચાલો, તમે બંને પડી ગયા. હવે શું?’
‘મિસ્ટર અરવિંદ પટેલ, હવે તમારે અમારા બંનેના અમેરિકાના વિઝા મેળવવા પડશે. મેં રિયાને પ્રોમિસ આપ્યું છે કે લગ્ન બાદ હનીમૂન માટે હું એને ડિઝનીલેન્ડ લઈ જઈશ. હેં મિસ્ટર અરવિંદ, આ ડિઝનીલેન્ડ અને ડિઝનીવર્લ્ડમાં હું ફરક છે?’
‘ડિઝનીલેન્ડ કેલિફોર્નિયામાં લોસ એન્જલ્સમાં આવેલું છે. વોલ્ટ ડિઝનીએ સૌપ્રથમ ડિઝનીલેન્ડ બાંધ્યું હતું અને ડિઝનીવર્લ્ડ ફ્લોરિડામાં ઓરલૅન્ડોમાં આવેલું છે. એ ડિઝનીલેન્ડ બંધાયા બાદ ઘણા વર્ષો પછી બંધાયું છે અને ડિઝનીલેન્ડ કરતાં અનેકગણું મોટું છે.’
‘હકુના મટાટા. તમારું અમેરિકા વિશેનું જ્ઞાન ઘણું છે.’
‘તે હોય જ ને. હું અમેરિકાના વિઝાનો એક્સ્પર્ટ છું.’
‘અચ્છા... અચ્છા. તો મિસ્ટર અરવિંદ પટેલ, હું અને રિયા નેક્સ્ટ વીકમાં બરોડામાં પરણવાના છીએ. તમે જરૂરથી આવજો. તમને ઈન્વિટેશન મોકલાવીશ. અને હા, હવે તમારે અમારા બંને માટે પાસપોર્ટ અને વિઝા મેળવવાના છે.’
* * * * * * *
‘શું વાત કરો છો?’ આશ્ચર્ય પામેલા પશાએ જોરથી બરાડો પાડ્યો.
‘શું છે, પશા? મોબાઈલમાં આટલા જોરથી બરાડા શેનો પાડે છે?’
‘જીવી, આ મિસ્ટર અરવિંદ પટેલ, કહે છે કે આપણા બંનેના પાસપોર્ટ અને બધા ડોક્યુમેન્ટસ, જે આપણે એમને આપ્યા હતા એ આખું પેકેટ એની ઓફિસમાંથી ગુમ થઈ ગયું છે!’
(ક્રમશ:)