Sangita Joshi

Drama


4  

Sangita Joshi

Drama


હકુના મટાટા - નો પ્રોબ્લેમ 1

હકુના મટાટા - નો પ્રોબ્લેમ 1

5 mins 115 5 mins 115

પ્રકરણ ૧

અમેરિકાના વિઝા અને આફ્રિકાના હીરા, બેઉ માટે થતા છળકપટની દિલ ધડકાવનારી નવલકથા

‘પશા, ઓ પશા ડાર્લિંગ.’

મધુબન રિસોર્ટ ઍન્ડ સ્પામાં રવિવારે રજાનો દિવસ ગાળવા આવેલ પતિ પુરુષોત્તમ ચેતનકુમાર પટેલને સંબોધતાં પત્ની જયલલિતાએ કહ્યું.

ઊજળો વાન અને જીમમાં નિયમિતરૂપે જતો, કસરતબદ્ધ શરીર ધરાવતો, નવાનક્કોર જીન્સને હાથેથી કાતર વડે બે-ચાર જગ્યાએ કાપ મૂકીને મોડર્ન દેખાવવા મથતા, રણવીરસિંહની જેમ જ, ટ્રિમ દાઢી રાખતો, છવ્વીસ વર્ષનો પુરુષોત્તમ ચેતનકુમાર પટેલ, જેને આણંદમાં બધા ‘પશો’ના ટૂંકા નામે બોલાવતા હતા, એ આણંદના અન્ય યુવાન પટેલોની જેમ જ અમેરિકાના સ્વપ્નામાં રાચતો હતો. અમેરિકામાં વધુ અભ્યાસ માટે જવાની એની મહેચ્છા એ પૂરી કરી નહોતો શક્યો એનો પશાને મનોમન ખૂબ જ વસવસો હતો. અમેરિકાના અભરખા હોલીવૂડની ફિલ્મો અને અમેરિકન ટીવીના સોપ ઓપેરા જોઈને પશો નિરંતર વિસારવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો.

‘શું છે જીવી? ટીવી તો શાંતિથી જોવા દે?’ સાઉથ આફ્રિકાની ઉપર આવેલ બોટસ્વાનાની રહેવાસી જયલલિતા પશાને પરણીને આણંદમાં રહેવા આવી હતી. જયલલિતાને પણ આણંદના બધા ટૂંકા, ‘જીવી’ નામે બોલાવતા હતા.

‘પશા, તું ભલે હોલીવૂડની સિરિયલો જોઈને અમેરિકામાં છે એવું માની લેતો હોય, પણ મારે હવે ખરેખર અમેરિકા જવું છે. આપણી પટેલ કૉલોનીના બધા જ અમેરિકા જઈ આવ્યા છે. નથી ગયા એમની પાસે પણ અમેરિકાના વિઝા તો છે જ. અરે, આજુબાજુની ગણેશ, નવજીવન અને ભાવના કૉલોની, પોપટી, નીલકંઠ અને રઘુવીર, રાજીવનગર, સૂર્યદીપ તેમ જ શ્રીનાથજી પાર્ક સોસાયટી આ બધામાં રહેતા પટેલો પાસે વિઝા છે. આણંદમાં આપણે બે જ એવાં છીએ કે પટેલ હોવા છતાં નથી આપણે અમેરિકા ગયાં કે નથી આપણી પાસે વિઝા. મને તો હવે કૉલોનીના રહેવાસીઓને મોઢું દેખાડતાં શરમ આવે છે.’

જીવીના આ શબ્દો પશાને દાઝ્યા ઉપર ડામ જેવા લાગ્યા. કોઈ પણ પટેલને એની પત્ની ‘આપણી આગળ અમેરિકાના વિઝા નથી’ એવું જણાવે તો માથે આભ તૂટી પડ્યું હોય એટલો આઘાત લાગે છે.

‘હું તારી મૂંઝવણ બરાબર સમજું છું પણ નો પ્રોબ્લેમ.’ લેટેસ્ટ અમેરિકન ટીવી સિરિયલ ‘ક્વોન્ટિકો’ જોઈ રહેલ પશાએ એશ-ટ્રેમાં સિગારેટને બુઝાવી, વ્હિસ્કીનો બાકી રહેલો અડધો ગ્લાસ એક જ ઘૂંટડે ગટગટાવી, રિમોટ વડે ટીવી બંધ કરતાં કહ્યું.

‘નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ શું કર્યા કરે છે. મૂંઝવણ સમજે છે તો પછી એનો ઉકેલ લાવને?’ એક પટલાણી હોવાને કારણે જીવીને એની પાસે અમેરિકાના વિઝા નહોતા એટલે મરવા જેવું લાગતું હતું.

મહિનામાં એક વાર પશો અને જીવી આણંદની નજીક આવેલ ‘મધુબન રિસોર્ટ ઍન્ડ સ્પા’માં રવિવારની રજા ગાળવા આવતાં. સ્મગલિંગ દ્વારા ગુજરાતમાં આવતી દારૂની અગણિત બાટલીઓમાંથી એ દિવસે પશો કોઈ પણ ભોગે અને ગમે તેટલી કિંમત આપીને એક બાટલી વ્હિસ્કી, વોડકા, જિન કે રમ, જે કાંઈ પણ મળે એ લઈ આવતો. જીવી સ્પામાં ફેશિયલ કરાવવા જતી અને પશો એના સ્યુટના ટીવી સામે બેસી મદ્યપાન કરતો. એની પોતાની ફેક્ટરીમાં બનાવવામાં આવતી ‘ચેતન છાપ’ બીડી, ગુજરાતમાં બનતી બીડીઓમાં સર્વોત્તમ ગણાતી. પરદેશમાં પણ એની સારી એવી માંગ હતી. પશો એ ન પીતાં અમેરિકાના કાઉબૉય ચિત્રએ, જેને જગપ્રસિદ્ધ કરી એ મોંઘામાંની ‘માર્લબોરો’ સિગારેટ પીતો.

દારૂ પીતાં પીતાં અને માર્લબોરોનો કશ લેતાં લેતાં પશો અમેરિકન ટીવી સિરિયલ જોતો અને પોતે એ દેશમાં જઈ શક્યો હોત પણ સંજોગોને કારણે ન જઈ શક્યો એનો અફસોસ કરતાં મનોમન પોતાની જાતને ‘નો પ્રોબ્લેમ, હવે પછી ભવિષ્યમાં ક્યારેક તો જઈશ.’ કહીને સાંત્વન આપતો.

જ્યારે જ્યારે પટેલોથી ઉભરાતા એ રિસોર્ટમાં તેઓ આવતાં ત્યારે ત્યારે જીવી એ લોકો હજુ સુધી અમેરિકા નથી ગયાં તેમ જ એમની આગળ વિઝા પણ નથી એ યાદ કરાવી કરાવીને પશાનો નશો ઉતારી નાખતી, એના અફસોસને વધારી મૂકતી અને આખો રવિવાર બગાડી નાખતી.

પટેલ કૉલોનીમાં આવેલા એમના પોતાના ‘ચેતનકુંજ’માં પણ જીવી વારંવાર એમનો પાસપોર્ટ સાવ કોરોકટ છે એ યાદ દેવડાવી દેવડાવીને પશાનો મૂડ ખરાબ કરી નાખતી. એક પટેલ હોવા છતાં હજુ સુધી એણે અમેરિકાના વિઝા મેળવ્યા નહોતા એ વાત પશાને પોતાને પણ, એ ‘નો પ્રોબ્લેમ’ કહેતો હોવા છતાં ખૂબ જ ખટકતી હતી. જીવી તો એનો બળાપો વર આગળ ઠાલવતી, પણ પશો એનો અફસોસ કોને જણાવે?

બે વર્ષ પહેલાં જ ‘ભાઈલાલભાઈ ઍન્ડ ભીખાભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી’માંથી પશાએ ડિપ્લોમા મેળવ્યો હતો. વધુ અભ્યાસ માટે એની ઈચ્છા અમેરિકા જ જવાની હતી. એના પિતા ચેતનકુમારની પણ એ જ ઈચ્છા હતી. આણંદની પટેલ કૉલોનીમાં સૌથી વૈભવશાળી ચાર બેડરૂમનો ચેતનકુંજ બંગલો ધરાવનાર ચેતનકુમાર તંબાકુના મોટા વેપારી હતા. આણંદમાં ચાર બંગડીવાળી મોટર સૌપ્રથમ એમણે જ ખરીદી હતી.

વર્ષો પહેલાં યુવાનીમાં દોસ્તારોની ચઢવણીથી પિતાની સેફમાંથી ગુપચુપ પચાસ હજાર તફડાવીને ચેતનકુમાર દોસ્તો જોડે મેક્સિકોની સરહદ ઉપરથી અમેરિકામાં ઘૂસ્યા હતા. ભંડકિયા જેવા મોટર ગેરેજમાં આઠ-દસ એમના જેવા જ બીજા ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશેલા પટેલો જોડે ચોરીછૂપીથી રહેવું, હાથે રાંધીને ખાવું અને દિવસના દસ-બાર કલાક મોટેલ અને ગૅસ સ્ટેશનમાં કાળી મજૂરી કરવી, આ બધું શેઠાઈમાં ઉછરેલા કરોડપતિના દિકરા ચેતન પટેલને ફાવ્યું નહીં. હજુ તો વર્ષ માંડ પૂરું થયું હશે અને તેરમા મહિને જ તેઓ એ ડોલરિયા દેશને છોડીને પાછા આણંદ ભેગા થઈ ગયા હતા.

ચેતન પટેલે ત્યાર બાદ કાયદેસર વિઝા મેળવીને વટથી અમેરિકા જવા માટે પિતાની આજ્ઞા મેળવી અને વિઝાની અરજી કરી. અમેરિકામાં ગેરકાયદેસર એક વર્ષ રહ્યા હોવાથી ત્યાંના કાયદા મુજબ એમને કોઈ પણ પ્રકારના વિઝા ઉપર દસ વર્ષ સુધી પ્રવેશ ન આપવો એવી પાબંદી લાગી ગઈ હતી. વિઝા ન મળતાં ચેતન પટેલ નાસીપાસ થઈ ગયા હતા. એ પછી દસ વર્ષ પછી પણ એમના સમાજના અનેક લોકોએ સમજાવ્યા છતાં મુંબઈની અમેરિકન કૉન્સ્યુલેટમાં વિઝાની અરજી કરવાની એમણે હિંમત કરી નહોતી.

અમેરિકામાં પોતે ગેરકાયદેસર રહેવાની કઠણાઈ ભોગવી હતી આથી ચેતન પટેલ દિકરાને કાયદેસર જ અમેરિકા મોકલવા ઈચ્છતા હતા. વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની પુરુષોત્તમની ઈચ્છા એમને ખૂબ જ ગમી. પણ દિકરાએ ડિપ્લોમા મેળવ્યો અને એમને હૃદયરોગનો હુમલો થયો. પંચાવન વર્ષની ઉંમરે જ ચેતન પટેલ અકાળે મૃત્યુ પામ્યા. લાખ્ખોનો તંબાકુનો વેપાર સંભાળવાની જવાબદારી એકના એક દિકરા ઉપર ચોવીસ વર્ષની ઉંમરે જ આવી પડી. વધુ અભ્યાસ માટે અમેરિકા જવાનો વિચાર પશાને નાછૂટકે માંડી વાળવો પડ્યો. પશાએ પોતાની જાતને ‘નો પ્રોબ્લેમ’ કહીને મનાવી લીધી.

જીવી પરણીને આવી ત્યારથી ‘અમેરિકા… અમેરિકા’ કરતી હતી. પણ ધંધાની જવાબદારીને કારણે પશો પત્નીની ઈચ્છા પૂરી કરી નહોતો શકતો.

આજે જ્યારે ફરી પાછી એ જ વાત જીવીએ ઉખેડી ત્યારે પશાએ નક્કી જ કરી નાખ્યું કે હવે તો વિઝાની અરજી કરવી જ કરવી. વિઝા મળી જાય એટલે તાબડતોબ બે-ચાર અઠવાડિયાં જીવીને સ્વતંત્રતાની દેવી દેખાડવા લઈ જ જવી. ધંધો તો આખી જિંદગી ચાલ્યા જ કરશે. થોડા દિવસ મૅનેજર એને સંભાળશે તો એમાં કંઈ આસમાની સુલતાની નહીં થાય. નો પ્રોબ્લેમ.

‘જીવી, કાલે ને કાલે જ આપણે તુલસી ટોકિઝની બાજુમાં વિઝા ક્ધસલ્ટન્ટ અરવિંદ પટેલની ઑફિસ આવેલી છે એને મળવા જઈશું.’ મનોમન નિર્ણય કરીને પશાએ જીવીને કહ્યું.

‘ખરેખર?’

‘હા… હા, ખરેખર. તું કહેતી હોય તો એ મિસ્ટર અરવિંદને હમણાં જ ફોન કરીને અહીંયા મધુબન રિસોર્ટમાં બોલાવું. બહુ બહુ તો રવિવારે કામ માટે બોલાવવાની એક્સ્ટ્રા ફી લેશે. નો પ્રોબ્લેમ’ પશો જીવીની રોજેરોજની કટકટથી ત્રાસી ગયો હતો. એની પોતાની પણ અમેરિકા જવાની અદમ્ય ઈચ્છા હતી જ.

‘ના. ના. એવી કંઈ જરૂર નથી. આપણે કાલે સવારના અરવિંદભાઈની ઑફિસમાં જઈશું અને પશા…’

‘હવે પાછું શું છે?’

‘કંઈ નહીં આ તો મારે તને કહેવું હતું કે…’

‘હવે શું કહેવું છે?’

‘એ જ કે પશા… આઈ લવ યુ.’

‘નો પ્રોબ્લેમ.’

(ક્રમશ:)


Rate this content
Log in