હાથી અને સ્ત્રી
હાથી અને સ્ત્રી


ઘણા સમય પહેલાની આ વાત છે. એક સુંદર મજાનું નાનકડું ગામ હતું. આ ગામમાં મુખ્ય વ્યવસાય ખેતી હતો. આ ગામની નજીક એક સુંદર મજાનું તળાવ હતું. એ વખતે ઘરે ઘરે પાણી ચકલીઓ કે પાણીના બોર ના હતા. એટલે ગામના લોકો ઘર વપરાશ માટે આ તળાવના પાણીનો જ ઉપયોગ કરતાં હતા.
પણ આ તળાવમાં એક જોખમ હતું. આ તળાવમાં એક મગર રહેતો હતો. જે ખુબ જ ભયાનક હતો. તેને આજ સુધી ઘણીવાર ત્યાં પાણી પીવા આવતા જંગલના નાના મોટા પ્રાણીઓનો શિકાર કર્યો હતો. તેથી સૌ તળાવ કાંઠે પાણી ભરવા જવામાં ડરતા હતા.
આ તળાવની સામેની બાજુ એક મોટું જંગલ હતું. આ જંગલમાં હરણ, સસલા, હાથી, શિયાળ જેવા નાના મોટા પ્રાણીઓ રહેતા હતા. આ પ્રાણીઓ પણ પોતાની તરસ છીપાવવા માટે આ તળાવમાં જ પાણી પીવા આવતા હતા. હવે એક દિવસની વાત છે. આ ગામમાંથી એક બાઈ પાણી ભરવા માટે તળાવને કાંઠે આવી. તે જ વખતે જંગલમાંથી એક હાથી તેના નાના બચ્ચા સાથે આ તળાવ કાંઠે પાણી પીવા માટે આવ્યો. પાણી પિતા પિતા એ રમત રમતમાં તળાવમાં જરાક વધારે આગળ જતું રહ્યું. તળાવમાં રહેલો મગર આ જ ક્ષણની રાહ જોતો હતો.
મગરે દોડીને તરાપ મારી. અને મદનીયાને પોતાના મોઢામાં મજબુત દાંત વડે પકડી પાડ્યું. હાથીનું બચ્ચું બચવા માટે બુમો પાડવા લાગ્યું. પણ મગર તે બચ્ચાને ખેંચીને છેક તળાવની વચ્ચે લઇ ગયું હતું. ત્યાં તળાવ ખુબ ઊંડું હતું. અને પાણી પણ વધારે હતું. હાથીએ પણ પોતાના બચ્ચાને બચાવવા ખુબ પ્રયાસ કર્યો. પણ તેનું કોઈ જોર ચાલ્યું નહિ. અને છેવટે મગર હાથીના બચ્ચાને ખાઈ ગયો. આ જોઈ હાથી ખુબ ધમપછડા કરવા લાગ્યો. પેલી બાઈ આ બધું જ જોતી રહી. તેને હાથી અને તેના બચ્ચા પર ખુબ જ દયા આવી. પણ શું કરે !
હવે પોતાના બચ્ચાના મોતનો બદલો લેવા હાથી કેટલાય દિવસો સુધી ત્યાં તળાવને કિનારે જ બેસી રહ્યો. અને મગરની બહાર આવવાની રાહ જોવા લાગ્યો. ઘણા બધા દિવસ બાદ વળી પાછી પેલી બાઈ પાણી ભરવા તળાવ આવી. એજ વખતે પેલો મગર પણ તળાવમાંથી બહાર આવી કિનાર પર તડકામાં આરામ કરતો હતો. હાથીએ તેને જોઈ લીધો. તેને પોતાનો મોકો મળી ગયો. તેણે દોડીને જઈને મગરને પકડી લીધો. અને ઉંચો કરી કરી જમીન પર પછાડ્યો. સામે મગર પણ તેના બચાવ માટે હાથીને બટકા ભરવા લાગ્યો. જેમાં હાથી પણ ઘાયલ થયો. છેવટે હાથીએ મગર પર પોતાનો પગ મૂકી તેને કચડી નાખ્યો.
મગર તો મરી ગયો. પણ હાથી પણ થાકીને બેભાન થઇ ગયો. પેલીએ આ બધું જોયું. તે દોડતી હાથી પાસે ગઈ. તેને પવન નાખ્યો. તળાવમાંથી પાણી લાવી તેના માથા પર નાખ્યું. તેના ઘા સાફ કર્યા. ઉપર દવા પણ લગાવી. તે હાથીને પોતાના ઘરે લઇ ગઈ. ત્યાં લઇ જઈ તેને હાથીની ખુબ જ સેવા કરી. થોડા દિવસોમાં હાથી સાજો થઇ ગયો. હવે તે પેલી સ્ત્રીનો મિત્ર બની ગયો. તે બી જ્યાં જાય ત્યાં હાથી સાથે જ જાય.
આમ પ્રેમથી ગમે તેટલા મોટા અને શક્તિશાળી પ્રાણીને પણ પોતાના મિત્ર બનાવી શકાય છે.