ગ્રેજ્યુએટ ચ્હાવાળો
ગ્રેજ્યુએટ ચ્હાવાળો


ટ્રેનની સફર બીજા વાહન વ્યવહારનાં માધ્યમ કરતા બહુજ અલગ હોય છે. એમબીએ કર્યા પછી 12000 ની જોબ ઓફરના ઇન્ટરવ્યુના ખરાબ અનુભવ પછી સુપરફાસ્ટ ટ્રેન ચૂકી જતાં,આજે પહેલીવાર લોકલ ટ્રેનની બારી પાસે બેસીને મારો મિત્ર ધ્રુવ આસપાસનાં વાતાવરણને નીરખી રહ્યો હતો... મોટા મોટા હોર્ડિંગ્સ, આવતાં જતાં લોકો, વળાંકમાં દેખાતાં ટ્રેનનાં બીજા ડબ્બા, પસાર થતાં વાહનો, ફાટક પર અટકેલી જિંદગીઓ, જુદી જુદી ભાષાઓ અને તેનાં અક્ષરો...
એ જે બારી પાસે બેઠેલો એ બારીમાં ચારની જગ્યાએ ત્રણ સળીયા હતા. હા, કેમકે આ એજ ટ્રેન હતી જેનાં પર એકવાર નક્સલી હુમલો થયો થયેલો. છત્તીસગઢનાં લોકો માટે નક્સલી હુમલા ગૌણ વાત છે! અને આ ટ્રેન તો રોજ પોતનાં સ્ટેશનથી રાયપુર સ્ટેશન સુધી સફર કરીને કેટલીય જિંદગીની જઠરાગ્નિને પોષવા પોતાની સફર કરતી. એકવાર એવાજ હમલામાં એક મજૂર પિતાએ પોતાનાં વ્હાલસોયા ચાર મહિનાનાં બે જુડવા બાળકોને બચાવવા આ જ બારીનો એક સળિયો કુહાડીના ઘા ઝીંકી તોડી પડ્યો હતો. પણ આ હકીકતથી અજાણ ધ્રુવ એ ત્રણ સળીયાની આરપારની દુનિયા નિહાળી રહ્યો હતો અને હું તેને!
"ચાય... ચાય... ચૌધરી કી ચાય.." અવાજ સંભળાયો. ચ્હા માટે રાહ જોતા અમે બંને ડબ્બામાં જોયું. એક ભાઈ ત્યાં વ્યવસ્થિત ફોર્મલ કપડામાં હાથમાં ટી-જાર લઈને ચા વેચતા હતા. આ જોઈને ધ્રુવને આશ્ચર્ય થયું અને તેમણે ચ્હાવાળા ભાઈને બે કટિંગ આપવા ઈશારો કર્યો. ચાના સ્વાદે અમને ખુશ કરી દીધાં. 'આવી મસ્ત ચ્હા એ પણ ટ્રેનમાં?' ધ્રુવે ચ્હાવાળા ભાઈને પૂછ્યું, "આ તમે ચ્હા વેચવા માટેનો યુનિફોર્મ પહેર્યો છે?"
ચ્હાવાળાએ કહ્યું, "સાહેબ, હું રાયપુરમાં એક ઓફિસમાં આસિસ્ટન્ટ મેનેજર છું, ત્યાં નોકરી છે." ધ્રુવની આંખો પહોળી થઇ ગઈ! ઓફિસનો યુનિફોર્મ? અને ચ્હા?
ધ્રુવના આશ્ચર્યને જાણીને ચ્હાવાળાએ કહ્યું, "હું, રોજ મહાસમુંદથી રાયપુર અપ-ડાઉન કરું છું જોબ માટે! આ મોંઘવારીનાં જમાનામાં રોજ એક- બે કલાક મોબાઈલમાં પબજી ગેમ રમીને કે સૂઈને બરબાદ કર
વા કરતાં મેં નક્કી કર્યું કે હું લોકોને ટ્રેનમાં મસ્ત ચ્હા પીવડાવીશ. બાકી હું બી.કોમ ગ્રેજ્યુએટ છું પણ મને મારા આ કામમાં કોઈ શરમ નથી આવતી કેમકે કોઈ કામ નાનું નથી હોતું! 20,000 મારી સેલેરી છે પણ આ ચ્હા દ્વારા હું મહિને ખર્ચો બાદ કરતાં 35000 કમાઉ છું. નાના કામમાં મોટી આવક છે જો તમે ક્વોલિટી વર્ક ક્રિયેટિવલી કરો તો!
એમબીએ થયેલા અમારાં બંનેની આંખો પહોળી અને મોં ખુલ્લું...
"સવારે ઘરેથી ચ્હા બનાવીને નીકળું અને ટ્રેનમાં વેચું. જો વધે તો ઓફિસવાળાનાં નસીબમાં જાય. અને ઓફિસે પણ પેનેટ્રીમાં ચ્હા બનાવી સાંજે પાછો એજ કર્મ કરતાં-કરતાં ઘરે પહોંચવાનું. અપ-ડાઉન બંનેનું થઈને રોજના 400-500 કપ વેચાઈ જાય છે. સફરની સફર ને કામનું કામ! એક કપના દસ ગણો તોય 40,000 કે 50,000 થયા. જેમાં રજા અને ખર્ચો બાદ કરો તો 32-35 હજાર રૂપિયા મળી રહે છે! શરૂઆતમાં તકલીફ પડેલી પણ ઘરની ચ્હા જેવો સ્વાદ હોવાથી હવે અપ-ડાઉન કરતા દરેક લોકો મારી જ ચ્હાનો આગ્રહ રાખે છે."
ટ્રેન રોકાઈ. રાયપુર આવી ગયું. ચ્હાવાળા એ ઉતાવળ કરીને જવા માટે જગ્યા કરી.
ધ્રુવે પૂછ્યું, "તમારું નામ?"
"ગ્રેજ્યુએટ ચાયવાળો એવું લોકો કહે છે, બાકી ફઈએ નરસિંહ નામ રાખ્યું છે!" એમ કહી એ ભીડમાં અદ્રશ્યથી ગયો!
મેં ધ્યાનથી જોયું તો શૂન્યાવકાશ મન સાથે ધ્રુવે ફાઇલમાંથી પોતાની એમબીએની ડિગ્રી કાઢીને જોઈ.તેના પર લખ્યું હતું 'ફર્સ્ટ ક્લાસ'!
શું ઉચ્ચ અભ્યાસની આ ડિગ્રી રીસ્ક લેતા રોકે છે? એ સવાલ સાથે તેની નજર ત્રણ સળીયાવાળી બારીમાંથી બહાર પ્લેટફોર્મ પર ફરી રહી હતી એ નરસિંહને શોધવા કેમકે આ નરસિંહે ધ્રુવને એ શીખવાડ્યું જે તેની ડિગ્રીએ ક્યારેય ના શીખવ્યું! બાકી ડિગ્રીને કારણેજ તે 'લોકો શું વિચારશે' એ શરમને કારણે મેં સમજાવેલું છતાંય રીસ્ક લઈને મોબાઈલ ગેરેજનો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ અપ પ્લાન પડતો મૂકેલો! એ દિવસે એવું લાગ્યું કે જાણે અમે બંને એમબીએ તો હતા પણ માત્ર નામનાં!
*****