ધોરણ પ (અ)
ધોરણ પ (અ)


"શકિતમાન... શક્તિમાન... શક્તિમાન...અદ્ભૂત અદમ્ય સાહસ કી..."
"મા, જોવા દેને શક્તિમાન જ તો છે!" ટીવી બંધ થતાંજ નાનો હર્ષ અકળાઈને બોલ્યો.
"લેસન કરી લે પછી આ બધું જોજે... અને આજે તારો મિત્ર કરણ કેમ નથી આવ્યો શક્તિમાન જોવા તારી સાથે? એ નિશાળે આવ્યો હતો? એની તબિયત તો બરોબર છે ને?" મમ્મીએ એક સાથે બધું પૂછી નાખ્યું.
"કરણ?" કરણનો વિચાર આવતાંની સાથેજ હર્ષનાં પેટમાં ફાળ પડી અને તે ઘરમાંથી બહાર દોડ્યો. મમ્મી પણ પાછળ બૂમ પાડતી દોડી.
હર્ષ હાંફતો ફાંફતો શાળાનાં દરવાજે ઉભો રહ્યો, જોયું તો દરવાજા પર ખંભાતી તાળું લાગેલું! હર્ષે એટલી જોરથી "ક....ર....ણ..."ની રાડ પાડીકે સાંભળનારાંનાં રૂવાંડા ઉભા થઈ ગયા.
બીજા માળ પરનાં ધોરણ પ (અ)ની એક બારી રોડ પર પડતી, જેની નીચેથી હર્ષે બૂમ પાડેલી. "હ....ર્ષ..." બારી ખુલતાંજ દર્દનાક ચીસથી રોડ પર ઉભેલું ટોળું વિહ્વળથી ગયું. કરણની આંખો રડી રડીને સૂજી ગયી હતી.
***
દર શનિવારે શાળામાં સવારે 11 વાગ્યે રજા પડી જતી. ભણવામાં અવ્વ્લ પણ છેલ્લી બેન્ચે બેસતાં બે મિત્રો કરણ અને હર્ષ શિક્ષકોની નજરથી બચીને અગાશી પર ગયેલાં. અગાશી પરથી દરિયો જોઈ જયારે પોતાનાં ધોરણમાં બેગ લેવાં પાછા ફર્યા ત્યારે રજા પડી ગઈ હતી. પટાવાળો વર્ગને તાળા મારી રહ્યો હતો. હર્ષ અને કરણ બેગ લેવા પોતાનાં ક્લાસમાં ગયેલાં. હર્ષે કરણને "બાથરૂમ જાઉં છું" કહીને જલ્દી આવવા કહેલું. હર્ષ આછો ફર્યો ત્યારે ધોરણ પ (અ) બંધ હતો. તે એમ સમજ્યો કે કરણ જતો રહ્યો છે. કૈંક અજીબ અવાજ પણ સંભળાયેલો જેને ધ્યાનમાં ન લઈને તેણે 'શક્તિમાન' જોવા ઉતાવળા પગે ઘર તરફ દોડ્યો.
***
"બાથરૂમ જાઉં છું" હર્ષે ક્લાસ બહાર જતાં-જતાં કહેલું.
ચોપડાં ગોઠવતે-ગોઠવતે કેટલાંક ચોપડાં, માર્કેટમાં આવેલાં નવાં પ્લાસ્ટિકનાં ચઢાવેલાં કવરને કારણે, બેન્ચ નીચે સરકી પડ્યા. તેણે ચોપડા ઉપાડીને બેગમાં ભર્યા. છેલ્લીજ ચોપડી ઉપાડીને બેગમાં મૂકતા તેનું માથું બેન્ચ સાથે ભટકાયું અને તે "મા..."ની દર્દભરી ચીસ સાથે ત્યાંજ બેહોશ થઈ ગયો.
***
આસપાસનાં લોકોમાંથી એક રઇસ પોતાનાં બજાજ ચેતકને વાંકુ કરી, ચાલુ કરીને ફટાફટ પટાવાળાને ઘરેથી લઈ આવ્યો. કરણ હર્ષ પાસે આવ્યો. ખુશીથી પાગલ હર્ષ પોતાનાં મિત્રને ભેટવા બંને હાથ લંબાવ્યા જ હતાં કે 'સ..સ..સ..ટ્ટા..ક' અવાજ કરતો તમાચો કરણે હર્ષનાં ગાલ પર ચોડી દીધો!
***
આસપાસનાં લોકોએ કરણ પાસેથી તેની કથની સાંભળી અને પટાવાળાએ હર્ષ પાસેથી. ભૂલ તો કોઈની ના હતી અને ગેરસમજને લીધે મિત્રતામાં ભંગાણ પડે એવું તો આ બાળકોની નિર્દોષતા જોઈને કોઈ ઇચ્છતું નહતું.
બંનેને સાથે ઉભા રાખીને લોકોએ સમજાવ્યા, હર્ષનાં મમ્મી પણ કરણને પંપાળીને સમજાવ્યા ત્યારે બંને એકબીજાને "મારા ભાઈ...મારા ભાઈબંધ" કહીને રડતે રડતે ગળે મળ્યા!
બન્ને મિત્રો એકબીજાનો હાથ પકડી હંમેશ જેમ ગાતાં ગાતાં ઘર તરફ દોડ્યા...
"કરણ-હર્ષની દોસ્તી.. કોઈ ના શકે તોડી"