Sujal Patel

Inspirational Others

3  

Sujal Patel

Inspirational Others

ગોપી

ગોપી

5 mins
42


ગોપી...એકદમ શાંત અને કાન્હાજીની સાચી ભક્ત એવી સીધી અને સરળ છોકરી...જાણે કેટલાંય વર્ષોથી તેનાં મમ્મી-પપ્પાથી વિખૂટી પડીને તેના મામા મામી સાથે રહેતી હતી.

ગોપીના મામી ઉર્મિલાબેન ગોપી પાસે ઘરનાં બધાં કામ કરાવતાં. પણ ગોપી ક્યારેય કોઈ ફરિયાદ નાં કરતી. ઘરનાં બધાં કામ હોંશે હોંશે કરી આપતી.

એક દિવસ જન્માષ્ટમીનાં તહેવાર પર ગોપી કાન્હાજીના મંદિરે દર્શન માટે ગઈ. ગોપી રોજ મંદિરે જતી. તેનાં લીધે જન્માષ્ટમીના દિવસે મંદિરનાં પુજારી ગોપીના હાથે જ કાન્હાજીનુ મંદિર અને કાન્હાજીનો શણગાર સજાવવાનું કહેતાં.

ગોપી વહેલાં મંદિરે આવીને મંદિર અને કાન્હાજીને શણગારવા લાગી. આરતીનો સમય થતાં સૌ ભકતો કાન્હાજીના દર્શન માટે આવ્યાં. ગોપીએ તેનાં હાથે લાડું અને માખણનો પ્રસાદ કાન્હાજીને ધરાવ્યો. પછી ગોપીએ પોતાનાં મધુર અવાજમાં કાન્હાજીની આરતી ગાઈ.

ગોપીના અવાજમાં એક જાદું હતો. જાણે સાક્ષાત સરસ્વતી તેનાં કંઠે બિરાજમાન હતાં. ગોપીનો અવાજ સાંભળી કોકિલાબેન મોદી ગોપીની ભક્તિ અને સંસ્કારમાં મોહી ગયાં. આરતી પૂરી કરીને ગોપી બધાંને પ્રસાદ વહેંચતી વહેંચતી કોકિલાબેન પાસે પહોંચી. ગોપીના ચહેરા પરનું તેજ જોઈને કોકિલાબેને ગોપીને પોતાનાં દીકરા અહેમ માટે વહુ તરીકે પસંદ કરી.

કોકિલાબેન બીજાં જ દિવસે ગોપીની ઘરે પહોંચી ગયાં. કોકિલાબેનનો ઠાઠ જોઈને ઉર્મિલાબેન તો પાગલ જ થઈ ગયાં.

"અમે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યાં છીએ. અમને તમારી દીકરી પસંદ આવી છે. તેનાં લગ્ન હું મારાં દીકરા સાથે કરાવવાં માગું છું." કોકિલાબેને કહ્યું.

કોકિલાબેનની વાત સાંભળી ઉર્મિલાબેન તો રાજીના રેડ થઈ ગયાં. તેમને એમ હતું, કે કોકિલાબેન તેમની દીકરી રાશિનો હાથ માંગવા આવ્યાં છે. પણ હકીકત તો કંઈક અલગ જ હતી.

ઉર્મિલાબેન દોડીને રાશિનાં રૂમમાં ગયાં. રાશિ પોતાનાં રૂમમાં બેઠી બેઠી મોબાઈલમાં ગીતો સાંભળતી હતી. એ જોઈને ઉર્મિલાબેન તેની પાસે દોડી ગયાં, ને મોબાઈલમાં ગીતો બંધ કરી દીધાં.

"બહાર તારાં માટે મોટાં ઘરનું માગું આવ્યું છે, ને તું અહીં ગીતો સાંભળે છે !?" ઉર્મિલાબેન હરખભેર બોલ્યાં.

"મમ્મી, તું કહેવા શું માંગે છે ? જે હોય તે સીધી રીતે કહી દે." રાશિ અકળાઈને બોલી.

રાશિ ઉર્મિલાબેનની સગી દીકરી હતી. ગોપી કરતાં સ્વભાવે તદ્દન અલગ હતી. ગોપીને કામ કરવું પસંદ હતું. તો રાશિ કામની ચોર હતી. પણ રાશિ ક્યારેય કોઈનું ખરાબ નાં કરતી. એ તેની ખાસિયત હતી.

"તું જલ્દી તૈયાર થઈને બહાર આવ. તને બધું સમજાઈ જશે." ઉર્મિલાબેન રાશિનો ફેવરિટ ડ્રેસ કબાટમાંથી કાઢીને, રાશિનાં હાથમાં આપીને જતાં રહ્યાં.

ઉર્મિલાબેન રાશિને તૈયાર થવાનું કહીને ગોપીને ચા નાસ્તો બનાવવાનું કહેવા માટે ગોપી પાસે ગયાં. 

"ગોપી, જલ્દી ચા નાસ્તો બનાવી લે. મારી રાશિ માટે મોટાં ઘરનું માગું આવ્યું છે. કંઈક સારો નાસ્તો બનાવજે. જેવો મોટાં ઘરનાં લોકો કરતાં હોય એવો." ઉર્મિલાબેન હુકમ આપીને જતાં રહ્યાં.

રાશિ હજું તૈયાર થઈને આવી ન હતી. એ પહેલાં ગોપી ચા નાસ્તો લઈને બહાર પહોંચી ગઈ. કોકિલાબેન ગોપીને જોઈને તરત જ ઊભાં થઈ ગયાં. તેમણે ગોપીના સાથમાં તેમનાં ખાનદાની કંગન પહેરાવી દીધાં. ઉર્મિલાબેન આ જોઈને સ્તબ્ધ રહી ગયાં.

"ચાલો, હવે અમે નીકળીએ. ગોપી અને અહેમની સગાઈ અને લગ્નનું મુહૂર્ત અમે તમને જલ્દી જણાવી દઈશું." કોકિલાબેને ગોપીના માથે હાથ મૂકીને કહ્યું.

ઉર્મિલાબેન અહેમ અને ગોપીના લગ્નની વાત સાંભળીને ખૂબ જ ગુસ્સે થયાં. ખરેખર તો તેઓ રાશિ ઉપર ગુસ્સે હતાં. તેમને એમ હતું, કે રાશિએ તૈયાર થવામાં મોડું કર્યું. એમાં કોકિલાબેન ગોપીને કંગન પહેરાવીને જતાં રહ્યાં. પણ હકીકત તો કંઈક અલગ જ હતી. કોકિલાબેન તો ગોપી માટે જ આવ્યાં હતાં.

ગોપી પોતાનાં લગ્નની વાત સાંભળીને પોતાનાં ભાવિ પતિ સાથેનાં સપનાં જોવાં લાગી. ગોપી એકદમ શાંત અને સરળ છોકરી હતી. જ્યારે અહેમ‌ મોદી ખૂબ જ ગુસ્સાવાળો હતો. બંને વચ્ચે એક પણ પ્રકારની ટેવ કે સ્વભાવ મળતો ન હતો. પણ ગોપી એ વાતથી અજાણ હતી.

કોકિલાબેને થોડાં જ દિવસોમાં સગાઈની તારીખ નક્કી કરીને ઉર્મિલાબેનને જણાવી દીધી. ઉર્મિલાબેન ગોપીના લગ્નથી બિલકુલ ખુશ ન હતાં. એક તો ગોપી એટલાં મોટાં ઘરની વહું બનશે, ને પોતાની દીકરી રહી જાશે. એ વાતનો ગુસ્સો તેમને હતો, ને બીજું ગોપીના જવાથી ઘરનું બધું કામ તેમનાં પર આવી પડશે. એ વાતે તેઓ પરેશાન હતાં.

ગોપીની મુહૂર્તના દિવસ અનુસાર અહેમ સાથે સગાઈ થઈ ગઈ. સગાઈ પછી લગ્નની તૈયારીઓ પણ થવા લાગી. ગોપી અહેમને પોતાનાં પતિનાં રૂપમાં મેળવીને ખુશ હતી. પણ અહેમ ગોપી જેવી છોકરી સાથે લગ્ન કરીને ખુશ ન હતો. પોતે ભણેલો છે, ને ગોપી અભણ...એ વાતનો તેને અફસોસ થતો હતો.

ગોપી તેને તેનાં સપનાંનો રાજકુમાર મળી ગયો. એ વિચારીને કાન્હાજીનો આભાર માની રહી હતી. એ સમયે અહેમ પણ મંદિરે આવ્યો. અહેમને જોઈને ગોપી શરમાવા લાગી.

"મારે તારી સાથે બે મિનિટ વાત કરવી છે." અહેમે કહ્યું.

"જી..બોલો." ગોપીએ વિનમ્રતાથી કહ્યું.

"તારી અને મારી વચ્ચે ઘણો ફરક છે. પણ મારાં માટે એ મહત્વની બાબત નથી. પણ કોઈ માણસ મનથી પોતાને બદલવા ઈચ્છે તો પોતાની જાતને ઘણી હદ સુધી બદલી શકે છે. 

હું માત્ર એટલું જ ઈચ્છું છું, કે તું પણ એવું જ કરે. તું સંસ્કારી છે. પણ અત્યારનાં આધુનિક સમયમાં રહેવા માટે થોડી દુનિયાદારીની સમજ જોઈએ. જેમાં તું ખરાબ લોકોથી તારી રક્ષા કરી શકે." અહેમ નાની-નાની વાત ગોપીને સમજાવી રહ્યો હતો.

અહેમના એ રીતે સમજાવવાથી ગોપી ખુશ થઈ. તેણે એક નજર રાધે ક્રિષ્નની મૂર્તિ તરફ કરી. પછી અહેમ સામે જોયું.

"હું બની શકે એટલી ખુદને આ સમય અનુસાર ઢાળતા શીખીશ." ગોપીએ કહ્યું.

ગોપી માત્ર એકવાર જ સમજાવવાથી સમજી ગઈ. એ વાત અહેમને ગમી. ગોપી અભણ જરૂર હતી. પણ જો કોઈ તેને પ્રેમથી કોઈ પણ વાત સમજાવે. તો એ બહું ઝડપથી સમજી જતી. એ જાણીને અહેમને શાંતિ થઈ.

એક મહિનાની અંદર ગોપી અને અહેમના લગ્ન થઈ ગયાં. અહેમ રોજ ગોપીને કંઈક નવું શીખવતો. ગોપી બહું ઝડપથી બધું શીખી રહી હતી. ગોપીએ ઘરનાં કામ પણ બહું સારી રીતે સંભાળી લીધાં હતાં. કોકિલાબેન તો આખો દિવસ ગોપી વહુ ગોપી વહુ કરતાં થાકતાં ન હતાં.

ગોપીએ કોકિલાબેનની મદદથી પોતાનાં સંસ્કાર અને ભક્તિ જાળવી રાખી હતી. તો અહેમની મદદથી એ અંગ્રેજી બોલતાં અને ક્યાં વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી. એ બધું શીખી રહી હતી.

લગ્નને હજું થોડો જ સમય થયો હતો. ત્યાં તો ગોપી એકદમ બદલાઈ ગઈ હતી. માત્ર કાન્હાજીની ભકિત કરવાવાળી ગોપી વહું હવે મોર્ડન પણ બનતી જતી હતી. સમય સાથે ચાલતાં ને બોલતાં તેણે શીખી લીધું હતું. એક જ પ્રકારનું વર્તન કરનારી ગોપી હવે દરેક પરિસ્થિતિને અનુરૂપ રહેતાં શીખી ગઈ હતી.

ગોપીએ સંસ્કારની સાથે દુનિયાની ઓળખ કરતાં પણ શીખી લીધું હતું. હવે તે ગમે ત્યારે ગમે તેવી રીતે રહી શકવા સક્ષમ હતી. તેને કોઈ વાતનો ડર કે સંકોચ થતો ન હતો. 

ગોપીને લગ્ન પછી એક વાતનો અહેસાસ થયો, કે દુનિયામાં ઘણાં રંગો છે. જેમાં વ્યક્તિએ તમામ રંગો અનુસાર ઢળતાં શીખવું જોઈએ. નહીંતર દુનિયા આપણને બેવકૂફ સમજી બેસે છે. પણ દુનિયા સાથે કદમથી કદમ મિલાવવાના ચક્કરમાં પોતાની જાતને અને પોતાનાં સ્વભાવને ગુમાવી દેવો ન જોઈએ. કેમકે વ્યક્તિની સાચી ઓળખ તેનો સાચો સ્વભાવ જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational