Shital Gadhavi

Inspirational

3  

Shital Gadhavi

Inspirational

ગોધૂલી

ગોધૂલી

5 mins
7.2K


"કઉ સુ ટીનુડા.. ડેલીનો કમાડ જયટ બંધ કર. ગોધૂલી વેળ સે.. બધીઓ આવતી હશે ટોકરી વગાડતી.. હંધુય ઘર ધૂળમાં વહી જાશે.. પસી ઈને હરખું કરતા નોકે પોણી આવસે."

ટીનુ અને જમના શહેરથી ખુબ દૂર અંતરિયાળ ગામમાં એક બીજાના સહારે રહેતા હતા. ટીનુના પિતા એના જન્મબાદ એકાદ વર્ષમાં જ ટીબીના કારણે પરલોક શીધાવ્યા હતા. મા ગામના મોટા ઘરોમાં છુટક કામો કરીને ઘર ચલાવતી અને ટીનુને ગામની પાઠશાળામાં ભણવા મોકલતી. ટીનુની નિશાળની ફી માફ હતી.

"હા.. મા કમાડ ધક્કો દૈ વાસ્યુ સે.. એક કણ નૈ આવે."

"મારો વ્હાલીડો.. ફળિયામાં પાપડની હૂકવણી કરી સે ઈમા ધૂળ ભળે તો.. ! તું ઝ કે' મા.. આ પાપડમાં કસડ કસડ ચેમ થાય સ. હા.. મુ પુસવાનું ભૂલી.. નેહાળમાં ચેમનુ હેડે સે.. ભેઝામાં ઉતરે તો સે ને.. કે પસી ઓલી માસ્તરાણીને મારું મોઢું બતાવવા મુ આવું ?"

ટીનુ ચોથા ધોરણમાં ભણતો હતો. એના પિતાજી નહિ હોવાથી જમના એને કઈ વાતે ઓછું નહોતી આવવા દેતી.

"તારા બાપુય મુને ઓઇ કણે નોધારી મેલીને હાલ્યા ઝ્યા.. ઈ હોત અટાણે તો ચંતયા નો'તી." બોલતા એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

"મુ કઉ સુ.. આવી ઝ્યા.. દા'ડો ચ્યેમનો રયો.. હાથ ધોઈ લ્યો.. દિ' આખો ડોબા હંકારી લાકડી લઇ મેલા ડા' થૈ ઝ્યા સ.." એક શ્વાસે જમના એના પતિને પૂછી લેતી.

"ગરીબ માણહને ચ્યો દા'ડો.. આ તો ઝનમ દીધો સે તે આંટો પૂરો કરવાનો સે.. બાકી કહું તો હારો ઝ્યો.. તને હારું લગાડવા.. હોં.. હોંજ પડે તઈ મનમાં ટાઢક વળે હાંશ એક દિ' ઓસો થ્યો." જમના અને એનો પતિ શ્યામુ ગરીબીમાં પણ પ્રેમથી રહેતું દંપતી હતું. શ્યામુ ગામના જ એક જમીનદારના ખેતરમાં ગણોતિયો હતો. બળદની જોડી પણ જમીનદારની હતી. એના બદલે બળદને ચારો અને વર્ષે અમુક રકમ મળતી.

"હુ થાય સે ઝમના.. ચ્યમ આમ નંખઈ ગૈ સે.. શે'ર જાઉં સે.. કો'ક દાક્તર પાહે ?" જમનાને સારા દિવસો જતા હતા. એ શરમાઈને જતી રહી. શ્યામુ પણ એની પાછળ ઓરડીમાં ગયો. વાત જાણીને રાજીના રેડ થઈ ગયો.

"ઓ ઝમના.. ઓરી આવ.. મારાથી હુ હરમાય સે.. મુ તો તારો ધણી અને હવે.. એક સોકરાનો બાપ." જમના એને લજામણીની વેલ માફક વીંટાઈ ગઈ.

"કહુ સુ.. તું અતારથી જ આરામ કર.. કોઈ કોમ કરવું નૈ.." 

"હુ તમેય.. મુ કોમ નહિ કરું.. તો કુણ કર સે.. ઓમ.. ઘેલા ન થાશો.. મુ નવૈની મા બનવા નૈ જૈ રૈ.. રોજ ચેટલીય જમના સોકરા જણે સે.. હુ હમજ્યા.. હવે તમે અહીંથી જાવ.. કોમે વળગો.. મુ મારુ કોમ પતાવું."

શ્યામુને બીડીનું વ્યસન હતું. દિવસમાં દસેક બંડલ ફૂંકી નાંખતો. આજકાલ એનું સ્વાસ્થ્ય વધારે બગડ્યું હતું.

"કઉ સુ નૈ હામભળો મારુ.. મારા હમ દીધા તોય.. કાલ ઓઇ ઓગણમાં કિલકારી ગૂંજશે.. જો તમનને કૈ થ્યુ તો પસી ઇનુ ને મારુ કૈ વિસાર્યું સે..?"

જમના શ્યામુને ખુબ સમજાવતી. શહેરમાં ડોક્ટરને બતાવી ચુક્યા. હવે તો શ્યામુને ગળફામાં લોહી પાડવાનું ચાલુ થઇ ગયું હતું. ડૉક્ટરના કહેવા મુજબ ફેફસામાં ધૂમાડા એ ઘર કરી લીધું હતું. એ હાલતમાં ઘરમાં એક નવું મહેમાન આવ્યું. દીકરાનો જન્મ થયો. એક જોતા પ્રભુએ થોડીક કૃપા કરી એમ કહું તો કંઈ ખોટું નથી. જો દીકરી જન્મી હોત તો.. !"

"ટીનુના બાપુ.. કહુ સુ.. આ દવા લૈ લ્યો.. હંધુય હારું થાશે.. હારે હવે ટીનુડોય સ.. ઉપરવાળો એની હામુ તો જરૂર જોસે.." બોલીને જમના પોતાનું અને પતિનું મન મનાવતી. દવા પાછળ ઘર પણ જમીનદારના ચોપડે ગીરવે બોલતું હતું. આજીવન એ કર્જ ઉતરે એમ નહોતો. એક ગોઝારી સાંજ જમના અને શ્યામુને અલગ પાડી ગઈ. ગોધૂલી જ ટાણું. શ્યામુ એ અનંતની વાટ પકડી.

"ઝમના.. જો તો.. ઓલો હુરજ ભાળે સે.. આજે ઈ વધારે કેસરીયો રંગ સોળીને આયો સે.. સાંદ પણ સમકશે.. કોઈ દિ' ન ભાળ્યો હોય ઇમ.." બસ આ શ્યામુના અંતિમ શબ્દો હતા. એ સૂરજ જોતા એની આંખો બિડાઈ. ત્યારે પણ ગાયોના ધણ પાછા વળતાં ધૂળ ઉડાડતાં આવતા હતાં. એનું ઘર ધૂળથી ભરાઈ ગયું હતું. બસ ત્યારથી જમનાને એ સમય ગમતો નહોતો. ટીનુને પણ એ સમયે ઘરમાં જ અને એની આંખ આગળથી ન ખસવા સ્પષ્ટ સૂચના હતી.

 

"અડપલું કરી ખસીને જાય છે ક્યાં સાંજ એ?

ના કહેવાનું ઘણું કહીને જાય છે ક્યાં સાંજ એ?"

"મા.. હુ વચારે.. કહુ સુ.. બહુ ભૂખ લાગી. માઇલી કોર બલાડા બાયથુ ભરે સે.. જલદી વાળું પતાવી મારે ભણવું સે.. બહુ લેસન આલ્યું.. તે હે મા.. ગોમમાં તો પાંસ સોંપડી હુધીની જ નેહાળ.. પસી તુ મને આગળ ભણવા શે'રમાં મેલીશ ?" 

જમના માંડ વિચારમાંથી બહાર આવી. ત્યાં ટીનુડાનો આ સવાલ સાંભળી એ ચમકી. ટીનુને એ લગીરે દૂર કરવા નહોતી માંગતી.

"ના.. ઝરાય નૈ. તું થોડો ભણી ગણીને દાક્તર થવાનો સે.. તારે પણ તારા બાપુની જ્યમ ગણોતિયો થવાનું.. ડોબા સરાવાના. ઇમેય તને યા મોકલવા હારું મારી પાહે ઠયા ક્યાં સે ?" હંધુય ઘર જમીનદારના સોપડે સે. મુ ઇસ્સુ તોય કૈ થાય ઇમ નહિ." 

ટીનુ એ સાંભળીને રડવા લાગ્યો. એને આગળ ભણવું હતું. એના શિક્ષકો પણ કહેતા કે એ ભણવામાં ખુબ હોંશિયાર હતો. એને એમ પણ મજૂરી પસંદ નહોતી.

ધીમેથી એ જમુના પાસે ગયો. 

"મા.. કોઈ મારો ખરસો આલે.. મને ભણાવે.. તૈ તુ જવા દૈસ ?" જમનાએ વિચાર કર્યો કે એનો ખર્ચો કોણ આપશે.

"હોવ.. જો કોઈ તારા ભણતર હારું ખરચ દેવા તૈયાર હોય.. તો મુ હુ લેવા ના ભણુ.. મુ તારી મા સુ મનય ગમસે તુ ભણે..હાલ અતારે વાળું કર.. ત્યારે હંધુ જોયુ જાહે.."

ટીનુડો પાંચમા ધોરણમાં સારું પરિણામ લાવ્યો. એના સ્કૂલના અપરણિત શિક્ષકે એને આગળ ભણાવવા માટે ખર્ચો ઉપાડવાની તૈયારી બતાવી. ગામના લોકોએ ખુબ સમજાવી. એ માંડ માંડ રાજી થઈ.

"માસ્તર.. ઈક વાત સે.. મારા ટીનુડો હેમખેમ મારી પાહે પાસો આવવો જોસે.. ને'તર મારા ઝેવી વહમી કોઈ નૈ હોં.. મારા ગડપણની લાકડી સે.. બિઝુ કુણ ઇના વિના.." બોલતા એ ટીનુને પકડી રડી પડી. શિક્ષક પોતાની જવાબદારી ઉપર ટીનુને શહેરમાં ભણાવ્યો. વર્ષો જમનાએ ગામડામાં એકલા રહીને વિતાવ્યા.

"મા.. ક્યાં ગઈ ?" એક દિવસ ગોધૂલી વેળાએ જ ટીનુ શહેરમાંથી ભણીને ગામમાં આવ્યો. ગાયોના ધણ પાછા વળી રહ્યા હતા. ધૂળની ડમરીઓ ઉડી. સૂર્ય આજે કેસરીયા રંગની ચૂનર ધારણ કરી ફરી આવ્યો હતો. એ ઉજાસમાં રાહ જોઈને ઘરડી થઇ ગયેલી નજર અને સમયના મારથી વહેલી વળી ગયેલી કમર ખાટલામાં સ્હેજ સળવળી.

"ટીનુડા.. આવી ગ્યો દીકરા.. ઓરો આવ.. ધ્યાનથી ઝોવા તો દે.." જમનાના મુખેથી ધ્રુજતા શબ્દો નીકળ્યા.

"આજે ડેલી બંધ કરવાનું નહિ કહે.. ધૂળની ડમરી ઉડાડતી ગાયો આવી રહી છે."

"ના.. ધૂળનેય આવવા દે.." એ દીકરાને શૂટમાં સજ્જ નિરખતી રહી. કાયમ માટે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational