Shital Gadhavi

Others

1.7  

Shital Gadhavi

Others

તન્નો રુદ્ર પ્રચોદયાત - એક ડરામણી વાર્તા

તન્નો રુદ્ર પ્રચોદયાત - એક ડરામણી વાર્તા

11 mins
14.9K


રાત ઘણી વીતી ચૂકી હતી. મોડી રાતે ડ્રાઈવિંગ કરવું આયુષને ઓછું ફાવતું, પણ આજે શહેરમાં અગત્યની મિટિંગ હોવાથી વળતાં મોડું થયું. એણે ભગવાનનું નામ લઈને ગાડી સ્ટાર્ટ કરી. ચાલીસ-પચાસની ઝડપે સુમસામ રસ્તા પર ગાડી દોડવા લાગી.

"ઘરે નેહાને ચિંતા થતી હશે. મોબાઈલમાં પૂરતું ચાર્જીન્ગ નથી, તો વાત પણ કેવી રીતે કરું? આ સોકેટ પણ બગડેલું છે ને..." એ સ્વગત બબડયો.

આઠેક કિલોમીટર ગાડી ચલાવ્યા પછી આયુષને એ.સીમાં પસીનો વળવા લાગ્યો. એકાએક કબ્રસ્તાન પાસે ગાડી બંધ પડી.ચિત્રવિચિત્ર અવાજો એના કાનમાં સંભળાવવા લાગ્યા. ગાડીની લાઈટો ચાલુ બંધ થવા લાગી. અચાનક મોબાઇલની રિંગ વાગી. આયુષે જોયું તો મોબાઇલ સ્વિચ ઑફ હતો.

અચાનક એણે ગાડીની બહાર ડોકિયું કર્યું. ન સમજાય એવી નિરવતા ભાસતી હતી. ગાડી ઊભી હતી છતાં એમાંથી અવાજ આવતો હતો. જાણે એ ડચકાં ખાતી હોય એમ જ. એ અવાજ વાતાવરણની ભયાનકતા વધારી રહ્યો હતો.

એ નીચે ઉતર્યો.

"આ જગ્યાએ હું અનેક વાર આવી ગયો છું. સામે આ કબ્રસ્તાન! ના ના... અહીં તો એક આખી વસ્તી હતી. અહીં ઝાડ હોવું જોઈતું હતું. ત્યાં રઘુનો પાનનો ગલ્લો, ઘરડા અને યુવાનોથી હંમેશાં ખીચોખીચ, છલકાતો રહેતો."

આયુષને કંઈ સમજાતું નહોતું. સામેથી એક માણસ હાથમાં ફાનસ લઈને આવતો જણાયો. આયુષ કંઈ સમજે એ પહેલાં એ, એની સન્મુખ આવી ઊભો રહી ગયો.

"આટલી રાત્રે અહીં મહાણમાં શું કરો છો સાહેબ? કોને શોધો છો!"

આ સવાલ સાંભળી આયુષ થોડો ડરી ગયો. એ વિચિત્ર દેખાતો માણસ બોલતો હતો ત્યારે એના મોમાંથી લાળ ટપકતી હતી.

"તમે... કકકો...ણ?" આયુષે પૂછ્યું. સુમસામ રસ્તાની ડાબી બાજુએ ઊભેલા બંને જણ સિવાય ક્યાંય કશુંય જીવંત નહોતું લાગતું. નો ડાઉટ, સન્નાટો તદ્દન ડરાવી મૂકે તેવો હતો જ પણ આયુષ ડરપોક થઈને પરિસ્થિતિથી ભાગે એવો નહોતો.

સિત્તેર વર્ષ વટાવી ચૂકેલા એ વૃદ્ધના વિચિત્ર ચહેરાને નજીકથી જોવા માટે એ તેની વધુ નજીક સર્યો. કદાચ એ ચહેરો ઓળખીતો પણ હોય. ચહેરાની કરચલીઓને જો દૂર કરવામાં આવે તો એ કોઈ પરિચિત જ છે એવું તેને ઊંડે ઊંડે ક્યાંક લાગ્યું. પણ એ કંઈ બોલે એ પહેલાં જ તે વૃદ્ધે જોરથી બૂમ પાડી.

"ચાલ્યો જા... એ આવી જાશે... તું ચાલ્યો જા... જીવતાં રહેવું હોઈ તો ભાગી જા..."

એક ક્ષણ માટે તો એના ધબકારા લોકલમાંથી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ઝડપથી ચાલવા લાગ્યા... પણ 'એ' એટલે કોણ? એ જવાબ મેળવવો હવે તેના માટે જરૂરી હતો. એ હજુ કંઈક બોલવા જઈ રહ્યો હતો. ત્યાં જ પવનનું એક તોફાન તેને ઘેરી વળ્યું. એ વંટોળમાં ફસાયો અને એ જ ક્ષણે એણે મહાભયાનક દેખાતી એક સ્ત્રીને જોઈ.

આ શું ને કેમ થઈ રહ્યું છે એ વિચારે પહેલાં તો પોતે કંઈક અણગમતા ચક્રવ્યૂહમાં ફસાયો છે એવો અણસાર એને આવી ગયો ને હવે એમાંથી બહાર આવવાના ફાંફાં મારવાના ચક્કરમાં એ ભયાનક સ્ત્રીને જોઈને હાથ લાંબો કરી એને ધક્કો મારી ગાડીમાં બેસવા ગયો એ પહેલાં તો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ.

કોઈ દિવસ ન ડરનારો આયુષ પણ ડરી ગયો.  

આયુષની આંખ ઊઘડી ત્યારે એ ગાડીમાં પડ્યો હતો. સવાર થઈ ગઈ હતી. આજુબાજુ જોયું તો જરાક આગળ પાનનાં ગલ્લાનું શટર ખુલી રહ્યું હતું.

એ એકદમ ઝબકીને ગાડીમાંથી નીકળી ગલ્લાવાળા પાસે ગયો ને રાતની ઘટનાની વાત કરી.

ગલ્લાવાળો ફાટી આંખે એની સામે જોવા લાગ્યો. જાણે કોઈ ભૂત જોતો ન હોય! એટલે આયુષ મુંઝાયો ને એને હલબલાવીને પૂછવા લાગ્યો.

ગલ્લાવાળાએ કહ્યું, "તમે જીવતા છો એ જ અચરજની વાત છે. રાતે જે જોયું એ દર અમાસની રાતે દેખાય છે. પણ એ વાત બીજા દિવસે કહેવા આજ સુધી કોઈ બચ્યુ નથી."

એ સાંભળીને આયુષ ત્યાં જ બેભાન થઈ ગયો.

"કહીં દિપ જલે કહીં દિલ..." રિંગટોન વાગી અને એ જ સમયે મોંઢા પર જોરથી પાણીની વાંછટ... આયુષ એક ઝાટકે ઊઠીને બેઠો થયો. એનો મોબાઈલ ગલ્લાના ચાર્જર પર વાગી રહ્યો હતો. પણ... આ રિંગટોન ક્યારે બદલાઈ?

"મારા હાથમાં ફોન આવે એટલે મારી મનગમતી રિંગટોન..."

આ તો રાતવાળી જ યુવતી... આયુષ ભાગવા જ જતો હતો ત્યાં તો ગલ્લાવાળાએ એને પકડ્યો,

"ચિંતા ના કરો, હું છું ને..."

હજુ આયુષને હાશકારો થયો ના થયો ત્યાં તો રાતવાળા ફાનસ લઈ આવેલા વૃદ્ધનો ચહેરો યાદ આવ્યો... એણે ગલ્લાવાળા તરફ જોયું... હવે એની ફાટી, સાલું જોર ભરાયા, એને કાલે પત્નીએ કીધેલી વાત યાદ આવી, "બે અમાસ છે, લો આ ખિસ્સામાં રાખો..." આયુષે ખીસ્સુ ફંફોસ્યું.

"નાળ મારી પાસે છે..." પેલી યુવતીએ આયુષને આંખ મારી. આયુષ ભયનો માર્યો કોકડું વળી ગયો.  

આંખે અંધારા આવવા લાગ્યાં. એની બધી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ડોલવા લાગી. "ઓહ નેહા... આ તારી નાળથી ડરવાનું તો દૂર આ ભૂતડી તો એનાથી રમે છે!" મનમાંને મનમાં આયુષ વિચારતો હતો કે આ મુસીબત આવી ગઈ એનું શું કરવું.

"આયુષ તને શું લાગે છે, હું કેટલા વર્ષની હોઈશ?" રૂપાળું ભૂત બોલ્યું..

"વોટ? તું... તને... મારું નામ...!"
"હા હા હા હા..."

એ ભયંકર અટ્ટહાસ્યના પડઘા પડવા લાગ્યા ને આયુષે એકદમ બેચેની અનુભવી એનો શ્વાસ રૂંધાતો ગયો. આંખો આગળ અંધારું છવાયું. પણ આયુષે એક છેલ્લા પ્રયત્ન તરીકે ચીસ નાંખી.

"હેલ્પ.... "

"મદદ... અરે... કોઈ બચાવો આ કામદેવ જેવા યુવાનને..! હા...હા...હા..." કહેતા એ આયુષની એકદમ નજીક આવી ગઈ, લગોલગ.

"મેં ક્યાં તમારો પગાર પૂછ્યો છે? ઉંમર પૂછી છે, તે પણ મારી. તો પણ આટલા ગભરાઈ ગયા?" એટલું કહેતાં તો એ આયુષના વાળમાં આંગળીઓ ફેરવવા લાગી. આયુષની ચકળવકળ નજર પાનના ગલ્લા તરફ ફરી. એ લારીની નીચે જ એને રાતવાળું ફાનસ દેખાયું. જેનો કાચનો ગોળો એક બાજુએથી જરા તૂટેલો હતો.

સવારના પહોરના આહલાદક વાતાવરણમાં પણ આયુષ પરસેવે નીતરી રહ્યો. ચક્કર જેવું લાગતા એણે લારી પર હાથ ટેકવ્યો અને અનાયાસે જ એનો હાથ લારીની બેઠકની ગાડી નીચે લાગ્યો. રબર જેવું કે કશું ચામડા જેવું હાથને સ્પર્શ્યું. એણે ખેંચીને જોયું તો કરચલી વાળા ચહેરાનું માસ્ક!

હજુ તો એ કશું સમજે એ પહેલા જ સામેથી એણે એક માણસને પોતાની તરફ આવતો જોયો અને યાદ આવ્યું. "હા, આતો એ જ છે જેણે ગઈ કાલે રાત્રે પોતાની ગાડીમાં પેટ્રોલ ભરી આપ્યું હતું." આયુષને મદદની આશા બંધાઈ, ન બંધાઈ ત્યાં તો પેલા માણસે ખીસામાંથી નાની ગન કાઢી એના તરફ તાકી.

આયુષ હવે ખરેખર ચકરાવે ચઢ્યો. એની સમજમાં કાંઈ કહેતા કાઈ આવી રહ્યું નહોતું. કાલ રાતથી અત્યાર સુધીમાં એ પોતાની ફિલ્મના એક પાત્ર જેવું જ કિરદાર જીવ્યો હતો.

બંદૂકનું નાળચું એની તરફ તકાયેલું હતું અને પેટ્રોલ પમ્પવાળો માણસ તથા પેલી રાતવાળી ભેદી કન્યા બેય એને તાકી રહ્યા હતા.

એમને આ માણસ ગજબ લાગતો હતો. આટલી ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થયો તોય ડર્યા વગર સામે ઊભો છે, જાણે બંદૂક નહિ કોઈ રમકડું હોય.

છોકરીએ પેલાને ઈશારો કર્યો. ત્યારે ભાઈ સમજ્યો કે આયુષ ક્યાંક ખોવાયો છે. એને ઢંઢોળવાની જરૂર છે.

સ્તબ્ધ બની ગયેલો આયુષ હજુ માની શકતો ન હતો કે જે પ્લોટ પોતે પોતાની આગામી હોરર ફિલ્મ માટે, રામસે સરને હજુ કાલે સાંજે જ સંભળાવ્યો હતો, જેની નેહાને પણ હજુ ખબર નથી. એ પ્લોટનું એ પોતે એક પાત્ર બની ગયો. આટલી સહેલાઈથી...?

પેલા બેય એની એકદમ નજીકમાં જ કંઈક વાતચીત કરી રહ્યા હતા પણ એમનો અવાજ સહેજે સંભળાતો ન હતો.

એ હજુય પોતે સંભળાવેેલો પ્લોટ અને પોતાની સાથે ભજવાઈ ગયેલો પ્લોટ, બેયને મનોમન સરખાવી રહ્યો હતો... તો શું... આ બધું...?

આયુષનું મગજ આ બધાં વિચારોથી ફાટફાટ થતું હતું. તેણે બંને હાથે માથું પકડી લીધું. અચાનક તેને યાદ આવ્યું કે નેહાએ નાળ સાથે એક મંત્ર બોલવા પણ કહ્યું હતું. પણ આ રમખાણમાં યાદ આવતો ન હતો. તેણે યાદ કરવાની કોશિશ કરી. તૂટક તૂટક યાદ આવતો ગયો એમ બોલતો ગયો.

"ૐ તત્પુરૂષાય... વિદમહે... મહાદેવાય... ધીમહી.. તન્નો રુદ્ર પ્રચોદાયત." આયુષને આખો મંત્ર યાદ આવી ગયો અને એ મંત્રનો જાપ કરવા માંડ્યો અને તેનામાં અલૌકિક શક્તિનો સંચાર થવાં માંડ્યો. હાથ પગમાં જોમ ભરવા લાગ્યું. તે એક ઝાટકા સાથે એ ગનવાળા માણસ તરફ ધસી ગયો અને તેને એક પંચ મારીને ગન ઝુંટવી લીધી અને ગન પેલાં તરફ તાકતા બરાડ્યો.

"હેન્ડઝ અપ નાઉ યુ ઓલ, કોઈએ હવે હલવાની કોશિશ કરી છે તો તેનું ઢીમ ઢાળી દઈશ. માસ્ક અને ફાનસ હું જોઈ ચૂક્યો છું. હવે તમારા નાટક પરથી પડદો ઉઠાવી લો ચાલો."

ગનવાળાએ પેલી ભેદી કન્યા સામે જોયું અને બંને અટ્ટહાસ્ય કરવા લાગ્યાં.

અચાનક એક ગોળી છૂટવાનો અવાજ આવ્યો અને આયુષ પીડાથી બરાડી ઊઠ્યો. એના લોહીલુહાણ હાથમાંથી બંદૂક દૂર ફેંકાઈ ગઈ. પેલી સ્ત્રીએ ત્વરીત એ ઊંચકી લીધી. દૂરથી એક બીજો સ્ત્રી પડછાયો એની નજીકને નજીક આવતો હતો.

"અરે! આ તો..." નજર સમક્ષ એકસરખી દેખાતી બે ભેદી કન્યાઓને જોઈને એ ચોંકી ગયો.  એ સ્ત્રી એની એકદમ નજીક આવી પહોંચી ત્યાં સુધી એ અપલક એને જ જોતો રહ્યો. એણે બંદૂક પકડેલી સ્ત્રી તરફ નજર કરી તો એનું હૃદય એક ધબકાર ચૂકી ગયું. ત્યાંનાં તો કોઈ બંદૂક હતી, ના બંદૂક પકડેલી કોઈ સ્ત્રી, ના ચાનો કોઈ ગલ્લો, ના એ ચા વાળો કે ના કોઈ પેટ્રોલપંપ વાળો.

પોતાના સલામત હાથને એ આશ્ચર્યથી જોઈ રહ્યો. શું સત્ય, શું આભાસના તાણાવાણામાં એનું મગજ ગોથાં ખાવા લાગ્યું, 'પણ મેં અનુભવેલી હાથની પીડાનું શું? એ કેવીરીતે મિથ્યા હોય શકે? આવું બને જ કેવી રીતે?'

હવે ફક્ત એ હતો, એ ભેદી સ્ત્રી હતી, દૂર ઊભેલી એની ગાડી અને બંને તરફ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સુમસામ સડક…

"અહીંયા જ પડ્યા રહી મોતને વહાલું કરવું છે કે શું?" ભેદી સ્ત્રી ગાડી તરફ ચાલવા લાગી."

"શું છે આ બધું? તમે કોણ છો? એન્ડ હું... હું... હું... અહીંયા કેમ આવ્યો?" આયુષ તેની પાછળ દોરવાયો.

"તારો ભુતકાળ આયુષ? મેં કાલે રાતે તને બચાવી વગર કારણે મુસીબત નોતરી છે." તે પૂતળું થઈ ઊભી રહેતાં બોલી.

"વોટ નોનસેન્સ! કાલે તો તું જ મને મારવા ગન હાથમાં લઈ ઉભી હતી." આયુષ બરાડી ઊઠ્યો.

તે પાસે આવી. "તું એમ નહીં સમજે. તને બધું સમજાવવું પડશે." એને આખી વાત કહેવા માંડી. સાંભળીને આયુષ સ્તબ્ધ થઈ ગયો. તે કોઈ હોરર મુવીની સ્ટોરી સાભંળી રહ્યો હતો કે શું?

અજયગઢનો એ કિલ્લો અને અમાસની એ અંધારી રાત. હવે નેહાએ આપેલી નાળનું રહસ્ય સમજાયું. શું ફરીથી આ બધું?

તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.

"પણ તને આ બધી કેમ ખબર?" તે ધ્રુજતા સ્વરે બોલ્યો.

"આવતી અમાસે આવી જજે... તને બધું સમજાય જશે. હું રાહ જોઈશ તારી અજયગઢના કિલ્લામાં..." આટલું કહી એ ભેદી સ્ત્રી અટ્ટહાસ્ય કરતી હવામાં ઓગળી ગઈ.

આયુષની ગાડી આંખના પલકારામાં તેની પાસે આવીને ઉભી રહી. તેને દરવાજો ખોલ્યો ને ડ્રાઇવરની સીટ પર એક ફોટો જોયો.

"ઈટ્સ ઈમ્પોસીબલ..." કહેતો એ બેહોશ થઈને ઢળી પડ્યો.

થોડીવાર પછી આયુષ ભાનમાં આવ્યો તે ગાડીમાં જ હતો અને એ સ્ત્રીનો ફોટો તેની પાસે જ પડ્યો હતો.

"અરે, આ તો રાતના મારી સાથે વાત કરતી હતી એની સાથે હતી એ... સ્ત્રીનો ફોટો..?"

મગજ ચકરાવે ચડી ગયું પણ હવે તો નક્કી કરી જ લીધું.

"જે થાય તે મારે ભૂતકાળને જોવો જ છે." 

"તો શું મારે આવતી અમાસ સુધી રાહ જોવી? અજયગઢના કિલ્લામાં તો આજે જ જવું છે."

એ ગાડી લઈ નીકળી ગયો. નેહાએ આપેલ નાળ તો ભૂતડીએ લઈ લીધી હતી. પણ તોય હવે ડર્યા વગર રહસ્ય તો જાણીને જ રહીશ.

આયુષની ગાડી સીધી અજયગઢના કિલ્લા પાસે ઊભી રહી. ત્યાં જ એની નજર વિચિત્ર લાગતા વૃદ્ધ પર પડી. આયુષ એની નજીક ગયો. ચહેરો પરિચિત તો લાગે જ છે, પણ યાદ નથી આવતું.

એ વિચારતો હતો ને એ વૃદ્ધ તાડુકીને મોટા અવાજે બોલ્યો, "ચાલ્યો જા....તું ફરી અહીં આવ્યો? એ આવશે તો તને જીવતો નહીં રહેવા દે... તું ચાલ્યો જા."

આટલું બોલતા એ હાંફી ગયો... અને આયુષ ત્વરાથી તેમની નજીક ગયો કે પવન તોફાનની જેમ ફૂંકાવા લાગ્યો... અને... આંખના એક પલકારામાં જ પેલો વૃદ્ધ ગાયબ!

એની નજર હવેલીના આંગણમાં પડેલ ઝૂલા પર ગઈ... પવન હજુ ફુંકાતો હતો... અને પેલી ભેદી સ્ત્રી ઝૂલા પર બેઠી હતી. એ દોડ્યો, પણ પવને એને ઘેરી લીધો... થોડીવારમાં પવન શાંત થયો... ઝુલો ખાલી હતો... ભેદી સ્ત્રી ગાયબ...

ફાટી આંખે આયુષ તાકી રહ્યો. ખાલી ઝુલો હવામાં ફંગોળાતો હતો. ત્યાં જ બાજુના ખીજડાના ઝાડ પરથી ચીબરીની ભેદી ચીચીયારી સાંભળી એ થડકી ગયો. પણ "આજે તો આ ભુતકાળનું રહસ્ય જાણીને જ રહીશ, કા તો અહીં જ મરીશ." એમ વિચારી એ ગઢની અંદર પ્રવેશી ગયો. 

"કિચુડડડ…" અવાજ સાંભળી એણે પાછળ ફરી જોયું તો ગઢનો તોતિંગ દરવાજો આપોઆપ બંધ થઈ રહ્યો હતો. એ દરવાજા તરફ દોડ્યો, પણ ત્યાં સુધીમાં દરવાજો બંધ થઈ ગયો ને અંદર રહી ગયા આયુષ અને ભેદી, અકળાવતો ખોફનાક સન્નાટો.

આયુષની ચકળ-વકળ નજર ચારે તરફ ફરતી હતી. અને એણે સૂરજને વાદળની પાછળ સંતાઈ જતા જોયો. ભર બપોરે આકાશમાં અંધારૂ છવાઈ ગયું. અંધારાના એ ધુંધળા પરદાની પારથી એક ઊંચો કદાવર પડછાયો એની તરફ આવી રહ્યો હતો. પડછાયાની આગળ પાછળ કોઇ માણસ દેખાતો ન હતો. એ જોઈ આયુષને ગભરામણ થઈ આવી.

નજીક આવી એ પડછાયાએ એની આંખમાં તીવ્રતાથી જોયું ને હાથ પકડી હાહાહાહાહા કરી ખૌફનાક હસ્યો.

એના ભયાનક હાસ્યના પડઘાથી આયુષના મોતિયા મરી ગયા. એની આંખમાં તગતગતા અંગારાનો તાપ એને દઝાડી રહ્યો. એ બેભાન થવાની તૈયારીમાં જ હતો ને એ પડછાયો બોલી ઉઠ્યો, "તો આખરે તું આવી પહોંચ્યો આયુષ! આવ તને તારો ભુતકાળ દેખાડુ. કેવા કેવા કારનામા કર્યાં છે તે એ જોઈશ પછી મારા પડછાયા રૂપનો તને ખ્યાલ આવશે. આયુષ એના હાથમાં જ લટકી રહ્યો. પડછાયો એને ઉંચકી ગઢની અંદરના રહસ્યમય મહેલમાં લઈ ચાલ્યો.

મહેલની દરેક ભીંત સુંદર છોકરીઓની છબીથી સુશોભિત હતી. એ જોઈને એનું મગજ ચકરાવે ચડ્યું. એને એનો ભૂતકાળ નજર સમક્ષ તરવરવા લાગ્યો.

"આ.. પાયલ.. અહીં ક્યાંથી? એ તો મારી સાથે વર્ષો પહેલાં હતી. ક્યારની મરી ગઈ." એ બબડતા આગળ વધ્યો. 

"રિના, શ્વેતુ, પૂજા.. બધીઓ એક સાથે અહીં.. આ મહેલમાં કેવી રીતે આવી ગઈ?" બે ઘડી તમ્મર આવી ગયા. એક સાથે એ દરેક છોકરીઓની આત્મા ત્યાં પ્રગટ થઈ. એકની આંખમાંથી લોહી નીકળતું હતું. બીજીના મોમાંથી ચીસ સાથે લોહીનો ફુવારો થયો.એમાંથી એકે એની પીઠ પર હાથ મૂક્યો. આયુષ ફાટી આંખે એને જોઈ રહ્યો.

"અંતે તું આવી ગયો. તેં અમને બધીઓને તારી પ્રેમ જાળમાં ફસાવી. અમારો ભરપૂર ઉપયોગ કર્યો. અમે જ્યારે એકબીજાને તારી હકીકત સામે લાવવા ભેગા થયા. ત્યારે ક્યાંથી તને પહેલેથી એ વાતની ગંધ આવી ગઈ હતી. તેં ત્યાં મંગાવેલ ઠંડા પીણામાં કાતિલ ઝેર નાંખી દીધું હતું. એક સાથે અમે બધીઓ અકાળે મોતને ભેટી." પીહુ બોલી. એના વાળમાંથી અજીબ પ્રકારના જીવડાં ભોંય પર ખરીને ગંધ છોડી રહ્યા હતા. એ ગંધથી આયુષને ઉલટી કરવાનું મન થતું હતું.

"કોઈ બચાઓ… મને માફ કરી દો." ચામરચીડિયા અને ઘુવડોના ત્યાં ઘર હતા. મહેલના અંધારામાં ઘુવડની આંખો તકતકતી અને એની ડોક ગોળ ફરતી. એ જોઈને પણ આયુષ ચીસ પાડી ઉઠતો. એ મહેલમાં આમતેમ દોડવા લાગ્યો. દરવખતે જેટલી જોરથી એ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો એટલો જ જોરથી એમાની એક આત્મા દ્વારા મહેલના મધ્યસ્થ ભાગમાં પટકાતો. આવું ઘણાંય દિવસો ચાલ્યું. આત્માઓ એ મહેલમાં સૂર્યનું કિરણ સુદ્ધા ન આવવા દીધું. આયુષ અધમૂઓ થઈ ગયો.

"હું મારી ભૂલ સ્વીકારું છું. હવે હું એવો નથી રહ્યો. મારી પત્નીને વફાદાર છું. બે બાળકનો પિતા છું. એમનો વિચાર કરી મને છોડી દો. તમે કહો તો હું પોલીસ પાસે હાજર થઈ જાઉં. મને મારી ન નાંખશો... મહેરબાની.." નીચે બેસી એ રડવા લાગ્યો. 

ત્યાં ઊભેલી દરેક પ્રેત આત્મા એક બીજા સામે જોવા લાગી. એ પણ બધી સ્ત્રી જ હતી. એ લોકોને આયુષની નહીં પરંતુ એના પરિવારની દયા આવી.

"અમે માફ કર્યો. પણ તું તારી જાતને પોલીસને સુપ્રત કર."

આયુષ ઊભો થયો. અને એ વાતમાં હા ભણી. ફટાફટ મહેલની બહાર ગયો. ગાડી હંકારી સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થયો. એની નજર સામેથી રસ્તામાં મળેલ દરેક સભ્યો પસાર થયા.

બીજાં દિવસે છાપામાં સમાચારની મુખ્ય લાઈન હતી.

"અનેક છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને પછી એકસાથે મોતને ઘાટ ઉતારનાર આયુષ મહેતાએ કરેલ આત્મસમર્પણ."

લાંબો સમય મહેલમાં જીવડાં વચ્ચે રહેવાને લીધે એના શરીરમાં કોઈ વિચિત્ર રોગે ઘર કરી લીધું.


Rate this content
Log in