Sujal Patel

Inspirational Children

4  

Sujal Patel

Inspirational Children

ગણેશા

ગણેશા

5 mins
61


સુરતનો કપિલ ગણેશ ચતુર્થી આવતી હતી. એનાં લીધે ખૂબ જ ખુશ હતો. તેણે ગણપતિ બાપ્પા માટે પોતાનાં હાથે મુગટ અને હાર બનાવ્યાં હતાં. કપિલ હાર અને મુગટ લઈને તેની મમ્મીને બતાવવા જતો હતો. એ સમયે તેનો સીડીએથી પગ લપસ્યો, ને તે પડી ગયો. પગમાં બહું વાગવાથી કપિલ ખૂબ જ રડવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને તેનાં મમ્મી પાર્વતીબેન દોડીને કિચનમાંથી બહાર આવ્યાં.

કપિલને એ હાલતમાં જોઈને પાર્વતીબેન ખૂબ જ ડરી ગયાં. તે પણ રડવા લાગ્યાં. પછી આખરે પોતાને શાંત કરીને તેમણે ડોક્ટરને કોલ કર્યો. ડોક્ટરને કોલ કરીને, પાર્વતીબેને કપિલને હોલના સોફા પર સુવડાવ્યો. થોડીવાર થતાં જ ડોક્ટર આવી ગયાં. ડોક્ટરે કપિલનો પગ ચેક કર્યો.

"ડોક્ટર, ચિંતા જેવી કોઈ વાત નથી ને?? કપિલના પગમાં વધું નથી વાગ્યું ને??" પાર્વતીબેન ચિંતિત સ્વરે ડોક્ટરને સવાલ કરવાં લાગ્યાં.

"કપિલના પગમાં ફ્રેકચર થઈ ગયું છે. તેને પંદર દિવસ સુધી પૂરો આરામ કરવો પડશે. ચાલવાનું તો બિલકુલ નથી. નહીંતર પગમાં વધું દુઃખાવો થશે." ડોક્ટરે પગ પર પાટો બાંધીને કહ્યું. આગલા દિવસે ગણેશ ચતુર્થી હતી. કપિલની ગણેશજીને વાજતેગાજતે ઘરે લાવવાની ઈચ્છા હતી. પણ જો કપિલ ગણેશજીને ચાલીને લેવાં જાય, તો તેનાં પગમાં વધું દુઃખાવો થાય એમ હતો. પાર્વતીબેન અને કપિલ બંને ડોક્ટરની વાત સાંભળીને હતાશ થઈ ગયાં.

ડોક્ટર દવા આપીને જતાં રહ્યાં. કપિલ સોફા પર જ સૂતો રહ્યો. પાર્વતીબેનની કપિલ સાથે વાત કરવાની હિંમત નાં થઈ. કપિલને દુઃખી જોઈને, પોતે રડવાનું બંધ નાં કરી શક્યાં. પાર્વતીબેન રસોઈ બનાવવા કિચનમાં જતાં હતાં. એ સમયે તેમનું ધ્યાન સીડી પર પડ્યું. સીડીનાં પગથિયાં પર હાર અને મુગટ પડ્યાં હતાં. એ જોઈને પાર્વતીબેન વધું રડવા લાગ્યાં. પાર્વતીબેન એ હાર અને મુગટ લઈને, કિચનમાં જવાને બદલે મંદિર તરફ વળી ગયાં.

"જુઓ છો ને તમે ? મારાં દિકરાએ આ હાર અને મુગટ તમારાં માટે બનાવ્યા હતાં. આ એ મને બતાવવા આવતો હતો. પણ તમે તેની એવી હાલત કરી નાંખી. દુનિયા સાચું જ કહે છે. જે સાચાં દિલથી તમારી ભક્તિ કરે, તેને જ તમે હેરાન કરો છો. મારો દિકરો તમારાં સ્વાગત માટે કેટલી તૈયારી કરી રહ્યો હતો. પણ તેને શું મળ્યું?? એ તો તમને ઘરે પણ નાં લાવી શક્યો." પાર્વતીબેન ગણેશજી આગળ શિકાયત કરવાં લાગ્યાં. પાર્વતીબેન હતાં તો આખરે એક માતા જ ને ! પોતાનાં દિકરાને દુઃખી હાલતમાં જોઈને કોઈ પણ માઁને દુઃખ થયાં વગર નાં રહે. કપિલને દુઃખી જોઈને પાર્વતીબેન પણ ખૂબ જ દુઃખી હતાં. આથી તેઓ ભગવાન આગળ પોતાનું દુઃખ હળવું કરી રહ્યાં હતાં. જેમાં તેઓ ભગવાનને શિકાયત કરી રહ્યાં હતાં. પાર્વતીબેન જેની સામે શિકાયત કરતાં હતાં. એ આખરે તો એક મૂર્તિ જ હતી. ને મૂર્તિ સામે જવાબ નાં આપે. એટલે પાર્વતીબેન થોડીવાર બોલીને, સામે કોઈ જવાબ નાં મળતાં પોતાનું કામ કરવાં લાગ્યાં.

બપોરે જમવાનું બનાવીને પાર્વતીબેને કપિલને પોતાનાં હાથે જમાડ્યો, ને દવા આપીને તેને નીચેનાં રૂમમાં સુવડાવી દીધો. પાંચ વર્ષનો કપિલ દવાની અસર હેઠળ સૂઈ તો ગયો. પણ તેનું દુઃખ ઓછું થયું ન હતું. કપિલ એટલે ગણપતિ બાપ્પાનું બીજું નામ...બાર નામ પૈકી ગણપતિ બાપ્પાનું એક નામ કપિલ પણ છે. કપિલ જ્યારે ઉઠ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. કપિલના પપ્પા શંકરભાઈ પણ ઓફિસેથી આવી ગયાં હતાં. તેઓ પણ કપિલ સાથે જે થયું એ સાંભળીને દુઃખી હતાં. તેઓ કપિલ જાગી ગયો. એ વાતની જાણ થતાં કપિલ પાસે ગયાં.

"બેટા, હવે તને કેમ છે?? પગમાં દુઃખે છે??" શંકરભાઈ કપિલના માથાં પર હાથ ફેરવીને પૂછવા લાગ્યાં.

"નાં પપ્પા, હવે સારું છે. પણ હવે ગણેશાને લેવાં કોણ જાશે?? હું તો નહીં આવી શકું." કપિલ થોડો ઉદાસ થઈને બોલ્યો.

શંકરભાઈ કપિલના સવાલનો જવાબ નાં આપી શક્યાં. એટલે તે ઉભાં થઈને રૂમની બહાર નીકળી ગયાં. બહાર હોલમાં સોફા પર બેઠાં બેઠાં તેમને એક વિચાર આવ્યો. તેમણે પોતાનો વિચાર પાર્વતીબેનને પણ જણાવ્યો. એમને પણ શંકરભાઈનો વિચાર પસંદ આવ્યો. વહેલી સવારે પતિ-પત્ની બંને કપિલને જગાડવા ગયાં. પાર્વતીબેને કપિલને તૈયાર કરી દીધો. પછી શંકરભાઈ તેને તૈયાર કરીને, ગોદમાં ઉઠાવીને બહાર લઈ ગયાં. બહાર કપિલના બધાં મિત્રો, ઢોલવાળા ને બીજાં સગાંવહાલાં આવ્યાં હતાં. 

શંકરભાઈએ કપિલને કારમાં બેસાડ્યો. તેની માથે કેસરી કલરની પાઘડી બાંધી, ને તેના મિત્રોને પણ કપિલ પાસે બેસાડ્યાં. પછી બધાં ઢોલ વગાડતાં વગાડતાં ગણપતિ બાપ્પાને લેવાં ગયાં. આગળ ઢોલવાળા, પાછળ, કાર અને એની પાછળ બધાં સગાંવહાલાં નાચતાં કૂદતાં ગણપતિને લેવાં પહોંચી ગયાં. ગણપતિની મૂર્તિ પર લાલ કપડું ઢાંકીને મૂર્તિને શંકરભાઈએ કપિલના ખોળામાં મૂકી. 

મૂર્તિ એકદમ નાની લેવામાં આવી હતી. જેથી કપિલના ખોળામાં મૂર્તિ રહે. તો પણ તેને વજન નાં લાગે, ને તેનાં પગમાં પણ દુઃખાવો નાં થાય. કપિલ અને બધાં લોકો મૂર્તિ લઈને ઘરે પહોંચી ગયાં. પછી કપિલ પાસેથી મૂર્તિ પાર્વતીબેને લઈ લીધી, ને કપિલને શંકરભાઈએ તેડી લીધો. મંદિરમાં પહોંચીને કપિલે પોતાનાં હાથે ગણપતિની મૂર્તિની મંદિરમાં સ્થાપના કરી. શંકરભાઈએ કપિલ માટે જે કર્યું. એ વાતે કપિલ ખુશ હતો. પણ પોતે ગણેશાને લાવતી વખતે નાચી નાં શક્યો. એ વાતે તેને દુઃખ પણ હતું.

ગણપતિની સ્થાપના કરીને, કપિલે તેમને પોતે બનાવેલ હાર અને મુગટ પણ પહેરાવ્યાં. પછી બધાંએ તેમની આરતી કરી, ને પાર્વતીબેને પોતાનાં હાથે બનાવેલ લાડુનો પ્રસાદ બધાંને આપ્યો. ગણપતિની આરતી વખતે રોજે શંકરભાઈ કપિલને તેડીને ગણપતિની આરતી કરતાં. એક પછી એક દિવસો વીતવા લાગ્યાં. ગણેશાને કપિલના ઘરમાં આવ્યાને દશ દિવસ પસાર થઈ ગયાં. જ્યારે ગણપતિનાં વિસર્જનનો દિવસ આવ્યો. ત્યારે ફરી બધાં ભેગાં થયાં. બધાંએ છેલ્લી વખત ગણપતિની આરતી કરી ને, પાર્વતીબેને બધાંને લાડુનો પ્રસાદ આપ્યો.

શંકરભાઈ, કપિલ અને તેનાં મિત્રો ને સગાંવહાલાં બધાં કાર લઈને ગણપતિનાં વિસર્જન માટે જ્યાં સોસાયટીનું ઈકો ફ્રેન્ડલી વિસર્જન થતું હતું. એ જગ્યાએ ગયાં. ઘણાં લોકો ત્યાં પોતાનાં ગણપતિનું વિસર્જન કરવાં આવ્યાં હતાં. કપિલ તેનાં પરિવાર સાથે ગણેશાનુ વિસર્જન કરવાં પાણીનાં કુંડ તરફ આગળ વધ્યો. જ્યારે ગણેશાનુ વિસર્જન કરવાનું થયું. ત્યારે શંકરભાઈએ થોડીવાર માટે કપિલને ગોદમાંથી નીચે ઉતર્યો. બધાં વિસર્જન કરતાં હતાં. એ સમયે લોકોની ભીડ વધી જવાથી કપિલ તેનાં મમ્મી-પપ્પાથી થોડો દૂર થઈ ગયો.

કપિલનો પગ દુઃખવા લાગ્યો. તે ચાલીને તેનાં મમ્મી-પપ્પા સુધી જઈ શકતો ન હતો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. કપિલ ત્યાં જ જમીન પર ઢળી પડ્યો. આંખો બંધ થતાં જ તેને ચારેતરફ પ્રકાશ નજર આવ્યો. અચાનક તેની નજર સમક્ષ એક આકૃતિ પ્રગટ થઈ. એ ગણપતિ બાપ્પા હતાં. કપિલ તેમને જોઈને કાંઈ બોલી નાં શક્યો. એ માત્ર 'ગણેશા' એટલું જ બોલી‌ શક્યો. એ સમયે ગણપતિ બાપ્પાએ પોતાનો એક હાથ કપિલની સામે ઉંચો કર્યો. ત્યારે એમાંથી એક તીવ્ર પ્રકાશ નીકળ્યો, ને કપિલની આંખો બંધ થઈ ગઈ.

કપિલે જ્યારે થોડીવાર પછી આંખો ખોલી. ત્યારે શંકરભાઈ, પાર્વતીબેન અને કપિલના મિત્રો તેને ઘેરીને ઉભાં હતાં. શંકરભાઈએ કપિલને ઉભો કર્યો. એ કપિલને તેડવા જતાં હતાં. ત્યાં તો કપિલ ઉભો થઈને કુંડ તરફ આગળ વધવા લાગ્યો. તેનો પગ બિલકુલ સાજો થઈ ગયો હતો. એ જોઈને પાર્વતીબેન અને શંકરભાઈ ખૂબ જ ખુશ થયાં. ગણપતિ બાપ્પાએ પાર્વતીબેનની શિકાયત અને કપિલની ભકિત ને પ્રેમ જોઈને, આશીર્વાદ રૂપે કપિલનો પગ સાજો કરી દીધો હતો. 

કપિલ કુંડ પાસે પહોંચ્યો. ત્યારે એમાં પણ તેને ગણેશા દેખાયાં. એ કપિલને જોઈને હસતાં હતાં. કપિલ પણ તેમને જોઈને હસવા લાગ્યો. પછી બધાં ખુશી ખુશી ઘરે આવ્યાં. પાર્વતીબેનને હવે ગણપતિ પ્રત્યે કોઈ શિકાયત ન હતી. તેમણે મંદિરમાં જઈને ગણપતિની માફી પણ માંગી લીધી.

ગણપતિ બાપ્પાએ કપિલનો પગ સાજો કરીને એ વાત સાબિત કરી દીધી હતી, કે બાપ્પા તેનાં સાચાં ભક્તોને જ કસોટી આપે છે, ને જે તેમની કસોટીમાં ખરાં ઉતરે તેમને તેઓ આશીર્વાદ પણ આપે છે.

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Inspirational