STORYMIRROR

Tarulata Mehta

Inspirational Tragedy

4  

Tarulata Mehta

Inspirational Tragedy

એક શરમાળ છોકરો

એક શરમાળ છોકરો

6 mins
29.2K


બે વર્ષ પૂરવે હું સુરતમાં અઠવા લાઈન્સના રોડ ક્રોસીગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય ને રોડ ક્રોસ કરું તેની રાહ જોતી હતી. ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિ:સહાય બાળકી જેવી ઊભી હતી. એક સેકન્ડ માટે વાહનોનોની રફતાર અટકતી નથી, લોકો જાનને મૂઠીમાં રાખી રોડ ક્રોસ કરી લેતા હતા, મારી જિગર ચાલતી નથી. એટલામાં એક પોલીસે કડકાઈથી વાહનોને રોકી મારી સાથે બીજા ઘણાને રોડ ક્રોસ કરાવ્યો, હું રોડની બીજી તરફ જઈ રહી હતી ત્યાં એણે સંભાળપૂર્વક મારો હાથ ઝાલી પ્રેમથી બોલ્યો 'સાચવજો મેડમ' મેં આશ્ચર્યથી જોયું તો એની આંખોમાં આત્મીયતા હતી. અમારી જૂની ઓળખાણ હોય તેમ પૂછ્યું, 'શું આપને યાદ છે મેડમ?' હું જયારે સુરતની કામરેજ ચાર રસ્તા પર આવેલી કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે વિદ્યાર્થીઓ 'મેડમ' કહીને બોલવતા. કોલેજનો વિદ્યાર્થી... વર્ષો પહેલાંનો પેલો શરમાળ છોકરો... મારી આંખ જે પ્રભાવશાળી કડક પોલીસ ઓફિસરને જોતી હતી તેમાં પેલા પચ્ચીસ વર્ષ પહેલાંના શરમાળ છોકરાની આકૃતિ દેખાતી નહોતી.

મેં એને ધ્યાનથી જોયો, કસાયેલું શરીર, તડકામાં ચમકતો કાળો પ્રસન્ન ચહેરો, પોલીસના ખાખી ડ્રેસમાં ચપળ લાગતો હતો. એની કાળી ઝીણી આંખોમાં ખોવાયેલું સ્વજન મળ્યાના વિસ્મય અને પ્રેમથી ચમક ઉભરાઈ, તેના રોમેરોમમાં જાણે કે આનંદનું પૂર ઊભરાતું હતું.

મેં એના ખભાને સહેજ થાબડી કહ્યું, 'ભાઈ, એવું છે ને...' મારું વાક્ય અધૂરું રહ્યું...

એના ભાવભર્યા શબ્દોએ મને ઉગારી લીધી, તે બોલ્યો, 'મેડમ, હું કાશીરામ ગામીત, તમે આમ જ મારો ખભો થાબડી મને બચાવી લીધો હતો, થેક્યુ યુ.' એને ઘણું કહેવું હતું પણ એનો અવાજ ગદગદ થઈ ગયો. મેં એને બોલવા ન દીધો, જૂની ઓળખને તાજી કરી મેં એને એની ડ્યુટી માટે રજા આપી. એની ટટ્ટાર ચાલમાં ગર્વ અને આનંદ હતા.

***

હું કોલેજના વર્ગની બહાર નીચી નજર કરી ઊભેલા કાળા ઊંચા છોકરાને જોઈ રહી. ખૂબ ધીમા અવાજે તેણે કહ્યું : 'મે આઈ કમીન મેડમ?'

મેં હા પાડી એટલે સંકોચાઈને પાછળની બેન્ચ પર બેસી ગયો. બીજા છોકરાઓ પરવાનગી લીધા વિના પાછળના બારણેથી સરકીને વર્ગમાં આવી જતા જે મને ગમતું નહીં.

એ કાશીરામ ગામીત એક આદિવાસી વિદ્યાર્થી હતો. સુરત જીલ્લાના કામરેજ, માંડવી વગેરે તાલુકાના નાના ગામડાના વિદ્યાર્થીઓ તથા દૂર દૂરના વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે કામરેજ ચારરસ્તા પર કોલેજ કરી હતી. શિક્ષકોને શહેર જેટલો પગાર અને સુવિધા આપતા. કોલેજનું આલિશાન બિલ્ડીગ, મોટું કમ્પાઉડ, વિશાળ વૃક્ષોની લીલીછમ ઘટા અને ખૂલ્લાશ મને પહેલી નજરમાં ગમી ગયેલાં. હું ત્યાં હતી ત્યારે ખૂબ માણતી. ડો.દવે ત્યારે પ્રિન્સિપાલ હતા, તેઓ સૌ પ્રત્યે સદભાવ રાખતા.

હું કોલેજમાં જોડાઈ ત્યારે વિચારેલું એકાદ વર્ષમાં બીજે જતી રહીશ, પણ ત્યાંના વિદ્યાર્થીઓની ધગશ અને પ્રેમે મને નવ વર્ષ બાધી રાખી, અમારું કુટુબ કાયમ માટે અમેરિકામાં સ્થાયી થવા ગયું હતું. હું કોલેજની ટર્મ પૂરી થાય પછી જવાની હતી. ત્યારે છેલ્લા ચાર મહિના હું એકલી હતી. દવેસાહેબે મને વિનતી કરી, 'બેન, તમે લેડીઝ હોસ્ટેલના કવાટરમાં ચાર મહિના રહો તો અમારી નવી યોજનાને ટેકો મળે. ગયા વર્ષથી લેડીઝ હોસ્ટેલ શરુ કરી છે. દસ જ છોકરીઓ છે. હજી કોઈ લેડી રેકટર મળ્યા નથી.' સંકટ સમયની સાંકળનો વિશ્વાસ તેમના શબ્દોમાં હતો.તેમની વાત મેં સ્વીકારી લીધી.

ચારે તરફ શેરડીના હરિયાળા ખેતરોની વચ્ચે લેડીઝ ક્વાર્ટરમાં રહેવાનો મને આનન્દ હતો. કોલેજનું બે માળનું સફેદ બિલ્ડિગ ત્યારપછી કોલેજના મુખ્ય દરવાજાની જમણી બાજુ થોડે દૂર પ્રિન્સિપાલનું ક્વાટર હતું, તે પછી લેડીઝ હોસ્ટેલ અને મારું રહેઠાણ. સામેની બાજુ બોયઝ હોસ્ટેલ હતી અને રેક્ટરનું ક્વાર્ટર હતું.

સવારના દસ વાગ્યે કોલેજ શરૂ થાય તે સાંજે મોડા સુધી વિદ્યાર્થીઓની અવરજવર રહેતી. પ્લે ગ્રાઉન્ડ પર એકબાજુ છોકરાઓ બાસ્કેટ બોલ રમતા તેમાં શરમાળ કાશીરામને ચપળતાથી દોડતો જોતી! તેનું શ્યામ કસાયેલું પાતળું શરીર ઊડીને બોલ બાસ્કેટમાં નાખતું. શોર્ટ્સમાં તેના પગની મજબૂત ગોળાકાર પીંડીઓ જાણે કોઈ સ્થપતિએ દિલથી ઘડી હતી.

કાશીરામ ગામીત કોલેજના ચોથા વર્ષમાં હતો. એનો બાપ ઈચ્છારામ કોલેજનો ચોકીદાર હતો. કાશીરામ રાત્રે એના બાપુ સાથે આવતો, કોલેજના વરંડામાં લાઈટ નીચે વાંચતો, લાકડી ઠોકતો મોડી રાત્રે આંટા ય

મારતો, હું મારા ક્વાટરની બારીમાંથી જોતી. મારું લખવા - વાંચવાનું મોડી રાત સુધી ચાલતું, મારી બારી આગળ આવી કહેતો 'મેડમ સુઈ જાવ ત્યારે બારી બંધ કરી દેજો અને પાછળની લાઈટ ચાંલું રાખજો.'

એના લાકડીના ઠક ઠકારાથી મને પાછલી રાતની શાંતિમાં પરદેશ ગયેલાં મારા કુટુંબની યાદ આવતી. ક્યારેક તે ધીમા ઘેરા સૂરે કોઈ આદિવાસી ગીત ગાતો. શું એને વાંસના જંગલમાં આવેલું એનું વતન સાંભરતું હશે! મને થતું મારા દૂરના સ્વજનની ખોટ કાશીરામ પૂરે છે. આદિવાસી વિદ્યાથીઓ બોલે બહુ ઓછું. ચહેરાના ભાવથી એમની વાત સમજાય, મને તો એમ જ થતું કે આ શહેરી સમાજ સાથે એમનો મેળ જામતો નથી.

કાશીરામને ભણવાની ધગશ હતી, મેં એને એક દિવસ પૂછેલું, 'કાશીરામ તને શું થવું ગમે?' એ શરમાઈને નીચે જોઈ રહ્યો, એને નવાઈ લાગતી હતી જે ગમે તે શી રીતે થવાય?'

કાળી મજૂરી કરતા આદિવાસીઓને મેં કન્સ્ટ્રકશનું કામ ચાલતું હોય ત્યાં જોયા છે. એ સાઈટ એ એમનું કામચલાઉ ઘર. સાંજે ચૂલો કરી રોટલા, શાક કે એવું કૈક રાંધી સુઇ જાય. જંગલના વિસ્તારોમાંથી રોજી રોટી માટે તેમને શહેરોમાં આવવું પડે. કાશીરામની વફાદારી, નિષ્ઠા પ્રમાણિકતા માટે મને માન હતું, બનતું એવું કે ચારે બાજુ ખૂલ્લું હોવાથી શહેરના જુવાનિયા ખેતરોમાં ધુસી જઈ પાર્ટી જેવું કરતા, પોલીસને કોલેજ તરકથી

પ્રીસિપાલ, રેકટર ચોકીદાર સૌ ફરિયાદ કરતા પણ પોલીસ આંખ આડે કાન કરતા. એટલું જ નહિ, કયારેક તો ચોકીદારને માથે ટોપલો મૂકી દેતા. પ્રિન્સિપાલસાહેબની કડકાઈને કારણે ચોકીદારને આંચ આવી નહોતી.

તે દિવસે એવું બન્યું કે મીટીંગમાં મોડું થતા દવેસાહેબને સુરત રોકાઈ જવું પડયું. સાહેબનું કુટુંબ અમદાવાદ ગયું હતું, મેં કાશીરામને સૂચના આપી કે તે મોડી રાતે આટા પતાવીને મારા વરંડામાં સૂઇ રહે. એના બાપુને પ્રિન્સિપાલના બંગલા અને લેડીઝ હોસ્ટેલનું ધ્યાન રાખવા કહ્યું. આટલી અમારી સાવચેતી છતાં વહેલી સવારે છોકરીઓની ચીસાચીસ અને બુમરાણથી મારી આંખ ખૂલી ગઈ. ખેતરમાં પાર્ટીની ધમાલ કરતા છકેલા છોકરાઓ લેડીઝ હોસ્ટેલની આજુબાજુ હોંકારા કરી છોકરીઓને પજવતા હતા. રૂમોની બારીઓ ખખડાવતા હતા તેથી છોકરીઓ ડરથી ફફડી ગયેલી અને ચીસો પાડતી હતી.

પોલીસ મોડેથી આવ્યા, કાશીરામ દોડીને ગયો હશે. એના હાથમાંની લાકડી કોકને વાગી હતી, પણ કોઈ પકડાયું નહિ.

સવારે હું નાહીંને પરવારી ત્યાં કાશીરામની મા રડતી કકળતી મારા બારણે આવી. 'શું થયું ?' મેં પૂછ્યું. તેણે કહ્યું, 'બેન કાશીરામ અને એના બાપુ બન્નેને પોલીસ લઈ ગઈ, બચાડાને દંડાથી પીટી નાખશે. હું કરું હજી મોટા સાઈબ આયા નથી.' મેં એને શાંત પાડી, હું વિમાસણમાં પડી ગઈ, પોલીસની ચુગાલમાંથી આ નિર્દોષ બાપ દીકરાને કેમ છોડાવવા? મને ખૂબ ગુસ્સો આવ્યો પણ શું કરું? મેં બીજા રેકટરને ફોન કર્યો, તેઓ આ બાબતમાં માથું મારવા માંગતા નહોતા. મને ય સલાહ આપી આઘા રહેજો. મારાથી કાશીરામની માનું રુદન સહન થયું નહિ.

હું રીક્ષામાં પોલીસથાણે પહોચી. બન્નેને એક મોટા ઝાડને થડે બાંધ્યા હતા. પોલીસના ધોલ ધપાટ અને ડંડા ખાઈ અઘમુઆ થઈ તૂટેલી ડાળી જેવા લબડી પડયા હતા. હું તો સીધી ઓફિસરની કેબીનમાં ગઈ,

ઓફિસર ખુરશીમાંથી ઊભો થઈ ગયો, 'બેન તમારે કેમ આવવું પડ્યું ?' મેં મારા ક્રોધને કાબૂમાં રાખતા દ્રઢતાથી કહ્યું, 'કાશીરામ અને એનો બાપ નિર્દોષ છે. સવાર સુધી આટા મારતા હતા.'

ઓફિસર એકદમ નાની વાત હોય તેમ હસી રહ્યો, 'તમે સાક્ષી આપો છો, તો આ ઘડીએ છુટા.' એના મો પર ખન્ધાઈ હતી, મને કહે'ત મારે ચોકીએ આવવાની જરૂર નહોતી.' મને દલીલ કરવી ગમી નહિ.

બાપ દીકરો છુટા થયા, મેં કાશીરામનો ખભો પ્રેમથી થાબડી કહ્યું, 'તું હિમતવાળો હતો લાકડી લઈ દોડ્યો હતો.' એ શરમાઈને નીચું જોઈ ઘીમેથી બોલ્યો, 'હું પોલીસ થઈશ.'

કોલેજમાં પાછા વળતા મારી રિક્ષામાં મેં તેમને બેસી જવા કહ્યું. બાપ દીકરો ના પાડતા હતા ત્યાં રિક્ષાવાળો બોલી ઉઠ્યો : 'અલા ,બેહી જાવની.' બન્ને જણા એકબીજાને ચીપકીને એવા સંકોચાઈને બેઠા હતા જાણે વાંદરાંની કોટે બચ્ચું વળગેલું હોય!

રીક્ષા ગામને પાદરે થોભી. સુરત પાસેનું કામરેજ તેમનું ગામ. જાણે આળસ મરડીને ઊભું થતું હતું. હવે બસોની અવરજવરથી પ્રવુત્તિઓ વધી હતી. ગામના છોકરાઓ ચારરસ્તે આવેલી કોલેજમાં જતા હતા.

આદિવાસીઓની વસ્તીમાં પાકી બાંધેલી બે ઓરડી તેમનું ઘર હતું. બીજા બધાં કાચા ઝૂંપડાં વચ્ચે ટટ્ટાર ઊભેલું તેનું ઘર મેં દૂરથી જોયું. કાશીરામની મા દોડતી આવી હાથ જોડી રોઈ પડી. તેઓ પાસે શબ્દો નહોતા, ભીની ઉપકૃત આંખોએ મને ભીંજવી દીધી!

***

બીજે દિવસે બપોરે પ્રિન્સિપાલ આવી પહોચ્યા, એમનેય હાજર ન હોવાનો અફસોસ થયો. પાછળથી લોકો વાત કરતા હતા કે ટ્રસ્ટીનો કોઈ છોકરો અને એના મિત્રોનું તોફાન હતું. તે દિવસે ભાવભરી આંખોથી પૂછાયેલો પ્રશ્ન, 'શું આપને યાદ છે ?' મને સાંભરે ત્યારે કાશીરામને મનોમન કહું છું, 'હા, હૈયું છલકાય જાય તેટલું યાદ છે.' વહી જતા સમયના નીરમાં એક મધુરી યાદની હોડી મારા મનમાં તરતી દેખાયા કરે છે!

એક શરમાળ ગામડાનો છોકરો પ્રભાવશાળી પોલીસ ઓફિસર બની મને હાથ પકડીને રસ્તો પાર કરાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational