STORYMIRROR

Rutvi Raval

Tragedy

3  

Rutvi Raval

Tragedy

એક પત્ર એમને નામ

એક પત્ર એમને નામ

3 mins
170

પ્રિય સ્વજન,

સવારથી લઈને સાંજ સુધી, સાંજથી લઈને રાત સુધી અને દિવસો, મહિનાઓ, વર્ષો, કેટકેટલું બદલાઈ જાય છે. આજના સમયમાં એટલું બધું વ્યસ્ત થઈ જવાય છે કે પોતાની માટે તો શું ? અરે ! જીવતા લોકોની વચ્ચે રહીએ છીએ તો પણ તેને સમય નથી આપી શકાતો. આપણી આસપાસ છે ને એટલે કદાચ આપણને એની કિંમત નથી. કિંમત તો એને પૂછો જેણે પોતાના જીવસમાન લોકોને ગુમાવ્યા છે. આપણા લોકો છે છતાં પણ ગુમાવ્યા પછી એમને ક્યારેય મળવાનું થતું જ નથી. જાણે એવું લાગે છે કે કોઈએ શરીરનું એક અંગ કાપી નાખ્યું હોય. શું એમને ખબર હશે કે કોઈ એમને કેટલું યાદ કરે છે ? એમના ગયા પછી વર્ષોના વર્ષો વિત્યા બાદ પણ કોઈ એમને કેટલો પ્રેમ કરે છે ? શું એમને ખબર હશે કે જીવનના દરેક પ્રસંગે તેમની ગેરહાજરીમાં પણ લોકો એમને હાજર માની પ્રસંગો ઉજવે છે ? શું એમને ખબર હશે કે આજે પણ એમના માટે આંખમાંથી અશ્રુઓ સરે છે ? જેને મેં આ સવાલ પૂછ્યો છે તેની પાસેથી તો ઉત્તર ક્યારેય નહીં મળે. પણ, હું એવું માની લઉં કે એમને સવાલ મળી ગયો હશે. 

રોજની દિનચર્યામાં પણ સમય કાઢીને એમને ઘણું બધું પૂછવાનું મન થાય છે. ભલે ઉત્તર ન આપી શકે છતાં પણ એમના મૌનને સમજવાનું મન થાય છે. એ એક છોડીને ચાલ્યા ગયા તો અહીં આસપાસ ઘણા બધા લોકો છે. છતાં પણ કેમ એ એકની ખોટ જીવનભર અનુભવાય 

છે ?

"થાકી ગઈ છું હું ખુદ ને એ સવાલ પૂછીને,

હવે ઉત્તર નહીં આવે એ જ સમજાવીને."

જીવનમાં કેટલા બધા લોકો છોડીને જતા રહે છે. એ દૂર ગમે તેટલા હોય તોપણ હંમેશા પાસે લાગે છે. અને એક એ લોકો છે જે પાસે હોવા છતાં પણ ઘણા દૂર છે. એમને હજી તો મળ્યા જ હતા, ત્યાં તો વિદાયનો સમય પણ આવી ગયો. નિરાંતે બેસીને એમની સાથે વાતો કરવી હતી તે વાતો પણ અધૂરી રહી ગઈ. એમના ગયા પછી એમને મન ભરીને જોઈ લેવા હતા તે અવસર પણ ગયો. મારે ફક્ત એમને એ જ પૂછવું છે શું તમને ફરી પાછા અહીં આવવાનું મન થાય છે ? શું તમને આ અધૂરી રહી ગયેલી મુલાકાતને પૂર્ણ કરવાનું મન થાય છે ? શું તમને અધૂરી રહી ગયેલી વાતોને આગળ વધારવાનું મન થાય છે ? શું તમને રડી ને કે ખુશ રહીને યાદ કરી રહેલા લોકોને એકવાર પોતાની એક ઝલક આપવાનું મન થાય છે ? આમ તો મેં તમારી સાથે ઘણી બધી વાતો કરી છે હકીકતમાં તો તમે નહીં ફક્ત મેં જ. તમે તો એકવાર ગયા પછી ક્યાં કદીએ પાછા વળ્યા જ છો ? તમે તો એવા નિરાશ થઈ ગયા છો કે તમને મનાવવા માટે કદાચ જિંદગીનો પણ ત્યાગ કરીને આવવું પડે.આમ તો સોશિયલ મીડિયાના ઘણા ફાયદાઓ છે. એ દરેક લોકોને સંદેશ પહોંચાડી શકે છે. પણ ખબર નહીં કેમ ? તમારા સુધી એ પહોંચી જ નથી શકતો એ પણ નેટવર્ક પ્રોબ્લેમ વગર. આ તો પત્ર લખવાનો એક અવસર મળ્યો એટલે તમને લખ્યો. ઉત્તર નહીં જ મળે અને છતાંય મળી ગયો હોય એમ લાગે છે.

" ચિઠ્ઠી ન કોઈ સંદેશ,

જાને કોનસા હે વો દેશ ?

જહા તુમ ચલે ગયે."

તમે ગયા ને પછી મને આ પંક્તિ બહુ જ ગમવા લાગી. જેણે પણ આ ગાઈ છે ને તેનું દુઃખ મને હવે સમજાય છે. આ સાથે જ હું તમને પત્ર લખવાનું બંધ કરું છું. આજે ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું. મન હવે શાંત થઈ ગયું.  

- તમારી ઋત્વી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy