ચતુર વાંદરો
ચતુર વાંદરો


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક મોટું જંગલ હતું. આ જંગલમાં પ્રાણીઓ રહેતા હતા. તેઓ બધા એક બીજા સાથે હળીમળીને પ્રેમથી રહેતા હતા. બધા પ્રાણીઓ ખુબ ખુશ અને સુખી હતા. પણ તેમને એક જ તકલીફ હતી. આ જંગલમાં એક સિંહ રહેતો હતો. આ સિંહ ખુબ જ ક્રૂર અને ઘાતકી હતો. તે અવારનવાર જંગલના પ્રાણીઓને મારી નાખતો હતો. બધા જ પ્રાણીઓ તેનાથી ખુબ જ ડરી ગયા હતા.
હવે બધા પ્રાણીઓ જંગલમાં એક જગ્યાએ ભેગા થયા. અને વિચાર કરવા લાગ્યા કે આ સિંહના ત્રાસમાંથી કેમ કરીને છૂટવું ! જો આપને જંગલમાં શાંતિથી રહેવું હશે તો આ સિંહને અહીંથી દૂર ભગાડવો જ પડશે. પણ એને દૂર ભગાડવો કેમ કરી ? આ ચર્ચા ચાલતી હતી. ત્યારે એક વાંદરાભાઈ ચુપચાપ બેઠા હતા. તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા હતા. જંગલના બધા પ્રાણીઓ વાંદરાભાઈ પાસે ગયા અને કહેવા લાગ્યા. વાંદરાભાઈ આપતો બધા જ પ્રાણીઓમાં ખુબ ચતુર છો. આપ જ કોઈ રસ્તો વિચારોને !
હવે આ જંગલની વચ્ચેથી એક રેલવે પસાર થતો હતો. દિવસમાં એક વાર રાતના સમયે એક પૂરપાટ દોડતી ટ્રેઈન પસાર થતી હતી. ટ્રેઈન જયારે પસાર થતી ત્યારે જોરથી સિસોટી વગાડતી હતી. તેની સીટીથી બધાજ ડરી જતા. એમને એમ લાગતું કે આ તો કોઈ મોટું પ્રાણી છે. એટલે બધા એનાથી ડરીને ભાગી જતા. પણ વાંદરાભાઈ હોંશિયાર હતા. એ સમજી ગયા કે આ કોઈ પ્રાણી નથી. પણ ટ્રેઈન છે. આ ટ્રેઈનને જોઇને વાંદરાભાઈને એક ઉપાય સુઝી ગયો. તેમને આ ઉપાય જંગલના બધા પ્રાણીઓને જણાવ્યો.
આયોજન કરીને બધા પ્રાણીઓ સિંહને ગુફાએ સિંહને મળવા ગયા. ત્યાં જઈ વાંદરાભાઈએ સિંહને વાત કરી,’મહારાજ આપ અમારા રાજા છો.અમારું રક્ષણ કરવી આપની ફરજ છે. અમે આપનું ભોજન બનવા માટે તૈયાર છીએ. પણ....’ આટલું કહી વાંદરો અટકી ગયો, ત્યારે સિંહ બોલ્યો, ‘પણ... પણ શું ? આગળ બોલો.’ ત્યારે વાંદરા કહ્યું, ‘સિંહ રાજા આ જંગલમાં રોજ રાતે એક નવું પ્રાણી આવે છે. તે ખુબ જ તેજ છે. અને ખુબ જોરથી ત્રાડ નાખે છે. એની ત્રાડ સાંભળી બધા પ્રાણીઓ ડરી જાય છે. ’ આ સાંભળીને સિંહ તો ગુસ્સાથી રાતો પીળો થઇ ગયો. આ જંગલમાં હું એક જ રાજા છું. બીજું કોઈ પરની આ જંગલમાં આવી પ્રાણીઓને ડરાવી જાય એ કેમ ચાલે. હું આજે રાતે જ એ પ્રાણીને ખતમ કરી નાંખીશ.’
એ પછી બધા પ્રાણીઓ રાત પડવાની રાહ જોવા લાગ્યા. રાત પડી. અંધારું થયું. એટલે વાંદરો સિંહને લઈને રેલવેના પાટા પર ગયો. થોડીવાર પછી દૂરથી એક ટ્રેઈન આવતી દેખાઈ. તે સિસોટી વગાડતી આવતી હતી. એટલે વાંદરાભાઈએ કહ્યું, ‘મહારાજ આપ તૈયાર થઇ જાઓ, આ જુવો સામેથી પેલું મોટું પ્રાણી ત્રાડ પાડતું આવી રહ્યું છે.’ રેલગાડીની સિસોટી સાંભળી સિંહને વાંદરાની વાત સાચી લાગી. તેતો ગુસ્સાથી તે ટ્રેઈન સામે દોડ્યો. રાતે ટ્રેઈન પ્રકાશમાં તેને કશું દેખાયું નહિ. તે ધબક કરતો ટ્રેઈન સાથે અથડાયો અને ગાડીને નીચે આવી ગયો. સિંહ તો મૃત્ય પામ્યો. હવે જંગલના પ્રાણીઓને સિંહના ત્રાસથી મુક્તિ મળી ગઈ.
બધા પ્રાણીઓએ વખાણ કર્યા. તેમને ઉચકી લીધા. અને સિંહની જગ્યાએ વાંદરાભાઈને જંગલના નવા રાજા બનાવી લીધા. એટલે કહ્યું છે કે ‘બુદ્ધિ આગળ બળ પાણી ભરે.’