RINKU PARMAR

Drama

0.0  

RINKU PARMAR

Drama

ચતુર સસલું અને હાથી

ચતુર સસલું અને હાથી

3 mins
1.5K


એક સમયની વાત છે. એક સુંદર મજાનું જંગલ હતું. તે જંગલમાં અનેક જાતના પ્રાણીઓ રહેતા હતા. આજ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. તે સરોવરના કિનારે કેટલાક સસલા પણ રહેતા હતાં. આ સસલાઓ આખો દિવસ સરોવરને કિનારે ઉગેલું કૂણું-કૂણું ઘાસ ખાતા, સરોવરને કિનારે દોડધામ કરતાં, સરોવરનું પાણી પીતાં અને આનંદ કરતાં હતાં. આ સસલાઓએ સરોવરને કિનારે ટેકરીઓમાં પોતાના દર બનાવ્યા હતાં.

હવે એક વખતની વાત છે. આ સરોવરને કિનારે બહારના જંગલમાંથી કેટલાક હાથી આવ્યા. આ હાથીનું ટોળું સરોવર કિનારે પાણી પીવા આવતું હતું. હાથીઓના પાણી પીવા સામે સસલાઓને કોઈ ફરિયાદ ના હતી. પણ આ હાથીઓમાં કેટલાક તોફાની હાથીઓ પણ હતાં. જે સરોવરને કિનારે પાણી પીવા આવતા ત્યારે ધીંગા મસ્તી અને ધમાલ કરતાં. એક બીજા સાથે કુસ્તી પણ કરતાં. આમ કરવામાં તેઓ જમીન પર પછડાતાં હતાં.

તેમના આવા વર્તનથી સરોવર કિનારાનું કુમળું ઘાસ નાશ પામતું હતું. એટલું જ નહિ હાથીઓના પગના વજનથી સસ્લાઓના દર ભાંગી જતાં હતાં. અને દરમાં રહેતા સસલાઓ મરણ પામતા હતાં. આ વાત રોજની બની હતી. પણ સસલાઓ બિચારા કરે પણ શું ? સામે બાથ ભીડવાની તેમની તાકાત પણ ન હતી. હવે એક વખત બધા જ સસલાં આ સમસ્યાના ઉપાય માટે ભેગા થયાં. અને ચર્ચા કરવા લાગ્યા કે આ હાથીઓને કેવી રીતે સીધા કરવા.

આમ ચર્ચાઓ ચાલુ હતી. એટલામાં એક સસલું સરોવરમાં પાણી પીવા ગયું. તે વખતે આકાશમાં ચંદ્ર ખીલેલો હતો. જેનો પડછાયો પાણીમાં પડતો હતો. પવનની લહેરથી સરોવરનું પાણી હિલોળા લેતું હતું. એટલે એ વધુ બિહામણું લાગતું હતું. આ દૃશ્ય જોઈને એ સસલાને એક યુક્તિ સુઝી. તેને પોતાના બધાં ભાઈઓને એ યુક્તિ સમજાવી.

બીજા દિવસે વળી પાછું એ હાથીઓનું ટોળું સરોવરને કિનારે પાણી પીવા આવ્યું. ત્યારે એ ચતુર સસલાએ બધાને અટકાવ્યા અને કહ્યું. ઉભા રહો. અમે ચાંદા મામાના ભાણેજ છીએ. અમે પહેલાં ત્યાં આકાશમાં ચાંદામામાના ઘરે જ રહેતા હતાં. આ સરોવર અમને ચાંદા મામાએ ભેટમાં આપ્યું છે. પણ તમારા લોકોના આવવાથી આ સરોવર ગંદુ બન્યું છે. અમારું ભોજન આ ઘાસ પણ તમે લોકોએ બગાડી નાખ્યું છે. વળી તમારા ચાલવાથી સરોવર કિનારે બનાવેલા અમારા ઘર પણ ભાંગી ગયા છે અને ઘણા સસલા મૃત્યુ પામ્યા છે.

તમારી આ વાતથી અમારા ચાંદામામા ખુબ જ નારાજ છે. એ તમને બધાને શિક્ષા કરવા આજે રાતે આ સરોવરમાં આવાના છે. એટલે તમે બધાં રાતે આ સરોવર કિનારે આવી જજો. જો નહિ આવો તો ચાંદામામા વધુ નારાજ થશે અને તમને બધાને શિક્ષા કરશે. આવી વાત સાંભળી બધાં હાથીઓ ગભરાઈ ગયા. અને સાંજે પાછા આવવાનું કહી ચાલ્યાં ગયા.

સમય થયો એટલે આકાશમાં ચાંદામામા નીકળ્યા. તેનો પડછાયો પાણીમાં પડવા લાગ્યો. એ જ વખતે હાથીઓ પણ આવ્યા. તેમને હિલોળા લેતા સરોવરના પાણીમાં ચાંદામામાને જોયા. તેમને સસલાની વાતનો વિશ્વાસ પડી ગયો. અને માફી માંગી હંમેશા માટે તે સરોવર અને જંગલ છોડીને ચાલ્યાં ગયા.

આમ એક સસલાની ચતુરાઈને કારણે નાના એવા સસલાઓએ મોટા હાથીઓને હરાવીને ભગાડી દીધા. એટલે જ તો કહેવાયું છે. કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે.


Rate this content
Log in

Similar gujarati story from Drama